You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તિસ્તા સેતલવાડના મુદ્દે ગુજરાત પોલીસની ટીકા કેમ થઈ રહી છે?
માનવાધિકાર અને ગુજરાતમાં રમખાણોના પીડિતો માટે કામ કરતા તિસ્તા સેતલવાડની ગુજરાત પોલીસે કરેલી ધરપકડની ભારે ટીકા થઈ રહી છે.
દેશમાં માનવાધિકાર માટે કામ કરતાં જૂથોથી માંડીને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા તેમને મુક્ત કરવાની આગ કરાઈ રહી છે. તો સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારીએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
તિસ્તા સેતલવાડની ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે મુંબઈથી અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી.
તિસ્તા સહિત રાજ્યના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પણ ગુજરાત પોલીસ દ્વારા 'નિર્દોષોને ફાંસીની સજા થાય તેવા કેસમાં ફસાવવાના' આરોપસર ફરિયાદ દાખલ કરાઈ હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત રમખાણ મામલે SITના રિપોર્ટ વિરુદ્ધની ઝકિયા જાફરીની અરજી નકારી દેતાં સુપ્રીમ કોર્ટે એવાં અવલોકન કર્યાં હતાં કે આ કેસ 'અન્ય દ્વારા પ્રેરિત' હતો, તેમજ તેમાં ભૂમિકા ભજવનાર તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
જે બાદ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે સંબંધિત મામલે તિસ્તાનો હાથ હોવાનાં નિવેદનો આપ્યાં હતાં અને અમુક કલાકોમાં જ ગુજરાત પોલીસે આ કાર્યવાહી કરી હતી.
'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ'
સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના રક્ષણની બાબતનાં વિશેષ દૂત મેરી લૉવલોરે તિસ્તાને 'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ' ગણાવ્યાં છે.
મેરી લૉવલોરે ટ્વિટર પર લખ્યું, "ગુજરાત પોલીસ દ્વારા ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા તિસ્તા સેતલવાડની અટકાયત કરાતાં ચિંતિત છું. તિસ્તા નફરત અને ભેદભાવ સામેનો મજબૂત અવાજ છે. માનવાધિકારનું રક્ષણ કરવું એ ગુનો નથી. હું એમની મુક્તિની અને ભારત સરકાર અત્યાચાર બંધ કરે એની માગ કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફતીએ જણાવ્યું છે કે, "પીડિત સાથે ઊભા રહેવાને ગુનો ગણવામાં આવી રહ્યો છે અને ન્યાયની માગ કરવીએ કાવતરા ઘડવા સમાન ગણાવા લાગી છે, જેને લઈને હું ભયભીત છું."
આ દરમિયાન બેંગલુરુમાં પ્રબુદ્ધ નાગરિકો દ્વારા તિસ્તાની ધરપકડના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું.
દિલ્હી સમેત દેશના અલગઅલગ ભાગોમાં તિસ્તા, શ્રીકુમાર અને ભટ્ટની મુક્તિ માટે પ્રદર્શનો યોજાયાં તેમાં ડાબેરી સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી-લેનીનવાદી)નો પણ સમાવેશ થાય છે.
ડાબેરી પક્ષે દિલ્હી ઉપરાંત પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં પણ પ્રદર્શનો યોજ્યાં હતાં.
દિલ્હીમાં પણ તિસ્તાની મુક્તિ માટે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજિક કાર્યકરોએ પોતાના વિરોધ નોંધાવ્યો હતો.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને અજય માકન પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
21 રાજ્યોનાં લોકોએ ટીકા કરી
તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ કરાયેલી આ પોલીસકાર્યવાહીના વિરોધમાં 21 રાજ્યોના લોકો સામે આવ્યા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર આ સંદર્ભે કુલ , 2,231 લોકો અને માનવાધિકાર માટે કામ કરતાં જૂથોએ સહી કરીને એકસાથે તિસ્તાની મૂક્તિની માગ કરી છે.
આ જૂથમાં આમાં પત્રકારો, શિક્ષકો, સામાજિક કાર્યકરો, કલાકારો વગેરેનો સમાવેશ થાય છે.
સહી કરનારાઓમાં સામાજિક કાર્યકર મેધા પાટકર, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ, અભિનેત્રી શબાના આઝમી, લેખક આકાર પટેલ અને શમસુલ ઇસ્લામ, રાજ્યસભાના સાંસદ એમપી કુમાર કેતકર, નૌસેનાના પૂર્વ ઍડમિરલ રામદાસ, સંગીતકાર ટીએમ કૃષ્ણા અને કવિ ગૌહર રઝાનો સમાવેશ થાય છે.
તિસ્તાની ધરપકડ કેમ કરાઈ?
વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં એ વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુલ્લડમાં 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ આ અને અન્ય મામલે નરેન્દ્ર મોદી તથા અન્ય કથિત કાવતરાખોરોની ભૂમિકા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારી મામલાની પુન:તપાસ માટે અરજી કરી હતી.
ઝકિયા જાફરીનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ 'એક મોટા કાવતરા'નો ભાગ હતા. તિસ્તા સેતલવાડ વર્ષોથી ઝકિયા જાફરી સાથે આ કેસ મામલે ઊભાં હતાં. તેઓ ઉપરોક્ત અરજીમાં કોપિટિશનર પણ હતાં.
આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે આ મામલે રચાયેલ SIT સમક્ષ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય નેતાઓ, આગેવાનો અને અધિકારીઓ સામે 'મોટા ષડ્યંત્ર'માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી ફરિયાદ વિશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું હતું તેના આધારે આ ત્રણ વ્યક્તિઓએ અરાજકતા ફેલાવવા અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું. જેથી આ ફરિયાદ કરવામાં આવી છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો