ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતની એ ચૂંટણી જેમાં ભાજપને હાર દેખાતાં અંતે મોદીએ બાજી સંભાળવી પડી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતની 2017 ની ચૂંટણીમાં શું થયું હતું?

  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યા પ્રમાણે 100થી વધુ બેઠકો પણ મળી નહોતી.
  • લોકસભા ચૂંટણીમાં વિજયનાં માત્ર ત્રણ વર્ષમાં આ પરિણામો મેળવવા માટે પણ મોદી-શાહની જોડીએ તનતોડ મહેનત કરવી પડી હતી.
  • 2022માં ભાજપે 182થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
  • ચૂંટણીનો જંગ મુખ્યતવે મોદી વિરુદ્ધ કૉંગ્રેસ બની રહ્યો હતો.

ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીવર્ષની શરૂઆતમાં ભાજપને સ્પષ્ટથી વધુ બહુમતી મળશે, એવું પૂર્વાનુમાનોનું તારણ હતું, પરંતુ જેમ-જેમ ચૂંટણી નજીક આવતી ગઈ, તેમ-તેમ રસ્સાકસ્સી વધતી ગઈ.

ભાજપ દ્વારા ચૂંટણીની શરૂઆતમાં 151 બેઠકનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું, ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ સાર્વજનિક રીતે તેની જાહેરાત કરી ચૂક્યા હતા, પરંતુ પરિણામો તેમની પ્રારંભિક અપેક્ષા કરતાં ખૂબ જ વિપરીત હતાં.

છતાં પ્રતિષ્ઠાના સવાલમાં જેમ-તેમ કરીને ભાજપનો વિજય થયો હતો. ચૂંટણીપરિણામોમાં ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે 21 બેઠકનો ફેર રહ્યો હતો. ભાજપની બેઠકસંખ્યા ત્રણ આંકડા પર પણ પહોંચી શકી ન હતી. કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પ્રથમ ચૂંટણી હતી, જેનાં પરિણામો પાર્ટી માટે ઉત્સાહજનક રહ્યાં હતાં.

લોકસભા ચૂંટણીમાં વિજયના માત્ર ત્રણ વર્ષમાં આ પરિણામો મેળવવા માટે પણ મોદી-શાહની જોડીએ તનતોડ મહેનત કરવી પડી હતી. જેમાં અણીના સમયે કૉંગ્રેસના નેતાએ કરેલી ચૂકનો લાભ ભાજપને થયો.

એ ભૂલમાંથી કૉંગ્રેસે બોધપાઠ લીધો છે અને એવી ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે નેતાઓને નિર્દેશ આપ્યા છે.

જ્યારે મોદીને અંદાજ આવ્યો...

મોદી દેશના વડા પ્રધાન બન્યા તે પછી તેમની એક કાર્યપદ્ધતિ રહી છે. ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય, ત્યાં ચૂંટણી પૂર્વે તેમની મુલાકાતોનો ક્રમ વધી જાય છે. આ દરમિયાન તેઓ જે-તે રાજ્યના અલગ-અલગ ભૌગોલિક વિસ્તારની મુલાકાત લે છે. ત્યાં સાર્વજનિક કાર્યક્રમોને સંબોધિત કરે છે અને જનતાના મિજાજને પારખવાનો પ્રયાસ કરે છે.

સારો વરસાદ તથા તેના કારણે ધીમે-ધીમે ઘટી રહેલી મોંઘવારી ભાજપને માટે રાહતના સમાચાર છે એટલે ગુજરાતની જનતાના મિજાજને પારખવાની તેમની વિશેષ હથરોટી છે. ક્યારે અને ક્યાં કઈ વાત કરવાથી કેવો પ્રતિસાદ મળશે તેનાથી તેઓ સારી રીતે વાકેફ છે.

ગત વિધાનસભા ચૂંટણી સમયે બુલેટ ટ્રેનના ઉદ્ઘાટન, નર્મદા યોજનાની પૂર્ણતા, સરદાર વલ્લભભાઈના સ્ટૅચ્યુના લોકાર્પણ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત કરીને જનતાનો મિજાજ પારખ્યો હતો. જનતાની 'હાજરી તથા પ્રતિસાદ' નબળાં હતાં.

એટલે જ ચૂંટણીપ્રચાર દરમિયાન શરૂઆતની બે-ત્રણ જાહેરસભાઓમાં તેમણે પાર્ટીને 151 બેઠક આપવાની વાત કરતા હતા, પરંતુ જનતાનો મિજાજ પારખતા તેમણે આ વાત ઉચ્ચારવાની બંધ કરી દીધી હતી. એટલું જ નહીં, તેમની રેલીની સંખ્યા અને કદ પણ ઘટાડી દેવાં પડ્યાં હતાં.

એમાં પણ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભરૂચના જંબુસર (કૉંગ્રેસના ચાણક્ય મનાતા અહમદ પટેલના પ્રભુત્વવાળો વિસ્તાર) ખાતેની રેલીએ મોદી તથા ભાજપના કેન્દ્રીય નેતૃત્વની આંખો ખોલી નાખી હતી.

સવારે 10.30 કલાકે વડા પ્રધાન મોદીની રેલી આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોદી બપોરે દોઢ વાગ્યે પહોંચ્યા હતા. છતાં રેલીસ્થળની લગભગ ચોથા ભાગની ખુરશીઓ ખાલી હતી. ધનબળ, રાજ્ય તથા સ્થાનિક મશીનરીનો સાથ હોવા છતાં પાંખી હાજરી બાદ મોદી-શાહે મહેનત વધારવી પડી હતી. સુરત, કામરેજ, ધારી અને કડોદરાની બેઠકો પર વિશ્લેષકોને આવાં જ કંઇક દૃશ્યો જોવાં મળ્યાં હતાં.

ચૂંટણીની જાહેરાત પહેલાં સામાન્ય રીતે હિંદી ભાષામાં જનતાને સંબોધિત કરતા મોદીએ જે-તે વિસ્તારની લોકબોલીમાં જનતા સાથે સંવાદ હાથ ધર્યો હતો અને 'ગુજરાતનો દીકરો', 'તમારા સંસ્કાર', 'તમે મને તૈયાર કર્યો છે' તથા 'ગુજરાતની અસ્મિતા' જેવા મુદ્દા દ્વારા જનતા સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો હતો.

11 ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદમાં રોડશો આયોજિત કરવાની મંજૂરી મળી ન હતી. એટલે ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે મોદીએ બીજા દિવસે અમદાવાદથી ધરોઈ ડૅમ સુધી સીપ્લૅન દ્વારા સફર ખેડવાની જાહેરાત કરી. ભાજપના કેટલાક નેતાઓએ 'દેશનું પ્રથમ સીપ્લેન', 'દેશના પ્રથમ સીપ્લેના પ્રથમ મુસાફર' જેવા વિશ્લેષણો દ્વારા સંબોધિત કર્યા. મીડિયા ચેનલો દ્વારા તેનું લાઇવપ્રસારણ કરવામાં આવ્યું હતું. એક યા બીજી રીતે તેમને કવરેજ મળી ગયું હતું.

આ બધાની વચ્ચે કૉંગ્રેસના એક નેતાની ભૂલને કારણે ભાજપને 'બગાસું ખાતા મોંમાં પતાસું' આવી ગયું હતું.

મળી 'નીચ આદમી'ની તક

2014ની લોકસભા ચૂંટણી પહેલાં ડૉ. મનમોહનસિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે કહ્યું હતું, "હું તમને વાયદો કરું છું કે આ 21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારેય પણ દેશના વડા પ્રધાન નહીં બને. નહીં બને. નહીં બને. જો તેઓ અહીં આવીને (એઆઈસીસીના સંમેલનમાં) ચાનું વિતરણ કરવા માગતા હોય તો અમે તેમના માટે થોડી જગ્યા કરી આપીશું."

એ પછી સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સામાન્ય ઉછેર તથા કૉંગ્રેસની માનસિકતાનો મુદ્દો ઉઠાવતા રહ્યા. 2017માં ફરી એક વખત ઐય્યરે એવું કંઇક કહ્યું કે મોદી-ભાજપને તેનો સીધો લાભ થયો.

ગુજરાતમાં પહેલાં તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર સમાપ્ત થયો, તેના ગણતરીના કલાકો પહેલાં ઐય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 'નીચ આદમી' શબ્દપ્રયોગ કર્યો. તકપારખુ મોદીએ શબ્દ ઉપાડી લીધો.

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને સમય હતો એટલે આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ પ્રમાણે, તેના માટે પ્રચાર થઈ શકે. પોતાના પ્રચારમાં ફરી એક વખત વડા પ્રધાન મોદીએ પોતાની ચૂંટણીસભાઓમાં પોતાની ગરીબી અને કૉંગ્રેસની માનસિકતા ઉપર સવાલ ઉઠાવ્યા. સ્વાભાવિક રીતે પ્રચારમાધ્યમોના આ જમાનામાં જ્યાં-જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી, ત્યાં-ત્યાં પણ આ સંદેશ પહોંચ્યો.

ચૂંટણીપરિણામો બાદ તેનું વિશ્લેષણ કરતા કૉંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે "ઘણાં વર્ષો પછી કૉંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી અને સારાં પરિણામો મળશે, તેવી આશા હતી. પરંતુ દિલ્હીના નેતાની ટિપ્પણી 'ટર્નિંગ પૉઇન્ટ' બની રહી. જાણ્યે-અજાણ્યે કરવામાં આવેલી ભૂલને કારણે પાર્ટીને બીજી વખત નુકસાન થયું હતું."

મોદીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે ઐય્યરના ઘરે બેઠક થઈ હતી, જેમાં પાકિસ્તાની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કૉંગ્રેસ દ્વારા તત્કાળ કાર્યવાહી કરવામાં આવી. ગણતરીની કલાકોમાં ઐય્યરને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાંસુધીમાં તીર કમાનમાંથી નીકળી ગયું હતું. આઠેક મહિના બાદ ઐય્યરનું સસ્પેન્સન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

2012માં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્ય મંત્રી મોદી માટે 'મોત કા સૌદાગર' શબ્દપ્રયોગ કર્યો હતો. રાજ્યમાં થયેલા નકલી ઍન્કાઉન્ટર સંદર્ભે આ ટોણો હતો, છતાં તેને મોદીએ કાયદો-વ્યવસ્થા જાળવવાના 'મેડલ' તરીકે રજૂ કર્યો હતો.

મોદી વિરુદ્ધ કૉંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી તથા 2024ની લોકસભા ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે કૉંગ્રેસ દ્વારા ટાસ્કફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, અજય માકન, જયરામ રમેશ, મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા, પી. ચિદમ્બરમ, સુનિલ કાનુગોલુ જેવાં નેતાઓ સામેલ છે.

અગાઉની ચૂંટણીઓમાંથી બોધપાઠ લેતાં આ ટાસ્કફોર્સે ગુજરાત કૉંગ્રેસના નેતાઓને તાકિદ કરી છે કે નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓની ટીકા કરવામાં આવે, પરંતુ વ્યક્તિગત રીતે મોદીની ટીકા ન કરવી.

કોઈ પણ સંજોગોમાં ચૂંટણી 'મોદી વિરુદ્ધ કૉંગ્રેસ'નું સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું.

મોંઘું શિક્ષણ અને આરોગ્ય, ભરતીમાં ભ્રષ્ટાચાર, વારંવાર પેપર ફૂટવા, ઉપરાંત દલિત, આદિવાસી તથા ખેડૂતોને પડતી હાલાકી જેવા મુદ્દા ઉપર ચૂંટણીપ્રચારને કેન્દ્રીત રાખવા માટે તાકિદ કરવામાં આવી છે.

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ કૉંગ્રેસને જે પ્રેઝન્ટેશન આપ્યું હતું, તેમાં મોદીની ઉપર વ્યક્તિગત રીતે પ્રહાર નહીં કરવાની ભલામણ કરવામાં આવી હતી.

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ, હેમંતા બિશ્વા શર્મા જેવા નેતાઓ ભાજપના મુખ્યપ્રચારકોની યાદીમાં સામેલ હશે, છતાં પાર્ટીના 'સ્ટાર'પ્રચારક નરેન્દ્ર મોદી હશે, એ વાત નિઃશંક છે.

ત્યારે અને અત્યારે..

ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની બેઠકસંખ્યા ઘટી હતી, છતાં તેના માટે એક રાહતજનક બાબત એ હતી કે તેની મતોની ટકાવારીમાં 2012ની સરખામણીમાં વધારો થયો હતો.

પાર્ટીને રાજ્યના કુલ માન્ય મતોના 49.05 ટકા મત મળ્યા હતા, જે 2012 દરમિયાન 47.85 ટકા હતા. આ સિવાય પાર્ટી જે બેઠકો પર ચૂંટણી લડી હોય તેની ટકાવારી જોવામાં આવે તો 48.30 ટકાથી વધીને 49.44 ટકા પર પહોંચી હતી.

સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલિંગ સોસાયટીઝના (સીએસડીએસ) સંજય કુમારે વિશ્લેષણ કરતા નોંધ્યું હતું કે, "ખરાબ રીતે લાગુ કરવામાં આવેલી જીએસટી કરપ્રણાલી તથા નોટબંધી સહિતના મુદ્દે ભાજપ વિરુદ્ધ ભારોભાર અસંતોષ છે, પરંતુ મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાએ પાર્ટીને ચૂંટણીજંગમાં ટકી રહેવામાં મદદ કરી છે."

ગત વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન તથા દલિત આંદોલન જેવા મુદ્દા હતા. આ વખતે અલ્પેશ ઠાકોર તથા હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે, જ્યારે યુવા દલિત નેતા તરીકે ગુજરાતના રાજકીય ફલક ઉપર ઊભરી આવેલા જિજ્ઞેશ મેવાણી હવે કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.

આ વખતે કૉંગ્રેસની સાથે ભાજપનો મુકાબલો આમ આદમી પાર્ટી સાથે પણ છે, જેણે 300 યુનિટ મફત વીજળી, બેકાર યુવાને માસિક રૂપિયા ત્રણ હજારનું ભથ્થું તથા વૃદ્ધોને મફત તીર્થયાત્રા જેવી લોકરંજક જાહેરાતો કરી છે. ભાજપને આશા છે કે તે પોતાની વોટબૅન્કને અકબંધ રાખી શકશે અને આપને કારણે કૉંગ્રેસના મતોમાં ફાચર પડશે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 2014 બાદ વધુ એક વખત ભાજપનો તમામ 26 બેઠક પર વિજય થયો છે.

પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હતા, એટલે આ ચૂંટણી તેમની વ્યક્તિગત સ્વીકાર્યતા ઉપર જનતાની મહોર સમાન હતી.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2002ના હુલ્લડોમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કે પદાધિકારીઓની સંડોવણી ન હોવાનું ઠેરવ્યું છે સાથે જ 'ચરૂ ઉકળતો રાખવા' કેટલાક લોકો પ્રયાસરત હોવાનું અવલોકન કર્યું છે, જે પાર્ટીને માટે મનોબળવર્ધક સાબિત થશે. સારો વરસાદ તથા તેના કારણે ધીમે-ધીમે ઘટી રહેલી મોંઘવારી ભાજપને માટે રાહતના સમાચાર છે.

તો કોરોના સમયે લોકોને પડેલી હાલાકીને વિપક્ષ જનમાનસ પર કેવી રીતે અને કેટલી હદે તાજી કરાવી શકે છે તથા વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓની બિસ્માર સ્થિતિને કેવી રીતે વટાવી શકે છે તેના ઉપર પર્ફૉર્મન્સનો મદાર રહેશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો