તિસ્તા સેતલવાડની ધરપકડ : PM મોદી માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો 2002ના પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દેશે?

    • લેેખક, દર્શન દેસાઈ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વર્ષ 2002માં બનેલી કોમી હિંસાની નવ મોટી ઘટનાની તપાસકર્તા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ)એ આપેલી ક્લિનચિટને માન્ય રાખતો તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાંબા સમય સુધી કેસ લડેલા લોકોને સખત ઠપકો આપતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમની રાજકીય કારકિર્દીના સૌથી અઘરા પ્રકરણનું દેખીતું સમાપન છે.

કૉંગ્રેસના પૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરી અને સુપ્રીમ કોર્ટમાં તેમનાં સહ-અરજકર્તા તથા માનવાધિકાર કર્મશીલ તિસ્તા સેતલવાડ પાસે હવે બહુ ઓછા કાયદાકીય વિકલ્પો બાકી રહ્યા છે. વર્ષ 2002ની 28 ફેબ્રુઆરીએ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પર કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા 68 લોકોમાં અહેસાન જાફરીનો પણ સમાવેશ થાય છે.

કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, "ઝકિયા જાફરી તથા તિસ્તા સેતલવડ સૌપ્રથમ તો, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક અન્ય સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરવાની માગણી કરતી તેમની અરજીને ફગાવી ચૂકેલી ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરી શકે છે."

ઝકિયા જાફરી અને તિસ્તા સેતલવડના વકીલ મિહિર દેસાઈએ કહ્યું હતું કે "કાયદા મુજબ રિવ્યૂ પિટિશન ત્રણ ન્યાયમૂર્તિની સમાન ખંડપીઠ સમક્ષ જ કરવી પડે તેમ હોવાથી અમે રિવ્યૂ પિટિશન કરવી કે નહીં એ ફેંસલો હજુ કર્યો નથી."

માનવાધિકાર સંબંધિત તેમજ ગુજરાતના દલિતો માટે અનેક કેસ લડી રહેલા ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે બીજા વિકલ્પની વાત કરતાં કહ્યું હતું કે "પહેલાં તો તેમણે સમાન ખંડપીઠ સમક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરવી પડે. તેમાં નિષ્ફળતા મળે તેવા સંજોગોમાં તેઓ, દેશના વડા ન્યાયમૂર્તિ પરવાનગી આપે તો, પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ ક્યુરેટિવ પિટિશન કરી શકે."

પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક સિનિયર વકીલે જણાવ્યું હતું કે ઉપરોક્ત વિકલ્પ મુશ્કેલ છે, કારણ કે ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠના આકરા શબ્દોવાળા ચુકાદામાં 2002નાં રમખાણોમાં રાજ્ય સરકારની સામેલગીરીના તમામ આરોપમાંથી મોદીને મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં, પણ "અરજદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ" તેવી ટિપ્પણી સાથે અરજદારોની ઝાટકણી કાઢવામાં આવી છે.

ગુજરાત પોલીસે આ ચુકાદો આવ્યાના 24થી પણ ઓછા કલાકમાં તિસ્તા સેતલવાડને તેમના મુંબઈના જૂહુસ્થિત નિવાસસ્થાને અને રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને તેમના ગાંધીનગર ખાતેના ઘરેથી અટકાયતમાં લઈ લીધાં હતાં.

આ બન્ને અને 1989ના એક કેસમાં કારાવાસની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને પોલીસ કસ્ટડીમાં પહેલી જુલાઈ સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધની એફઆઈઆરમાં પણ સુપ્રિમ કોર્ટના ચુકાદાને વ્યાપક રીતે ટાંકવામાં આવ્યો છે.

સંક્ષિપ્તમાં: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગોધરાકાંડ પીએમ મોદીનો પીછો છોડશે?

  • કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઝકિયા જાફરી તથા તિસ્તા સેતલવાડ તેમની અરજીને ફગાવી ચૂકેલી ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરી શકે છે.
  • ઝકિયા જાફરી અને તિસ્તા સેતલવાડના વકીલ મિહિર દેસાઈના કહેવા અનુસાર, તેઓએ રિવ્યૂ પિટિશન કરવી કે નહીં એ ફેંસલો કર્યો નથી.
  • મિહિર દેસાઈના કહેવા અનુસાર, તેમની સર્વોચ્ચ અગ્રતા તિસ્તા તથા શ્રીકુમાર માટે જામીન અરજી કરવાની છે.
  • સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકના કહેવા અનુસાર, રિવ્યૂ પિટિશનમાં નિષ્ફળતા મળે તેવા સંજોગોમાં તેઓ, દેશના વડા ન્યાયમૂર્તિ પરવાનગી આપે તો પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ ક્યુરેટિવ પિટિશન કરી શકે.
  • ગુજરાત પોલીસે આ ચુકાદો આવ્યાના 24થી પણ ઓછા કલાકમાં તિસ્તા સેતલવડને અને રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને અટકાયતમાં લઈ લીધા હતા.
  • આ બન્ને અને 1989ના એક કેસમાં કારાવાસની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને પોલીસ કસ્ટડીમાં પહેલી જુલાઈ સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • તેમના વિરુદ્ધની એફઆઈઆરમાં પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વ્યાપક રીતે ટાંકવામાં આવ્યો છે.
  • ચુકાદો આ વર્ષના ડિસેમ્બરમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું અભિયાન ભાજપ માટે અત્યંત અનુકૂળ બની શકે

"અમે રિવ્યૂ પિટિશન કરીએ તો પણ એ..."

ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલી એક ઇન્ટરવ્યૂના પગલે ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. તે ઇન્ટરવ્યૂમાં અમિત શાહે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સાચા ઠરાવ્યા છે.

અમિત શાહે એવું પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ છેલ્લાં 19 વર્ષમાં અનુભવેલી પીડાના તેઓ સાક્ષી છે. તેમને અને ગુજરાતને બદનામ કરવા માટે વિરોધ પક્ષ કૉંગ્રેસ દ્વારા સેન્ટર ફૉર પીસ ઍન્ડ જસ્ટિસ જેવા તિસ્તા સેતલવાડના બિન-સરકારી સંગઠનને આગળ ધરીને કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમાં ઝકિયા જાફરીની ભાવનાત્મક સ્થિતિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

મિહિર દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "અમે રિવ્યૂ પિટિશન કરીએ તો પણ એ સમયનો બગાડ હશે, કારણ કે અત્યારે અમારી સર્વોચ્ચ અગ્રતા તિસ્તા તથા શ્રીકુમાર માટે જામીન અરજી કરવાની છે."

તેમના માટે જામીન મેળવવાનું આસાન હશે કે કેમ, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે "અમે લડીશું અને શ્રેષ્ઠ પ્રયાસો કરીશું."

2002નાં રમખાણો દરમિયાન ગુજરાતમાં કાર્યરત આઈપીએસ અધિકારીઓને ખુલ્લો પત્ર લખીને અંતરાત્માના અવાજને અનુસરવાની અપીલ કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના નિવૃત ડીજીપી અને હિંદી ભાષાના જાણીતા લેખક વિભૂતિ નારાયણ રાયે ભારપૂર્વક કહ્યું હતું કે "તિસ્તા કે શ્રીકુમારને નોટિસ આપ્યા વિના સુપ્રીમ કોર્ટે આકરો ચુકાદો આપ્યો છે ત્યારે કોઈ નીચલી કોર્ટ તેમને આસાનીથી જામીન આપે એ બાબતે મને શંકા છે."

વિભૂતિ નારાયણ રાયે એમ પણ કહ્યું હતું કે "હા, નરેન્દ્ર મોદી માટે 2002ના પ્રકરણ પર તમામ વ્યવહારુ અર્થમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું છે."

ગુજરાત અને હિમાચલ પ્રદેશ પછી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી

નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટી માટે આ ચુકાદો સર્વોત્તમ સમયે આવ્યો છે, કારણ કે ભાજપ અને મોદી માટે બહુ મૂલ્યવાન રાજ્ય ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે.

ગુજરાતમાં પહેલી વખત બહુકોણીય જંગ ખેલાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ પછી આવતા વર્ષે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે.

સુપ્રીમ કોર્ટે 2002નાં રમખાણો સંબંધે નરેન્દ્ર મોદીને ક્લિનચિટ આપી છે ત્યારે આ વર્ષના ડિસેમ્બરમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું અભિયાન ભાજપ માટે અત્યંત અનુકૂળ બની શકે અને ભાજપ તો અત્યારથી જ એવું કહેવા લાગી છે કે મોદીને બદનામ કરવા તથા ગુજરાતની પ્રતિષ્ઠા ખરડવાનું ષડ્યંત્ર બે દાયકાથી ચાલી રહ્યું હતું.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ કહ્યું હતું કે "નરેન્દ્ર મોદીએ કોમી રમખાણ સાથે કામ પાર પાડવાના તેમના પ્રયાસોની ટીકાને તથા મુસ્લિમો પરના હુમલામાં રાજ્ય સરકારની સંડોવણીના આક્ષેપોને ગુજરાતના ગૌરવ સાથે ચતુરાઈપૂર્વક સાંકળીને બાજી પલટી નાખી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિરોધી રાજકીય પક્ષો, બિન-સરકારી સંગઠનો અને મીડિયાએ વિશ્વ સમક્ષ ગુજરાતની પ્રતિષ્ઠાને ખરડી નાખી છે."

આ વાત સાથે સહમત થતાં બીજી રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું હતું કે "મોદી એક અર્થમાં શહીદનો દરજ્જો પામ્યા હતા."

ભાજપનાં સૂત્રોના જણાવ્યા મુજબ, "ગુજરાતના ગૌરવને કેટલી હાનિ થઈ હતી અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ગુજરાતના વિકાસને ખોરંભે ચડાવવા તથા તેની પ્રતિષ્ઠા ખરડવા કેવાં કાવતરાં કરવામાં આવ્યાં હતાં તેની યાદ અપાવવા પક્ષ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ભાજપ માટે આગળ જતાં આ કેન્દ્રીય મુદ્દો બની રહે તેવી તમામ શક્યતા છે."

સુપ્રીમ કોર્ટના ચુકાદાના મહત્ત્વનાં નિરીક્ષણ

નરેન્દ્ર મોદી માટે 2002ના પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકતાં અને તેમના ટીકાકારો તથા રમખાણોના પીડિતોના કાજે કાર્યરત લોકો માટે નવી ચિંતા લઈને આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં મહત્ત્વનાં નિરિક્ષણ આ મુજબ છેઃ

"આખરે અમને એવું લાગે છે કે ગુજરાતના અસંતુષ્ટ સરકારી અધિકારીઓ અને અન્ય લોકો દ્વારા ખોટા ઘટસ્ફોટ કરીને સનસનાટી મચાવવાનો સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના દાવાઓનાં જુઠ્ઠાણાં એસઆઈટની તલસ્પર્શી તપાસમાં સંપૂર્ણપણે ખુલ્લાં પડી ગયાં હતાં."

"રસપ્રદ બાબત એ છે કે વર્તમાન કાર્યવાહી છેલ્લાં 16 વર્ષથી ચાલુ રાખવામાં આવી હતી. તેમાં કુટિલ કાવતરાંને ઉઘાડું પાડવાની પ્રક્રિયામાં સામેલ પ્રત્યેક પદાધિકારીની ઈમાનદારી સામે સવાલ ઉઠાવવાની ધૃષ્ટતાનો પણ સમાવેશ થાય છે. આ ન્યાય પ્રક્રિયાના આવા દુરોપયોગમાં સામેલ તમામ લોકો સામે વાસ્તવમાં કાયદાકીય પગલાં લેવાં જોઈએ"

તિસ્તા સેતલવાડે ફરિયાદના સંભવિત સાક્ષીઓના બનાવટી દસ્તાવેજો સહિતની હકીકત, દસ્તાવેજો અને પુરાવા ઉપજાવી કાઢ્યા હોવાનો આક્ષેપ કરતાં અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના અધિકારીએ સુપ્રીમ કોર્ટના શુક્રવારના ચુકાદાનાં નિરીક્ષણો એફઆઈઆરમાં ટાંક્યાં છે.

સુપ્રીમ કોર્ટે SITનો રિપોર્ટ સ્વીકાર્યો છે અને તેનો ઉપયોગ ફરિયાદી અધિકારીએ એફઆઈઆરના આધાર તરીકે કર્યો છે.

SITના રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તિસ્તા સેતલવાડે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે મળીને "નિર્દોષ લોકોને હાનિ પહોંચાડવા માટે ખોટી અને દુષ્ટતાપૂર્ણ ગુનાહિત કાર્યવાહી કરી હતી."

સ્થાનિક કોર્ટે તિસ્તા તથા શ્રીકુમારને પહેલી જુલાઈ સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ આપ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેમની તપાસ માટે નવી SITની રચના કરી છે.

આ બાબતે પૂછવામાં આવતાં તિસ્તાના વકીલ મિહિર દેસાઈએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે "સૌપ્રથમ તો અમારે ચોક્કસ આરોપો જાણવા પડશે. કયા પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા, કયા દસ્તાવેજો બનાવટી હતા, ખોટું શું હતું એ જાણવું પડશે. અમે તે ખરેખર જાણતા નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો