મેહુલ બોઘરા : સુરતમાં પોલીસ સામે ફરીથી અવાજ ઉઠાવનાર વકીલ કોણ છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

સુરત સ્થિત ઍડવોકેટ અને એક્ટિવિસ્ટ મેહુલ બોઘરા ઉપર ફરી એકવાર કથિતપણે પોલીસ અધિકારીએ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમણે નંબર પ્લેટ વિનાની અને કાળી ફિલ્મ લગાવેલી પોલીસ લખેલી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ગાડી ચલાવનાર વ્યક્તિ અને મેહુલ બોઘરા વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યાં મોટી ભીડ એકત્ર થઈ ગઈ હતી. મેહુલ બોઘરાએ આ સમગ્ર ઘટનાનું લાઇવ સ્ટ્રિમિંગ પણ કર્યું હતું. તેમના ફેસબુક પેજ પર મૂકેલી પોસ્ટમાં મેહુલ બોઘરાએ એવા આરોપ લગાવ્યા છે કે પોલીસે જ તેમના પર હુમલો કર્યો છે. જોકે, સુરત પોલીસે હજુ સુધી આ મામલે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી.

અહીં ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પણ મેહુલ બોઘરા સાથે ટ્રાફિકદળના (TRB) જવાને મારામારી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

'મેહુલ કૉલેજકાળથી સમાજસેવામાં કાર્યરત્'

મેહુલ બોઘરા વર્ષ 2015-18 સુધી એમ. એસ. યુનિવર્સિટીની લૉ ફૅકલ્ટીમાં વકીલાત ભણ્યા છે.

તે સમયે તેમના સહાધ્યાયી અદનાન તુરક બીબીસી ગુજરાતીના અર્જુન પરમાર સાથે વાત કરતાં કહે છે કે, "મેહુલ અમારી સાથે જ ભણ્યો. તે શરૂઆતથી સારો વિદ્યાર્થી હતો. હંમેશાં નાગરિકકલ્યાણ અને અધિકારને લગતા મુદ્દા ઉઠાવી તેમનો અવાજ બનવા તત્પર રહેતો."

તેઓ આગળ કહે છે કે, "તે ખૂબ જ સક્રિયપણે લોકોના ન્યાયિક હકો અપાવવાની દિશામાં ખંતથી કામ કરતો યુવાન વકીલ છે. તે લોકકલ્યાણલક્ષી મુદ્દા અવારનવાર ઉઠાવે છે અને તેના ધ્યાને આવતી ગેરરીતિઓ બહાર લાવવાનું સરાહનીય કામ કરે છે."

"કોરોના સમયે રેમડેસિવિર ઇન્જેક્શનની ન્યાયપૂર્ણ વહેંચણીને લગતો મુદ્દો ઉઠાવી તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ અંગે તેમણે ઘણી માહિતી અધિકારની અરજીઓ કરીને લોકો સમક્ષ આ મુદ્દો લઈ જવામાં સફળ રહ્યા હતા."

મેહુલ સાથે જ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા આર. બી. મેંદાપરા કહે છે કે, "મેહુલભાઈ પોલીસખાતામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે કાર્ય કરે છે."

"નિ:સ્વાર્થભાવે તેઓ લોકોપયોગી મુદ્દાને લઈને ખોટું કામ કરનારાની હકીકત બહાર લાવવા માટે પ્રયાસ કરે છે. તેઓ ક્યારેય કોઈ સ્વાર્થ નથી રાખતા, ન કોઈ હપ્તા ઉઘરાણી કરે છે. તેમ છતાં તેમની સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે."

જીવલેણ હુમલા બાદ પણ મક્કમ છે બોઘરા

બે વર્ષ પહેલાં વાઇરલ થયેલા વીડિયોમાં ટ્રાફિકદળના જવાન આરોપી સાજન ભરવાડ એક પછી એક લાકડીના ફટકા વકીલ મેહુલ બોઘરાને મારતાં જોવા મળી રહ્યા હતા.

એ ઘટનામાં વકીલ મેહુલ બોઘરાએ ટ્રાફિકદળના જવાનો અને પોલીસ પર સુરતના કૅનાલ રોડ ખાતે હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે આ વાતથી ઉશ્કેરાઈને જ સાજન ભરવાડે તેમના પર હુમલો કર્યો હતો.

હુમલા બાદ સુરતના સરથાણા પોલીસસ્ટેશન ખાતે બોઘરાના સમર્થકોએ એકઠા થઈ ન્યાયની માગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સરથાણા પોલીસના જણાવ્યાનુસાર આરોપી સાજન ભરવાડ વિરુદ્ધ IPCની જુદી જુદી કલમો અંતર્ગત કેસ દાખલ કરી તેમની અટકાયત કરાઈ છે અને વકીલ મેહુલ બોઘરા સામે પણ પોલીસ અને ટ્રાફિક જવાનો સાથે અસભ્ય વર્તનના આરોપસર ફરિયાદ દાખલ કરી તપાસ કરાઈ રહી છે.

આ હુમલાનો વીડિયો વાઇરલ થતાં જ ઘણા લોકો સોશિયલ મીડિયા પર વકીલ મેહુલ બોઘરાના સમર્થનમાં ઊતરી આવ્યા છે. ટ્રાફિકજવાનોની કથિત હપ્તાખોરી સામે અવાજ ઉઠાવવાની તેમની પહેલની પ્રશંસા પણ થઈ રહી છે.

ટ્રાફિકજવાનોના એ કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા વકીલ મેહુલ બોઘરાએ આ સમગ્ર મામલે વાત કરતાં કહ્યું હતું કે તેઓ આ હુમલાથી ગભરાવાના નથી.

તેઓ આ હુમલા અને પોતાના મક્કમ નિર્ધાર વિશે વાત કરતાં કહે છે કે, "જ્યારે હું અગાઉ આ ટ્રાફિકજવાનોને સમજાવવા ગયેલો કે તેમના ભ્રષ્ટાચારથી લોકો પીડાઈ રહ્યા છે, તેમણે એ બંધ કરવો જોઈએ."

"ત્યારે આ ટ્રાફિકજવાનોએ ધમકી આપેલી કે તેઓને તેમની નોકરીની ચિંતા નથી પરંતુ હવે જો હું તેમની આસપાસ દેખાઈશ તો તે મને પતાવી નાખશે."

"બીજી વખત જ્યારે હું તેમના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા ગયો ત્યારે તેઓ ખાનગી રિક્ષામાં અગાઉથી હુમલાની તૈયારી કરીને આવેલા હતા અને સીધો મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલો મારા મનનો નિર્ધાર નથી ડગાવી શક્યો. આવા વીડિયો આગળ પણ બનશે અને હું આગળ પણ અવાજ ઉઠાવતો રહીશ."

પોલીસ કર્મચારીની ફરિયાદ

અહીં આ સમગ્ર મામલામાં નોંધનીય બાબત એ છે કે વકીલ મેહુલ બોઘરા જેમના પરનો જીવલેણ હુમલો વીડિયોમાં રેકર્ડ થયેલ છે, તેમની ફરિયાદના પહેલાં તેમની સાથે ઘર્ષણમાં ઊતરનારા પોલીસ કર્મચારીઓની ફરિયાદ લેવાઈ છે

જેમાં તેમના પર પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરવાની, લાંચ માગવાની અને એટ્રોસિટી સંબંધિત આરોપો મુકાયા છે.

મેહુલ બોઘરાએ પણ પોતાની ફરિયાદમાં આરોપી હુમલાખોર TRB સુપરવાઇઝર સાજન ભરવાડ સહિત અન્ય લોકો અને પોલીસ કર્મચારીઓ પર ફરિયાદ નોંધાવી છે.

આ અંગે સુરતના સરથાણા પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. કે. પટેલે વાત કરતાં કહ્યું હતું કે, "હુમલો કરનાર ટ્રાફિકજવાન વિરુદ્ધ હત્યાના પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની અટકાયત કરી લેવાઈ છે."

"સાથે જ મેહુલ બોઘરા વિરુદ્ધ પણ પોલીસની કામગીરીમાં અડચણ પેદા કરી અને અણછાજતું વર્તન કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે, તે સંબંધિત ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરાઈ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો