You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત 2002 રમખાણ : તિસ્તા સેતલવાડ કેસમાં સુપ્રીમ કોર્ટનાં જુદાં-જુદાં વલણ કેમ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
હાલમાં જ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એ જણાવ્યું છે કે SITની જે તપાસ થઈ છે, તે યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટે પોતાના જૂન 2022ના ચુકાદાના 88મા ફકરામાં ગોધરા પછીનાં તોફાનોની ચર્ચાને જીવિત રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તેમાં તિસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે.
આ ફકરાના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ફરિયાદ નોંધી છે અને તેમાં તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી આર.બી. શ્રીકુમારની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે, જ્યારે અન્ય એક પૂર્વ અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે.
જોકે ઘણા નિષ્ણાતો માને છે કે 88 નંબરના ફકરામાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી જોતા લાગતું નથી કે આ જ સુપ્રીમ કોર્ટે અગાઉ સેતલવાડની રજૂઆતને આધારે અનેક મહત્ત્વના નિર્ણયો લીધા હતા.
તિસ્તાના આધારે જ તો કેસ ગુજરાત બહાર ટ્રાન્સફર કરાયો હતો
સિનિયર ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અનુસાર, ઉચ્ચ ન્યાયાલયના એવા ઘણા ઓર્ડર છે, જેમાં તિસ્તા સેતલવાડની રજૂઆતો ધ્યાનમાં લઈને તેના પર વિચાર કરીને ચુકાદા આપ્યા હતા. હાલમાં આ છેલ્લો ચુકાદો જોતા વિચાર આવે છે કે એક જ સંસ્થાની એક જ વ્યક્તિને લઈને ચુકાદામાં આટલો બધો ફરક કેવી રીતે આવી શકે?
જોકે ગુજરાત તોફાનોના કેસ માટે ઘણાં વર્ષોથી કોર્ટમાં લડી રહેલા સિનિયર વકીલ એસ.એમ. વોરા અનુસાર, "કોર્ટનું વલણ જસ્ટિસ પર આધાર રાખે છે, પહેલાંના જસ્ટિસે તો એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર પર તેમને ભરોસો નથી અને તિસ્તા સેતલવાડની સંસ્થાની રજૂઆતોને આધારે બિલકીસબાનો કેસ ગુજરાત બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો."
ધારાશાસ્ત્રી યાજ્ઞિકે ગુજરાતના તોફાનોનાં પીડિતો માટે અનેક વખત ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે લોકો અને ભારતના સંવિધાન માટે, સુપ્રીમ કોર્ટની ઈમાનદારી, અને અખંડિતતા પર મને સંપૂર્ણ ભરોસો છે. હું સુપ્રીમ કોર્ટની જવાબદારી પર પ્રશ્ન નથી કરી રહ્યો. અહીં માત્ર સવાલ ચુકાદામાં નોંધાયેલા એક ફકરાનો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું માનું છું કે આ પ્રકારની નોંધ કરવાની કોઈ જરૂર ન હતી, કારણ કે સુપ્રીમ કોર્ટ સામે રજૂઆત એ હતી કે આ તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં અને સુપ્રીમ કોર્ટે તેના પર વિચાર કરવાનો હતો. એમ થયું હોત તો આ પિટિશન ત્યાં જ પૂરી થઈ શકી હોત, હવે આખો મુદ્દો તોફાનોથી હટીને તિસ્તા સેતલવાડ પર જતો રહ્યો છે."
હાલમાં જ 'ધ વાયર'માં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન.બી. લોકારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું વિશ્લેષણ કરતા નોંધ્યું છે કે, "શું સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઇરાદો એ છે કે તિસ્તા સેતલવાડની ધરપકડ થવી જોઈએ. સાચું કહું તો મને એ બિલકુલ યોગ્ય નથી લાગતું કે ઝકિયા જાફરીની ફરિયાદ માટે તિસ્તાની ધરપકડ થવી જોઈએ."
એ વાત અહીં નોંધવી રહી કે 2014 સુધી તો સેતલવાડ સીધી રીતે સુપ્રીમ કોર્ટના રેકૉર્ડ પર હતા જ નહીં. પ્રથમ વખત 2014માં તેમણે મૅજિસ્ટ્રેટના ઑર્ડરને પડકારતી એક પિટિશન દાખલ કરી હતી.
જોકે એ વાત પણ જગજાહેર છે કે તે પહેલાં તિસ્તા સેતલવાડે ઝકિયા જાફરીને પડદા પાછળ રહીને સતત મદદ કરી છે.
'સુપ્રીમ કોર્ટે એકથી વધુ વખત તિસ્તાની મદદ લીધી'
બીબીસી હિન્દીના એક અહેવાલ અનુસાર, 2002થી તિસ્તા સેતલવાડ તોફાનોનો ભોગ બનનારા લોકોની મદદ કરી રહ્યા છે, અને તેમની મદદથી જ કોર્ટમાં તોફાનોના કેસ ચાલ્યા છે, તેમજ ગુજરાતની બહાર પણ અનેક કેસ પહોંચ્યા છે.
જોકે SITએ પોતાની રજૂઆતમાં તિસ્તા વિશે પ્રતિકૂળ ટિપ્પણી કરી છે. એ વાત પણ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટે ગોધરા અને ત્યાર બાદનાં તોફાનોના કેસની તપાસ કરવા માટે જ્યારે SITની રચના કરી હતી, ત્યારે ઝકિયા જાફરી સહિત તોફાનોના પીડિતો ઉપરાંત તિસ્તા સેતલવાડની સંસ્થાની પણ અરજ સાંભળી હતી, જેમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.
આ વિશે તિસ્તા સેતલવાડ સાથે કામ કરતા અને માનવીય હક્કો માટે પ્રયત્નશીલ ફાધર સેડ્રિક પ્રકાશ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ તિસ્તા સેતલવાડની સંસ્થા 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની ગવર્નિંગ બોડીના સભ્ય છે, તેમજ ગુજરાતનાં તોફાનોના પીડિતો માટે 2002થી કામ કરી રહ્યા છે.
ફાધર સેડ્રિક પ્રકાશે કહ્યું, "SITની રચના ઝકિયા જાફરી અને તિસ્તા સેતલવાડની કોર્ટમાં રજૂઆત બાદ થઈ હતી. સુપ્રીમ કોર્ટે એકથી વધુ વખત તિસ્તા સેતલવાડની મદદ લીધી છે, જેના પછી વિવિધ ઑર્ડર પસાર કરવામાં આવ્યા હતા."
"તિસ્તાએ કોર્ટને રજૂઆત કરી હતી અને માનનીય સુપ્રીમ કોર્ટે તેમની વાત માની પણ હતી. તેને કારણે જ ગુજરાતના ચીફ સેક્રેટરીને સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું. હવે જ્યારે આ નવો ઑર્ડર જોઈએ છીએ તો લાગે છે કે બે અલગઅલગ સંસ્થાઓએ આ ઑર્ડર પસાર કર્યો છે, સુપ્રીમ કોર્ટનું વલણ બિલકુલ બદલાઈ ગયું છે."
SITએ પોતાના રિપોર્ટમાં કોર્ટને કહ્યું છે કે તિસ્તાએ કોર્ટમિત્ર અથવા તો અમાઇકસ ક્યૂરીને એકથી વધુ વખત મદદ કરી છે. આ કોર્ટમિત્રને તિસ્તાની સામે કોઈ ફરિયાદ પણ ન હતી. કોર્ટમિત્ર કે અમાઇકસ ક્યૂરીએ તિસ્તા પાસેથી મળેલી માહિતી પ્રમાણેનો રિપોર્ટ પણ કોર્ટમાં સુપ્રત કર્યો હતો.
બીજી બાજુ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની રજૂઆત દરમિયાન તિસ્તા વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે તિસ્તા આ કેસ માત્ર એટલા માટે લડી રહ્યાં હતાં કે તેઓ રાજ્ય સરકારને બદનામ કરી શકે, તેમજ તેઓ ઝકિયા જાફરીને પોતાનો હાથો બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યાં હતાં.
'સુપ્રીમ કોર્ટેને પહેલાં એવું લાગતું હતું કે ગુજરાતમાં બધું બરાબર નથી'
ઘણા નિષ્ણાતો માને છે કે તેમની આ રજૂઆતના આધારે સુપ્રીમ કોર્ટે તિસ્તા વિશે ટિપ્પણી કરી હતી.
આ અંગે વધુ વિગત મેળવવા માટે બીબીસીએ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ કામિની જયસ્વાલ સાથે વાત કરી.
કામિની જયસ્વાલ કહે છે, "2008માં SIT બની, ગુજરાતથી તોફાનોના કેસ રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં ગયા. સુપ્રીમ કોર્ટે પોતે જ એકથી વધુ વખત કહ્યું છે કે ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નથી, માટે SIT બનાવવાની જરૂર પડી છે."
"ઘણી માહિતી કોર્ટેને તિસ્તા સેતલવાડ કે તેમની સંસ્થા તરફથી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટેને પહેલાં એવું લાગતું હતું કે ગુજરાતમાં બધું બરાબર નથી."
કામિની જયસ્વાલ વધુમાં કહે છે, "SITના જે રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરીને તિસ્તાની સામે પગલાં લેવાની વાત કરી છે તે રિપોર્ટ તો 2012માં કોર્ટને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો. તો છેલ્લાં 10 વર્ષ દરમિયાન કોર્ટે આ રિપોર્ટના આધારે કેમ તિસ્તા અને બીજા લોકોની ધરપકડ ન કરી?"
તેઓ વધુમાં કહે છે કે, "અમાઇકસ ક્યૂરીએ પણ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદી સામે પગલાં ભરી શકાય અને તેમને રિપોર્ટમાં જે માહિતી જોઈતી હતી, તે માટે સેતલવાડે મદદ કરી હતી, તેવું તેમણે ઓન રેકૉર્ડ કહ્યું છે. તો શું તેમની વાત પણ નકારી દેવામાં આવી છે?"
કામિની જયસ્વાલનું ગુજરાત તોફાનોના કેસમાં યોગદાન રહ્યું છે.
જોકે સુપ્રીમ કોર્ટના એક જૂના ઑર્ડરની વાત કરતા સિનિયર વકીલ એસ.એમ. વોરા કહે છે કે, "તે સમયે 2009માં કોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી અને અત્યારે એ જ કોર્ટે તેમને કાવતરાખોર કીધા છે."
"હું માનું છું કે તિસ્તાને માનવીય હક્કો માટે લડનારાં તરીકે જોવા જોઈએ. તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં તેઓ સીએએ-એનઆરસી સમયે આસામમાં લઘુમતીઓ હક્કોની વાત માટે ત્યાં પણ ગયાં હતાં. કોર્ટે એ સમજવાની જરૂર છે કે આ બધું કરવા પાછળ તિસ્તા સેતલવાડ કે શ્રીકુમાર જેવી વ્યક્તિઓનો શો ઉદ્દેશ્ય હોઈ શકે?"
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો