ઊર્જા પરિવર્તન : ધરતીનો એ ખજાનો જેના માટે ભવિષ્યમાં યુદ્ધ થઈ શકે

    • લેેખક, સેસિલિયા બાર્રિયા
    • પદ, બીબીસી ન્યૂઝ

ઑઇલ અને ગૅસ આ સમયે આખી દુનિયામાં ઘણા બધા વિવાદોનું કારણ છે પરંતુ આવનારા સમયમાં આવી હોડ બીજાં કેટલાંક ખનિજો માટે પણ થઈ શકે છે.

વાત આઠમી માર્ચની છે જ્યારે સવારના 5.42 વાગ્યે નિકલની કિંમત એટલી ઝડપથી વધવા માંડી કે લંડન મેટલ ઍક્સ્ચેન્જમાં અફરાતફરી થઈ ગઈ.

18 મિનિટમાં જ નિકલની કિંમત પ્રતિ ટન એક લાખ ડૉલર થઈ ગઈ હતી. એના લીધે નિકલને વાપરીને કામકાજને પણ અટકાવવાં પડ્યાં.

બીજી તરફ, આ રેકૉર્ડ તોડ્યા પહેલાં જ છેલ્લા 24 કલાકમાં નિકલની કિંમતમાં 250 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદનો આ પહેલો એવો પ્રસંગ હતો જેમાં બજારમાં એક ધાતુનું સંકટ ઊભું થયું હતું.

પશ્ચિમી દેશોએ રશિયા પર લાદેલા પ્રતિબંધોને કિંમતમાં આવેલા આ ઉછાળા માટેનું કારણ માનવામાં આવે છે. એનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે નિકલ જેવી ધાતુ દુનિયામાં મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. તે ઓછા પ્રદૂષણવાળી અર્થવ્યવસ્થા તરફ જવા માટે મહત્ત્વપૂર્ણ છે.

રશિયા ગૅસ અને ઑઇલની મોટી માગની આપૂર્તિ કરે છે. રશિયા-યુક્રેનયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની ગૅસ અને ઑઇલ માટે રશિયા પરની નિર્ભરતાએ સાબિત કર્યું કે ઈંધણનો પણ એક હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધની અસર?

યુક્રેન પરનો હુમલો અટકાવવા માટે અમેરિકા અને એમના સહયોગી દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લાદ્યા છે, તેમ છતાં યુરોપ રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદવા માટે મજબૂર છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને 31 માર્ચે કહેલું કે, "અમેરિકામાં બનેલી સ્વચ્છ ઊર્જાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવામાં મદદ મળશે."

એમણે કહેલું, "ભવિષ્ય નિશ્ચિત કરનારી વસ્તુઓ માટે આપણે ચીન અને અન્ય દેશો પરની ઘણા લાંબા સમયથી ચાલી આવતી નિર્ભરતા સમાપ્ત કરવાની જરૂર છે."

આની પહેલાં જો બાઇડને ઇલેક્ટ્રિકલ બૅટરીના નિર્માણ અને નવીનીકરણ ઊર્જા ભંડાર માટે ઉપયોગી ખનિજોના સ્થાનિક ઉત્પાદન અને એના વધારે પ્રોસેસિંગમાં સહયોગ માટે સુરક્ષા ઉત્પાદન કાયદો લાગુ કરવાની જાહેરાત કરી હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, "આ ખનિજોમાં લિથિયમ, નિકલ, ગ્રેફાઇટ, મૅંગેનીઝ અને કોબાલ્ટ સામેલ છે."

રશિયાનું ઊર્જાશસ્ત્ર

પરંતુ, પોતાની જરૂરિયાતના ધોરણે દરેક દેશ માટે જુાં-જુદાં ખનિજો મહત્ત્વનાં છે, જેનાથી તે ઊર્જા પરિવર્તનકાળમાં બજાર શૅરમાં સારી સ્પર્ધા કરવાના કામમાં આવી શકે.

વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ઑઇલ, ગૅસ અને કોલસાની માગ પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા દેશો માટે ભવિષ્યમાં સ્પર્ધામાં પાછળ રહી જવાનું જોખમ રહેલું છે.

ઉદાહરણરૂપે રશિયા, જેની આર્થિક શક્તિ મુખ્યત્વે જીવાશ્મ ઈંધણો પર નિર્ભર છે. તે દુનિયાનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક છે અને ત્રીજા ક્રમનો સૌથી મોટો ઑઇલ ઉત્પાદક.

જોકે, ભવિષ્યમાં ખનિજોને લઈને થનારી હોડમાં રશિયાને લાભ થઈ શકે છે. કેમ કે રશિયા કોબાલ્ટ અને પ્લેટિનમ માટેનો દુનિયાનો બીજા ક્રમનો મોટો અને નિકલનો ત્રીજા ક્રમનો સૌથી મોટો આપૂર્તિકર્તા દેશ છે.

રશિયા પાસે ભલે કેટલાંક ખનિજો વધારે પ્રમાણમાં હોય પરંતુ નિષ્ણાતો અનુસાર આ મહત્ત્વનાં ખનિજો અન્ય દેશોમાં વધારે જોવા મળે છે. દુનિયામાં ઉપલબ્ધ કોબાલ્ટનો સૌથી વધારે જથ્થો રિપબ્લિક ઑફ કૉન્ગોમાંથી, નિકલનો ઇન્ડોનેશિયામાંથી, લિથિયમનો ઑસ્ટ્રેલિયામાંથી, તાંબાનો ચિલીમાંથી અને દુર્લભ ખનિજોનો જથ્થો ચીનમાંથી કાઢવામાં આવે છે.

વિશેષજ્ઞો દુનિયામાં ઊર્જા પરિવર્તન માટે ઓછામાં ઓછાં 17 ખનિજોને મહત્ત્વનાં માને છે. તેથી જે દેશ આ ખનિજોને કાઢવાની અને પ્રોસેસિંગની ક્ષમતા ધરાવે છે એમને વધારે લાભ મળવાનો છે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીનું અનુમાન છે કે આ 17 ખનિજોમાંથી સૌથી વધારે મહત્ત્વનાં લિથિયમ, નિકલ, કોબાલ્ટ, તાંબું, ગ્રેફાઇટ અને રેર અર્થ છે.

એના ઉત્પાદનમાં કયા દેશ આગળ છે?

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીમાંના નિષ્ણાત તાએ-યુન-કિમે કહ્યું કે 2040 સુધી આ ખનિજોની માગ ઝડપથી વધશે.

ઊર્જા પરિવર્તનથી કયા દેશોને સૌથી વધારે ફાયદો થશે, એ બાબતને તાએ-યુન-કિમ બે ભાગમાં વહેંચે છે. એક તો એવા દેશો જ્યાં પ્રચુર માત્રામાં ખનિજ ઉપલબ્ધ છે અને બીજા તે, જે એના પ્રોસેસિંગમાં સૌથી આગળ છે.

જ્યાં સુધી ખનિજોની પ્રચુરતા અને એને કાઢવાની વાત છે તો એમાં ઘણા દેશ આગળ છે. પરંતુ ખનિજોના પ્રોસેસિંગમાં ચીનનું વર્ચસ્વ છે.

નિષ્ણાતોએ બીબીસી મુંડો સાથેની વાતચીતમાં કહ્યું કે, "એ જણાવવું તો મુશ્કેલ છે કે ઊર્જા પરિવર્તનથી કયા દેશને સૌથી વધારે ફાયદો થશે. તે એ વાત પર નિર્ભર છે કે તે (દેશ) ઉત્પાદન શ્રેણીમાં કયા સ્થાને છે."

પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આપણે એક મહત્ત્વપૂર્ણ વળાંકે ઊભા છીએ. જ્યાં ઑઇલે વીસમી સદીના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તો ઊર્જા પરિવર્તનનાં ખનિજો 21મી સદીના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

તેથી વિશેષજ્ઞે કહ્યું કે, "આ ભવિષ્યનાં ખનિજો છે."

સૌથી મહત્ત્વનાં ચાર ધાતુ

ઇલેક્ટ્રિક બૅટરીમાં ભલે ધાતુની જરૂર પડતી હોય પરંતુ તે ઔદ્યોગિક ગતિવિધિઓ માટે ઘણા પ્રકારની ઊર્જાને સંગ્રહ કરવામાં પણ મહત્ત્વપૂર્ણ હોય છે.

જર્મન ઇન્સ્ટિટિયૂટ ફૉર ઇકૉનૉમિક રિસર્ચના શોધકર્તા લુકાસ બોઅરે કહ્યું કે, "જો આ ધાતુઓની માગ અનુસાર પુરવઠો પૂરો ન પડે તો એના ભાવ આસમાન આંબવા લાગશે."

ગયા વર્ષના અંતમાં એન્ડ્રિયા પેસકાતોરી અને માર્ટિન સ્ટરમરની સાથે લુકાસ બોઅરનું એક સંશોધન પ્રકાશિત થયું હતું - 'ધ મેટલ્સ ઑફ ધ એનર્જી ટ્રાન્જિશન' અધ્યયન.

બોઅરે કહ્યું કે, આ બાબતમાં એક જરૂરી ફૅક્ટર આ ધાતુઓને કાઢવાની પ્રક્રિયા છે. વાસ્તવમાં, આ ધાતુઓને કાઢવા માટે શરૂ થનારી ખનન પરિયોજનાઓ સંપૂર્ણપણે સંચાલિત થવામાં એક દાયકા (અંદાજે 16 વર્ષ) જેટલો સમય લાગે છે. તેથી આગામી દિવસોમાં આ ધાતુઓની વધારે ઘટ પડી શકે છે.

શોધ અનુસાર રેર અર્થની સાથોસાથ ચાર સૌથી મહત્ત્વપૂર્ણ ધાતુ નિકલ, કોબાલ્ટ, લિથિયમ અને તાંબું છે. એની કિંમત લાંબા સમય સુધી ઐતિહાસિક રૂપે વધી શકે છે. તે સામાન્ય વધારો નહીં હોય જેમાં આંતરાષ્ટ્રીય બજારમાં થોડા દિવસ માટે ભાવ વધે અને ફરી ઘટી જાય છે.

આ ચાર ધાતુઓના ઉત્પાદકો એકલા જ, હવે પછીનાં 20 વર્ષ સુધી ઑઇલ ફીલ્ડની સમકક્ષ કમાણી કરી શકે છે.

બોઅરે કહ્યું કે, "આ ધાતુઓ નવું ઑઇલ હોઈ શકે છે અને કોબાલ્ટના ઉત્પાદનવાળા કૉંગોમાં રોકાણ કરીને ચીન સૌથી મોટો ખેલાડી બની ગયો છે."

પશ્ચિમી દેશો પાછળ રહી જવાની બીક

યુદ્ધની નવી સ્થિતિઓમાં જ્યારે પશ્ચિમી દેશોએ પોતાની ઊર્જા નિર્ભરતા ઘટાડવાની જરૂર છે ત્યારે એવા દેશો છે જે આ વધતી જતી જરૂરિયાતની આંશિક આપૂર્તિ કરી શકે છે.

બ્લૂમબર્ગ એનઇએફ રિસર્ચ સેન્ટરના ધાતુ અને ખનન પ્રમુખ ક્વાસી એમપોફાનું કહેવું છે કે ચીન આ બદલાવમાંથી ફાયદો મેળવીને સૌથી સારી સ્થિતિમાં છે.

એમણે કહ્યું કે, "જો ચીન રશિયાના ધાતુ ઉત્પાદનને પોતાની રિફાઇનરીમાં લાવીને અન્ય દેશોને વેચવામાં સફળ થાય તો તે આ પરિવર્તનો વિજેતા બની શકે છે."

જોકે, આ બાબતમાં બીજા દેશો પણ મેદાનમાં છે. નિકલની વાત કરીએ તો ઇન્ડોનેશિયા છેલ્લાં બે વરસથી પોતાની ઉત્પાદનક્ષમતા વધારી રહ્યો છે. રશિયા દ્વારા પડનારી ઘટને પૂરી કરવા માટે ભવિષ્યમાં પણ તે એને વધારતો રહેશે.

નિકલ એવી ધાતુ છે જે રશિયા-યુક્રેનયુદ્ધના લીધે સૌથી વધારે પ્રભાવિત થઈ છે. રશિયા એવો દેશ છે જે એના વૈશ્વિક ઉત્પાદનના નવ ટકા ઉત્પન્ન કરે છે.

બીજી તરફ, જો પ્લેટિનમ સમૂહની ધાતુઓની ઘટ પડે તો દક્ષિણ આફ્રિકન ઉત્પાદક એની ખાધ પૂર્તિ કરી શકે છે.

ભવિષ્યની ધાતુઓને નિયંત્રિત કરવાના સંઘર્ષમાં એવા પક્ષો છે જેમાં ચીને સરસાઈ મળેલી છે.

આવી સ્થિતિમાં જો પશ્ચિમી દેશ ઝડપથી આગળ નહીં વધે તો એમના માટે પાછળ રહી જવાનું જોખમ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો