તિસ્તા સેતલવાડ : વિવાદોથી લઈને 'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ' બનવાં સુધી

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટના બીજા માળે, એક નાનકડા ઓરડામાં પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે 65 વર્ષનાં તિસ્તા સેતલવાડ પોતાના વકીલ સાથે વાત કરી રહ્યાં હતાં.

ધરપકડ અને મેડિકલ ટેસ્ટ કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચ તિસ્તાને કોર્ટમાં લઈ આવી હતી.

જોકે, આ દરમિયાન તેઓ મીડિયા સાથે વાત ન કરે એની ખાસ તકેદારી ક્રાઇમ-બ્રાન્ચે રાખી હતી. પોલીસનો જાપતો એવો હતો કે મીડિયાની સામે આવી જાય અને તિસ્તા દૂરથી પણ કંઈ બોલી ના દે એ માટે તેમને પાછલા બારણેથી કોર્ટમાં લાવવામાં આવ્યાં હતાં.

આટલી તકેદારી રાખવાનું કારણ કદાચ એ હતું કે મુંબઇસ્થિત તેમના ઘરેથી એમની અટકાયત કરાયા બાદ ક્રાઇમ-બ્રાન્ચ જ્યારે તેમને અમદાવાદ લાવી હતી ત્યારે તેમણે મીડિયા સમક્ષ પોલીસ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો અને પોતાના હાથનાં નિશાન પણ બતાવ્યાં હતાં.

જોકે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ક્રાઇમ-બ્રાન્ચના ચૈતન્ય માંડલિકે પત્રકારપરિષદ દરમિયાન આ મામલે વાત કરતાં કહ્યું હતું કે તિસ્તાને કોઈ પણ ફરિયાદ હોય તો એ કોર્ટ સમક્ષ કહી શકે છે.

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે તેમને ખોટા દસ્તાવેજો બનાવવા અને કાવતરું ઘડવા જેવા વિવિધ આરોપસર 1 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધાં છે. 2 જુલાઈએ તેમને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે.

તિસ્તા સેતલવાડ ગુજરાતનાં રમખાણોમાં સરકાર સામે ઊભાં રહે છે અને એટલે જ તેમને હેરાન કરવામાં આવતા હોવાનું તેમના મિત્રોનું માનવું છે.

તિસ્તાએ લગભગ એક દાયકા સુધી પત્રકારત્વ કર્યું છે. તેમણે વિવિધ અખબારો માટે 1984નાં હુલ્લડો, બાબરી મસ્જિદના ધ્વંસ પછીનાં રમખાણોનું કવરેજ કર્યું છે.

તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદે સાથે મળીને 'કમ્યુનલ કૉમ્બેટ' નામે મૅગેઝિન શરુ કર્યું હતું. માનવાધિકાર માટે કામ કરનારા લોકો સાથે તેમણે કામ કર્યું છે.

ગુજરાતનાં હુલ્લડો સંદર્ભે તેમણે અનેક વખત લખ્યું છે. છેક સંયુક્ત રાષ્ટ્ર સુધી તેમણે ગુજરાતનાં રમખાણોની વાત કરી છે.

કૉંગ્રેસના દિવંગત નેતા અહેસાન જાફરીનાં પત્ની સાથે મળીને તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી કેટલીય વખત સરકારી અધિકારીઓને પડકાર્યા હતા.

તેમની બિનસરકારી સંસ્થા 'સિટીઝન ફૉર જસ્ટીસ ઍન્ડ પીસ'માં ગુજરાતનાં રમખાણોનો ભોગ બનેલા લોકોના નામે ભેગા થયેલા કરોડો રૂપિયાના ફંડનો અંગત ઉપયોગ કરવાનો પણ આરોપ છે.

ગૃહમંત્રી અમિત શાહે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેટલાય લોકો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકારને બદનામ કરવા આરોપ લગાવ્યો હતો.

તેમને ઇશારો તિસ્તા સેતલવાડ અને તેમની સાથે કામ કરનારા બીજા લોકો તરફ હોવાનું કેટલાક લોકો માને છે.

તિસ્તા સેતલવાડ અને ગુજરાત

વર્ષ 2002નાં રમખાણો બાદ તિસ્તાનો ગુજરાત સાથેનો સંબંધ વધારે મજબૂત બન્યો હતો. જોકે, એ પહેલાંથી જ તેઓ ગુજરાતની રાજકીય પ્રવૃતિઓ અને ગુજરાતનાં પાઠ્યપુસ્તકોમાંથી લઘુમતીઓ અંગેના પાઠને હઠાવી દેવાના મુદ્દે સતત લખતાં રહ્યાં હતાં, કામ કરતાં રહ્યાં હતાં.

ગોધરાકાંડ પછીનાં હુલ્લડોનો ભોગ બનેલા લોકો માટે તેમણે પતિ જાવેદ આનંદ તથા બીજા કર્મશીલો સાથે મળીને 'સિટીઝન ફૉર જસ્ટીસ ઍન્ડ પીસ' નામની સંસ્થા બનાવી હતી.

એ સંસ્થા મારફતે તેમણે કોર્ટમાં વિવિધ અરજીઓ કરીને પીડિતોને ન્યાય અપાવવાનું કામ કર્યું હતું.

વર્ષ 2013માં ગુલબર્ગ સોસાયટીના અમુક લોકોએ તિસ્તા સેતલવાડ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના બૅન્કખાતામાં 88 લાખ રૂપિયા અને અન્ય એક બૅન્કખાતામાં 66 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરી હતી. આરોપ અનુસાર હુલ્લડોનો ભોગ બનેલા લોકોની મદદ માટે આ રકમ તેમને મળી હતી.

ગુલબર્ગ સોસાયટીના આશરે 12 જેટલા લોકોએ આ આરોપ લગાવ્યા હતા.

જોકે, થોડા મહિના બાદ જ ગુલબર્ગ સોસાયટીના જ સભ્યોએ એક પત્ર લખીને અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસને જણાવ્યું હતું કે તેમની સોસાયટીના લેટરહેડનો કોઈએ દુરોપયોગ કર્યો હતો અને તિસ્તા પર આરોપ લગાવ્યા હતા.

તિસ્તા સેતલવાડ ગુલબર્ગ સોસાયટીને એક મ્યુઝિયમ તરીકે વિકસિત કરવા માગતાં હતાં પણ એ દિશામાં કોઈ નક્કર કામ થઈ શક્યું નહોતું.

તિસ્તા ગુજરાતમાં વિવિધ લોકો સાથે મળીને કામ કરતાં હતાં. ફાધર સૅડ્રીક પ્રકાશ આમાના એક છે. 'સિટીઝન ફૉર જસ્ટીસ ઍન્ડ પીસ'ની ગવર્નિંગ બૉડીમાં તેઓ સભ્ય છે.

તેઓ છેલ્લાં 25 વર્ષથી તિસ્તા સાથે કામ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં ફાધર સૅડ્રીક પ્રકાશ જણાવે છે, "તિસ્તાના દાદા ભારતના ઍટર્ની જનરલ હતા. તેમણે પોતે કાયદાનો અભ્યાસ કર્યો છે. કોઈ કૉર્પોરેટ કંપનીમાં જોડાઈને સારું જીવન જીવવાની તેમની પાસે કેટલીય તકો હતી પણ તેમણે ભારતીય બંધારણનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. "

"રમખાણોનો ભોગ બનેલા લોકો માટે કામ કરવા માટે તેઓ 2002 પછી ગુજરાત આવ્યાં. તેમણે છેક સંયુક્ત રાષ્ટ્ર સુધી તોફાનોની વાત પહોંચાડી હતી. મને એ વાતનો અફસોસ છે કે મદદ કરવા માટે જે વ્યક્તિ સામે આવી એ જ આજે પોલીસની કેદમાં છે. "

તિસ્તાનાં પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આગળ શું કરવું એ અંગે વિચારાશે એવું તેઓ કહે છે.

તિસ્તા સેતલવાડ અને રમખાણપીડિતોનો નાતો

ગુજરાતનાં રમખાણો બાદ વર્ષ 2002માં વિવિધ કૅમ્પોમાં તિસ્તા સેતલવાડ અને તેમની ટીમ કામ કરી રહી હતી એ વખતે તેઓ અનેક લોકોને મળ્યાં હતાં.

તિસ્તાની ધરપકડ બાદ બીબીસી ગુજરાતીએ કેટલાય તોફાનપીડિતો સાથે વાત કરી અને મોટા ભાગના લોકોનું કહેવું હતું કે જો તિસ્તા ના હોત તો કદાચ તેમને ન્યાય મળ્યો જ ના હોત!

રમખાણોએ દારા મોદીના પુત્ર અઝહર મોદીનો ભોગ લઈ લીધો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દારા જણાવે છે, "અમને તો ક્યાં કઈ ખબર પડતી હતી કે ન્યાય માટે શું કરવું જોઈએ! જો તિસ્તા સેતલવાડની મદદ ન મળી હોત તો અમને ન્યાય ના મળ્યો હોત. તિસ્તાબહેન આવ્યાં એ બાદ યોગ્ય તપાસ ચાલી, એ પહેલાં તો તપાસના નામે માત્ર નિવેદનો જ લેવાઈ રહ્યાં હતાં. "

કંઈક આવું જ ગુલબર્ગ સોસાયટીના બંગલો નંબર 8માં રહેતા સાયરાબહેન સંધી જણાવે છે.

તેઓ કહે છે, "અમે જ્યારે કૅમ્પમાં હતાં ત્યારે પ્રથમ વખત તેમની સાથે સંપર્ક થયો હતો. ત્યારથી હજુ સુધી તેમણે ક્યારેય અમારી મદદ કરવાનો ઇન્કાર કર્યો નથી. અમે તેમની મદદ માગી હતી અને એ બાદ જ જે લોકોએ મારા 24 વર્ષના દીકરાને મારી નાખ્યો હતો એમને જેલમાં જવું પડ્યું હતું."

'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ'

ગુજરાતનાં હુલ્લડો બાદ તિસ્તા સેતલવાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુંજવા લાગ્યું હતું.

તેમની ધરપકડ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના રક્ષણની બાબતનાં વિશેષ દૂત મૅરી લૉવલોરે તિસ્તાને 'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ' ગણાવ્યાં છે

લૉવલોરે ટ્વિટર પર લખ્યું, "ગુજરાત પોલીસ દ્વારા ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા તિસ્તા સેતલવાડની અટકાયત કરાતાં ચિંતિત છું. તિસ્તા નફરત અને ભેદભાવ સામેનો મજબૂત અવાજ છે. માનવાધિકારનું રક્ષણ કરવું એ ગુનો નથી. હું એમની મુક્તિની અને ભારત સરકાર અત્યાચાર બંધ કરે એની માગ કરું છું."

આવી જ રીતે ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ પણ તેમની ધરપકડની ઘટનાને વખોડી કાઢી છે.

2014માં તિસ્તાએ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનો 30 ટકા જેટલો સમય તેમની પર કરાયેલા કેસને લડવામાં વિતાવે છે.

તેમણે કહ્યું હતું, "જો સમાજમાં શાંતિ જોતી હોય તો પહેલાં માની લેવું જરૂરી છે કે સમાજમાં ક્યાંક કંઈ ખોટું થયું છે. સમાજે એ ખોટા કામનું સમાધાન આપવું પડશે."

તિસ્તા સેતલવાડ સામે કાયદાકીય કાર્યવાહીથી પીયુસીએલ નારાજ

સેતલવાડની ધરપકડ બાદ ગુજરાતના અનેક પ્રબુદ્ધ નાગરિકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક પ્રેસ કૉન્ફરન્સમાં આવા ઘણા નાગરિકોએ સેતલવાડની ધરપકડને વખોડી કાઢી હતી.

આ પ્રેસ કૉન્ફરન્સમાં પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના પ્રતિનિધિ અમીસ રૉયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં નોંધ્યું છે કે તિસ્તા સેતલવાડ અને બીજા લોકો જાણી જોઈને આ મુદ્દાને જીવિત રાખવાનો પ્રયાસ કરે છે અને તેની પાછળ તેમનો બદઇરાદો છે. તેવી નોંધ દૂર કરવી જોઈએ કારણ કે તે નોંધને આધારે રાજ્ય સરકારે ફરિયાદ નોંધી છે અને જે લોકો હજી સુધી રમખાણોના ભોગ બનેલા લોકો માટે કામ કરી રહ્યા હતા તેમની જ સામે ફરિયાદ કરી છે.

આ વિશે વધુ વાત કરતા, વરિષ્ઠ ઍડવોકેટ આનંદ યાજ્ઞિક કહે છે કે, "એ વાતને સમજવી પડે કે અમને સુપ્રીમ કોર્ટની નિષ્ઠા અને ઇમાનદારી પર પૂરો ભરોસો છે, અને ખાત્રી છે કે તે ભારતીય સંવિધાન અને તેના લોકો માટે કામ કરે છે. જોકે અમને આ ઑર્ડરનાં એક મુદ્દા સામે વાંધો છે જેની જરૂરીયાત, ન્યાયની તપાસની દૃષ્ટિએ બિલકુલ ન હતી. સુપ્રીમ કોર્ટ સામે એ અરજી હતી કે શું આ તોફાનોમાં સરકાર કે તેના અધિકારીઓ કે મંત્રીઓની કોઈ ભૂમિકા છે કે નહીં પરંતુ તેની વિપરિત આ સવાલ કરનારને આરોપીઓ બનાવી દેવમાં આવ્યા છે, તે યોગ્ય નથી."

તિસ્તા સેતલવાડ સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં શું છે?

તિસ્તા, આર. બી. શ્રીકુમાર અને બરતરફ IPS ઑફિસર સંજીવ ભટ્ટ પર બનાવટી દસ્તાવેજો, ગુનાહિત કાવતરા સહિતની ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

ત્રણેય આરોપીઓએ કાયદાની પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવા માટે નિર્દોષ વ્યક્તિઓ સામે ખોટા પુરાવા ઊભા કરવાનું કાવતરું રચ્યું હતું. આ નિર્દોષ વ્યક્તિઓને એવા ગુનામાં ફસાવવા માટે પ્રયત્ન કરાયા હતા કે જેમાં તેમને ફાંસીની સજા પણ થઈ શકતી હતી.

આ સિવાય SITની તપાસમાં એ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ ઈજા પહોંચાડવાના ઇરાદે નિર્દોષ વ્યક્તિઓ પર નિરાધાર કાયદાકીય કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.

આ સિવાય આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ગુનો બન્યો તે સમયે સરકારી અધિકારી હતા અને તેમણે આ હોદ્દા પર હતા તે દરમિયાન નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા માટે ખોટી માહિતીને સાચા પુરાવા તરીકે રજૂ કર્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો