You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં ભરતીપ્રક્રિયામાં મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ થાય છે?
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી
તબસ્સુમ (નામ બદલ્યું છે) મુંબઈનાં ડૉક્ટર છે. તબીબીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે ઘણી હૉસ્પિટલોમાં નોકરી માટે અરજી કરી હતી. તેમણે ખૂબ જ સારા માર્ક્સ સાથે મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો હતો.
તેથી તેમને આશા હતી કે જલદી જ નોકરી મળી જશે. તેમણે 10થી 12 સંસ્થાઓમાં અરજી કરી, પણ ક્યાંયથી હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો.
તબસ્સુમ કહે છે કે, "મને લાગ્યું કે કદાચ અન્ય ઉમેદવારો મારા કરતાં વધુ લાયક હશે. તેમને મારા કરતાં વધુ અનુભવ હશે, કદાચ તેથી જ મારી પસંદગી થઈ નથી."
"થોડા દિવસો પછી મેં એક પ્રાઇવેટ ક્લિનિકમાં અરજી કરી. તે ક્લિનિક મારી કૉલેજના પૂર્વ પ્રોફેસર ચલાવતા હતા, તે મુસ્લિમ હતા. તેમની પત્નીએ મને કહ્યું કે તમે તમારા માથે હિજાબ પહેરો છો, તેની સામે કેટલાક દર્દીઓને વાંધો પડી શકે છે. તેથી તમને અહીં નોકરી મળશે એવી આશા ન રાખશો."
તબસ્સુમ ઉમેરે છે, "મને છેક ત્યારે સમજાયું કે શા માટે મને નોકરી માટે કૉલ ન આવ્યા. મેં જ્યાં પણ જાતે જઈને અરજી કરી હતી, ત્યાંથી મને કોઈ ફોન આવ્યો નહોતો. જ્યાં મેં ઓનલાઇન અરજી મોકલી હતી અથવા જ્યાં મને જોઈ નહોતી, ત્યાંથી કૉલ આવ્યા હતા, પરંતુ ઇન્ટરવ્યૂ પછી મને પસંદ કરવામાં આવી ન હતી."
લખનૌનાં નાયલા (નામ બદલ્યું છે)ને એક સ્કૂલ રિસેપ્શનમાં જ કહેવામાં આવ્યું હતું કે જો તેઓ અહીં કામ કરવા માગતા હોય તો તેમણે તેમના માથા પરનો સ્કાર્ફ ઉતારવો પડશે.
નાયલા કહે છે કે, "મેં તેમને કહ્યું હતું કે જો આ તમારી પૉલિસી હોય તો નોકરીની અરજીની શરતોમાં તેનો ઉલ્લેખ હોવો જોઈએ."
"થોડા દિવસો પછી, શાળામાંથી કૉલ આવ્યો કે તમે પરીક્ષા માટે કૉલલેટર લઈને આવો. પરંતુ હું ત્યાં ફરી ન ગઈ કારણ કે મને ખબર હતી કે તેઓ મને નોકરી નહીં આપે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિજાબના કારણે નોકરી આપવામાં ભેદભાવ
રોજગારીના સંદર્ભમાં મુસ્લિમ છોકરીઓ અને ખાસ કરીને હિજાબ પહેરતી છોકરીઓ નોકરી મેળવવામાં ભેદભાવ રખાતો હોવાનો વારંવાર આરોપ મૂકે છે.
મુસ્લિમ મહિલાઓ શિક્ષણના મામલામાં અન્ય સમુદાયોથી ઘણી પાછળ છે. નોકરીઓમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે.
તાજેતરમાં 'લીડ બાય' નામની બિનસરકારી સંસ્થાએ એક અહેવાલ રજૂ કર્યો હતો.
જેમાં જણાવ્યું હતું કે નોકરીઓમાં 47 ટકા સુધી મુસ્લિમ છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, એટલે કે જે મુસ્લિમ છોકરીઓ નોકરી માટે અરજી કરે છે તેમાંથી લગભગ અડધી છોકરીઓને મુસ્લિમ હોવાના કારણે નોકરી આપવામાં આવતી નથી.
તપાસમાં શું ખુલાસો થયો?
'લીડ બાય'નાં નિદેશક ડૉ. રોહા શાદાબે બીબીસીને કહ્યું, "ભારતમાં વર્કફોર્સમાં મુસ્લિમ મહિલાઓના પ્રતિનિધિત્વ અને સંભવિત ભેદભાવ અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી."
"મુસ્લિમ મહિલાઓના પ્રતિનિધિત્વ પર મનમોહનસિંહની અધ્યક્ષતામાં સચ્ચર સમિતિના રિપોર્ટમાં મુસ્લિમ મહિલાઓને રોજગારીમાં આવતા પડકારોના અભ્યાસનો પહેલો પ્રયત્ન થયો હતો. આ અભ્યાસ પરથી જાણવા મળે છે કે હિંદુ છોકરીઓની સરખામણીમાં 47.1 ટકા મુસ્લિમ છોકરીઓને જૉબ કૉલ આવતા નથી."
ડૉ. રોહાએ જણાવ્યું કે અમે અભ્યાસ માટે નવી પદ્ધતિ અપનાવી હતી. ફ્રૅશરની નોકરીની અરજી માટે એક બાયૉડેટા તૈયાર કરવામાં આવ્યો હતો.
"આ જ બાયૉડેટા હબીબા અલી અને પ્રિયંકા શર્માના નામે નોકરી માટે મોકલવામાં આવ્યો હતો. 10 મહિનાના ગાળામાં, વિવિધ જૉબ સર્ચ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ વિવિધ નોકરીઓ માટે હબીબા અને પ્રિયંકા શર્માના નામે અલગ-અલગ એક-એક હજાર અરજીઓ કરવામાં આવી હતી."
"આ અરજીઓમાં છોકરીઓના ફોટા મૂકવામાં આવ્યા ન હતા. આ રીતે ભેદભાવનો દર સ્પષ્ટપણે સામે આવી ગયો."
ડૉ. રોહાએ જણાવ્યું કે ભેદભાવનો દર 47 ટકાથી વધુ હતો.
હિન્દુ મહિલા અરજદારને 208 જગ્યાએથી હકારાત્મક જવાબ મળ્યો, તેની સરખામણીમાં મુસ્લિમ મહિલાને માત્ર 103 કૉલ આવ્યાં હતાં.
આટલું જ નહીં, જૉબ ઑફર કરતી કંપનીઓ હિંદુ મહિલાઓ પ્રત્યે વધુ પ્રમાણિક હતી, 41%થી વધુ કંપનીઓએ પ્રિયંકાનો ફોન પર સંપર્ક કર્યો હતો. જ્યારે હબીબાનો ફોન પર માત્ર 12.5 ટકા ભરતી કરનારાઓએ જ સંપર્ક કર્યો હતો.
ઉત્તર ભારતમાં ભેદભાવનો દર ઓછો
આ અભ્યાસમાં બીજી એક વાત સામે આવી કે ઉત્તર ભારતમાં મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવનો દર ઓછો હતો, આ દર 40 ટકા હતો. જ્યારે પશ્ચિમ ભારતમાં તે 59 ટકા અને દક્ષિણ ભારતમાં 60 ટકા હતો.
ડૉ. રોહાનું કહેવું છે કે આ અભ્યાસ વર્કફોર્સમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની સમીક્ષા કરતો પ્રથમ અભ્યાસ છે.
તેઓ કહે છે કે "આ સંપૂર્ણ સમીક્ષા નથી. અમને ખબર નથી કે જો મુસ્લિમ છોકરી હબીબાની હિજાબવાળી તસવીર રિઝ્યૂમમાં સામેલ કરવામાં આવી હોત તો પરિણામ શું આવ્યું હોત. અમે શર્મા અટક દ્વારા પ્રિયંકાને બ્રાહ્મણ છોકરી તરીકે ઓળખાવી હતી."
"જો તેના બદલે એક દલિત છોકરી હોત તો પરિણામ અલગ હોત એ પણ શક્ય છે, પરંતુ આ અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે નોકરીમાં મુસ્લિમ મહિલાઓ સાથે મોટાપાયે ભેદભાવ કરવામાં આવે છે.
'લીડ બાય' ફાઉન્ડેશન મુસ્લિમ મહિલાઓને વેપાર, વાણિજ્ય અને કૉર્પોરેટ ક્ષેત્રોમાં આગળ વધવા માટે તાલીમ આપે છે.
ફાઉન્ડેશનના "બાયસ ઇન હાયરિંગ" નામના આ રિપોર્ટ પર સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કૉમેન્ટ પણ કરી છે. ટ્વિટર પર ટિપ્પણી કરતા અમિત વર્મા નામના યુઝરે લખ્યું, "આ બતાવે છે કે આપણું રાજકારણ જ નહીં પરંતુ આપણો સમાજ પણ મુસ્લિમવિરોધી છે. રાજકારણ એ જ કરી રહ્યું છે જે સમાજ માગી રહ્યો છે."
અન્ય યુઝર નીલંજન સરકારે લખ્યું, "આ અભ્યાસ દ્વારા કાર્યસ્થળે મુસ્લિમવિરોધી વલણ એકદમ યોગ્ય રીતે બહાર આવ્યું છે. આવા જ વ્યવહારિક અભ્યાસ દ્વારા ભેદભાવના મુદ્દા પર સવાલ ઉઠાવે છે તેમને જવાબ આપી શકાય છે."
અલીશાન જાફરીએ લખ્યું, "તમારે વધુ મહેનત કરવી જોઈએ. દરેક નાગરિક પાસે સમાન તકો છે."
આમનાએ લખ્યું છે કે, "આ આંખ ઉઘાડી નાખતો સર્વે છે." મુસ્લિમ મહિલાઓને દરેક ઉદ્યોગમાં અને દરેક સ્તરે ભેદભાવનો સામનો કરવો પડે છે."
આ રિપોર્ટમાં એવી સલાહ આપવામાં આવી છે કે ભેદભાવના કારણે દેશની અર્થવ્યવસ્થા શ્રેષ્ઠ પ્રશિક્ષિત મસ્તિષ્કોથી વંચિત રહી જાય છે. વિવિધ સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ અને વ્યક્તિઓ અનુકૂળ વાતાવરણ બનાવીને રોજગારમાં મુસ્લિમ મહિલાઓની ભાગીદારી વધારવામાં મદદ કરી શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો