You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી ત્રણ દિવસ આસામ પોલીસની કસ્ટડીમાં, 14 દિવસના રિમાન્ડની માગ કોર્ટે ફગાવી
ગુજરાતના બનાસકાંઠાની વડગામ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બુધવાર રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ગુરુવારે તેમને આસામની કોકરાજારની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીના સહયોગી સુબોધ કુમુદે કહ્યું કે, પોલીસે 14 દિવસના રિમાન્ડ (પોલીસ કસ્ટડી)ની માગણી કરી હતી. અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
બુધવારે આસામની પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તે બાદ તેમને અમદાવાદ ઍરપૉર્ટથી આસામ લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટ કરી હતી જે મામલે આસામના ભાજપના નેતાએ 19 એપ્રિલના રોજ તેમની સામે ફરિયાદ કરી હતી અને 20 તારીખે મધરાતે આસામ પોલીસે તેમની પાલનપુરમાં આવીને ધરપકડ કરી.
બુધવારે મધરાતે અને અને ગુરુવારે જિજ્ઞેશ મેવાણી સામે સરકાર કિન્નાખોરી અને તાનાશાહી દાખવી રહી હોવાને લઈને કૉંગ્રેસ સહિત અનેક કર્મશીલોએ દેખાવો કર્યા હતા. ગુરુવારે સોશિયલ મીડિયામાં મેવાણીની ધરપકડનો કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક લોકોએ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી હાલ વડગામથી અપક્ષ ધારાસભ્ય છે અને તેઓ કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ચૂક્યા છે.
ગુરવારે આસામ કૉંગ્રેસના વકીલો તેમન મદદ માટે કોર્ટે પહોંચ્યા હતા.
મધરાતે ધરપકડનો નાટકીય ઘટનાક્રમ
જિજ્ઞેશ મેવાણી દ્વારા રજૂ કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે "સમગ્ર મામલામાં આસામ પોલીસ દ્વારા શરૂઆતમાં અમદાવાદ ઍરપૉર્ટ લાવવામાં આવ્યા ત્યાં સુધી ધરપકડનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. FIRની નકલ પણ આપવામાં આવી નહોતી તથા વકીલ સાથે વાત પણ કરવા દેવામાં નહોતી આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે અમદાવાદ ઍરપૉર્ટ ખાતે જિજ્ઞેશ મેવાણીના સમર્થકો અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યો સી.જે. ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય વિમલ શાહ, શહેરપ્રમુખ નીરવ બક્ષી, શાહનવાઝ શેખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે બાદ જ FIRની કૉપી આપવામાં આવી હતી.
બીબીસીના સહયોગી દિલીપ શર્માએ મેવાણી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગેની વિગતો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "કોકરાજાર જિલ્લાના ભવાનીપુરના રહેવાસી અનૂપ કુમાર ડેએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120 B (ગુનાહિત કાવતરું), કલમ 153 A (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટના વધારાને પ્રોત્સાહિત કરવી), 295 A (કોઈ પણ વર્ગના ધર્ણનું અપમાન કરવાના ઇરાદે પૂજાસ્થળને નુકસાન પહોંચાડવું કે અપવિત્ર કરવું), 504 (ઇરાદાપૂર્વક જાણીજોઈને અપમાન કરી શાંતિભંગ કરવી), 506 (ગુનાહિત ધમકી) અને આઇટી ઍક્ટની લાગતીવળગતી કલમો હેઠળ મામલો દાખલ કરાયો હતો."
આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શિત કરતાં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કૉંગ્રેસના નેતાઓએ સૂત્રોચ્ચાર કરી જિજ્ઞેશ મેવાણીની ધરપકડનો વિરોધ કર્યો હતો.
તેમણે ટ્વીટર પર પોતાનો આક્રોશ ઠાલવતાં લખ્યું હતું કે, "આસામ પોલીસે MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે ઍરપૉર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યે અમદાવાદ ઍરપૉર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહીં લડીશું."
સમાચર સંસ્થા ANIએ જિજ્ઞેશ મેવાણીની ધરપકડની પુષ્ટિ કરતાં ટ્વીટ કર્યું હતું.
ANIના ટ્વીટ અનુસાર કોકરાઝારના એસપી થુબે પ્રતીક વિજયકુમારે જણાવ્યું હતું કે કોકરાજાર પોલીસે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બુધવારે રાત્રે ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયા પર વડા પ્રધાનને ગુજરાતમાં કોમી હુલ્લડ થયા હોય તેવા વિસ્તારોમાં જઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતી ટ્વીટના કારણે ફરિયાદ દાખલ થવાના લીધે આ ધરપકડ કરવામાં આવી હોવાનું આસામ પોલીસ દ્વારા અંતે જણાવવામાં આવ્યું હતું.
જિજ્ઞેશના સાથી અને વકીલ એવા સુબોધ કુમુદે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "શરૂઆતમાં તો પોલીસ FIR પણ આપવા તૈયાર નહોતી. કોઈને વાત કરવા દેવા પણ તૈયાર નહોતી. આ એક પ્રકારે ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આનાથી અમને કોઈ ફરક પડવાનો નથી. સરકારની તાનાશાહી સામે અમારી જે લડાઈ ચાલુ હતી તે ચાલુ જ રહેશે."
આસામનાં કોકરાજાર પોલીસ સ્ટેશન દ્વારા જે FIR જિજ્ઞેશની ધરપકડ માટે રજૂ કરવામાં આવી છે તેમાં જિજ્ઞેશનાં બે ટ્વીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે વડા પ્રધાનનો ઉલ્લેખ ગોડસેને પોતાના આરાધ્ય દેવ માનવાવાળા તરીકે કર્યો છે. તે ટ્વીટમાં તેમને અપીલ કરવામાં આવી છે કે ખંભાત, હિંમનગર અને વેરાવળમાં થયેલી હિંસા મામલે શાંતિની અપીલ કરે.
FIRમાં જણાવાયું છે કે આ ટ્વીટની વ્યાપક ટીકા થઈ છે. શાંતિ અને ભાઈચારાને ખલેલ ન પહોંચે તે માટે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે.
FIRમાં શું છે?
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જિગ્નેશનું વડા પ્રધાન 'ગોડસેને ભગવાન' માનતા હોવાના ટ્વીટની વ્યાપક ટીકા થઈ હોવાનો દાવો કર્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે, "આ ટ્વીટના કારણે જાહેર શાંતિનો માહોલ ડહોળાઈ શકે છે. આ ટ્વીટના કારણે સમાજના એક વર્ગના લોકો અન્ય વર્ગના લોકોને નુકસાન પહોંચાડવા હિંસક કૃત્ય કરવા માટે ઉશ્કેરાય તેવી આશંકા છે. તેમજ આ ટ્વીટના કારણે દેશના આ વિસ્તારમાં સામાજિક તાણાવાણાને નકારાત્મક અસર પહોંચી શકે છે એમ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો