મુસ્લિમ ધર્મમાં કેટલા સંપ્રદાયો છે અને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે?

    • લેેખક, સલાહુદ્દીન જૈન
    • પદ, બીબીસી સંવાદદાતા

મુસ્લિમ સમાજની દરેક વ્યક્તિ પોતાની જાતને મુસ્લિમ તો ગણાવે છે, પણ તેની અંદર પણ કેટલાંક વિભાજનો કરવામાં આવેલાં છે. આ લોકો ઇસ્લામિક કાયદા અને તેના ઇતિહાસની પોતાની સમજ પ્રમાણે પોતાનો ધર્મ પાળે છે.

મુખ્યત્વે મુસ્લિમોના બે સંપ્રદાય જોવા મળે છે જેને આપણે શિયા અને સુન્નીના નામે ઓળખીએ છીએ. બંને સંપ્રદાયનો વિશ્વાસ તો મહમદ પયગંબરમાં જ છે, જેમને તેઓ અલ્લાહના સંદેશવાહક તરીકે માને છે.

બંને સંપ્રદાય માટે પવિત્ર પુસ્તક કુરાન એ અલ્લાહની ભેટ છે.

જોકે, બંને સંપ્રદાય ધાર્મિક વિધિઓની ભજવણી બાબતે એકબીજાથી ઘણા અલગ છે. બંને સંપ્રદાયના કાયદા પણ ઘણા અલગ છે.

સુન્ની

સુન્ની સંગઠન એ એ સંપ્રદાય છે જે હજરત મહમદ પયગંબર (AD 570-632)ના વિચારો પર ચાલે છે.

એક તારણ પ્રમાણે 80-85 ટકા દુનિયાની મુસ્લિમ વસતી સુન્ની કાયદાનું પાલન કરે છે, જ્યારે બાકીના 15-20 લોકો શિયા માન્યતાઓ પ્રમાણે ચાલે છે.

  • સુન્ની સંપ્રદાય પ્રમાણે, મહમદ પયગંબરના સસરા હજરત અબુ બક્ર (632-634 AD) તેમના અનુગામી હતા અને તેઓ મુસ્લિમ ધર્મના વડા બન્યા હતા
  • સુન્ની સંપ્રદાય તેમને ખલીફા કહે છે
  • અબુ બક્ર બાદ હજરત ઉમર (634-644 AD) તેમના અનુગામી બન્યા
  • હજરત ઉસ્માન (AD 644-656)
  • બાદમાં હજરત અલી (AD 656-661) મુસ્લિમોના વડા બન્યા હતા.

ઇસ્લામિક કાયદા પ્રમાણે, સુન્ની સંપ્રદાયના પણ બીજા ચાર સંપ્રદાય છે. એક પાંચમું ગ્રૂપ પણ છે જે પોતાને બાકીનાં ચાર ગ્રૂપથી અલગ રાખે છે.

આ પાંચેય ગ્રૂપમાં ધર્મ અને વિશ્વાસમાં કંઈ ખાસ મોટો ફેર જોવા મળતો નથી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે તેમના ગ્રૂપના વડા દ્વારા ઇસ્લામને યોગ્ય દિશામાં રજૂ કરવામાં આવે છે.

આઠમી અને નવમી સદીમાં 150 વર્ષ દરમિયાન ચાર મોટા ધાર્મિક નેતાઓનાં નિધન થયાં હતાં.

તેમણે ઇસ્લામિક કાયદાના વિચારોને સમજાવ્યા. જે લોકોએ આ ઇસ્લામિક નેતાઓમાં વિશ્વાસ રાખ્યો હતો, તેઓ તે ચોક્કસ ચળવળના સમર્થક બની ગયા હતા.

ઇમામ અબુ હનીફા (699-767 AD), ઇમામ શાફાઈ (767-820 AD), ઇમામ હંબલ (780-855 AD) અને ઇમામ મલિક (711-795 AD) એ તે સમયના ચાર મુખ્ય નેતાઓ હતા.

હનાફી

જે લોકો ઇમામ અબુ હનીફાને માને છે તેઓ હનીફા તરીકે ઓળખાય છે. તેમની વિચારધારા બે જૂથમાં વહેંચાયેલી છે, દેવબંદી અને બરેલવી.

દેવબંદી અને બરેલવી

આ વિચારધારાનાં નામ ઉત્તર પ્રદેશના બે જિલ્લા દેવબંદ અને બરેલી પરથી રાખવામાં આવ્યાં છે.

20મી સદીની શરૂઆતમાં મૌલાના અશરફ અલી થાન્વી (1863-1943) અને અહમદ રઝા ખાન બરેલવી (1856-1921)એ ઇસ્લામિક કાયદાનું સ્વતંત્રપણે અર્થઘટન રજૂ કર્યું હતું.

અશરફ અલી થાન્વી દેવબંદની દારુલ-ઉલુમ મદરેસા સાથે જોડાયેલા હતા. આલા હજરત અહમદ રઝા ખાન બરેલીના હતા.

મૌલાના અબ્દુલ રશિદ ગંગોહી અને મૌલાના કાસિમ નાનોટાવીએ 1866માં દેવબંદ મદરેસાની સ્થાપના કરી હતી.

મૌલાના અબ્દુલ રશિદ ગંગોહી, મૌલાના કાસિમ નાનોટાવી અને મૌલાના અશરફ અલ થાન્વીએ દેવબંદ મદરેસાના પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા મોટા ભાગના મુસ્લિમો દેવબંદ અને બરેલીની વિચારધારા સાથે સંકળાયેલા છે.

દેવબંદ અને બરેલવીના પ્રચારના પ્રમાણે કુરાન અને હદીસ શરિયતના મુખ્ય પાયા છે.

પરંતુ ઇમામની વિચારધારાનું અનુસરણ કરવું તે ખૂબ જરૂરી છે એટલે શરિયા કાયદા ઇમામ અબુ હનીફાના વિચારો પ્રમાણે છે.

બીજી તરફ બરેલવી સંપ્રદાયના લોકો આલા હજરત રઝા ખાન બરેલવીની વિચારધારાને માન્યતા આપે છે.

આલા હજરત રઝા ખાન બરેલવીની બરેલીમાં એક દરગાહ પણ છે. દરગાહ શ્રદ્ધાળુઓ માટે એક પવિત્ર સ્થળ છે.

દેવબંદ અને બરેલવીની વિચારધારાઓમાં કંઈ મોટો ફેરફાર નથી. જોકે, કેટલાક મામલે મત થોડો અલગ હોય છે.

બરેલવી મદરેસાના પ્રમાણે પયગંબર મહમદ સર્વત્ર છે. દુનિયાની દરેક સારી વસ્તુ વિશે તેમને જાણ છે. તેઓ સર્વવ્યાપી છે અને દુનિયા પર તેમની નજર રહે છે.

દેવબંદ મદરેસામાં આ વિચાર અપનાવવામાં આવતો નથી. દેવબંદ મદરેસા પ્રમાણે, અલ્લાહ બાદ પયગંબર મહમદનું સ્થાન છે. તેઓ માને છે કે પયગંબર જે છે તે મનુષ્યો છે.

બરેલવી લોકો સૂફી ઇસ્લામના અનુયાયી હોય છે. સૂફી મઝાર તેમના માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.

જોકે, દેવબંદી વિચારધારામાં આવી કોઈ વસ્તુ મહત્ત્વ ધરાવતી નથી અને તેઓ તેનો વિરોધ કરે છે.

માલિકી

ઇમામ અબુ હનીફા બાદ ઇમામ મલિકના વિચારો સુન્ની સંપ્રદાયમાં મહત્ત્વ ધરાવે છે.

એશિયામાં તેમના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. તેમનું પુસ્તક "ઇમામ મોટ્ટા" તે ખૂબ જાણીતું છે. તેના સમર્થકો મલિકે બનાવેલા નિયમોનું અનુસરણ કરે છે. મલિકના મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તરી આફ્રિકામાં સમર્થકો છે.

શફાઈ

શફાઈ એ ઇમામ મલિકના એક શિષ્ય છે અને ત્રીજા મોટા સુન્ની નેતા. તેમના પણ મધ્ય પૂર્વ એશિયા અને આફ્રિકામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ છે.

વિશ્વાસના મામલે તેઓ અન્ય સંપ્રદાયો કરતાં અલગ નથી, પરંતુ ઇસ્લામના અનુસરણ મામલે તેમનો અભિગમ હનાફી સંપ્રદાય કરતાં અલગ છે.

હંબલી

આફ્રિકા અને સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને બીજા ખાડી દેશોના મોટા ભાગના લોકો ઇમામ હંબલના વિચારોના અનુયાયી છે. તેઓ પોતાને હંબલી તરીકે ઓળખાવે છે. સાઉદી અરેબિયામાં ઔપચારિક શરિયા છે જે હંબલના કાયદા પર ચાલે છે.

સલાફી, વહાબી અને અહલે હદીસ

સુન્ની સંપ્રદાયમાં એક એવી વિચારધારા છે જે કોઈ ચોક્કસ ઇમામનું અનુસરણ કરતી નથી. શરિયતનું અનુસરણ કરવા માટે કુરાન અને હદીસ વાંચવાની જરૂર હોય છે.

આ સમૂહ સલાહી અને અહલે હદીસ નામે ઓળખાય છે. આ સંગઠન ચારેય ઇમામનાં જ્ઞાન, માહિતી અને સાહિત્યને સન્માન આપે છે. પરંતુ તેઓ કોઈ પણ ઇમામનું અનુસરણ કરતા નથી.

ઇમામ કુરાન અને હદીસ પ્રમાણે જે કહે તેનું પાલન કરવામાં આવે છે. પરંતુ વિવાદાસ્પદ કિસ્સામાં કુરાન અને હદીસના શબ્દો અંતિમ માનવામાં આવે છે.

સલાફી સંગઠનનું માનવું છે કે પયગંબર મહમદના સમયથી ઇસ્લામનું અસ્તિત્વ રહ્યું છે અને તેનો પ્રચાર થવો જોઈએ.

ઈબ્ન તયમિય્યાહ (1263-1328) અને મહમદ બિન અબ્દુલ વહાબ (1703-1792)એ આ વિચારની પુષ્ટિ કરી હતી.

અબ્દુલ વહાબના નામથી સંપ્રદાયને વહાબી નામ મળ્યું હતું. ખાડી દેશોના ઇસ્લામિક વિદ્વાનો આ સંપ્રદાયના વિચારોથી પ્રભાવિત થયા છે.

આ સંપ્રદાયની ખાસ વાત એ છે કે તેઓ ધાર્મિકરૂપે કટ્ટર હોય છે અને કટ્ટરવાદને સમર્થન કરે છે.

સાઉદી અરેબિયાનો શાહી પરિવાર પણ આ જ મત ધરાવે છે. અલ કાયદા નેતા ઓસામા બિન લાદેન પણ સલાફી વિચારધારાના સમર્થક હતા.

સુન્ની વોહરા

ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં કામ કરતા ઘણા મુસ્લિમો વોહરા મુસ્લિમ છે.

વોહરા શિયા અને સુન્ની બંને સંપ્રદાયો સાથે સંકળાયેલા છે. સુન્ની વોહરા હનાફી ઇસ્લામિક કાયદાનું પાલન કરે છે. પરંતુ સાંસ્કૃતિક રીતે તેઓ શિયા સંપ્રદાય સમાન હોય છે.

અહમદિયા

હનાફી ઇસ્લામિક કાયદાનું પાલન કરતા સંગઠનને અહમદિયા તરીકે ઓળખવામાં આવે છે.

આ સંગઠનની સ્થાપના મિર્ઝા ગુલામ અહમદ દ્વારા પંજાબના કાદિયાંમાં કરવામાં આવી હતી.

આ સંગઠનના અનુયાયીઓ કહે છે છે કે મિર્ઝા ગુલામ અહમદ એ નબીનો જ અવતાર છે.

મિર્ઝાએ કોઈ નવો શરિયા કાયદો લાગુ કર્યો ન હતો. આ સંગઠન એ જ શરિયાનું પાલન કરે છે જે પયગંબર દ્વારા આપવામાં આવ્યો હતો.

અહમદિયા સંગઠનનું માનવું છે કે મિર્ઝા પાસે પયગંબરનો દરજ્જો છે. આ મુદ્દે મુસ્લિમોમાં ઉગ્ર મતભેદો છે. મોટા ભાગના મુસ્લિમો અહમદિયા સંગઠનને મુસ્લિમ માનતા જ નથી.

જોકે, તે છતાં ભારત, પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડમાં ઘણા એવા મુસ્લિમો છે જેઓ તેમના અનુયાયી છે.

પાકિસ્તાનમાં અહમદિયા સંગઠનની ઔપચારિકરૂપે ઇસ્લામમાંથી બાદબાકી થઈ છે.

શિયા

સુન્ની સંપ્રદાયની સરખામણીએ શિયા સંપ્રદાયના ધાર્મિક અને નૈતિક વિચારો અલગ છે.

શિયા માને છે કે પયગંબર મહમદના મૃત્યુ બાદ તેમના જમાઈ અલીને જ મુસ્લિમ સમાજનું નેતૃત્વ કરવાનો અધિકાર હતો.

શિયા પ્રમાણે પયગંબર મહમદે પણ અલીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા પરંતુ હજરત અબુ બક્રે દગો આપ્યો અને વડાની ભૂમિકા લઈ લીધી હતી. શિયા લોકો તેને માત્ર ખોટી અફવાઓ ગણાવે છે.

શિયાના અનુયાયીઓનું માનવું છે કે મહમદને અલ્લાહે પયગંબર તરીકે મોકલ્યા હતા. એ જ રીતે પયગંબર મહમદના જમાઈ અલીને પણ અલ્લાહે ઇમામ અથવા નબી તરીકે મોકલ્યા હતા. પછી શિયા સંપ્રદાયમાં પણ ઘણાં જૂથ પડ્યાં.

ઇસ્ના અશરી

ઇસ્ના અશરી શિયાનું સૌથી મોટું જૂથ છે. દુનિયાના શિયા લોકોમાંથી 75 ટકા આ જૂથમાં આવે છે.

તેમના પહેલા ઇમામ હજરત અલી છે અને છેલ્લા તેમજ 12મા ઇમામ મહદી છે. ઇસ્ના અશરી સંપ્રદાયના લોકો અલ્લાહ, કુરાન અને હદીસનું પાલન કરે છે.

પરંતુ આ સંપ્રદાય એ હદીસનું પાલન કરે છે જે ઇમામના માધ્યમથી આવી છે. કુરાન બાદ 'નહઝુલ બલાગા' અને 'અલકાફી' નામના બે ધર્મગ્રંથ આ સંપ્રદાય માટે મહત્ત્વના છે.

ઇસ્ના અશરી સંપ્રદાય જફરિયામાં પણ વિશ્વાસ ધરાવે છે. ઈરાન, ઇરાક, પાકિસ્તાન અને ભારતની સાથે આ સંપ્રદાયના લોકો આખી દુનિયામાં જોવા મળે છે.

જૈદિયા

આ સંપ્રદાયના લોકો 12ના બદલે માત્ર પાંચ ઇમામમાં વિશ્વાસ ધરાવે છે.

તેમાંથી ચાર ઇમામ ઇસ્ના અશરી સંપ્રદાયના છે. હજરત અલીના પૌત્ર ઝૈદ બિન અલીને પાંચમા ઇમામ તરીકે ગણવામાં આવ્યા છે.

એટલે તેઓ પોતાને ઝૈદીય્યા કહે છે. ઝૈદીય્યા સંપ્રદાયના અનુયાયીઓ યમનમાં મળે છે.

ઇસ્માઇલી શિયા

આ સંપ્રદાય પ્રમાણે ઇમામોની સંખ્યા સાત જ છે. છેલ્લા ઇમામ મહમદ બિન ઇસ્માઇલ છે. એટલે જ તેનું નામ ઇસ્માઇલી છે.

ઇમામ જફર સાદિકના ઉત્તરાધિકારી તેમના મોટા દીકરા ઇસ્માઇલ બિન ઝફર અથવા તેમના નાના દીકરા હશે તેના પર ઇસ્ના અશરી સંપ્રદાય સાથે મતભેદો હતા.

ઇસ્ના અશરી સંપ્રદાયે નાના દીકરા મુસા કાઝિમને ઇમામ ગણ્યા હતા. ત્યારથી બે પ્રકારનાં જૂથ બની ગયાં હતાં.

ઇસ્માઇલી સંપ્રદાય ઇસ્માઇલ બિન ઝફરને સાતમા ઇમામ તરીકે ઓળખે છે. આ સંપ્રદાયની નૈતિકતા ઇસ્ના અશરી સંપ્રદાયથી અલગ છે.

દાઉદી વોહરા

વોહરા સંપ્રદાયનો આ નાનો એવો ભાગ છે. આ સંપ્રદાય ઇસ્માઇલી શિયા સંપ્રદાયના વિચારોનું અનુપાલન કરે છે.

દાઉદી વોહરા 21 ઇમામમાં માને છે. તય્યબ અબુલ કાસિમ તેમના છેલ્લા ઇમામ હતા. આ સંપ્રદાયમાં આધ્યાત્મિક ગુરુની પ્રથા છે. તેમને દાઈ કહેવામાં આવે છે.

સૈય્યદના બુરહાનુદ્દીન રબ્બાની 52મા ક્રમનાં દાઈ હતાં. તેમનું મૃત્યુ 2014માં થયું હતું. તેમના બે દીકરામાંથી તેમના ઉત્તરાધિકારી કોણ બને, તેના પર વિવાદ હતો જે કોર્ટ સુધી પહોંચ્યો હતો.

દાઉદી વોહરા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ સંપ્રદાયના પાકિસ્તાન અને યમનમાં પણ સમર્થકો છે. દાઉદી વોહરા વેપારક્ષેત્રે ખૂબ સફળ માનવામાં આવે છે.

ખોજા

આ સંપ્રદાય ગુજરાતમાં જોવા મળે છે અને તે વેપાર સાથે જોડાયેલો હોય છે. તેઓ એ લોકો છે જેમણે ઇસ્લામ ધર્મ થોડા દાયકાઓ પહેલાં અપનાવ્યો હતો.

ખોજા ધર્મના અનુયાયીઓ શિયા અને સુન્ની બંને સંપ્રદાયના વિચારોનું પાલન કરે છે.

કેટલાક ખોજા ઇસ્માઇલી શિયાના વિચારોનું પણ પાલન કરે છે. સાથે સાથે તેઓ ઇસ્ના અશરી સંપ્રદાયની જેમ પણ વ્યવ્હાર કરે છે.

થોડા લોકો છે જે સુન્ની ઇસ્લામનું પાલન કરે છે. ખોજા લોકો પૂર્વી આફ્રિકા જેવા દેશમાં રહે છે.

નુસૈરી

આ સંપ્રદાય સીરિયા અને બીજા ખાડી દેશોમાં જોવા મળે છે. આ સંપ્રદાય અલાવીના નામે પણ ઓળખાય છે.

સીરિયન રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ નુસૈરી સંપ્રદાયનું પાલન કરે છે. આ સંપ્રદાય પ્રમાણે અલી અલ્લાહનો અવતાર લઈને પૃથ્વી પર આવ્યા હતા.

ઇસ્ના અશરી સંપ્રદાયની જેમ, તેઓ કોડ ઑફ કંડક્ટનું પાલન કરે છે. પરંતુ તેમના વિચારો થોડા અલગ છે. આ સિવાય પણ ઇસ્લામના નાના-નાના ભાગ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો