You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ અને બુલડોઝર : 'એક કોમને ડરાવવા બુલડોઝર ફેરવાઈ રહ્યું છે,' ભાજપશાસિત રાજ્યોમાં જેનાં ઘરો તોડી પડાયાં એ લોકો શું કહે છે?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ચાર વીઘાની જમીનમાં એક મોટું મકાન બનેલું છે, જેની છતમાંથી સળિયા લટકી રહ્યા છે.
બાળકોનાં કપડાં, જૂતાં અને ખુરશી તથા ટેબલ ધૂળથી ખરડાયેલાં એકબીજામાં ગૂંચવાયેલાં પડ્યાં છે.
એસયુવી કારનું રેડિએટર, સ્ટિયરિંગ વ્હીલ અને લોખંડનું બમ્પર એક બીજાથી છૂટાં પડીને ભંગારની જેમ પડ્યાં છે.
એક સમયે જ્યાં રસોડું હતું તેની છત નથી અને તેની ખાલી થઈ ગયેલી છાજલી પર કબૂતરોએ માળો બાંધી દીધો છે.
માર્યા ગયેલા વિકાસ દુબેના આ તૂટી ગયેલા ઘરને જોવા માટે કોઈ બહારથી પૂછપરછ કરે કે આવે ત્યારે આસપાસનાં ઘરોમાંથી લોકો ડોકિયું કરીને જોઈ લે છે, પણ આ ખંડિયેરમાંથી કોઈની એક ઈંટ પણ ઉપાડી જવાની હિંમત નથી.
ખંડિયેર થઈ ગયેલા આ આલિશાન ઘર પર જુલાઈ, 2020માં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બિકરુ ગામમાં આવેલા આ મકાનમાં ગૅંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીઓ ભરાઈને બેઠા હતા અને તેમને પકડવા આવેલા આઠ પોલીસ કર્મચારીઓને ઠાર કરીને ફરાર થઈ ગયા હતા.
એક અઠવાડિયા પછી મધ્ય પ્રદેશમાંથી વિકાસ દુબેને પકડી લેવાયો હતો અને કથિત ઍન્કાઉન્ટરમાં તેનું મોત થઈ ગયું હતું. બાદમાં તેના ઘરને બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવાયું તેની તસવીરો ટીવી ચેનલો પર દેશભરના લોકોએ જોઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુલડોઝરની 'લોકપ્રિયતા'
બુલડોઝર ફરી એક વાર સમાચારોમાં ચમકી રહ્યું છે. ભારતનાં કેટલાંય રાજ્યોમાં અચાનક બુલડોઝરનો ઉપયોગ વધી ગયો છે. ઘણા લોકોને લાગે છે કે રાજકીય હેતુ સાથે હવે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.
અતિક્રમણ દૂર કરવાના નામે બુલડોઝરથી કાર્યવાહી કરવાની શરૂઆત ઉત્તર પ્રદેશમાં થઈ હતી અને તે વિકાસ દુબેના ઘરેથી જ થઈ હતી.
2017માં ભાજપને જીત મળી તે પછી મુખ્ય મંત્રી તરીકે યોગી આદિત્યનાથને સુકાન સોંપવામાં આવ્યું હતું.
તેનાં થોડાં વર્ષો પછી ગૅંગસ્ટર વિકાસ દુબેના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું તેને એક પ્રતીક તરીકે આગળ વધારવાનું યોગી સરકારને બહુ સારી રીતે માફક આવી ગયું છે.
યોગી સરકારે હત્યા અને અપહરણના આરોપી એવા મુખ્તાર અન્સારી અને અતીક અહમદ જેવા નામચીન નેતા સામે પણ કાર્યવાહી કરી હતી.
ગેરકાયદે દબાણો દૂર કરવા માટેની આ કામગીરી છે એમ કહીને કેટલીય કથિત ગેરકાયદે ઇમારતોને તોડી પાડવામાં આવી છે.
યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી પડી ત્યારે ભાજપે યોગી આદિત્યનાથને જ પોતાના મુખ્ય મંત્રીના ઉમેદવાર તરીકે આગળ કરીને વિપક્ષ સામે પડકાર ફેંક્યો હતો.
તે વખતે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે એક ચૂંટણી સભામાં બુલડોઝર ફેરવી દેવાની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, "આ વખતે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે યોગીનું નામ બદલીને બાબા બુલડોઝર કરી નાખ્યું છે. આ હું નહીં એક અખબાર કહી રહ્યું છે".
અખિલેશ યાદવે કટાક્ષમાં આમ કહ્યું હતું, પણ ભાજપને પોતાના મતદારોને રાજી કરવાનો એક મોકો મળી ગયો.
હવે દરેક ચૂંટણી સભામાં બુલડોઝરનો ઉલ્લેખ થવા લાગ્યો, "અપરાધીઓને નાથવા માટે બુલડોઝર ચાલશે" એવું ભાષણમાં કહેવાનું અનિવાર્ય થવા લાગ્યું.
એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં યોગી આદિત્યનાથ એક હેલિકૉપ્ટરમાં કોઈ સભા માટે જઈ રહ્યા છે ત્યારે હસતાં ચહેરે જણાવી રહ્યા છે, "જુઓ ત્યાં બુલડોઝર પણ આવી પહોંચ્યાં છે મારી સભા માટે".
ગેરકાયદે દબાણો દૂર કરવાની વાતને ચૂંટણી સભાઓમાં અલગ રીતે હવે રજૂ કરવામાં આવી રહી હતી. સવાલ એ છે કે શું અગાઉ ક્યારેય આવું થયું હતું ખરું?
ઉત્તર પ્રદેશના જનમોરચા અખબારનાં તંત્રી અને વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તા યાદ કરતાં કહે છે, "અમે ભણતાં હતાં ત્યારે ઇંદિરા ગાંધીના વખતમાં તુર્કમાન ગેટ પર આવું થયું હોવાનું સાંભળ્યું હતું. આવી રીતે બુલડોઝર ફેરવી દેવાની વાતની બહુ જ ટીકા થઈ હતી અને સરકારની ઇમર્જન્સીની નીતિને પણ કોઈએ સ્વીકારી નહોતી".
આ બાજુ યોગી સરકાર હવે બુલડોઝર ચલાવી દેવાનાં વચનો આપી રહી હતી અને કાર્યવાહી પણ કરી રહી હતી.
જુદાજુદા જિલ્લાઓમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીનો ગરીબ, વંચિત લોકો પણ ભોગ બની રહ્યા હતા.
આઝમગઢમાં કેટલીય જગ્યાએ 'અતિક્રમણ' હઠાવવા બુલડોઝર ચલાવાયું હતું, તેમાં ગોધૌરા ગામમાં અમારી મુલાકાત રામ નારાયણ સાથે થઈ હતી. તેઓ 20 વર્ષથી સરકારી ગૌચરની જમીનમાં અનેક દલિત પરિવારો સાથે ઝૂંપડી બનાવીને રહેતા હતા.
આ જમીન પર પોતાનો માલિકી હક નથી, તે વાતનો સ્વીકાર કરતા રામ નારાયણ કહે છે, "અમને તો ગામના મુખીએ અહીં વસાવ્યા હતા."
તેઓ કહે છે, "વારંવાર દલિતોનાં મકાનો જ તોડી નાખવામાં આવી રહ્યાં છે. ગેરકાયદે કબજાની વાત હોય તો યાદવ લોકો પણ વસ્યા છે, બાઉ સાહેબ વસ્યા છે, રાયસાહેબ વસ્યા છે. આ બધા જ સરકારી જમીન પર વસવાટ કરી રહ્યા છે, પણ કોઈને હઠાવાયા નથી. માત્ર અમારી સામે જ કેસ ચાલતો હતો અને મકાનો તોડી પડાયાં ત્યારે પણ કેસ ચાલી રહ્યો હતો. અગિયાર વાગ્યે અમને નોટીસ આપીને બાર વાગ્યે અમારાં મકાનો તોડી પાડવામાં આવ્યાં".
2022ની ચૂંટણી આવા માહોલમાં યોજાઈ ગઈ અને ભાજપની આ નીતિ ચાલી ગઈ હોય તેમ તેને જીત પણ મળી ગઈ. પરિણામો હજી પૂરાં જાહેર થયાં નહોતાં ત્યારે પણ ભાજપના મુખ્ય કાર્યાલયની નજીક પણ ટેકેદારો બુલડોઝરમાં ભરી ભરીને આવી ગયા હતા.
ખુદ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે "અમારી સરકાર માત્ર વિકાસ નથી કરતી, અમારી સરકાર બુલડોઝરનો પણ ઉપયોગ કરવા લાગી છે".
જીત પછી ચાહકોએ પોતાના ચહેરા પર બુલડોઝરના નિશાન ચિતરાવ્યાં હતાં. બૅકગ્રાઉન્ડમાં "યોગી હૈ બુલડોઝર કે મહારાજ" એવું ગીત પણ વાગી રહ્યું હતું અને હોળીની જેમ બુલડોઝરને ગુલાલથી રંગવામાં આવી રહ્યું હતું.
સંક્ષિપ્તમાં: યુપીમાં ધડાધડ ચાલી રહેલા બુલડોઝરથી ધ્વસ્ત કોણ થાય છે - ન્યાય કે અન્યાય?
- અતિક્રમણ દૂર કરવાના નામે બુલડોઝરથી કાર્યવાહી કરવાની શરૂઆત ઉત્તર પ્રદેશમાં થઈ હતી અને તે વિકાસ દુબેના ઘરેથી જ થઈ હતી.
- અખિલેશ યાદવે એક ચૂંટણીસભામાં કહ્યું હતું કે, "એક અખબારે યોગીનું નામ બદલીને બાબા બુલડોઝર કરી નાખ્યું છે. આ હું નહીં એક અખબાર કહી રહ્યું છે".
- એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં યોગી આદિત્યનાથ એક હેલિકૉપ્ટરમાં કોઈ સભા માટે જઈ રહ્યા છે ત્યારે હસતાં ચહેરે જણાવી રહ્યા છે, "જુઓ ત્યાં બુલડોઝર પણ આવી પહોંચ્યાં છે મારી સભા માટે".
- જીત પછી ચાહકોએ પોતાના ચહેરા પર બુલડોઝરનાં નિશાન ચિતરાવ્યાં હતાં. બૅકગ્રાઉન્ડમાં "યોગી હૈ બુલડોઝર કે મહારાજ" એવું ગીત પણ વાગી રહ્યું હતું અને હોળીની જેમ બુલડોઝરને ગુલાલથી રંગવામાં આવી રહ્યું હતું.
- આઝમગઢમાં કેટલીય જગ્યાએ 'અતિક્રમણ' હઠાવવા બુલડોઝર ચલાવાયું હતું, તેમાં ગોધૌરા ગામમાં અમારી મુલાકાત રામ નારાયણ સાથે થઈ હતી. તેઓ કહે છે, "વારંવાર દલિતોનાં મકાનો જ તોડી નાખવામાં આવી રહ્યાં છે."
- ભાજપશાસિત બીજાં રાજ્યોમાં પણ બુલડોઝર ચલાવવાનું શરૂ થઈ ગયું. ચૂંટણીઓ જીતવા માટે બુલડોઝર 'જીતની ફૉર્મ્યુલા' છે એવું તેમને લાગ્યું હશે.
- કાનપુરના સ્વરૂપનગરમાં એક કૉમર્શિયલ બિલ્ડિંગને તોડી પડાઈ. નોટિસમાં જણાવાયું હતું કે આ ઇમારતનો ઘણો હિસ્સો ગેરકાયદે છે.
- દરમિયાન કાનપુર પોલીસે જણાવ્યું કે "આ એ લોકોની બિલ્ડિંગ હતી જેમનું કનેક્શન હિંસા અને વિરોધપ્રદર્શન કરનારા લોકો સાથે હતું".
- પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ મહોમ્મદનું ઘર પણ બુલડોઝરથી તોડી પડાયું અને સરકારે કહ્યું કે આ ગેરકાયદે બાંધકામનો મામલો હતો.
- સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો અને સિનિયર વકીલોએ યોગી સરકારના આ પગલા સામે સવાલ ઉઠાવીને સુઓમોટો માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી.
- અલાહાબાદ હાઈકોર્ટના જાણીતા વકીલ રવિ કિરણ જૈનનું માનવું છે કે, "સીધું જ બુલડોઝર ચલાવી દેવું તે ભારતીય બંધારણનું ઉલ્લંઘન જ છે".
- ઘણા જાણકારો કહે છે કે ગેરકાયદે દબાણો હઠાવવા માટેની કામગીરી બાદ હવે બુલડોઝરને લઘુમતી તરફ ફેરવી દેવામાં આવ્યું છે.
- જે રાજ્યમાં બુલડોઝરથી કાયદા પાલનની શરૂઆત થઈ ત્યાં હવે તેને ગૂડ ગવર્નન્સનું મૉડલ બતાવાઈ રહ્યું છે.
બીજાં રાજ્યોએ પણ અપનાવી 'જીતની ફૉર્મ્યુલા'
ભાજપશાસિત બીજાં રાજ્યોમાં પણ બુલડોઝર ચલાવવાનું શરૂ થઈ ગયું. ચૂંટણીઓ જીતવા માટે બુલડોઝર 'જીતની ફૉર્મ્યુલા' છે એવું તેમને લાગ્યું હશે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રીને ખ્યાલ છે થોડાં વર્ષોમાં ચૂંટણીઓ આવવાની છે. ગત વખતે હાર મળી હતી અને કૉંગ્રેસ તોડીને સરકાર બનાવવી પડી છે.
શિવરાજસિંહે એક સભામાં કહ્યું કે, "શિવનીમાં બુલડોઝર ચાલ્યું છે, શિવપુરમાં ચાલ્યું છે, જાવરામાં એક મકાનને આપણે પાડીને મેદાન બનાવી દીધું છે. ગુંડાગીરી કરવાવાળાઓ મધ્ય પ્રદેશમાં તમારું અસ્તિત્વ ખતમ કરી દેવાશે".
હવે બુલડોઝર બાબાની જેમ બુલડોઝર મામા અને બુલડોઝર જસ્ટિસ એવા શબ્દપ્રયોગો પણ થવા લાગ્યા.
પયગંબર મહમદ વિશે ભાજપનાં એક નેતાની વિવાદાસ્પદ ટીપ્પણી પછી ભારતમાં ઘણી જગ્યાએ મુસ્લિમોએ દેખાવો કર્યા અને ઘણી જગ્યાએ પથ્થરમારો પણ થયો.
તેની સામે કાર્યવાહી કરીને પ્રયાગરાજ, સહારનપુર અને કાનપુરમાં કેટલીય જગ્યાએ મકાનોને બુલડોઝરથી તોડી પડાયાં. આ મકાનો "ગેરકાયદે હતાં અને પાલિકાએ તેમને અગાઉથી નોટીસો આપેલી જ હતી" એમ જણાવીને મકાનો તોડી પડાયાં.
દાખલા તરીકે કાનપુરના ભદ્ર વિસ્તાર સ્વરૂપનગરમાં આવું થયું હતું.
અહીંની એક કૉમર્શિયલ બિલ્ડિંગને તોડી પડાઈ. તેની પર નોટીસ ચોંટાડેલી હતી, જેમાં જણાવાયું હતું કે આ ઇમારતનો ઘણો હિસ્સો ગેરકાયદે છે. દરમિયાન કાનપુર પોલીસે જણાવ્યું કે "આ એ લોકોની બિલ્ડિંગ હતી જેમનું કનેક્શન હિંસા અને વિરોધપ્રદર્શન કરનારા લોકો સાથે હતું".
આ બિલ્ડિંગના માલિકે અમને જણાવ્યું કે "હાલમાં હું તમારી સાથે કૅમેરા પર વાત કરી શકું તેમ નથી". તેમણે કહ્યું, "મારી માનસિક સ્થિતિ તમારી સાથે વાત કરી શકાય તેવી નથી".
એક દિવસ પહેલાં તેઓ અમારી સાથે વાત કરવા તૈયાર થઈ ગયા હતા અને ફોન પર કહ્યું પણ હતું કે "વિરોધ અને હિંસા કરનારા લોકો સાથે મારો કોઈ જ સંબંધ નથી. મારી બિલ્ડિંગ તોડી નાખતાં પહેલાં મને કોઈ નોટીસ આપવામાં આવી નહોતી".
કાર્યવાહી સામે સવાલો
દેખીતી રીતે જ તોફાનો પછી ઉત્તર પ્રદેશની સરકારે તરત કાર્યવાહી કરી તેની સામે સવાલો ઊભા થયા છે.
વારાણસીનાં ગાંધી અધ્યયન પીઠનાં સમાજશાસ્ત્રી મુનીઝા ખાન કહે છે, "યુપીમાં આ સરકારે સત્તા સંભાળી છે ત્યારે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઊચું હતું".
તેઓ કહે છે, "હાલ તો બુલડોઝરનું રાજકારણ ચાલી રહ્યું છે તે બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે અને તેનો ઇરાદો એક કોમને ડરાવીને રાખવાનો છે. મતલબ તમે કેટલાક લોકોને કહેશો કે કંઈ પણ બોલ્યા તો બુલડોઝર ફેરવી દઈશું. તમારા ઘરમાં દરોડા પાડીશું અને કંઈક મળશે તો કહીશું કે વાંધાજનક વસ્તુઓ મળી છે, લખાણ મળ્યું છે, સાહિત્ય મળ્યું છે".
પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ મહોમ્મદનું ઘર પણ બુલડોઝરથી તોડી પડાયું અને સરકારે કહ્યું કે આ ગેરકાયદે બાંધકામનો મામલો હતો.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો અને સિનિયર વકીલોએ યોગી સરકારના આ પગલા સામે સવાલ ઉઠાવીને સુઓમોટો માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી.
દરમિયાન મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે 'ગુનેગારો/માફિયાઓ સામે બુલડોઝરની કાર્યવાહી સતત ચાલતી રહેશે.'
પ્રયાગરાજમાં પણ ચાલ્યું બુલડોઝર
પ્રયાગરાજના કરેલી વિસ્તારનું જાવેદનું મકાન તોડી પડાયું. તેમના પડોશીઓ આ વિશે વાત કરવા તૈયાર નથી, પણ કાર્યવાહી સામે સવાલો ઊભા જ છે.
જાવેદનાં પત્નીનો દાવો છે કે ઘર તેમના નામે છે અને સમયસર બધા ટૅક્સ ભર્યા છે. નોટિસ પતિના નામે આવી હતી, પણ પ્રોપર્ટી તેમની માલિકીની છે જ નહીં.
જોકે પ્રયાગરાજ પાલિકાનું કહેવું હતું કે આ ગેરકાયદે બાંધકામ હતું અને નોટિસ આપવામાં આવી તેની સાથે હિંસાના મામલાનો કોઈ સંબંધ નથી.
જોકે આ વિસ્તારના મોટા ભાગના લોકો નારાજ છે, પણ ચૂપ છે અને કૅમેરા સામે આવીને વાત કરવા તૈયાર નથી.
કાયદાકીય પ્રક્રિયા કરીને આ કામગીરી થઈ છે કે કેમ તેની ટીકા વધી તે પછી બુલડોઝરનો મામલો લઈને નિવૃત્ત ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અલાહાબાદ હાઈકોર્ટના જાણીતા વકીલ રવિ કિરણ જૈનનું માનવું છે કે, "સીધું જ બુલડોઝર ચલાવી દેવું તે ભારતીય બંધારણનું ઉલ્લંઘન જ છે".
તેઓ કહે છે, "નોટિસ આપવી જોઈએ, યોગ્ય તક આપવી જોઈએ અને સુનાવણીની તક આપવી જોઈએ. એવું ના થાય ત્યારે તેને ગેરકાયદે કામગીરી ગણવામાં આવે. ક્રિમિનલ કેસમાં પણ કોઈનું ઘર તોડી શકાય નહીં. આવાસનો અધિકાર પણ લોકોને મળેલો છે".
સુપ્રીમ કોર્ટમાં જવાબમાં યોગી સરકારે જણાવ્યું હતું કે કોઈ ભેદભાવ વિના કામગીરી થઈ રહી છે અને પાલિકાના નિયમો અનુસાર થઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં સૂર્ય પ્રતાપસિંહ જેવા કેટલાક લોકો આ વિશે કહે છે, "યોગીજીનું બુલડોઝર સફળ છે. ગરબડ કરનારા કે તોફાનો કરનારા સામે જ તે ચલાવવામાં આવી રહ્યું છે. ગરીબ લોકો પર ચાલી રહ્યું નથી."
રાયબરેલી જિલ્લાના ટ્રક ડ્રાઇવર રમેશકુમાર પણ અમને મળ્યા, જેમનું કહેવું છે કે, "આ માત્ર બદલાની ભાવનાથી થઈ રહ્યું છે. વિરોધ કરે તેનું ઘર તોડી નાખો. તમે શું કરી લેશો? તમારી જેવા કેટલાક લોકો સાચી વાત જણાવી રહ્યા છે, બાકી તો ચેનલો પણ વેચાઈ ગયેલી છે? અમે લોકોએ બાબાસાહેબને, ચંદ્રશેખરને, સુભાષચંદ્ર બોઝને વાંચ્યા છે. આગામી પેઢી કોને વાંચશે? કોને યાદ કરશે, કોના પગલે ચાલશે. આ લોકોના?"
ઘણા જાણકારો કહે છે કે ગેરકાયદે દબાણો હઠાવવા માટેની કામગીરી બાદ હવે બુલડોઝરને લઘુમતી તરફ ફેરવી દેવામાં આવ્યું છે.
દાખલ તરીકે દિલ્હીના જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવાયું ત્યારે ભાજપના નેતાએ કહેલું કે આ તો તોફાનીઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની કાર્યવાહી છે.
વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તાના જણાવ્યા અનુસાર, "2022ની ચૂંટણીનાં પરિણામો વખતે લોકો બુલડોઝર પર ચડીને નાચી રહ્યા હતા. સ્ત્રીઓ તેની પૂજા કરી રહી હતી. આપણે કઈ સંસ્કૃતિ, કયા દેશ અને કયા બંધારણની વાત કરી રહ્યા છીએ? રાજકીય લાભ લેવાની વાત જુદી છે, કેમ કે રાજકીય નેતા કહેતા હોય છે કે અમે રિટર્ન ગિફ્ટ આપી દીધી અને પછી અદાલતમાં જાય ત્યારે કહી દે કે આ તો ગેરકાયદે બાંધકામ હતું."
જે રાજ્યમાં બુલડોઝરથી કાયદાપાલનની શરૂઆત થઈ ત્યાં હવે તેને ગૂડ ગવર્નન્સનું મૉડલ બતાવાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય ચૌધરી ગીતાનું નામ લઈને કહે છે, "પરિત્રાણાય ચ સાધુ નામ, વિનાશાય ચ દુષ્કૃતામ. એટલે કે સરકાર યોગ્ય કરી હોય ત્યારે તેની સાથે રહેવું જોઈએ. જે લોકો શોષણ કરે છે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવી પડે. કાયદાના શાસનનો આ પાયાનો સિદ્ધાંત છે".
મેં પૂછ્યું કે, "બુલડોઝરથી ન્યાય આપવાનું કામ સરકારનું નથી. ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રનું છે. તો શું ફટાફટ ન્યાય આપવાના ચક્કરમાં કાયદાકીય પ્રક્રિયા પાળવામાં નથી આવતી?"
સંજય ચૌધરીએ જવાબમાં કહ્યું, "લોકતંત્રમાં જનતાની અદાલતનો ચુકાદો સૌએ સ્વીકારવો રહ્યો. ગુનેગારો માની બેઠા છે કે તેમને કોઈ પણ નિયમને તોડી નાખવાનો પરવાનો છે. તેમની સામે ઝડપી કાર્યવાહી થાય તો આવું ના થાય. અમારી સરકારે એટલું મોટું કામ કર્યું છે કે બધાં જ ધર્મસ્થાનો પરથી લાઉડ સ્પીકર ઉતારી લીધા છે અને સૌએ તેને સ્વીકારી પણ લીધું છે".
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો