You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયા : મક્કામાં કાબાના કાળા પથ્થરને સ્પર્શવા પરથી રોક હઠાવાઈ, શું છે તેની કહાણી?
- લેેખક, ટીમ બીબીસી
- પદ, નવી દિલ્હી
સાઉદી અરેબિયામાં મક્કામાં શ્રદ્ધાળુ ફરી એક વખત કાબાના પવિત્ર કાળા પથ્થરને સ્પર્શી અને તેને ચૂમી શકે છે.
કોરોના મહામારીના કારણે કાબાની ચારે તરફ ઘેરાબંધી કરી દેવામાં આવી હતી જેને હવે હઠાવી લેવાઈ છે.
ત્યાર બાદ ત્યાંની તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ઉત્સાહિત શ્રદ્ધાળુ કાળા પથ્થરને સ્પર્શીને દુઆઓ કરી રહ્યા છે.
કાબા પરથી આશરે 30 મહિના બાદ ઘેરાબંધી હઠાવવામાં આવી છે. આ પગલું ઉમરાની યાત્રા પહેલાં લેવામાં આવ્યું છે.
ઉમરા એટલે શું?
હજની જેમ ઉમરામાં મુસ્લિમો મક્કાની યાત્રા કરી દુઆઓ કરે છે.
તે હજથી એ રીતે અલગ છે કે હજ એક વિશેષ મહિનામાં કરી શકાય છે, જ્યારે ઉમરા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે.
ઉમરા દરમિયાન હજમાં કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડ કરવામાં આવે છે. ઉમરા માટે દુનિયાના કરોડો મુસ્લિમો મક્કાની યાત્રા કરે છે.
તેમાંથી ઘણા લોકો મક્કા નજીક મદીનાની પણ યાત્રા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડની અસર
સાઉદી અરેબિયાએ આ વર્ષે કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા મોટા ભાગના પ્રતિબંધોને હઠાવી લીધા છે. આ વર્ષે (2022) હજ યાત્રા 7થી 12 જુલાઈ સુધી થઈ હતી. અને તેમાં કોરોના મહામારી બાદ પહેલી વખત લગભગ સામાન્ય સંખ્યામાં લોકો મક્કા પહોંચ્યા હતા.
વર્ષ 2020માં માત્ર 1000 લોકોને હજ પર જવાની પરવાનગી મળી હતી. એ વર્ષે માત્ર સાઉદી અરેબિયાના લોકો જ હજ કરી શક્યા હતા. બીજા દેશોના લોકોની મક્કાની યાત્રા પર રોક હતી.
2021માં હજ યાત્રીઓની સંખ્યા વધીને 60 હજાર થઈ અને આ વર્ષે લગભગ 10 લાખ લોકોએ મક્કા પહોંચીને હજ કરી.
જોકે, કોરોનાના પહેલાના સમયની સરખામણીએ હજુ પણ આ સંખ્યા ઓછી છે. સ્ટેસ્ટિકા વેબસાઇટ પ્રમાણે 2019માં 25 લાખ લોકોએ મક્કામાં હજ કરી હતી. દુનિયામાં એકસાથે આટલા લોકોનું એકત્રિત થવું તે રેકૉર્ડ હતો.
શું છે બ્લૅક સ્ટોન
ઇસ્લામમાં બ્લૅક સ્ટોન અથવા કાળો પથ્થર કાબાના પૂર્વી ખૂણામાં લાગેલો એક પથ્થર છે. તેને અરબી ભાષામાં અલ-હઝર-અલ-અસવદ કહેવામાં આવે છે.
મક્કા પહોંચનારા મુસ્લિમ તીર્થયાત્રી કાબા પહોંચવા પર જે રીતે દુઆઓ કરે છે, તેમાં આ પવિત્ર પથ્થરને સ્પર્શ કરવું અને તેને ચૂમવું સામેલ છે.
એવું માનવામાં આવે છે કે આ પથ્થર આદમ (ઍડમ) અને હવ્વા (ઈવ)ના જમાનાનો છે જેમને દુનિયાના પહેલા પુરુષ અને મહિલા માનવામાં આવે છે.
બ્લૅક સ્ટોનને ઇસ્લામના ઉદય પહેલાથી જ પવિત્ર માનવામાં આવતો હતો.
એ પણ માનવામાં આવે છે કે આ પથ્થર મૂળ સફેદ રંગનો હતો. પરંતુ તેને સ્પર્શ કરનારા લોકોના પાપોનો ભાર ઉઠાવવાના કારણે તેનો રંગ કાળો થઈ ગયો.
મક્કાનું મહત્ત્વ શું છે?
- સાઉદી અરેબિયામાં હાજર મક્કા સમગ્ર દુનિયાના મુસ્લિમો માટે એક પવિત્ર ધર્મસ્થળ છે.
- 4 હજાર વર્ષ પહેલાં મક્કા એક સૂકી અને નિર્જન ખીણ હતું.
- મુસ્લિમોમાં માન્યતા છે કે પયગંબર ઇબ્રાહીમ અને તેમના દીકરા ઇસ્માઇલે અલ્લાહના આદેશ પર મક્કામાં કાબાની ઇમારત બનાવી હતી.
- પહેલાં ત્યાં ઘણી અચેતક વસ્તુઓ હતી જેમની પૂજા થતી હતી.
- વર્ષો બાદ અલ્લાહે પયગંબર મહમદને કહ્યું કે તેઓ એવી વ્યવસ્થા કરે કે કાબામાં માત્ર અલ્લાહને પૂજવામાં આવે.
- 628 ઈસ્વીમાં પયગંબર મહમદે પોતાના 1400 અનુયાયીઓ સાથે મક્કાની યાત્રા કરી. આ ઇસ્લામની પહેલી તીર્થયાત્રા હતી. દર વર્ષે દુનિયાના લાખો લોકો હજની યાત્રા કરે છે જે ઇસ્લામમાં એક જરૂરી નિયમ છે. હજ ઇસ્લામના પાંચ નિયમોમાં સૌથી છેલ્લો નિયમ છે.
- ઇસ્લામને માનતી દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછી એક વખત હજ કરવી જરૂરી માનવામાં આવે છે. તેમની પાસે તેની માટે સુવિધા અને શારીરિક રૂપે ક્ષમતા હોવી જરૂરી છે.
- મક્કા પહોંચ્યા બાદ મુસ્લિમ શ્રદ્ધાળુ મસ્જિદ અલ હરમ જાય છે અને સાત વખત કાબાના ચક્કર લગાવીને દુઆ અને અલ્લાહની પ્રાર્થના કરે છે.
- શ્રદ્ધાળુ ત્યારબાદ ઘણાં ધાર્મિક આયોજનોમાં ભાગ લે છે.
ઇસ્લામના પાંચ નિયમ
- તૌહિદ - અલ્લાહ એક છે અને મોહમ્મદ તેમના દ્વારા મોકલવામાં આવેલા દૂત - આ કથન પર દરેક મુસ્લિમને વિશ્વાસ હોવો જોઈએ.
- નમાઝ - દિવસમાં પાંચ વખત નિયમિત નમાઝ પઢવી
- રોઝા - રમઝાન દરમિયાન ઉપવાસ કરવા
- ઝકાત - ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું
- હજ - મક્કા જવું
મદીના
હજ માટે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કાની યાત્રા કરનારા લોકો મક્કાથી આશરે 450 કિલોમિટર દૂર મદીના શહેર પણ જઈ શકે છે.
મદીનામાં મસ્જિદ-એ-નબવી છે જ્યાં શ્રદ્ધાળુ નમાઝ પઢે છે.
મદીનાની યાત્રા હજનો જરૂરી ભાગ નથી.
પરંતુ ત્યાં જે મસ્જિદ છે, તેને પયગંબર મહમદે બનાવડાવી હતી. એટલે દરેક મુસ્લિમ તેને કાબા બાદ બીજું સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માને છે.
અહીં જ પયગંબર હઝરત મહમદની મઝાર પણ છે. હજયાત્રી તેના પણ દર્શન કરે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો