You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોરિસ જોન્સન ગૌતમ અદાણીને વ્યક્તિગત રીતે મળવા કેમ ગયા?
યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારત સાથે વિવિધ કરારની જાહેરાત કરશે.
યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે છે. ત્યારે ગાંધીઆશ્રમની મુલાકાત બાદ તેમણે ગૌતમ અદાણી સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી.
મુલાકાત બાદ ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું હતું કે, યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનની પ્રથમ ભારત મુલાકાત દરમિયાન તેમને અદાણીના હૅડક્વાર્ટર્સ ખાતે આવકારીને ગૌરવ થયો. સોલાર, હાઇડ્રોજન અને હવા મારફતે એનર્જી ટ્રાન્ઝિશન માટે સાથે મળીને કામ કરવા અને યુકેની કંપનીઓ સાથે મળીને ડિફેન્સ અને ઍરોસ્પેસ ટૅક્નોલોજી પર કામ કરીશું.
બોરિસ જોન્સનની મુલાકાતને લઈને બ્રિટિશ હાઇકમિશનર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, યુકેના ચૅવેનિંગ પ્રોગ્રામ અને અદાણી ગ્રુપ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અભ્યાસ માટે સંયુક્ત રીતે સ્કૉલરશિપની જાહેરાત થઈ શકે છે.
આ પહેલા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ ગૌતમ અદાણીએ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે અદાણી વન દ્વારા સોલાર, હાઇડ્રોજન અને હવા મારફતે એનર્જી ટ્રાન્ઝિશન માટે 50 બિલિયન ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી.
જેથી આજે બોરિસ જોન્સન અને ગૌતમ અદાણીની મુલાકાત આ 50 બિલિયન ડૉલરના રોકાણ તેમજ ભારત-યુકે વચ્ચે ઊર્જા અને ડિફેન્સક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બોરિસ જોન્સનની ભારત મુલાકાતથી કેટલી નોકરીઓ સર્જાશે?
ભારતમાં બ્રિટિશ હાઇકમિશનર દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર બોરિસ જોન્સન પોતાની ભારત મુલાકાત બન્ને દેશો વચ્ચેના વેપારના અવરોધોને દૂર કરવા, બન્ને દેશો વચ્ચે વેપાર વધારવા અને રોજગારી વધારવા માટે કરી રહ્યાં છે.
આ બે દિવસીય મુલાકાતમાં તેઓ બન્ને દેશો વચ્ચે અંદાજે એક બિલિયન ડૉલરના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. આ કરારથી ભારત અને યુકેમાં અંદાજે 11 હજાર નોકરીઓનું સર્જન થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટિશ હાઇકમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત અને યુકેની વિવિધ કંપનીઓ વચ્ચે પાર્ટનરશિપ દ્વારા બન્ને દેશોમાં રોજગારીનું સર્જન કરાશે.
ઇલેક્ટ્રિક બસ બનાવતી કંપની સ્વિચ મોબિલિટી દ્વારા યુકેમાં રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટર અને ચેન્નાઈમાં એશિયા-પૅસેફિક હૅડક્વાર્ટર્સ શરૂ કરવામાં આવશે. જેના કારણે બન્ને દેશોમાં લગભગ એક હજાર લોકો માટે રોજગારી સર્જાશે.
યુકેમાં ઇલેક્ટ્રિક ટ્રક બનાવતી કંપની ટૅવ્વા મોટર્સ અને ભારતની કંપની અશોક ફોર્જ દ્વારા સંયુક્ત રીતે યુકેમાં નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. જેના દ્વારા અંદાજે 500 લોકોને રોજગારી આપવામાં આવશે.
આ જ રીતે બન્ને દેશોમાં વિવિધ ક્ષેત્રોની ખ્યાતનામ કંપનીઓ તેમજ સ્ટાર્ટઅપ્સ વચ્ચે એક બિલિયન ડૉલરના 43 કરાર દ્વારા 11 હજાર જેટલી નોકરીઓનું સર્જન કરાશે.
ભારતની ખ્યાતનામ કંપનીઓમાં અદાણી જૂથ, ટીવીએસ મોટર્સ, બાયજુસ, ટાટા કૅમિકલ્સ તેમજ અપોલો ટાયર્સનો સમાવેશ થાય છે. આ સિવાય બન્ને દેશોના સ્ટાર્ટઅપ્સને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ હેલ્થ પાર્ટનરશિપ પર ભાર
બે દિવસમાં ભારત-યુકે વચ્ચે જુદા જુદા ક્ષેત્રમાં વિવિધ 43 કરાર થશે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ હેલ્થ પાર્ટનરશિપ પર ભાર આપવામાં આવ્યો છે.
કરાર હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટ અપ્સ અને તેનો અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવા માટે બન્ને દેશો દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરુ પાડવામાં આવશે.
આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેલ્થકૅર સ્પેશિયાલિસ્ટ કંપની માટે છ બિલિયન પાઉન્ડનું રોકાણ કરવામાં આવશે.
આ સિવાય સૌથી મહત્ત્વપૂર્ણ કરાર ભારત-યુકે વચ્ચેના સ્પેસ પ્રોગ્રામ માટેનો છે. જે ઈસરોની કૉમર્શિયલ પાંખ ન્યુ સ્પેસ ઇન્ડિયા અને યુકેની કંપની વનવેબ વચ્ચે થશે.
વનવેબ યુકેની નવીન સેટેલાઇટ કૉમ્યુનિકેશન કંપની છે. જેનો ન્યુ સ્પેસ ઇન્ડિયા સાથેના કરાર થયા બાદ બન્ને દેશોને આ ક્ષેત્રમાં ઘણો ફાયદો થશે.
બોરિસ જોન્સનના ભારત પ્રવાસની વિગતો
બોરિસ જોન્સન ગુરુવારે સવારે ગુજરાત આવી પહોંચ્યા છે. બે દિવસ માટે તેઓ ભારતમાં રહેશે.
મુલાકાતના પ્રથમ દિવસે તેમણે ઍરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજ્યો હતો. જ્યાર બાદ બપોરે તેઓ યુકેની ઍડિનબર્ગ યુનિવર્સિટીના સહયોગથી તૈયાર કરવામાં આલી બાયોટૅક્નોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે.
બ્રિટિશ કંપની દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલી ફૅક્ટરીની મુલાકાત લઈને સાંજે ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લેશે અને ત્યાર બાદ તેઓ સીધા દિલ્હી જશે.
શુક્રવારે દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુકે-ભારત વચ્ચે મુક્ત વેપાર સંધિ વિશે વાટાઘાટો કરશે. જેમાં વર્ષ 2030 સુધીમાં વેપાર અને રોકાણ બમણું થાય તે માટેના પ્રયાસો હાથ ધરાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો