You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'કેટલાક 30 વર્ષથી જેલમાં બંધ અને કેટલાક 15 વર્ષ પછી મુક્ત?' બિલકીસ કેસમાં લોકોએ શું પ્રતિક્રિયા આપી?
- ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો
- બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી
- ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી
- ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં
- અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો
ગુજરાતમાં 2002નાં રમખાણો વખતે બિલકીસબાનો પર થયેલા બળાત્કારના તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે.
બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
પંચમહાલના કલેક્ટર સુજલ માયાત્રા આ પૅનલના અધ્યક્ષ હતા. સુજલ માયાત્રાએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું, "થોડાક મહિના પહેલાં એક કમિટી રચવામાં આવી હતી, જેણે આ કેસના 11 દોષિતોના પક્ષમાં સામૂહિક નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારને ભલામણ મોકલવામાં આવી હતી અને આ નિર્ણય રિલીઝ કરવામાં આવ્યો છે."
આ દોષિતોએ જેલમાં 15 વર્ષથી વધુ સમય કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં પ્રિમૅચ્યોર રિલીઝ માટે અરજી કરી હતી.
આરોપીની મુક્તિ બાદ સોશિયલ મીડિયામાં નામી-અનામી લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કેટલાક લોકોએ સરકારની નીતિ સામે સવાલ પણ ઉઠાવ્યા છે.
બિલકિસબાનો કેસ પર વિવિધ પ્રતિક્રિયા
હ્યુમન રાઇટ્સના વકીલ શમશાદ પઠાણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે "મોટી સંખ્યામાં દોષીઓ હજુ પણ જેલમાં બંધ છે, જેમણે બિલકીસ કેસથી ઓછો જઘન્ય અપરાધ કર્યો છે."
તેમણે કહ્યું કે જ્યારે સરકાર આવો નિર્ણય લે છે ત્યારે તેનાથી પીડિતોની સિસ્ટમ પરથી આશાઓ તૂટી જાય છે.
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કર્યું કે "આજીવન કેદની વ્યાખ્યા અને સજામાફી અંગે સમગ્ર દેશમાં એકરૂપતા હોવી જોઈએ. કેટલાક દોષિતો 15 વર્ષ પછી મુક્ત થઈ જાય છે, કેટલાક 30 વર્ષ કે તેથી વધુ જેલમાં બંધ છે? એનું ઉત્તમ ઉદાહરણ છે ત્રણ દાયકાથી જેલમાં બંધ શીખ કેદીઓ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ શર્માએ લખ્યું કે "બિલકીસબાનો સાથેની મુલાકાત બાદ તેમની સાથે ભ્રષ્ટ રાક્ષસો દ્વારા આચરવામાં આવેલી ભયાનક હિંસાનું વર્ણન સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. છેવટે તેમને એકલાં છોડી દેવાયાં, કેમ કે તેમને લાગ્યું કે તેઓ (બિલકીસ) મરી ગયાં છે.
ગુજરાતનાં વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીએ લખ્યું કે "કલ્પના કરો કે એક સગર્ભા સ્ત્રી પર 11 પુરુષો દ્વારા ગૅંગરેપ કરવામાં આવે. સુપીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આજે સરકારની વિશેષમાફી યોજના હેઠળ બળાત્કારીઓને માફ કરવામાં આવ્યા અને મુક્ત કરવામાં આવ્યા છે."
અલીશાન જાફરી નામના યૂઝરે લખ્યું કે "બિલકિસબાનો કેસમાં તમામ 11 દોષિતોની માફીની તરફેણમાં સર્વસંમતિથી નિર્ણય. 19 વર્ષની ઉંમરે બિલકીસબાનોએ તેમના પરિવારના સાત સભ્યોને ટોળાના આતંકમાં ગુમાવ્યા. તેણી પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેમના પર ગૅંગરેપ કરવામાં આવ્યો હતો."
"હેપ્પી સ્વતંત્રતા દિવસ અને હા, સ્ત્રીઓનું વધુ સન્માન કરો!"
તો તામિલનાડુ કૉંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ મોહન કુમારામંગલમે ટ્વીટ કર્યું.
તેમણે આ મામલે લખ્યું, "તેમને એટલે સજામાફી કરાઈ, કેમ કે જેલમાં 14 વર્ષ પૂરાં કરવાં કર્યાં હતાં અને અન્ય પરિબળો જેમ કે ઉંમર, ગુનાની પ્રકૃતિ, જેલમાં વર્તન વગેરેને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું."
આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ મહિલાઓનાં કરવાની કરેલી વાત પણ તેમણે ઉલ્લેખ કર્યો.
બિલકીસબાનોનો મામલો શું હતો?
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.
અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.
ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો