બુલડોઝર : એ મશીન જેને લીધે ભારતના મુસલમાન ભયમાં છે

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

બુલડોઝરનો આવિષ્કાર લગભગ સો વર્ષ પહેલાં થયો હતો અને ત્યારથી એનો ઉપયોગ ઘરો, ઑફિસો, માર્ગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં થતો આવ્યો છે.

પરંતુ તાજેતરનાં વર્ષોમાં, ઘણા લોકોનું એવું કહેવું છે કે, તે ભારતની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના હાથનું એક શસ્ત્ર બની ગયું છે, જેનો ઉપયોગ અલ્પસંખ્યક (લઘુમતી) મુસલમાનોનાં ઘરો, દુકાનો અને સંપત્તિઓને તોડવા માટે કરવામાં આવી રહ્યો છે.

રાજકીય રૂપે આવાં બુલડોઝર મહત્ત્વના રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે જોવા મળી રહ્યાં છે.

એનું સૌથી તાજેતરનું પરાક્રમ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જોવા મળ્યું, જ્યાં ગયા રવિવારે રાજકીય કાર્યકર્તા જાવેદ મોહમ્મદના ઘરને તોડી પાડવામાં આવ્યું. આરોપ કરાયો કે આ ઘર ગેરકાયદેસર રીતે બનાવાયું હતું. જોકે, પરિવારે આ આરોપને નકાર્યો છે.

આલોચકોનું કહેવું છે કે ઘર તોડવાના વાસ્તવિક કારણને ઇમારતનું નિર્માણ કથિત રીતે ગેરકાયદેસર હોવા સાથે કંઈ લેવાદેવા નથી, બલકે, જાવેદના પરિવારને એમના સરકારના વાચાળ ટીકાકાર હોવાની સજા આપવામાં આવી છે.

ઘર તોડી પાડ્યાના એક દિવસ પહેલાં જ પોલીસે એમની ધરપકડ કરી હતી અને એમના પર પ્રયાગરાજમાં મહમદ પયગંબરના અપમાનની સામે થયેલા હિંસક દેખાવોના 'માસ્ટર માઇન્ડ' હોવાનો આરોપ કરાયો હતો.

'કાયદાની મૂળ ભાવના જ બુલડોઝરથી ધ્વસ્ત'

ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના પયગંબર મહમદ પર વિવાદિત બયાનના કારણે ભારતના મુસલમાન ભારે આક્રોશ પ્રકટ કરી રહ્યા છે અને ગયા શુક્રવારે દેશનાં ઘણાં શહેરોમાં એની વિરુદ્ધ વ્યાપક દેખાવો થયા હતા. ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી કાઢી મૂક્યાં છે પરંતુ દેખાવકારો એમની ધરપકડની માગ કરી રહ્યા હતા.

ભાજપના નેતાઓએ જાવેદ અને પ્રદર્શનમાં સામેલ રહેલા એમના જેવા જ અન્ય લોકોની સામે કરેલી કાર્યવાહીઓનો બચાવ કરતાં કહ્યું છે કે, "આમાં કશું ગેરકાયદેસર નથી."

પરંતુ ધ્વસ્તની આ કાર્યવાહીઓની - જેની સરખામણી ઇઝરાયલે મોટી મશીનરીઓથી પેલેસ્ટિનિયન ઘરો તોડ્યાં તેની સાથે કરવામાં આવે છે - ભારતમાં ટીકા થઈ રહી છે અને દુનિયામાં ચર્ચાઓ પણ થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે "આ સત્તાવાર કાર્યવાહી પર માન્યતાનું પાતળું આવરણ છે." અને "અધિકારી કાયદાની મૂળ ભાવનાને જ બુલડોઝરથી ધ્વસ્ત કરી રહ્યા છે."

એક અપૂર્વ પગલું ભરતાં ઘણા ચર્ચિત પૂર્વ જજો અને વકીલોએ દેશની સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે "બુલડોઝર કાયદાના શાસનનું અસ્વીકાર્ય દમન છે." આ પત્રમાં "મુસલમાનોનું થતું દમન અને એમની સામેની હિંસા"ને રોકવાનો અદાલત સમક્ષ આગ્રહ પણ કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારમાં છપાયેલા એક આકરા લેખમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે લખ્યું છે, "બુલડોઝરને ગેરમાન્ય માળખાં સાથે કંઈ લેવાદેવા નથી, આનો સંબંધ એ સાથે છે કે હું કોણ છું અને હું કયા પક્ષમાં ઊભો છું."

"એને હું સાર્વજનિક રીતે શું બોલું છું એની સાથે લેવાદેવા છે, એ મારી માન્યતાઓ સાથે સંબંધિત છે, મારા સમુદાય સાથે લેવાદેવા છે. મારા હોવા અને મારા ધર્મ સાથે લેવાદેવા છે. એને મારા વિદ્રોહી અવાજ સાથે લેવાદેવા છે. જ્યારે એક બુલડોઝર મારા ઘરને જમીનદોસ્ત કરે છે ત્યારે તે માત્ર એક માળખાને નથી તોડી પાડતું, જેને મેં બનાવ્યું, બલકે તે મારી બોલવાની હિંમતને પણ તોડે છે."

અદાલત શું કહે છે?

બુલડોઝરના ઉપયોગને ભારતની ઉચ્ચ અદાલતમાં પણ પડકારવામાં આવ્યો છે. અદાલતે કહ્યું છે કે, "એનો ઉપયોગ કાયદાની હદમાં રહીને થવો જોઈએ અને બદલો લેવા માટે ના થવો જોઈએ."

બુલડોઝરથી જે ખતરો ઊભો થયો છે તે તાજેતરમાં જ પ્રકટ નથી થયો.

ચાલુ વર્ષે જ્યારે હું ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું કવરેજ કરી રહી હતી ત્યારે મેં એક રસપ્રદ દૃશ્ય જોયું. યોગી આદિત્યનાથના એક રોડ-શોમાં એમના સમર્થક નાનાં નાનાં રમકડાનાં બુલડોઝર લઈને આવ્યા હતા. યોગી આદિત્યનાથ બીજી વાર મુખ્ય મંત્રી બનવા માટે મેદાનમાં હતા અને ચૂંટણી જીતીને ફરીથી મુખ્ય મંત્રી પણ બની ગયા છે.

યોગી આદિત્યનાથના સમર્થકો હાથમાં પ્લાસ્ટિકનાં બુલડોઝર લઈને ટીવી કૅમેરાની સામે નાચી રહ્યા હતા અને ગીત ગાતા હતા 'વો બુલડોઝર વાલા બાબા ફિર સે આયેગા'.

યોગી આદિત્યનાથને સ્થાનિક મીડિયાએ બુલડોઝરબાબા નામ આપ્યું હતું પરંતુ એમના વિપક્ષી અખિલેશ યાદવે પણ એનો ઉપયોગ કર્યો ત્યારે એ નામ એમની સાથે જોડાઈ ગયું.

અખિલેશ યાદવે એનો ઉપયોગ ઉપહાસ તરીકે કર્યો હતો પરંતુ વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાને કહ્યું કે, "ભાજપે એનો પણ ફાયદો લીધો કેમ કે તે એમની એક શક્તિશાળી નેતા તરીકેની છબીને વધારે મજબૂત કરે છે."

ઘણાં શહેરોમાં યોગી આદિત્યનાથની રેલીઓ દરમિયાન બુલડોઝર ઊભાં કરવામાં આવ્યાં અને જ્યારે તેઓ ચૂંટણી જીતી ગયા ત્યારે વિધાનસભાની બહાર બુલડોઝરનું સરઘસ પણ કાઢવામાં આવ્યું.

ટીકાકારોને દબાવવા માટે ઉપયોગ

વરિષ્ઠ પત્રકાર આલોક જોશીએ કહ્યું કે યોગી આદિત્યનાથે બુલડોઝરનો ઉપયોગ સૌથી પહેલાં વિકાસ દુબે નામના અપરાધી સામે કર્યો હતો. એની સામે આઠ પોલીસકર્મીઓની હત્યાના આરોપ હતા. ત્યાર બાદ ગૅંગસ્ટર-રાજનેતા મુખ્તાર અંસારી સામે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો.

એમની સંપત્તિઓ તોડતા હોય તેવા વીડિયો નેશનલ ટીવી ચૅનલો પર બતાવાતા હતા અને એનાથી સરકારને 'ગુનેગારો સામે મજબૂતીથી પગલાં ભરવા માટે' જનતાનું સમર્થન અને વાહવાહી પણ મળ્યાં.

જોશીએ કહ્યું કે, "પરંતુ હવે, વિપક્ષ અને સરકારના ટીકાકારોને દબાવવાની રણનીતિરૂપે એનો ઉપયોગ વધી રહ્યો છે, ખાસ કરીને મુસલમાનો સામે."

સહારનપુર અને પ્રયાગરાજમાં બુલડોઝર ફેરવ્યા પહેલાં એક બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહેલું કે ગુનેગારો અને માફિયાઓ વિરુદ્ધ બુલડોઝર ચાલતાં રહેશે.

પ્રધાને કહ્યું કે, "સરકારે બુલડોઝરને 'મજબૂત શાસનના પ્રતીક'માંથી 'એક શસ્ત્ર'માં બદલી નાખ્યું છે, એનાથી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને મુસલમાનોની વિરુદ્ધ નફરતના રાજકારણને મજબૂત કરવામાં આવી રહ્યું છે."

"કોઈ સ્થાનિક ગુંડો આમ જ વર્તે છે, આ એ કહેવત જેવું છે કે તું મારા પર પથ્થર તો ફેંક, હું તારું ઘર તોડી નાખીશ. હું તારા આખા પરિવારને પાઠ ભણાવીશ."

તેમણે કહ્યું કે, "પરંતુ દેશનો કાયદો તમને કોઈ પણ સંપત્તિ પર બુલડોઝર ફેરવવાની મંજૂરી નથી આપતો. જો પરિવારનો કોઈ સભ્ય ખૂન કરે તો શું તમે આખા પરિવારને એના માટે ફાંસીએ લટકાવી દેશો?"

"પરંતુ આ એક એવી સરકાર છે જે ફરિયાદી, જજ, જ્યુરી અને જલ્લાદ બધાના રોલમાં છે."

બુલડોઝર ફેરવી દેવાયા અંગે ભલે આખી દુનિયામાં ટીકા થઈ રહી હોય, પરંતુ જોશીએ કહ્યું કે, યોગી આદિત્યનાથને જબરજસ્ત રાજકીય ફાયદો થઈ રહ્યો છે અને બની શકે કે એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સમર્થન મળેલું હોય.

ગયા વર્ષે ડિસેમ્બરમાં યુપીના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું, "જ્યારે કોઈ માફિયા પર બુલડોઝર ફરે છે, જ્યારે તે કોઈ ગેરકાયદે ઇમારતને તોડે છે, ત્યારે બુલડોઝર ચલાવતા લોકોને પણ પીડા થાય છે."

વડા પ્રધાનની ટિપ્પણી પછીથી જ બુલડોઝરનો ઉપયોગ કોમી તોફાનોના આરોપીઓ સામે થવા લાગ્યો છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશ અને રાજધાની દિલ્હીમાં બુલડોઝર ફેરવાયું છે. આ પ્રકારની કાર્યવાહીમાં મુસલમાનોને વધારે ટાર્ગેટ કરાયા છે અને એમનાં ઘરો, નાની દુકાનો અને ઉદ્યોગોને નુકસાન કરાયું છે.

જોશીએ કહ્યું કે, "અદાલતના કોઈ પણ આદેશમાં ક્યારેય એવું નથી કહેવાયું કે કોઈનું ઘર તોડી નાખો; ભલે ને તેણે ગુનો કર્યો હોય અને અદાલતે એને દોષિત ઠરાવ્યો હોય. એ જોતાં, જ્યારે વહીવટી તંત્ર કોઈના ઘર પર બુલડોઝર મોકલે તો એનાથી એક રાજકીય સંદેશો પહોંચે છે - અમારી સામે જે કોઈ પડશે એને જમીનદોસ્ત કરી દેવાશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો