You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબ પોલીસ દિલ્હીમાં કુમાર વિશ્વાસના ઘરે શા માટે પહોંચી?
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસના ઘરે બુધવારે સવારે પંજાબ પોલીસ પહોંચી છે. તેમણે આ માહિતી ટ્વિટર પર કેટલીક તસવીરો સાથે આપી હતી અને નામ લીધા વગર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું.
વિશ્વાસે ટ્વીટ કર્યું, "વહેલી સવારે પંજાબ પોલીસ દ્વાર પર આવી પહોંચી છે. એક સમયે મારા દ્વારા જ પાર્ટીમાં સામેલ કરાવવામાં આવેલા ભગવંત માનને કહેવા માગું છું કે તમને દિલ્હીના જે માણસને પંજાબના લોકોએ આપેલી તાકાત સાથે રમવા દઈ રહ્યાં છો તે ખુદ તમને અને પંજાબને દગો આપશે."
જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે પોલીસ કુમાર વિશ્વાસના ઘરે શા માટે પહોંચી છે.
પંજાબ ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર ખાલિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાને કુમાર વિશ્વાસના ટ્વીટનો સ્ક્રીનશૉટ શૅર કરતા લખ્યું, "કાંપી કેમ રહ્યાં છો?તમે ચૂંટણી પહેલાં જે બોલ્યા હતા તેના પુરાવા માગવા માટે તો પહોંચી છે પંજાબ પોલીસ, જવાબ આપી દો. વાત પૂરી થઈ જશે. આ કેમનું ચાલશે? હું પંજાબની જીતની ખુશીમાં મીઠાઈ ખવડાવવા પહોંચ્યો તો આપે લીધી પણ નહીં. અત્યારે તમે પંજાબ પોલીસની ચેતવણી યાદ રાખો ડૉ. કુમાર વિશ્વાસ."
પંજાબ ચૂંટણી પહેલાં કુમાર વિશ્વાસે મીડિયા સાથે વાત કરતી વખતે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલે તેમને કહ્યું હતું કે એક દિવસ તેઓ પંજાબના મુખ્ય મંત્રી બનશે અથવા તો ખાલિસ્તાનના પહેલા વડા પ્રધાન.
જ્યારે કૉંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ ચૌધરીએ કુમાર વિશ્વાસના ઘરે પોલીસ પહોંચવા પર સવાલ ઊઠાવ્યો છે અને તેમણે અરવિંદ કેજરીવાલ પર રાજનૈતિક પ્રતિદ્વંદીઓને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
સોશિયલ મીડિયા પર વિવાદ
પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે પહોંચી તેને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકો ટિપ્પણી કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્જુન ઍવોર્ડ સન્માનિત ભારતના પૂર્વ હૉકી ટીમ કપ્તાન પરગટસિંહે લખ્યું કે, અરવિંદ કેજરીવાલ અંગત અદાવતોને સરભર કરવા માટે પંજાબ પોલીસનો દુરુપયોગ કરે એ વખોડવાલાયક છે.
તેમણે પંજાબના ડીજીપીને ટાંકીને લખ્યું કે, તેમણે પંજાબ પોલીસનો આવો દુરુપયોગ રોકવો જોઈએ. ભગવંત માન પંજાબના મુખ્ય મંત્રી છે અરવિંદ કેજરીવાલ નહીં.
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા આશુતોષે પણ આને સરકારી મશીનરીનો દુરુપયોગ ગણાવ્યો અને લખ્યું કે ભગવંત માને પંજાબના મુખ્ય મંત્રી તરીકે લાંબી મજલ કાપવાની છે, એમણે પંજાબને સમૃદ્ધ કરવા પર ધ્યાન આપવું જોઈએ. કેજરીવાલે આ ન થવા દેવું જોઈએ.
આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના કપિલે લખ્યું કે, પંજાબના લોકોને બદનામ કરવા ખાલિસ્તાનનો મુદ્દો કુમાર વિશ્વાસે ચૂંટણીમાં ઊભો કર્યો હતો. હવે તેમણે ખુલીને સામે આવવું જોઈએ અને પંજાબ પોલીસને પુરાવા આપવા જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો