રાજસ્થાન : પાણી પીવાના કથિત મામલે શિક્ષકે દલિત બાળકને માર્યો, અમદાવાદમાં મૃત્યુ, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, જયપુર, બીબીસી હિંદી માટે
  • રાજસ્થાનના જાલોરના દલિત બાળકનું કથિતપણે ઉજળિયાત વર્ગના શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણસર શિક્ષક દ્વારા માર મરાતાં મૃત્યુ નીજપ્યું છે
  • ઘટનાના 23 દિવસ પછી બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું
  • આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવાઈ છે અને ઘટનાની સામે પોલીસતપાસ શરૂ કરી દેવાઈ છે
  • પોલીસનું કહેવું છે કે શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણે માર મરાયો હોવાની વાતની પુષ્ટ નથી કરી શકાઈ.
  • રાજ્યની કૉંગ્રેસ સરકાર સામે વિપક્ષે તીખા શાબ્દિક પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે

રાજસ્થાન જાલોર જિલ્લામાં નવ વર્ષના એક દલિત બાળકના મૃત્યુ બાદ પરિવારવાળા મૃતદેહ સાથે પ્રદર્શન કરી રહ્યા છે.

પરિવારજનોની માગ છે કે પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.

પ્રશાસન સાથે મૃતક છાત્રના પરિવારજનોનું સમાધાન થઈ ગયું છે. પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને પચાસ લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ સરકારને મોકલાશે.

જે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં બાળક ભણતું હતું, તેની માન્યતા રદ કરાશે અને જિલ્લા શિક્ષણાધિકારીને એપીઓ કરી દેવાયા છે. અંતિમસંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે.

આરોપ છે કે દલિત બાળકોનું મૃત્યુ એક સ્કૂલના શિક્ષક દ્વારા મારઝૂડથી થયું છે અને શિક્ષકે તેમના માટલામાંથી પાણી પીવાના કારણે બાળકને માર માર્યો હતો.

સ્કૂલશિક્ષક દ્વારા કથિતપણે મારઝૂડ બાદ પરિવારજનોએ બાળકની અલગ-અલગ હૉસ્પિટલોમાં 23 દિવસ સારવાર કરાવી, જે બાદ શનિવાર એટલે કે 13 ઑગસ્ટના રોજ અમદાવાદની એક હૉસ્પિટલમાં બાળકનું મૃત્યુ નીપજ્યું.

બાળકનો મૃતદેહ રવિવાર બપોરે જે ગામ પહોંચ્યો. પરિવારજનો પ્રદર્શનની આશંકાને જોતાં પોલીસતંત્રે જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.

આ મામલે જે શિક્ષક પર આરોપ છે, તેની ધરપકડ થઈ ચૂકી છે. જોકે, સ્થાનિક પ્રશાસન પ્રમાણે અત્યાર સુધી માટલામાંથી પાણી પીવાની ઘટના અને તેના કારણે મારઝૂડ કરવાની વાતની પુષ્ટિ નથી થઈ.

શું છે મામલો?

જાલોર વિધાનસભાની સાયલા તાલુકાના સુરાણા ગામમાં સરસ્વતી વિદ્યાલય છે. આ ખાનગી સ્કૂલના ત્રીજા ધોરણમાં નવ વર્ષનો દલિત વિદ્યાર્થી ઇંદ્રકુમાર મેઘવાળ ભણતો હતો.

આરોપ છે કે વિદ્યાલયના સંચાલક અને શિક્ષક છૈલસિંહે 20 જુલાઈના રોજ ત્રીજા ધોરણના વિદ્યાર્થી ઇંદ્રકુમાર મેઘવાળને માર માર્યો હતો. લગભગ 40 વર્ષના છૈલસિંહના મારના કારણે નવ વર્ષના ઇંદ્રકુમાર મેઘવાળના કાન અને આંખમાં ઈજા થઈ હતી.

પરિવારજનોએ આ મામલે પોલીસને જે લેખિત ફરિયાદ આપી છે, તે પ્રમાણે, "હંમેશાંની જેમ 20 જુલાઈના રોજ બાળક સ્કૂલ ગયું હતું. લગભગ 11 વાગ્યે તેને તરસ લાગતાં તેણે માટલામાંથી પાણી પીધું. એ નાદાન હતું, તેને ખબર નહોતી કે માટલું ઉજળિયાત વર્ગના શિક્ષક છૈલસિંહ માટે અલગ મૂકી રાખવામાં આવ્યું હતું. છૈલસિંહે વિદ્યાર્થી ઇંદ્રકુમાર મેઘવાળને કહ્યું નીચ જાતિનો થઈને મારા માટલામાંથી પાણી કેમ પીધું અને આવું બોલીને તેને માર માર્યો. જેના કારણે તેના ડાબા કાને અને આંખના અંદરના ભાગે ઈજા થઈ."

આ મારઝૂડ બાદ પરિવાર 23 દિવસ સુધી અલગઅલગ જગ્યાઓએ ઇંદ્રકુમારને સારવાર માટે દાખલ કરાવ્યો. પરંતુ તેને સારું ન થયું. આખરે વિદ્યાર્થિને ગંભીર સ્થિતિમાં ઉદયપુરથી અમદાવાદ લઈ જવાયો.

અમદાવાદમાં બે દિવસ સુધી દાખલ રહ્યા બાદ ઇલાજ દરમિયાન ઇંદ્રકુમારે 13 ઑગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા. મૃતક ઇંદ્રકુમાર ત્રણ ભાઈમાં સૌથી નાનો હતો.

બાળકના મૃત્યુ બાદ સ્થાનિક મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયા પર સરસ્વતી વિદ્યાલયના શિક્ષક છૈલસિંહને મૃત્યુના જવાબદાર ગણાવાઈ રહ્યા છે.

13 ઑગસ્ટના રોજ દલિત છાત્ર ઇંદ્રકુમારના મૃત્યુ બાદ પરિવારજનોએ સાયલા પોલીસસ્ટેશનમાં શિક્ષક છૈલસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. મૃતક વિદ્યાર્થીના કાકા કિશોરકુમાર મેઘવાળની લેખિત ફરિયાદ પર શિક્ષક વિરુદ્ધ ગંભીર કલમો અંતર્ગત એફઆઆઈઆર દાખલ કરાઈ છે.

માટલામાંથી પાણી પીવાના કારણે મારઝૂડ?

મૃતક દલિત છાત્ર ઇંદ્રકુમારના મામા મીઠાલાલ મેઘવાળે બીબીસીને ફોન પર જણાવ્યું કે, "બાળકે જણાવ્યું હતું કે પાણી પીવાના કારણે છૈલસિંહે તેની સાથે મારઝૂડ કરી હતી."

જાલોર જિલ્લાના પોલીસ અધીક્ષક હર્ષવર્ધન અગ્રવાલાએ બીબીસીને ફોન પર જણાવ્યું કે, "માટલામાંથી પાણી પીવાની જે વાત સામે આવી રહી છે, અત્યાર સુધી તેની પુષ્ટિ નથી થઈ. હું જાતે સ્થળ (સ્કૂલ) પર ગયો હતો, ત્યાં કૉમન ક્લાસરૂમ બહાર પાણીની ટૅન્ક લાગેલી છે, જેમાં પાણી પીવાના નળ લાગેલા છે. આઠમા ધોરણ સુધીની શાળા છે. મેં ત્યાં સાતમા ધોરણનાં અમુક બાળકો સાથે પણ વાતચીત કરી, પરંતુ બાળકોએ કહ્યું કે માટલું નથી. જોકે, આ હજુ તપાસનો વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ."

એફઆઈઆર દાખલ થયા બાદ આરોપી શિક્ષક છૈલસિંહની ધરપકડ કરાઈ ચૂકી છે.

આરોપી શિક્ષકે પૂછપરછમાં શું જણાવ્યું, તે અંગે એસપી હર્ષવર્ધને જણાવ્યું કે ,"છૈલસિંહે અત્યાર સુધીની તપાસમાં પોલીસને જણાવ્યું છે કે બાળક ક્લાસમાં મસ્તી કરી રહ્યું હતું, ત્યારે થપ્પડ મારી હતી. શિક્ષકે માટલામાંથી પાણી પીવાના કારણે મારઝૂડ કરી હોવાની વાતથી ઇનકાર કર્યો છે."

થપ્પડ મારવા પર બાળકની સ્થિતિ આટલી ગંભીર કેવી રીતે થઈ ગઈ, આ પ્રશ્ન પૂછવા પર એસપી હર્ષવર્ધન અગ્રવાલાએ કહ્યું કે, "અત્યાર સુધી બાળકનો પોસ્ટમૉર્ટેમ રિપોર્ટ નથી આવ્યો. રિપોર્ટ આવ્યા બાદ જ મોતના કારણ અંગે ખબર પડશે."

જોકે સ્થાનિક પત્રકાર ઓમપ્રકાશ દાવો કરે છે કે આ ઘટના વિદ્યાર્થીએ માટલાનું પાણી પીધું એના કારણે જ બની છે.

દલિત વિદ્યાર્થીના પિતા અને શિક્ષક છૈલસિંહ વચ્ચે વાતચીતનો એક ઑડિયો પણ સામે આવ્યો છે. જેમાં આરોપી ઇલાજમાં મદદ કરવાની વાત કરી રહ્યો છે. જોકે આ વાતચીતમાં મારઝૂડના કારણ અંગે ખબર નથી પડી શકી.

વીડિયોમાં બાળક અત્યંત ગંભીર જણાઈ રહ્યું છે

13 ઑગસ્ટના રોજ સાંજે બાળકના બે વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળક ગંભીર સ્થિતિમાં છે. પરિવારજનો બાળક સાથે વાત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે કાંઈ જ બોલી નથી રહ્યું.

બાળકની આંખો મિચાયેલી છે અને તેને પીડા થતી હોય તેવું જણાઈ રહ્યું હતું. વીડિયો બાળકને હૉસ્પિટલ લઈ જતી વખતે પરિવારજનોએ એમ્બુલન્સમાં જ બનાવ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બાળકના નાક પર ઓક્સિજનની પાઇપ લાગેલી છે. ડાબી આંખ પર સોજો છે. પરિવારજનો વારંવાર વાત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પીડાઈ રહેલું નવ વર્ષનું બાળક કંઈ પણ બોલી નથી રહ્યું.

એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પરિવારજનો બાળક સાથે વાત કરતાં પૂછી રહ્યા છે કે મારઝૂડ કોણ કરી? તે આ વીડિયોમાં પણ બાળક આડું પડ્યું છે, આંખ બંધ છે અને પથારી પર દવાઓ છે.

વીડિયોમાં પરિવારના લોકો પૂછી રહ્યા છે કે મારઝૂડ કોણ કરી, કોણે થપ્પડ મારી, પરંતુ બાળક કોઈ પ્રતિક્રિયા નથી આપતું.

ઘણા લોકોનાં નામ લઈને જ્યારે બાળકને પૂછવાના પ્રયાસ કરવામાં આવે છે ત્યારે છૈલજી માસ્ટર સાહેબનું નામ આવતાં વિદ્યાર્થી થોડી ગરદન હલાવી પ્રતિક્રિયા આપે છે.

પરિવારજન જ્યારે પૂછે છે કે ક્યાં માર્યું તો બાળક અર્ધજાગ્રત અવસ્થામાં આંગળીઓથી કાન પાછળ ઇશારો કરે છે.

બાળક ઇંદ્રકુમાર મેઘવાળના મામા મીઠાલાલ મેઘવાળે બીબીસી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું કે, "બાળકના કાનમાં દુખાવો થઈ રહ્યો હતો. બાળકને ઇલાજ માટે પહેલાં બગોડા, ભીનમાલ, ડીસા, મહેસાણા, ઉદયપુર અને પછી અમદાવાદ લઈ ગયા, જ્યાં બે દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ રહ્યા બાદ 13 ઑગસ્ટની સવારે બાળકે જીવ છોડી દીધો."

આરોપી શિક્ષક પર હત્યાનો કેસ

20 જુલાઈની ઘટનાના 23 દિવસ બાદ સાયલા પોલીસસ્ટેશનમાં પરિવારજનોની ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરાઈ. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. પરિવારજનો શિક્ષક છૈલસિંહ પર કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

જાલોર જિલ્લાના પોલીસ અધીક્ષક (એસપી) હર્ષવર્ધન અગ્રવાલાએ અત્યાર સુધી થયેલી પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપતાં કહ્યું કે, "આરોપી વિરુદ્ધ સૌથી ગંભીર કલમો લગાવવામાં આવી છે. આઈપીસીની કલમ 302 (હત્યા) અને એસસી એસટી ઍક્ટ અંતર્ગત એફઆઈઆર દાખલ કરીને આરોપી શિક્ષક છૈલસિંહની ધરપકડ કરી લેવાઈ છે."

એસપીએ જણાવ્યું કે, "ઘટના 20 જુલાઈના રોજ બની હતી અને બાળકનું મૃત્યુ 13 ઑગસ્ટના રોજ થયું. આ મામલાની જાણ અમને 11 ઑગસ્ટે થઈ. પરિવારજનોએ ફરિયાદ નહોતી કરી, સાયલા એસએચઓએ પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો, ત્યારે બાળકના પિતા અમદાવાદ હૉસ્પિટલમાં હતા અને તેમણે કહ્યું કે હું પરત ફરીને ફરિયાદ કરીશ."

બાળકના મૃત્યુ બાદથી જ જિલ્લા પોલીસ પ્રશાસન ઍલર્ટ પર છે. આ ઘટનાના વિરોધમાં લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 13 ઑગસ્ટ રાત્રિના આઠ વાગ્યાથી જ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. જોકે, સામાજિક સંગઠનો સતત આ ઘટનાનો વિરોધ કરી રહ્યાં છે.

ઘટના અંગે પક્ષ-વિપક્ષની પ્રતિક્રિયા

બહુજન સમાજ પાર્ટી રાજસ્થાને આ ઘટનાના વિરોધમાં 16 ઑગસ્ટના રોજ રાજ્યમાં તમામ જિલ્લાને આવેદન સોંપવાની જાહેરાત કરી છે.

મુખ્ય મંત્રી અશોક ગેહલોતે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્ય મંત્રી ગેહલોતે આ મામલાની ગંભીરતાને જોતાં આ કેસ ઑફિસર સ્કીમમાં લાવવાના નિર્દેશ આપ્યા છે, જેથી મામલાની ઝડપી તપાસ કરીને દોષિતને ઝડપથી સજા કરાવી શકાય.

મુખ્ય મંત્રી ગેહલોતે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી હતી.

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી માયાવીએ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી છે.

તેમણે લખ્યું કે રાજસ્થાનમાં અવારનવાર આવી જાતિવાદી દુ:ખદ ઘટનાઓ બનતી રહે છે. રાજસ્થાનની કૉંગ્રેસ સરકાર ત્યાં ખાસ કરીને દલિત, આદિવાસીઓ અને ઉપેક્ષિતોનાં જીવ અને ઇજ્જત આબરૂની સુરક્ષા કરવામાં નિષ્ફળ છે.

રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, "રાજસ્થાનમાં છેલ્લાં સાડાં ત્રણ વર્ષમાં એક પછી એક દલિત અત્યાચારની ઘટનાઓ બની છે. જ્યારે સરકાર અને મુખ્ય મંત્રી નબળા હોય ત્યારે આવી ઘટનાઓમાં વધારો થાય છે." તેમણે સરકાને અપીલ કરી છે કે તેઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે.

રાજસ્થાન ગૃહવિભાગના મંત્રી રાજેન્દ્રસિંહ યાદવે નિવેદન જાહેર કરીને ઘટનાને દુ:ખદ ગણાવી છે. તેમણે કહ્યું કે, "માનવતાના નામે કલંક, શિક્ષકને કઠોર સજા અપાવવામાં આવશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો