ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી હિંસામાં દરગાહ બચાવનાર બે હિંદુઓ કોણ છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી હિંસા પછી અહીંના હિંદુ-મુસ્લિમોના આસ્થાનું સ્થાન મનાતી માસુમ પીરની દરગાહ પર સન્નાટો હતો. આ દરગાહ પર સ્થાનિક હિંદુઓ અને મુસ્લિમો શ્રદ્ધા રાખે છે.

શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થયા પછી અહીં દર રવિવારે ફળ, મીઠાઈ અને બિસ્કિટ લઈને આવે છે. પરંતુ આ રવિવારે અહીં સન્નાટો છવાયેલો હતો. એનું કારણ હતું ગયા અઠવાડિયે દરગાહથી એક કિલોમિટર દૂર ફાટી નીકળેલી હિંસા અને એ બાદ દરગાહમાં થયેલી તોડફોડ.

84 વર્ષના નગીન પ્રજાપતિ અને 75 વર્ષના હસમુખ ખલાસી દર રવિવારની જેમ રામનવમીએ પણ હઝરત માસુમ પીરની દરગાહ પર આવ્યા હતા.

તેમણે નિયમ પ્રમાણે દરગાહમાં સાફ-સફાઈ કરી અને સાંજે જે લોકોની માનતા પૂરી થઈ હોય, એમને ઉજવણી માટેની વ્યવસ્થા કરી.

જોકે, આ દરમિયાન આ દરગાહથી એક કિલોમિટર દૂર શક્કરપુરમાં અચાનક કોમી હિંસા ફાટી નીકળી.

હસમુખભાઈ ખલાસી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "અમને કંઈ ખબર નહોતી કે આસપાસમાં હિંસા થઈ રહી છે. અમે તો રવિવાર હોવાને કારણે નિયમ પ્રમાણે સાફ-સફાઈ કરી."

"અચાનક થોડા છોકરાઓનું ટોળું આવ્યું અને એ લોકો દરગાહમાં ઘૂસી ગયા હતા. અમે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યાં સુધીમાં એમણે દરગાહની બે ઘડિયાળ તોડી નાખી, દરગાહની ચાદર અને તકિયાને પણ નુકસાન થયું."

"એ લોકો સામાન તોડી રહ્યા હતા. એ સમયે અચાનક નગીન પ્રજાપતિ આવી ગયા અને ઉશ્કેરાયેલા છોકરાઓએ એમની સામે લાકડી ઉગામી અને ચાલ્યા જવાનું કહ્યું."

સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં નગીનભાઈ પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "છોકરાઓ અમારા ખંભાતના જ હતા, ઉશ્કેરાયેલા હતા એટલે મારી સામે લાકડી ઉગામીને માથું ફોડી નાખવાની ધમકી આપી. એટલી વારમાં જે લોકોની બાધા પૂરી કરવાની હતી એવા શ્રદ્ધાળુઓ પણ આવવા લાગ્યા. મુસ્લિમ અને હિંદુઓ ભેગા થઈ એમને સમજાવીને દરગાહમાંથી બહાર કર્યા. આ રીતે દરગાહને વધારે નુકસાન થતું બચાવી શકાયું."

દરગાહને બચાવી

પોતાના ત્રણ પુત્રોમાંથી બે પુત્રોને ગુમાવનાર નગીન પ્રજાપતિને માસૂમ પીરમાં અતૂટ શ્રદ્ધા છે. જીવનભર માટીનું કામ કરનારા નગીન પ્રજાપતિ પાસે ઈંટનો ભઠ્ઠો હતો અને માટલાં બનાવવાનું કામ કરતા હતા.

તેઓ કહે છે કે, "ખંભાતમાં પોણાં ભાગનાં ઘરમાં મેં બનાવેલાં માટલાંનું પાણી પીવાયું હશે! અડધાં ઘરોમાં મારી ઈંટો હશે એટલે લોકો મને ગામના વડીલ તરીકે જુએ છે."

"હું નાનો હતો ત્યારથી દરગાહ પર આવું છું. પુત્ર ધંધો સંભાળે છે એટલે નિવૃત્ત થયા પછી અમે ભાઈબંધો દરગાહ પર આવીએ છીએ. અહીં દીવો કરવો હોય કે સાફ-સફાઈનું કામ, અમે કરીએ છીએ કારણ કે બે ઈંટોમાથી છાપરું અને એમાંથી પાકી થયેલી દરગાહની પહેલાં અમારા મિત્ર એજાઝભાઈ ડીશવાળા સંભાળ રાખતા હતા એ પછી હું અને હસમુખ ખલાસી દરગાહનો રખરખાવ કરીએ છીએ."

હસમુખભાઈ ખલાસી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "પહેલાં હું કલરકામ કરતો. મારા ત્રણ દીકરા કલરકામ અને સિલાઈકામ કરે છે ત્યારથી હું નિવૃત્ત થઈ ગયો છું. દરગાહમાં મુસ્લિમો ઉપરાંત ટંડેલ, ખારવા, ખલાસી પટેલ અને પ્રજાપતિ આવે છે."

"જે લોકોએ બાધા રાખી હોય એમની બાધા પૂરી થાય એટલે પ્રસાદ ધરાવે. એ પ્રસાદની અમે હિંદુ અને મુસ્લિમ ભેગા મળીને ઉજાણી કરીયે છીએ."

દરગાહના બચાવની ઘટનાને નજરે નિહાળનાર અને આ દરગાહ પર નિયમિત આવતા સલીમ ખાને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે નાનપણથી આ દરગાહ પર આવીએ છીએ. અમારા બધા વચ્ચે ભાઈચારો છે. અહીં અકીકના કારીગરો મુસ્લિમ છે અને વેપારી હિંદુ છે. પતંગ બનાવનાર મુસ્લિમ અને હિંદુ વેપારી છે."

"હલવાસનનો ધંધો પણ બધા ભેગા મળી કરે છે. પણ અલ્લા જાણે કોની નજર લાગી છે કે આવાં છમકલાં થઈ રહ્યાં છે."

"અત્યારે ભલે બધાંને કોમી જંગનો રંગ સોનેરી લાગતો હોય પણ જંગમાં લોહી વહે એટલે ખરો રંગ સોનેરી નહીં લાલ હોય છે. અને પછીનું વિચારો તો કહું લોહી સુકાયા બાદ એનો રંગ કાળો જ હોય છે. એટલે આવાં છમકલાં કાળો ઇતિહાસ મૂકી વેરઝેરનાં બીજ રોપી દેતાં હોય છે. ત્યારે અમે લોકો ભેગા થઈને હવે યુવાનોને આનાથી દૂર રહેવા સમજાવીશું."

ખંભાતના જાણીતા સમાજસેવક અને ગરીબ હિંદુ તથા મુસ્લિમ બાળકોને મફત શિક્ષણ આપનારા જાંનિસાર નિસારના પિતાનું 2020માં ખંભાતમાં થયેલી હિંસામાં અવસાન થયું હતું પણ એમણે સમાજસેવાનું કામ બંધ ન કર્યું.

બંને સમુદાયોના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાનું કામ કરતા જાંનિસારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ખંભાતમાં કોમી હિંસા નથી થઈ. નાનાં છમકલાં થયાં છે પણ કોઈ વૈમનસ્યનું વાતાવરણ ઊભું થયું નથી."

"2016, 2019 પછી 2020માં હિંસા થઈ હતી, એ પછી બધું શાંત રહ્યું છે. પણ આ હિંસા કેવી રીતે થઈ હજુ સમજાતું નથી. ખંભાતમાં હિંદુ-મુસ્લિમ એકસાથે મળીને કામ કરે છે. જો આ રીતે કામ થશે તો જ વિકાસ થશે. અમે પણ લોકોને સમજાવવાનો પ્રયાસ કરીશું ."

ખંભાતમાં વસતીગણતરી પ્રમાણે 19,765 ઘર છે અને 72.88 ટકા હિંદુઓ છે અને 23.87 ટકા મુસ્લિમ છે.

શાંતિ અને અમનની પ્રાર્થના

ખંભાતમાં થયેલી હિંસા બાદ દરગાહથી થોડે દૂર આવેલા વિસ્તારમાં હિંસામાં સંડોવાયેલા લોકોની ગેરકાયદે દુકાનો તોડાઈ છે અને ચાર લોકોને દુકાન તોડવાની નોટિસ અપાઈ છે જેના કારણે વાતાવરણ થોડા સમય માટે તંગ રહ્યું હતું.

આ દરમિયાન સમીર ખાનને દરગાહ ના આવી શકાયું એ વાતનું દુ:ખ છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એમણે કહ્યું, "આવાં તોફાનોને કારણે મસ્જિદમાં અલ્લા ગુમસુમ છે અને મંદિરમાં ઇશ્વર ચૂપ છે એટલે લોકોનાં પ્રગતિનાં સપનાં અધૂરાં છે. આવા સંજોગોમાં કોને ફકીર કહું? અને કોને કાયર કહું? મંદિર અને મસ્જિદમાં બધા પોતાની ઝોળી ફેલાવીને જાય છે ત્યારે આવા સંજોગોમાં અમે દરગાહ પર શાંતિ અને અમનની દુઆ માગીયે છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો