You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનના વીગર મુસ્લિમો : એ મુસલમાનો જેનો નરસંહાર કરાઈ રહ્યો હોવાના ચીન પર આરોપ લાગ્યા
ચીન પર શિનજિયાંગના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વીગર નામની મુસ્લિમ વસતિ વિરુદ્ધ અમાનવીય વર્તનના અને નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો છે.
માનવાધિકાર સંગઠનો માને છે કે ચીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં 10 લાખથી વધુ વીગર મુસ્લિમોને તેમની ઇચ્છા વિરુદ્ધ રાજ્ય "પુનર્શિક્ષણ કૅમ્પ" તરીકે ઓળખાતા કૅમ્પમાં પુરી રાખ્યા છે અને હજારોને જેલની સજા ફટકારી છે.
2022માં બીબીસીને મળી આવેલી પોલીસ ફાઈલોની શ્રેણીમાં ચીન દ્વારા આ કૅમ્પની અમલમાં લેવાયેલી કાર્યપ્રણાલીની વિગતો જાહેર કરવામાં આવી છે. આ ફાઈલોમાં સશસ્ત્ર દળોના ઉપયોગ અને ભાગી જવાનો પ્રયાસ કરનારાઓને ગોળી મારવાના આદેશની નીતિ કૅમ્પમાં અજમાવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.
અમેરિકા સહિતના ઘણા દેશોએ અગાઉ ચીન પર શિનજિયાંગમાં નરસંહારનો આરોપ લગાવ્યો છે. અગ્રણી માનવાધિકાર સંગઠનો ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ અને 'હ્યુમન રાઈટ્સ વૉચ' દ્વારા ચીન પર અમાનવીય વર્તનના આરોપ લગાવતા અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ચીન શિનજિયાંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના તમામ આરોપોને નકારે છે.
જોકે, શિનજિયાંગ પોલીસ ફાઈલોની વિગતો પ્રકાશિત થયા બાદ ચીનની સરકારે પ્રતિભાવ આપતાં કહ્યું કે તેમનાં ઉગ્રવાદવિરોધી પગલાંના પરિણામે શિનજિયાંગમાં શાંતિ અને સમૃદ્ધિ આવી છે. જે "તમામ પ્રકારનાં જૂઠાણાં" સામેનો જવાબ છે.
વીગર મુસ્લિમો કોણ છે?
શિનજિયાંગમાં લગભગ 1.20 કરોડ વીગર વસે છે, જેઓ મોટા ભાગે ઇસ્લામ ધર્મ પાળે છે. આ વિસ્તાર સત્તાવાર રીતે 'શિનજિયાંગ વીગર ઑટોનોમસ રિજન' (XUAR) તરીકે ઓળખાય છે.
વીગરની પોતાની અલગ ભાષા છે, જે ટર્કીશ ભાષા જેવી જ છે અને તે પોતાને સાંસ્કૃતિક અને વંશીય રીતે મધ્ય એશિયાઈ દેશોની નજીક જુએ છે. તેમની સંખ્યા શિનજિયાંગની કૂલ વસતિના અડધા જેટલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરના દાયકાઓમાં શિનજિયાંગમાં હાન ચાઈનીઝ (ચીનની વંશીય બહુમતી)નું સામૂહિક સ્થળાંતર જોવા મળ્યું છે, જે રાજ્ય દ્વારા કથિત રીતે લઘુમતી વસતિને નબળી પાડવા માટેના આયોજનનો ભાગ હતું.
ચીન પર મુસ્લિમોને નિશાન બનાવવા ઉપરાંત આ પ્રદેશના ધાર્મિક રીતરિવાજ પર પ્રતિબંધ લગાવવાનો તેમજ મસ્જિદો અને કબરોને નષ્ટ કરવાનો પણ આરોપ છે.
વીગર સામાજિક કાર્યકરોનું કહેવં છે તેમની સંસ્કૃતિ ખતમ થઈ જવાનું જોખમ સર્જાયું છે.
શિનજિયાંગ પ્રદેશ ક્યાં આવેલો છે?
શિનજિયાંગ પ્રદેશ ચીનના ઉત્તર-પશ્ચિમમાં આવેલો છે અને તે દેશનો સૌથી મોટો પ્રદેશ છે. તિબેટની જેમ તે સ્વાયત્ત છે, અલબત્ત, સૈદ્ધાંતિક અર્થમાં.
તેની પાસે શાસનની કેટલીક સત્તા છે. પરંતુ વ્યવહારિક ધરાતલ પર બંને પ્રદેશો પર ચીનની સરકારનાં ભારે નિયંત્રણો છે.
શિનજિયાંગ મોટે ભાગે રણપ્રદેશ છે અને વિશ્વના કુલ કપાસના પાંચમા ભાગનું ઉત્પાદન કરે છે. માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે કપાસની મોટા ભાગની નિકાસ ફરજિયાત મજૂરી દ્વારા કરાવવામાં આવે છે અને 2021માં કેટલીક પશ્ચિમી બ્રાન્ડ દ્વારા તેમની સપ્લાય ચેનમાંથી શિનજિયાંગ કપાસને દૂર કર્યો હતો.
એના પરિણામે ચીનનાં સેલિબ્રિટી અને નાગરિકોએ આ બ્રાન્ડનો બહિષ્કાર કર્યો હતો.
ડિસેમ્બર 2020માં, બીબીસી દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જોવા મળ્યું હતું કે શિનજિયાંગમાં પાંચ લાખ જેટલા લોકોને કપાસમાં મજૂરી માટે ફરજ પાડવામાં આવતી હતી.
પુનર્શિક્ષણ કૅમ્પના મેદાનમાં નવી ફેકટરીઓ બનાવવામાં આવી હોવાના પુરાવા છે.
આ પ્રદેશમાં તેલ અને કુદરતી ગૅસના પણ ભંડારો છે અને મધ્ય એશિયા અને યુરોપ સાથે તેની નિકટતાને કારણે બેજિંગ દ્વારા તેમને મહત્ત્વના વેપારીમથકો તરીકે જોવામાં આવે છે.
20મી સદીની શરૂઆતમાં, વીગરોએ થોડા સમય માટે આ પ્રદેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો પરંતુ તેને 1949માં ચીનની સામ્યવાદી સરકારે એને પોતાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લઈ લીધો હતો.
ચીન પર કેવા આરોપ છે?
યુએસ, યુકે, કૅનેડા અને નૅધરલેન્ડ્સ સહિતના કેટલાક દેશોએ ચીન પર નરસંહારના આરોપ મૂક્યા છે - જેને આંતરરાષ્ટ્રીય સંમેલન દ્વારા "રાષ્ટ્રીય, વંશીય, જાતીય અથવા ધાર્મિક જૂથને સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ કરવાના હેતુ" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.
જાહેરાતોમાં કૅમ્પમાં રાખવામાં આવેલા વીગરોને લઈને ચીન પર વસતિને દબાવવા, બાળકોને તેમના પરિવારોથી અલગ કરવા અને વંશની સાંસ્કૃતિક પરંપરાઓને તોડવાનો પ્રયાસ કરવા માટે વીગર મહિલાઓની બળજબરીથી નસબંધી કરાવવાના આરોપ છે.
અમેરિકી વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને કહ્યું છે કે ચીન "નરસંહાર અને અમાનવીય અપરાધો" આછરી રહ્યું છે.
એપ્રિલ 2021માં યુકેની સંસદે જાહેર કર્યું હતું કે ચીન શિનજિયાંગમાં નરસંહાર કરી રહ્યું છે.
2018માં યુએનની માનવાધિકાર સમિતિએ જણાવ્યું હતું કે તેની પાસે વિશ્વસનીય અહેવાલો છે કે ચીને શિનજિયાંગમાં "ઉગ્રવાદવિરોધી કેન્દ્રો"માં દસ લાખ લોકોને બંધક બનાવ્યા છે.
ઑસ્ટ્રેલિયન સ્ટ્રેટેજીક પૉલિસી ઇન્સ્ટિટ્યૂટને 2020માં શિનજિયાંગમાં આ "પુનર્શિક્ષણ કૅમ્પ"માંથી 380થી વધુ પુરાવા મળ્યા હતા, જે અગાઉના અનુમાન કરતાં 40% કરતા વધારે હતા.
શિનજિયાંગ પોલીસ ફાઈલ્સ તરીકે ઓળખાતા તાજેતરના પોલીસ દસ્તાવેજોમાં સમાવિષ્ટ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે લગભગ 23,000 રહેવાસીઓ અથવા એક કાઉન્ટીની વયસ્ક વસતિના 12%થી વધુ લોકો વર્ષ 2017 અને 2018માં કૅમ્પ અથવા જેલમાં હતા.
જો આંક આખા શિનજિયાંગ માટે લાગુ કરવામાં આવે તો આંકડાઓનો અર્થ એમ નિકળે કે 12 લાખથી વધુ વીગર અને અન્ય તુર્કી લઘુમતીને કૅમ્પમાં રાખવામાં આવી હશે.
યુકેના વિદેશ સચિવ લિઝ ટ્રુસે જણાવ્યું હતું કે ફાઈલોમાં "ચીનના માનવાધિકાર ઉલ્લંઘનની ચોંકાવનારી વિગતો" છે.
અગાઉ, 'ચાઇના કૅબલ્સ' તરીકે ઓળખાતા લીક થયેલા દસ્તાવેજોએ સ્પષ્ટ કર્યું હતું કે કૅમ્પને ભારે સુરક્ષા ધરાવતી કડક જેલ તરીકે ચલાવવાનો હેતુ હતો.
કૅમ્પમાંથી છટકી જવામાં સફળ થયેલા લોકોએ શારીરિક, માનસિક અને જાતીય ત્રાસનું વર્ણન કર્યું છે. મહિલાઓએ સામૂહિક બળાત્કાર અને જાતીય ઉત્પીડનની વાત કરી છે.
કૅમ્પ શેના માટે બંધાયા હતા?
1990ના દાયકાથી શિનજિયાંગમાં હાનવિરોધી અને અલગતાવાદી અવાજ ઊભરી રહ્યો હતો. ઘણી વખત આ અવાજ હિંસક બન્યો હતો.
2009માં શિનજિયાંગમાં અથડામણમાં લગભગ 200 લોકો માર્યા ગયા, જે માટે ચીની વસતીએ પોતાનું અલગ રાજ્ય ઇચ્છતા વીગરને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ તાજેતરનાં વર્ષોમાં ભારે સુરક્ષા ધરાવતા કૅમ્પ દ્વારા આ વિરોધને કચડી નાખવામાં આવ્યો છે.
શિનજિયાંગને હાલ પોલીસ, ચેકપોઇન્ટ અને કૅમેરા સાથેના સર્વેલન્સના વ્યાપક નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવ્યું છે. નંબર પ્લેટથી લઈને વ્યક્તિગત ચહેરા સુધી અહીં બધું જ સ્કેન કરવામાં આવે છે.
હ્યુમન રાઈટ્સ વૉચ અનુસાર પોલીસ લોકોના વર્તન પર નજર રાખવા માટે મોબાઈલ ઍપનો પણ ઉપયોગ કરી રહી છે. ઍપ થકી વીગર લોકો કેટલી વીજળી વાપરે છે અને કેટલી વખત મુખ્ય દરવાજાો ઉપયોગ કરે એવી બાબતોની પણ નોંધ રાખવામાં આવે છે.
2017માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે આદેશ જારી કર્યો કે ચીનમાં તમામ ધર્મોના કેન્દ્રમાં ચીન જ હોવું જોઈએ, ત્યારથી અહીં જાપતો વધારવામાં આવ્યો છે. પ્રચારકો કહે છે કે ચીન વીગર સંસ્કૃતિને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શિનજિયાંગ પોલીસ ફાઈલો 2019 પહેલાંની છે અને તે વર્ષો પહેલાં થયેલા કથિત ગુનાઓ માટે વીગરોને કરવામાં આવેલી સજા પર વધુ પ્રકાશ પાડે છે.
ઘણા લોકોને મોબાઈલ ફોનના ઉપયોગ કરવા બદલ, "ગેરકાયદેસર પ્રવચનો" સાંભળવા બદલ અથવા ફોનનો યોગ્ય ઉપયોગ નહી કરવા બદલ નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાય છે અને તેને 'યૂઝર્સના ડિજિટલ સર્વેલન્સ'થી બચવાના પ્રયાસના સંકેત તરીકે ગણવામાં આવે છે.
ચીન શું કહે છે?
ચીન શિનજિયાંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના તમામ આરોપોને નકારે છે.
શિનજિયાંગ પોલીસ ફાઈલોના જવાબમાં, ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે દસ્તાવેજો "ચીનવિરોધી અવાજો દ્વારા ચીનને બદનામ કરવાના વધુ એક પ્રયાસનું ઉદાહરણ છે".
તેમણે કહ્યું કે શિનજિયાંગમાં સ્થિરતા અને સમૃદ્ધિ છે અને રહેવાસીઓ સુખી, પરિપૂર્ણ જીવન જીવી રહ્યા છે.
ચીન કહે છે કે ઉગ્રવાદને રોકવા અને ઈસ્લામિક ઉગ્રવાદને જડમૂળથી ઉખેડવા માટે શિનજિયાંગમાં કાર્યવાહી જરૂરી છે અને કૅમ્પ ઉગ્રવાદ સામેની તેની લડાઈમાં કેદીઓને સુધારવા માટેનું અસરકારક સાધન છે.
ચીન ભારપૂર્વક જણાવે છે કે વીગર ઉગ્રવાદીઓ બૉમ્બવિસ્ફોટ, તોડફોડ અને નાગરિક અશાંતિનું કાવતરું ઘડીને સ્વતંત્ર રાજ્ય માટે હિંસક ઝુંબેશ ચલાવી રહ્યા છે.
ચીને સામૂહિક નસબંધી દ્વારા વીગર વસતિ ઘટાડવાના પ્રયાસ કરવાના દાવાઓને "પાયાવિહોણા" ગણાવીને ફગાવી દીધા છે અને ચીન કહે છે કે બળજબરીથી મજૂરી કરવાના આરોપો "સાવ બનાવટી" છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો