You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેહુલ બોઘરા : પોલીસની કાર્યવાહીનો વીડિયો બનાવી લાઇવ કરી શકાય?
- શું જાહેર સ્થળે પોલીસ કાર્યવાહીનો વીડિયો બનાવી શકાય?
- સામાન્યપણે એવી ગેરસમજ પ્રવર્તે છે કે સરકારી કર્મચારીની કાર્યવાહીનું વીડિયો શૂટિંગ ન ઉતારવું જોઈએ, તમને પણ ક્યારેક પોલીસ સ્ટેશન બહાર જ ફોન મૂકવાનું કહેવાયું હશે
- પરંતુ આ અંગે નિષ્ણાતો શો મત વ્યક્ત કરે છે?
તાજેતરમાં પોલીસ અને ટ્રાફિકજવાનોની કાર્યવાહીનો વીડિયો ઉતારતી વખતે સુરતમાં ઍડ્વોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરાયો હતો.
તેઓ કથિતપણે ટ્રાફિકજવાન દ્વારા કરાઈ રહેલી ગેરરીતિને ઉઘાડી પાડવા માટે વીડિયો ઉતારી રહ્યા હતા.
જે દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરાયો.
આ બનાવ બાદ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ઍડ્વોકેટ મેહુલ બોઘરા સામે પોલીસની કામગીરીમાં દખલ, લાંચ માગવાની અને એટ્રોસિટીને લગતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી
તે બાદથી હવે એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે શું પોલીસની કાર્યવાહીનું વીડિયો શૂટિંગ કરવું કે પોલીસ સ્ટેશનમાં વીડિયો શૂટિંગ કરવું ગેરકાયદેસર છે? શું તમે એવું કરી શકો?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે અમે કાયદાના કેટલાક જાણકારો સાથે વાતચીત કરી હતી.
'પોલીસ કાર્યવાહી ગુપ્ત નથી'
ગુજરાત હાઇકોર્ટના અનુભવી વકીલ કે. આર. કોષ્ટી જણાવે છે કે, "પોલીસ એ જાહેર સેવક છે. તેમના દ્વારા જાહેર સ્થળે કરાતી કોઈ પણ કાર્યવાહી ગુપ્ત હોવાની વાત ખોટી છે. નાગરિકો જો આ કાર્યવાહીની ફોટોગ્રાફી કે વીડિયો શૂટિંગ કરે તેમાં ખોટું શું છે?"
તેઓ આગળ કહે છે કે, "જો પોલીસ કર્મચારીને પોતાની કાર્યવાહીનું શૂટિંગ થાય તેમાં વાંધો હોય તો સમજી લેવું કે તે કંઈક ખોટું કરી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય તેઓ કહે છે કે આ છૂટછાટમાં નાગરિકને આ વીડિયો ફેસબુક પર લાઇવ કરવાની પણ છૂટ છે. તેમાં કશું ખોટું નથી.
આ અંગે માનવાધિકારની બાબતોનાં નિષ્ણાત અને સમાજસેવિકા પંક્તિ જોગ જણાવે છે કે, "પોલીસ સ્ટેશનમાં કે કોઈ પણ જાહેર સ્થળે થતી પોલીસ કાર્યવાહી ગુપ્ત નથી. ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ, 1923માં તેનો ઉલ્લેખ નથી. તેથી આ સ્થળોએ પોલીસની કાર્યવાહીની ફોટોગ્રાફી કે વીડિયો શૂટિંગ કરી શકાય."
આ અંગે બૉમ્બે હાઇકોર્ટ દ્વારા અપાયેલ એક ચુકાદા તરફ પણ તેઓ ધ્યાન દોરે છે.
બૉમ્બે હાઇકોર્ટે તેના 26 જુલાઈ 2022ના રોજ રવીન્દ્ર ઉપાધ્યાય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના કેસમાં નોંધ્યું હતું કે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ અધિનિયમ 1923 અંતર્ગત પોલીસ સ્ટેશન એ પ્રતિબંધિત વિસ્તાર નથી. તેથી ત્યાંનાં કામકાજના ફોટો કે વીડિયો લઈ શકાય છે.
જો પોલીસ દ્વારા આ અધિકારનો ઉપયોગ કરતાં તમને અટકાવવામાં આવે તો ઉપરી અધિકારીને ફરિયાદ કરી શકાય છે. આ સિવાય પોતાના અધિકારોના રક્ષણ માટે નાગરિક ન્યાયતંત્રની શરણે પણ જઈ શકે છે.
શું હતો મેહુલ બોઘરાનો મામલો?
18 ઑગસ્ટના રોજ સુરતના વકીલ મેહુલ બોઘરા સાથે ટ્રાફિકદળના (TRB) જવાને મારામારી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં ટ્રાફિકદળના જવાન આરોપી સાજન ભરવાડ એક પછી એક લાકડીના ફટકા વકીલ મેહુલ બોઘરાને મારતાં જોવા મળી રહ્યા છે.
આ સમગ્ર ઘટનામાં વકીલ મેહુલ બોઘરાએ ટ્રાફિકદળના જવાનો અને પોલીસ પર સુરતના કૅનાલ રોડ ખાતે હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો.
તેમનો આરોપ હતો કે આ વાતથી ઉશ્કેરાઈને જ સાજન ભરવાડે તેમના પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ સુરતના સરથાણા પોલીસસ્ટેશન ખાતે બોઘરાના સમર્થકોએ એકઠા થઈ ન્યાયની માગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
સરથાણા પોલીસના જણાવ્યાનુસાર આરોપી સાજન ભરવાડ વિરુદ્ધ IPCની જુદી જુદી કલમો અંતર્ગત કેસ દાખલ કરી તેમની અટકાયત કરાઈ છે અને વકીલ મેહુલ બોઘરા સામે પણ પોલીસ અને ટ્રાફિક જવાનો સાથે અસભ્ય વર્તન, લાંચ માગવાના અને એટ્રોસિટીના આરોપસર ફરિયાદ દાખલ કરી તપાસ કરાઈ રહી છે.
આ હુમલાનો વીડિયો વાઇરલ થતાં જ ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો