એનસીઆરબી : ગુજરાતમાં સતત બીજા વર્ષે કસ્ટોડિયલ ડેથના સૌથી વધુ કેસ, શું છે કારણો?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગત એક વર્ષ દરમિયાન દેશભરમાં 88 લોકોનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં છે, જેમાં સૌથી વધુ 23 મૃત્યુ ગુજરાતમાં નોંધાયાં છે.

આ આંકડા તાજેતરમાં આવેલ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના રિપોર્ટ પરથી સામે આવ્યા છે.

અહીં નોંધનીય બાબત તો એ છે કે આ આંકડામાં પોલીસ લૉકઅપમાં નવ લોકોનાં તો આત્મહત્યા કરવાથી મૃત્યુ થયાં હતાં.

પોલીસ કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ગુજરાત પોલીસ છેલ્લાં પાંચ વર્ષથી 'ટૉપ થ્રી'માં છે.

માનવાધિકાર કાર્યકરોઓનું માનવું છે કે ભૂલ કરનાર પોલીસ અધિકારીઓને 'રાજકીય સંરક્ષણ' મળેલું હોય છે એટલે તેમની સામે નક્કર કાર્યવાહી નથી થતી; સામાન્યતઃ આ આરોપોને નકારવામાં આવે છે.

પોલીસનું કહેવું છે કે ઘણી વખત આરોપીઓને અનેક બીમારીઓ હોય છે ને તેઓ ખુદને હાનિ પણ પહોંચાડતા હોય છે.

ગુજરાત પોલીસ 'અવ્વલ'

આ આંકડા પ્રમાણે ગુજરાત પછી અનુક્રમે મહારાષ્ટ્ર (21 મૃત્યુ), મધ્યપ્રદેશ (સાત) અને આંધ્ર પ્રદેશ (છ) મૃત્યુ સાથે ટોચ પર છે.

આ અગાઉ વર્ષ 2020માં કુલ 86 લોકોનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં હતાં. જેમાં પણ ગુજરાત 15 મૃત્યુ સાથે ટોચ પર હતું.

આ પહેલાં 2018-19 દરમિયાન ગુજરાતમાં 13 જ્યારે દેશમાં કુલ 136 મૃત્યુ અને વર્ષ 2017- '18 દરમિયાન દેશમાં 146 અને ગુજરાતમાં 14 મૃત્યુ પોલીસ કસ્ટડી દરમિયાન થયાં હતાં.

જ્યારે કોઈ ગુનાની તપાસ દરમિયાન આરોપી વ્યક્તિ પોલીસ (કે અન્ય કોઈ તપાસનીશ એજન્સી)ના કબજામાં રહે છે, ત્યારે તેને 'પોલીસ કસ્ટડી' કહેવામાં આવે છે. સામાન્ય રીતે આરોપીને પોલીસ સ્ટેશનના લૉકઅપમાં રાખવામાં આવે છે.

જવાબદારો સામે કાર્યવાહી

અગાઉ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં70 તથા 2020માં 87 મૃત્યુ કસ્ટડી દરમિયાન થયાં છે.

157માંથી એક કેસમાં રૂપિયા અઢી લાખનું વળતર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. આ સિવાય એક ઇન્સ્પેક્ટર, બે સબ ઇન્સ્પેક્ટર, બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તથા ચાર કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સિવાય જવાબદાર કરનાર પોલીસમૅન સામે ખાતાકીય કાર્યવાહી, રોકડ દંડ અને પગારકપાત જેવા પગલાં પણ લેવામાં આવ્યાં છે.

મીડિયા સાથે વાત કરતા ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આશિષ ભાટિયાએ જણાવ્યું:

"પોલીસ કસ્ટડીમાં થયેલાં દરેક મૃત્યુ ટૉર્ચરને કારણે થયા હોય તે જરૂરી નથી. કેટલાક કિસ્સામાં લોકોને બીમારીઓ હતી અથવા તો તેમણે ખુદને પણ હાનિ પહોંચાડી છે. જે કેસોમાં પોલીસવાળા દોષિત જણાયા હતા, તેમાં કાર્યવાહી કરવામાં આવી છે."

લોકસભામાં ટેબલ થયેલા રિપોર્ટ મુજબ, પહેલી એપ્રિલ 2017થી 28મી ફેબ્રુઆરી 2021 દરમિયાન ગુજરાત સરકારે પોલીસ કસ્ટોડિયલ ડેથના 20 કેસમાં રૂપિયા 48.50 લાખ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 13 મૃત્યુના કેસમાં રૂપિયા 31 લાખ વળતર પેટે ચૂકવ્યા છે.

પોલીસ અને પ્રણાલી

માનવાધિકાર કાર્યકર્તા અને ઍડ્વોકૅટ શમશાદ પઠાણે જણાવે છે, "નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, તે સમયે પોલીસ અધિકારીઓને 'સત્તાનું સંરક્ષણ' હાંસલ હતું, જેના કારણે નકલી ઍન્કાઉન્ટરો થયાં."

"આ નીતિને કારણે ગુજરાતમાં કસ્ટોડિયલ ટૉર્ચરનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. વધુમાં (ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ) 197 હેઠળ કર્મચારી સામે કાર્યવાહી માટે સરકારની મંજૂરી લેવાની હોય છે. જે આપવામાં આવતી નથી અને તેમને છાવરવામાં આવે છે."

"આ સંજોગોમાં ન્યાયતંત્ર કશું કરી શકતું નથી અને આવા લોકોને સજા થતી નથી."

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાને ટાંકતા 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, વર્ષ 2019માં ગુજરાતના 14 પોલીસ કર્મચારીઓની કસ્ટડીમાં મૃત્યુસંબંધિત કેસોમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.

કસ્ટોડિયલ ડેથ સંદર્ભે ગુજરાત પોલીસના 210 (મહારાષ્ટ્રમાં સૌથી વધુ 288) કર્મચારી સામે કેસ ચાલી રહ્યા હતા, અને રાજ્ય દેશભરમાં બીજાક્રમે હતું. જેમાંથી 196ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બેને અદાલતે દોષમુક્ત જાહેર કર્યા હતા.

આ ગાળા દરમિયાન કસ્ટોડિયલ ડેથને માટે ગુજરાત પોલીસે જે કારણો આપ્યાં તેમાં ત્રણ માટે 'આત્મહત્યા', પાંચ માટે 'બીમારીને કારણે મૃત્યુ' તથા એકના મૃત્યુ માટે 'તપાસ માટે જતી વેળાએ માર્ગ અકસ્માત' દર્શાવાયો છે.

ક્રિમિનલ પ્રોસિજર કૉડની કલમ 176 મુજબ કોઈ વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં (અથવા કોર્ટ કે મૅજિસ્ટ્રેટના દ્વારા નિયુક્ત અન્ય કોઈની) કસ્ટડીમાં મૃત્યુ થાય ત્યારે તેની જ્યુડિશિયલ કે મેટ્રોપોલિટિન મૅજિસ્ટ્રેટ દ્વારા મૃત્યુના કારણોની તપાસ કરવાની રહે છે અને તે પોલીસ તપાસની સાથે (કે ઉપરાંત) તપાસ હાથ ધરી શકે છે અને પુરાવા એકઠા કરી શકે છે.

ગુજરતાના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આર. બી. શ્રીકુમારે અગાઉ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે : "કસ્ટોડિયલ ડેથ મુદ્દે પોલીસ સામે કાર્યવાહી નથી થતી તે વાત ખોટી છે. પૂર્વ આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ સામે આવા જ એક કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને સજા થઈ છે."

શ્રીકુમારે તરત જ ઉમેર્યું હતું કે એ કેસ 'જૂનો' હતો તથા 'અન્ય કારણોસર' તે બહાર કાઢવામાં આવ્યો હતો.

તાજેતરના કેટલાક કિસ્સા

ગુજરાતના માનવાધિકાર પંચના આંકડા (ફેબ્રુઆરી-2021ની સ્થિતિ) પ્રમાણે, તેમને કસ્ટોડિયલ ડેથ સંબંધિત 781 ફરિયાદો મળી છે, જેમાંથી 686નો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 95 કેસ વિચારણાધીન છે.

ભૂજના મુંદ્રા ખાતે ચોરીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બે આરોપીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં હતાં, જેમાં ત્રણ કૉન્સ્ટેબલ તથા એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં નોંધાયેલા કસ્ટોડિયલ ડેથના કેસમાં એક ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ તથા ત્રણ કૉન્સ્ટેબલ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહેસાણા ઑબ્ઝર્વેશન હોમમાં મૃત્યુના કેસમાં એક ઇન્સ્પેક્ટર, એક સબઇન્સ્પેક્ટર, સાત કૉન્સ્ટેબલ તથા રિમાન્ડ હોમના ત્રણ કર્મચારી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ભવિષ્ય માટેની ભલામણો

માનવઅધિકાર માટે કામ કરતી સંસ્થા હ્યુમન રાઇટ્સ વૉચ તેના રિપોર્ટ 'બાઉન્ડ બાય બ્રધરહૂડ', 'ઇન્ડિયાઝ ફૅલ્યોર ટુ ઍન્ડ કિલિંગ્સ ઇન પોલીસ કસ્ટડી'માં નોંધે છે કે સરકારે સીઆરપીસીની 197ની કલમમાં ફેરફાર કરવો જોઈએ તથા કસ્ટડી દરમિયાન ટૉર્ચર કરનાર, મનસ્વી રીતે અટકાયત કરનાર તથા બિનન્યાયિક રીતે હત્યા કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી માટે મંજૂરીની જોગવાઈને રદ કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની ડી. કે. બસુ માર્ગદર્શિકા મુજબ તથા ક્રિમિનિલ પ્રોજિર કોડ મુજબ આરોપીઓની અટકાયત થાય અને 24 કલાકમાં તેમને મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા માટે પોલીસદળને સંવેદનશીલ બનાવવું રહ્યું અને આ માટે જરૂરી તાલીમ આપવી જોઈએ.

રાજ્ય તથા જિલ્લાસ્તરે પોલીસ કમ્પલેન્ટ ઑથૉરિટીની સ્થાપના કરવી જોઈએ. માનવઅધિકાર કાર્યકર્તાઓ અથવા તો સિવિલ સોસાયટીના લોકો લૉકઅપની મુલાકાત લઈને તેની સમીક્ષા કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનારી વ્યક્તિના પરિવારજનો ઉપર દબાણ, ધાકધમકી, હિંસા કે અન્ય કોઈ કાર્યવાહી ન થાય તે માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.

પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારે કહ્યું હતું કે : "ડી. કે. બસુની ગાઇડલાઇન ઉપરાંત ગુજરાત પોલીસ મૅન્યુઅલનું વૉલ્યુમ ત્રણ અને સમયાંતરે ડીજીપી દ્વારા સર્ક્યુલર કાઢવામાં આવે છે, જેમાં કસ્ટડીમાં રહેલી વ્યક્તિના અધિકારો તથા તેમની સાથે કેવો વ્યવહાર કરવો તથા સમગ્ર પ્રક્રિયા વિશે સૂચના આપવામાં આવે છે."

"કસ્ટડીમાં રહેલી વ્યક્તિને તેના વકીલને મળવા દેવા જોઈએ અને જો વકીલ ન હોય તો કાયદાકીય સહાય મળે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ."

"પરંતુ તેનું ગુજરાત જ નહીં મહદંશે બધે જ પાલન નથી થતું. તેમાં પણ જો વ્યક્તિ લઘુમતી સમુદાયની હોય તો આ શક્યતા વધી જાય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો