You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેહુલ બોઘરા : 'સુરતના હુમલા પછી પણ અવાજ ઉઠાવીશ, ભ્રષ્ટાચારી સુધરે અને પગારમાં ગુજારો કરતા શીખી જાય''
- ઍડ્વોકેટ મેહુલ બોઘરા પર કથિતપણે ભ્રષ્ટાચારી ટ્રાફિકજવાને સુરતમાં જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો
- ઍડ્વોકેટ મેહુલ બોઘરાએ કહ્યું કે જો ભ્રષ્ટાચારીઓએ મારાથી છૂટકારો મેળવવો હોય તો એક જ વિકલ્પ છે મને મારી નાખો, તેમ છતાં તે બચશે નહીં
- મેહુલ બોઘરાએ કહ્યું, 'હુમલા છતાં ડર્યો નથી, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતો રહીશ'
સુરતમાં ગત 18 જુલાઈના રોજ સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલાનો વીડિયો ફરતો થયો હતો.
આ હુમલો કથિત TRB (ટ્રાફિક બ્રિગેડ) સુપરવાઇઝર સાજન ભરવાડે કર્યો હતો. બોઘરાએ તેમના પર હપ્તા લેવાનો આરોપ લગાવ્યો હતો.
મેહુલ બોઘરા સુરતના કૅનાલ રોડ ખાતે ટ્રાફિકજવાનો દ્વારા આચરાઈ રહેલ કથિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ફેસબુક લાઇવ કરી રહ્યા હતા. તે દરમિયાન આ હુમલો કરાયો હતો.
આ સમગ્ર ઘટનાક્રમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વકીલ મેહુલ બોઘરાના સમર્થકોએ સુરત પોલીસ અને ટ્રાફિકજવાનોની કથિત સાંઠગાંઠ અને કથિત ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો હતો.
સોશિયલ મીડિયા પર પણ આ હુમલાની ભારે ટીકા થઈ હતી તેમજ મેહુલ બોઘરાના સમર્થનમાં લોકજુવાળ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે તેઓ અગાઉ પણ ઘણી વખત ખાસ કરીને પોલીસતંત્રમાં ચાલી રહેલ કથિત ભ્રષ્ટાચારને પોતાના વીડિયોના મારફતે લોકો સમક્ષ લાવી ચૂક્યા છે, જે માટે તેમની ઘણી પ્રશંસા થઈ ચૂકી છે.
મેહુલ બોઘરા પર હુમલાના આરોપી ભૂતપૂર્વ TRB સુપરવાઇઝર સાજન ભરવાડ પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સરથાણા પોલીસે આ સમગ્ર મામલે મેહુલ બોઘરા પર પણ હપ્તાની માંગણી અને પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર તેમજ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ અધિકારીઓએ તેમને પણ આરોપી ગણાવી અને એ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે સુરતના સરથાણા પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. કે. પટેલે વાત કરતાં કહ્યું હતું કે, "હુમલો કરનાર ટ્રાફિકજવાન વિરુદ્ધ હત્યાના પ્રયાસ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની અટકાયત કરી લેવાઈ છે."
"સાથે જ મેહુલ બોઘરા વિરુદ્ધ પણ પોલીસની કામગીરીમાં અડચણ પેદા કરી અને અણછાજતું વર્તન કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે, તે સંબંધિત ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરાઈ છે."
હવે તાજેતરના આ ઘટનાક્રમ બાદ બીબીસી ગુજરાતીએ વકીલ મેહુલ બોઘરા સાથે આ ઘટના તેમજ ભ્રષ્ટાચાર સામેની જંગમાં તેમના કથિત જંગ અંગે વાતચીત કરી.
'ભલે હુમલો થયો, આગળ પણ અવાજ ઉઠાવતો રહીશ, ભ્રષ્ટાચારીઓની વરદી ઉતરાવી દઈશ'
"ચોથા ધોરણમાં હતો ત્યારથી મારું સપનું હતું કે મારે જજ બનવું છે. પરંતુ જ્યારે હું સિસ્ટમમાં આવ્યો ત્યારે ખબર પડી કે જો હું જજ બનીશ તો મારો અવાજ દબાઈ જશે અને હું સત્તા મેળવીને બની બેસેલા અધિકારીઓના દમનથી કચડાયેલી જનતાનો અવાજ નહીં ઉઠાવી શકું. એટલે હવે મારો ધ્યેય માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર અને અધિકારીઓના દમનથી પિડાતા નાગરિકોનો અવાજ બનવાનો છે અને માત્ર તેમના મુદ્દા ઉઠાવવા નહીં પરંતુ તેમને કોર્ટમાં ન્યાય અપાવવા માટે પણ હું પ્રયત્નશીલ છું."
આ શબ્દો મેહુલ બોઘરાના છે.
તેઓ કહે છે કે, "મારા ફેસબુક પર તમને મોટા ભાગે પોલીસના ભ્રષ્ટાચારને ઉઘાડા પાડતા વીડિયો જ જોવા મળશે."
"પરંતુ હું એવું નથી કહેતો કે તેઓ બધા ભ્રષ્ટાચારી છે, પરંતુ ભ્રષ્ટાચારીઓની કમી પણ નથી. મારા ફેસબુકમાં વધારે સંખ્યામાં પોલીસના ભ્રષ્ટ આચરણ સામેના વીડિયો છે. કારણ કે મારી પાસે એમના અને એવા જ વધારે કેસ આવે છે. "
"પરંતુ પોલીસની કામગીરી બાબતે સારા વીડિયો પણ છે."
તેઓ સમાજના ઉદ્ધાર માટે વકીલોની ભૂમિકા વિશે વાત કરતા કહે છે કે, "આઝાદી પછી એક એવી સ્થિતિ બની છે કે લોકો માનવા લાગ્યા છે કે વકીલો માત્ર કોર્ટ સુધી જ સીમિત છે. પરંતુ જો આપણે પાછા વળીને આઝાદીના જંગ તરફ ડોકિયું કરીએ તો જોઈશું કે ગાંધીજીથી માંડીને મોટા ભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓ વકીલ હતા. એ વકીલોને કારણે આ દેશ આઝાદ થયો. આવી જ રીતે કાયદાના જાણકારો હવે આ ભ્રષ્ટ તંત્રમાંથી આઝાદી અપાવી શકશે."
"જાહેર જનતા સત્તાનો દુરુપયોગ કરનારા અધિકારીઓથી પિડાઈ રહી છે. હું એમનો અવાજ બન્યો છું. આગળ પણ બનતો રહીશ. હું રોડ-રસ્તા પર ઊતરીશ અને કોર્ટમાં પણ તેમનો અવાજ ઉઠાવીશ."
'લોકો જ મારી સુરક્ષા'
ઍડ્વોકેટ મેહુલ બોઘરા પર કથિતપણે ભ્રષ્ટાચારી ટ્રાફિકજવાને સુરતમાં જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો
ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવાની કાર્યવાહીમાં શું તમને તમારી સુરક્ષાની ચિંતા નથી થાતી?
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે "લોકો જ મારી સુરક્ષા છે. મારી પાછળ ઊભેલા હજારો લોકોની દુઆ એ જ મારી સુરક્ષા છે. હું ક્યારેય ડરતો નથી."
તેઓ આગળ જણાવે છે કે, "શહીદ વીર ભગતસિંહ મારા આદર્શ છે. જો સત્ય અને ન્યાય માટેની લડતને લઈને એ વીરલો 23 વર્ષે ફાંસીએ ચઢી શકતો હોય તો હું તો 26 વર્ષનો છું. હુમલાથી માર્યા જવાનો મને ડર નથી. અમે બે ભાઈ છીએ. મને પરિવારની પણ કોઈ ચિંતા નથી."
તેઓ ભ્રષ્ટાચારીઓ સામે હુંકાર કરતાં કહે છે કે, "ભ્રષ્ટાચારીઓ સામે એક જ વિકલ્પ છે, મને મારી નાખો. તો અને તો જ મારું તમને ઉઘાડા પાડવાનું કામ બંધ થશે. અને જો મારી પણ નાખશો તો જેમનો અવાજ આ મેહુલ બોઘરા છે, એ લોકો તમને નહીં છોડે. એટલે અંતે ભ્રષ્ટાચારીઓ પાસે એક જ ઑપ્શન છે કે તેઓ સુધરી જાય. પગાર પર ગુજરાન કરતાં શીખી જાય. હજારોના પગારને મહિનાના લાખો રૂપિયામાં ફેરવવાની લાલચ છોડી દે. બેઈમાનો સુધરી જાઓ, એમાં જ ભલાઈ છે."
તેઓ તેમણે કરેલ અને તેમની સામે થયેલ કેસમાં આગળની કાર્યવાહી અંગે વાત કરતાં કહે છે કે, "હું મારા સામે થયેલ ફરિયાદ અને મેં કરેલ ફરિયાદ બાબતે જે કોઈ પણ ગુનેગારો છે, તેમને છોડવાનો નથી. દેશના નવનિર્માણ માટે વહાવેલ મારા લોહીના દરેકેદરેક ટીપાનો વ્યાજસહિત બદલો આ બેઈમાનો પાસેથી લઈને જ જંપીશ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો