સંજીવ ભટ્ટ : નરેન્દ્ર મોદીની ટીકાથી લઈને 'બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા'ના આરોપ સુધીની કહાણી

  • આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા
  • સંજીવ ભટ્ટ તેમની સામે નોંધાયેલ એક ગુના માટે વર્ષ 5 સપ્ટેમ્બર 2018થી જેલમાં છે તેઓ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે
  • 1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ ત્યારે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી પ્રભુદાસ માધવજીની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું
  • પ્રભુદાસના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ સહિત અન્ય છ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, તેમના પર આરોપ મૂક્યો હતો કે તેમને અટકાયતમાં ટૉર્ચર કરવામાં આવ્યા હતા
  • 2011માં સંજીવ ભટ્ટે સોગંદનામામાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે 'હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.'
  • તપાસપંચે જ્યારે તેમના ઇમેઇલની ચકાસણી કરી તો તેમાંથી વિવિધ એનજીઓ તેમજ રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓના ઇમેઇલ મળી આવ્યા હતા અને તપાસપંચ સામે તેમણે અનેક બનાવટી પત્રો અને દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે

તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં તિસ્તા સેતલવાડ સહિત ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટનાં નામ સામેલ કરાયાં હતાં. જે મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ તિસ્તા સેતલવાડને જામીન મળી ગયા છે.

પરંતુ આ મામલામાં સહઆરોપી ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી સંજીવ ભટ્ટ અન્ય એક મામલામાં હજુ સુધી જેલમાં જ છે.

અહીં નોંધનીય છે કે તેઓ તેમની સામે નોંધાયેલ એક ગુના માટે વર્ષ 5 સપ્ટેમ્બર 2018થી જેલમાં છે.

ગુજરાતમાં થયેલાં રમખાણો વખતે ગુજરાત પોલીસમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સંજીવ ભટ્ટ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતા.

હાલમાં તેઓ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

ક્યા કેસમાં ભોગવી રહ્યા છે સજા?

1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી. ત્યારે સંજીવ ભટ્ટ અહીં તહેનાત હતા.

એ સમયે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ત્યારે પોલીસે કહ્યું હતું કે કોમી રમખાણો પર કાબૂ મેળવવા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી પ્રભુદાસ માધવજીની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

પ્રભુદાસના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ સહિત અન્ય છ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, તેમના પર આરોપ મૂક્યો હતો કે તેમને અટકાયતમાં ટૉર્ચર કરવામાં આવ્યા હતા.

નવી ફરિયાદમાં સંજીવ ભટ્ટ પર શું આરોપ છે?

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને આ મામલાના ફરિયાદી બારડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે SIT તથા જુદાં જુદાં કમિશનો સમક્ષ ખોટી રજૂઆતો કરી અને નિર્દોષ લોકોને કાનૂની સજા થાય એવું ષડ્યંત્ર રચવાના પ્રયાસ હેઠળ IPCની છ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે."

ફરિયાદ મુજબ, તત્કાલીન ડીઆઈજી સંજીવ ભટ્ટે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને મોકલેલા પત્રો અને એસ. આઈ. ટીની તપાસમાં મળી આવેલા મૌખિક અને લેખિત પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સંજીવ ભટ્ટે રજૂ કરેલા પત્રો સાથે છેડછાડ કરી હતી અને તે બનાવટી હતા.

2011માં સંજીવ ભટ્ટે સોગંદનામામાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે 'હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.'

આ મિટિંગના ઉલ્લેખ સાથે પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ આ પ્રકારની કોઈ મીટિંગમાં હાજર ન હતા અને ઘટનાને નવ વર્ષ વીત્યા બાદ આ દાવા સાથે તેઓ તત્કાલીન મુખ્ય મંત્રીને ખોટી રીતે પરેશાન કરવા માગતા હતા.

આ ઉપરાંત તપાસપંચે જ્યારે તેમના ઇમેઇલની ચકાસણી કરી તો તેમાંથી વિવિધ એનજીઓ તેમજ રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓના ઇમેઇલ મળી આવ્યા હતા અને તપાસપંચ સામે તેમણે અનેક બનાવટી પત્રો અને દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

કોણ છે સંજીવ ભટ્ટ?

આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા.

તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી.

કહેવાય છે કે ત્યાં કેદીઓ વચ્ચે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમની બદલી થઈ ત્યારે કેદીઓએ હડતાળ કરી હતી.

જોકે, ત્યાર બાદ તેમને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી.

તેઓ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે તેમણે 2002નાં રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા.

ત્યાર બાદ તેઓ સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતા અને હાલમાં પાલનપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે.

કથિત સેક્સ વીડિયો

વર્ષ 2015માં એક કથિત સેક્સ વીડિયોને લઈને સંજીવ ભટ્ટને ગુજરાત સરકારે નોટિસ ફટકારી હતી.

ત્યારે બાદ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.

નોટિસમાં તેમને પત્ની સિવાય અન્ય મહિલા સાથે સંબંધ અંગે સ્પષ્ટતા આપવા કહેવામાં આવ્યું હતું.

સંજીવ ભટ્ટને 19 ઑગસ્ટ 2015ના રોજ તેમના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

ભટ્ટે કથિત સેક્સ વીડિયોમાં પોતે હોવાના આરોપથી ઇન્કાર કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો