ઓમાનમાં ફસાયેલી ગુજરાતી યુવતીની આપવીતી, 'જાતીયશોષણ ન થવા દીધું તો પાસપોર્ટ ગયો અને પૈસા પણ ન મળ્યા'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમદાવાદમાં એક વૃદ્ધાની દેખરેખનું કામ કરતી હતી, એમના અવસાન પછી કામ છૂટી ગયું. એવામાં દુબઈમાં નોકરીની લાલચ આપીને એક એજન્ટે દુબઈ મોકલાવી. શરૂઆતમાં પૈસા મળ્યા પરંતુ ત્યાંથી વધુ પૈસાની નોકરીની લાલચ આપીને તેણે મને ઓમાન મોકલી અને મારો પાસપોર્ટ લઈ લીધો."

"જ્યાં નોકરી અપાવી હતી ત્યાં મારું શોષણ કરવા માગતા હતા. મેં વિરોધ કર્યો અને ભાગી છૂટી પણ પાસપોર્ટ નથી એટલે ભારત આવી શકતી નથી. ભારતીય ઍમ્બેસીમાં કોઈ મારી વાત સાંભળતું નથી."આ શબ્દો છે મનીષા પટેલના. (નામ બદલેલું છે.)

મનીષા પટેલ પાસે પાસપોર્ટ ન હોવાથી તેમની પોલીસ પણ મદદ કરી શકી નથી.

મનીષા પટેલ જે વૃદ્ધાની દેખરેખનું કામ કરતાં હતાં ત્યાં તેમનો પરિચય એક પોલીસકર્મી સાથે થયો હતો.

તેમનાં જણાવ્યા અનુસાર ઓમાનમાં ફસાયા પછી વારંવાર એ પોલીસકર્મીનો સંપર્ક કર્યો, તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીની સાથે વાત કરી પરંતુ મનીષાને મદદ ન મળી શકી.

ઓમાનમાં વૉટ્સઍપની જેમ ઇમો ઍપ વપરાય છે. મનીષા પટેલે પોતાની જેમ છ ગુજરાતી મહિલાઓ ફસાયેલી હોવાની વાત બીબીસી ગુજરાતીને કરી.

પોલીસકર્મીની મદદથી ઇમો ગ્રૂપમાં અમને ઍડ કરાયા બાદ આ મહિલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરી હતી.

કેવી રીતે પહોચ્યાં દુબઈ?

મનીષાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તેઓ દસમા ધોરણ સુધી ભણેલાં છે, તેમને બે બહેનો છે અને ઘરમાં એમનાં માતાને મદદરૂપ થવા અને નાની બહેને ભણાવવા માટે તેમણે અભ્યાસ છોડી દીધો હતો. તેમણે વૃદ્ધજનોની દેખરેખનું કામ શરૂ કર્યું. જેમાં મહિને 10 હજાર રૂપિયાની કમાણી થતી હતી.

તેઓ જેમની દેખરેખ કરતાં હતાં એ વૃદ્ધનાં અવસાન બાદ મનીષા પટેલ અન્ય કામ શોધી રહ્યાં હતાં ત્યારે તેમનો દુબઈમાં નોકરી અપાવનાર એક એજન્ટનો સંપર્ક થયો.

મનીષા પટેલનાં જણાવ્યા અનુસાર તેઓ અમદાવાદમાં હુસૈનભાઈ નામના એજન્ટને મળ્યા અને ત્યાં તેમની દુબઈ જવાની ટિકિટ અને પાસપોર્ટથી લઈને અન્ય દસ્તાવેજ તૈયાર કરવાના પૈસા નક્કી થયા. તેમને 50 હજાર રૂપિયામાં દુબઈ પહોંચવાનું હતું.

તેઓ કહે છે, "એજન્ટે મને 30 હજાર રૂપિયાના પગારની નોકરી અપાવવાની વાત કરી હતી. મારી પાસે પૈસા નહોતા એટલે એવું નક્કી થયું કે દુબઈમાં ઇમ્તિયાઝ નામનો એજન્ટ નોકરી અપાવશે અને મારા પગારમાંથી મારે તેમને પૈસા ચૂકવવાના રહેશે."

તેઓ આગળ કહે છે કે "હું એમના ભરોસે દુબઈ આવી ગઈ. અહીં ઍરપોર્ટ પર ઇમ્તિયાઝ નામનો એજન્ટ મળ્યો. બે દિવસ એક જગ્યાએ મને રાખવામાં આવી જ્યાં મારા જેવી બીજી છોકરીઓ પણ હતી."

"તેણે મારો પાસપોર્ટ લઈ લીધો અને મને એક ઘરમાં કામ કરવાની નોકરી અપાવી. હું કામ કરતી હતી અને એજન્ટને ચૂકવવાના પૈસા કાપીને પગાર મળતો એ હું અમદાવાદમાં પરિવારને મોકલી આપતી હતી."

"મારે એજન્ટને ચૂકવવાના હતા એ રકમ પૂરી થઈ ત્યાં સુધી ઇમ્તિયાઝની ઑફિસમાં કામ કરતી એક યુવતી નિશાના સંપર્કમાં હતી. તેણે મને કહ્યું હતું કે ઓમાનમાં આનાથી વધારે સારી નોકરી અપાવશે અને મહિને 40 હજાર રૂપિયા મળશે. રહેવા, ખાવા-પીવાનો ખર્ચ નહીં થાય."એ બાદ મનીષાના નિશા સાથે ઓમાન જતાં રહ્યાં. મનીષા અનુસાર," નિશાએ ઓમાનના વિઝા અને વર્ક-પરમિટ અપાવવાના બહાને મારો પાસપોર્ટ લઈ લીધો હતો."

દુબઈથી ઓમાન કેવી રીતે પહોંચ્યા?

મનીષા માને છે કે દસ હજાર વધુ કમાવવાની લાલચમાં ઓમાન જવું એ એમની મોટી ભૂલ હતી.

તેઓ કહે છે કે, "ઓમાનમાં હું જ્યાં કામ કરવા ગઈ એ ઘરમાં સવારે પાંચ વાગ્યાથી ઊઠી જવાનું અને મોડી રાત સુધી કામ કરવાનું રહેતું હતું. અહીં મારી પાસે જાનવરની જેમ કામ કરાવતા હતા."

"હું ચૂપચાપ બધું સહન કરી રહી હતી. ઇમ્તિયાજની નેપાળી એજન્ટ નિશાએ મને ડરાવી હતી કે ઓમાનનો વિઝા અને વર્ક પરમિટ નથી એટલે મારો ફોન એને જમા કરાવવો પડશે. તેણે મારો ફોન પણ લઈ લીધો હતો."

"હું જ્યાં કામ કરતી હતી તેમના ભાઈનો ફોન લઈને અમદાવાદ મારી માતાને ફોન કર્યો તો ખબર પડી કે ઓમાન આવ્યા પછી મારા પગારનો એક પણ પૈસો મારા પરિવારને નથી મળ્યો."

ત્યાર બાદ મનીષાને નિશા પાસેથી સંતોષજનક જવાબ મળ્યો નહોતો. તેમણે નિશા અને ઇમ્તિયાઝ પાસેથી પાસપોર્ટ માગ્યો પરંતુ તેણે પણ પાસપોર્ટ આપવાનો ઇન્કાર કર્યો.

મનીષાના જણાવ્યા અનુસાર, " હું જ્યાં કામ કરતી હતી તે મહિલાના ભાઈને મારી મજબૂરીની ખબર પડી ગઈ તો તેણે મારું શારીરિક શોષણ કરવાના પ્રયાસ શરૂ કર્યા."

"હું મારી જાતને બચાવતી હતી, હું જે ઘરમાં કામ કરતી હતી એ મહિલાને ફરિયાદ કરી અને કહ્યું કે હું પોલીસમાં જાણ કરીશ તો એમણે મને ઘરમાં પૂરી દીધી. તેમનો ભાઈ મને સતત પરેશાન કરતો હતો."

કેવી રીતે નાસી છૂટ્યાં મનીષા?

મનીષાએ જણાવ્યું કે,"તક જોઈને હું બીજી એપ્રિલે એ ઘરથી નાસી છૂટી તો રસ્તામાં બે પુરુષોએ મને પકડીને લઈ જતા હતા ત્યાં પોલીસ આવી અને હું બચી ગઈ. ઓમાન પોલીસ મને ભારતીય દૂતાવાસ મૂકી ગઈ. અહીં અમારી વાત સાંભળનારું કોઈ નથી કારણ કે અમારી પાસે પાસપોર્ટ નથી."

મનીષાનું કહેવું છે કે તેમની સાથે ભરૂચ, વડોદરા અને આણંદની કુલ છ યુવતીઓ છે. એમાંથી ભરૂચની એક યુવતીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે એમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. વધુ ભણેલા ન હોવાને કારણે તે પણ દુબઈથી નેપાળી એજન્ટ નિશા અને ઇમ્તિયાઝની મદદથી ઓમાન આવી ગઈ હતી.

તેમણે કહ્યું કે તેમનો પાસપોર્ટ પણ એજન્ટની પાસે હતો એટલે તેઓ ભારત પરત આવી શકે તેમ નથી.

તેમણે કહ્યું કે, "અહીં ભારતીય દૂતાવાસના ચક્કર કાપીએ છીએ. સરકાર મદદ કરે તો ભારત પરત આવીશું. મારી સાથે ઓમાન આવેલી ઘણી છોકરીઓ નેપાળી એજન્ટ નિશા અને ઇમ્તિયાઝના ચક્કરમાં ફસાયેલી છે પણ નાસી છૂટવાની તક ન મળતા તેઓ અટવાયેલી છે."

ભારતીય દૂતાવાસે શું કહ્યું?

મનીષા પટેલ પોતાને જોખમ હોવાનું માનીને ઓળખ છતી નથી કરવા માગતાં ત્યારે તેમની વાત કેટલી ખરી છે તે સમજવા અને ઓમાનમાં ભારતથી કામ કરવા જનારી મહિલાઓની સ્થિતિ શું છે તે જાણવા બીબીસીએ ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો.

બીબીસી ગુજરાતના સહયોગી રોનક કોટેચાએ ઓમાનમાં ભારતીય દૂતાવાસ સાથે સાથે વાત કરી મનીષા પટેલ અને અન્ય યુવતીઓના મામલામાં તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો.

ભારતીય દૂતાવાસમાં લેબર ઍન્ડ કમ્યુનિટી વૅલફૅર કાઉન્સેલર ઇરશાદ અહમદે કહ્યું કે, તેમને આ વિશે કોઈ વિશેષ માહિતી નથી. જોકે, ઓમાનમાં હાઉસમેડ (ઘરમાં કામ કરનાર)નો મામલો સતત ચાલતો રહે છે.

તેમણે કહ્યું કે, "આવી છોકરીઓને ઓમાનમાં વિઝિટ વિઝા પર લાવવામાં આવે છે અને પછી તેમની સતામણી કરવામાં આવે છે. દૂતાવાસ પાસે આવો કેસ આવે ત્યારે તેમને શૅલ્ટર હોમમાં રાખીને ભારત પરત મોકલવાની પ્રક્રિયા કરાતી હોય છે."

ઇરશાદ અહમદે કહ્યું કે, "આ શૅલ્ટરમાં સમગ્ર ભારતમાંથી મહિલાઓ છે. અમને ગુજરાતની છ છોકરીઓના મામલાની માહિતી નથી. "

તેમણે કહ્યું કે, "જો આ ગુજરાતી છોકરીઓનાં નામ અને માહિતી આપવામાં આવશે તો તેઓ મદદ કરવાનો પ્રયત્ન કરશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો