You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો કેસ : 'દોષિતો બ્રાહ્મણ હતા' આ ટિપ્પણી વિશે સી. કે. રાઉલજી શું બોલ્યા?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- બિલકીસબાનો કેસમાં 11 દોષિતોની સજા માફી બાદ તેમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેનાર સમિતિના સભ્ય ભાજપ ધારાસભ્ય સી.કે.રાઉલજીના નિવેદન પર વિવાદ થયો છે
- તેમણે એક ઑનલાઇન ન્યૂઝ પ્લૅટફૉર્મને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે "દોષિતો બ્રાહ્મણ છે, અને સંસ્કારી છે. જેલમાં તેમની ચાલચલગત સારી હતી."
- સી.કે.રાઉલજીના નિવેદન પર વિવાદ થતા તેમણે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં શું કહ્યું?વાંચો અહેવાલમાં.
15 ઑગસ્ટ 2022ના રોજ બિલકીસબાનો કેસના 11 દોષિતોની સજા માફ કરીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા, આ અંગે ભાજપના ધારાસભ્ય સી. કે. રાઉલજીના નિવેદનથી વિવાદ થયો છે.
ઑનલાઇન ન્યૂઝ પ્લૅટફૉર્મ મોજોના એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહેતા સંભળાય છે કે, "દોષિતો બ્રાહ્મણ છે, અને સંસ્કારી છે. જેલમાં તેમની ચાલ ચલગત સારી હતી."
રાઉલજીએ આ વીડિયોમાં આગળ કહ્યું હતું કે, "આ લોકોએ ગુનો આચર્યો છે કે કેમ તેની ખબર નથી. દોષિતો સામે ઇરાદાપૂર્વક પણ કાર્યવાહી કરાઈ હોઈ શકે છે."
"તેમના પરિવારની ભૂતકાળની વર્તણૂક પણ સારી હતી. દોષિતો બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ તરીકે તેઓ સંસ્કારી પણ હતા. તેથી એ વાત પણ ધ્યાને લેવાઈ છે કે આ લોકોને ગુનામાં ફસાવી દેવાનો બદઇરાદો પણ હોઈ શકે છે."
આ સંદર્ભે બીબીસી ગુજરાતીએ સી. કે. રાઉલજી સાથે વાત કરી હતી.
તેમનો જવાબ હતો કે, "અમે જ્ઞાતિ જોઈને કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. મેં જે બ્રાહ્મણની વાત કરી તે સમગ્ર જ્ઞાતિના સંદર્ભે નથી."
"મેં એક બ્રાહ્મણ વ્યક્તિની વાત કરી છે, જે (રેપની) ઘટના વખતે ત્યાં હાજર નહોતી, છતાં તેમનું નામ આપી દેવામાં આવ્યું હતું. એવી વાત મને જાણવા મળી છે."
સજામાફીની માગ
11 દોષિત 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સાત સભ્યની હત્યાના મામલે ગોધરા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
15 વર્ષથી વધુ સમય જેલની સજા ભોગવ્યા બાદ દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે સજામાફી માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજામાફીના મામલે ધ્યાન આપવા નિર્દેશ કર્યા હતા.
એ પછી ગુજરાત સરકારે એક સમિતિની રચના કરી, આ સમિતિએ સંબંધિત મામલાના 11 દોષિતોની સજા માફ કરવા માટે સર્વસંમતિથી ફેંસલો લીધો હતો અને તેમને મુક્ત કરી દેવા ભલામણ કરી હતી.
આખરે 15 ઑગસ્ટે આ મામલે જન્મટીપની સજા ભોગવી રહેલા 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા.
સજામાફી માટેની સમિતિ
આ માટે જે સમિતિ રચી હતી, એમાં ગોધરાના કલેક્ટર ઉપરાંત ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલ સહિતના લોકો હતા.
કેદીઓની મુક્તિના નિર્ણય વિશે બીબીસી સાથે વાત કરતા સી. કે. રાઉલજીએ કહ્યું કે, "રાજ્ય સરકારનો 14 વર્ષના અનુસંધાને નિયમ છે. જો કેદીઓની સારી વર્તણૂક હોય, સારી કામગીરી હોય, કોઈ વાદવિવાદમાં ન પડ્યા હોય તો મુક્ત થઈ શકે એવો હાઈકોર્ટ કે સરકારનો નિયમ છે."
"એ નિયમના અનુસંધાને સજા દરમિયાન કેદીઓની વર્તણૂક સારી હતી. જે સજા થઈ એ બીચારા કેદીઓએ ભોગવી."
"વ્યવહાર સારો હતો, એટલું જ નહીં એ અગાઉ પણ આ કેદીઓ પર કોઈ પોલીસ કેસ થયા ન હતા."
"આ બાબતોના આધારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ સમિતિએ સર્વાનુમતે મુક્તિનો નિર્ણય કર્યો હતો."
તેઓ કહે છે કે સમિતિમાં તેમના સિવાય કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ જજ, જેલર વગેરે સામેલ હતા અને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ સમિતિની ચારેક બેઠક યોજાઈ હતી.
તેઓ આગળ કહે છે કે, "સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પર નિવેડો લાવવાનું છોડ્યું હતું. જેલમુક્તિનો નિર્ણય અમે 1992ની ગાઇડલાઇનના અનુસંધાને લીધો હતો."
'પ્રક્રિયા નિયમાનુસાર' થયાનો દાવો
આ ઘટના ગૅંગરેપની હતી તો કેદીઓને મુક્ત કરવા વિશે કમિટીમાં કોઈનો અલગ મત હતો?
એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, "ના, કોઈનો મત અલગ નહોતો. બધાને લાગ્યું કે તેમને મુક્તિ આપવી જોઈએ."
એક ચર્ચા એવી થઈ રહી છે કે જેલમાં ભલે કેદી તરીકે તેમની વર્તણૂક સારી હોય, પણ એ વર્તણૂકને આધારે ગૅંગરેપ જેવા જઘન્ય અપરાધના દોષિતને છોડી શકાય?
આના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "આમાં કેટલાક નિર્દોષ પણ સજા ભોગવીને આવ્યા છે, જેઓ ઘટના વખતે સ્થળ પર હાજર પણ નહોતા."
"ગુણદોષ બાબતે તો કોર્ટના પેપરમાં ફેરતપાસ થઈ હતી. એ ફેરતપાસના અનુસંધાને જ કેસ ટ્રાન્સફર થયો હતો. ઘટના બની ત્યારે કેન્દ્રમાં કૉંગ્રેસ હતી. એ વખતે કેસ ગુજરાતમાંથી મુંબઈમાં ટ્રાન્સફર થયો હતો."
"ટ્રાન્સફર અને જજમેન્ટના પેપર છે તેના આધારે જજસાહેબ અને કલેક્ટરે કહ્યું કે આ મામલે નિયમ મુજબ આની (મુક્તિની) વ્યવસ્થા કરી શકાય. આ બધું નિયમાનુસાર જ થયું છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો