You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોર : નરેન્દ્ર મોદીને જિતાડનાર પ્રશાંત કિશોર કૉંગ્રેસની આસપાસ જ ચક્કર કેમ મારે છે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રશાંત કિશોર અને કૉંગ્રેસના ટોચના નેતાઓની વધુ એક બેઠક 16 એપ્રિલ, શનિવારે મળી હતી.
છેલ્લા 10 મહિનામાં કૉંગ્રેસના ટોચના નેતાઓ સાથે પ્રશાંત કિશોરની મુલાકાત થઈ હોય એવો આ બીજો પ્રસંગ છે.
આ પહેલાં ગયા વર્ષના જુલાઈમાં તેઓ રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીને મળ્યા હતા. પરંતુ એ વખતે ના તો કૉંગ્રેસ પાર્ટીએ કે ના તો પ્રશાંત કિશોરે, બંનેમાંથી કોઈએ આ વિશે સત્તાવાર કશું નિવેદન નહોતું કર્યું.
પરંતુ આ વખતની મુલાકાત જુદી છે. આ વખતે કૉંગ્રેસે સત્તાવાર નિવેદનમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે 2024માં થનારી ચૂંટણી માટે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી અને કૉંગ્રેસના અન્ય નેતાઓ સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે થયેલી વાતચીતમાં કૉંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે આ વાત કરી.
જ્યારે રાહુલ અને કૉંગ્રેસની વિરુદ્ધ બોલ્યા હતા પ્રશાંત કિશોર
ગયા વર્ષે જુલાઈમાં અને ચાલુ વર્ષે તાજેતરમાં થયેલી મુલાકાત, બંને વચ્ચે એમણે ગયા વર્ષના ઑક્ટોબરમાં એક નિવેદન આપ્યું હતું.
પ્રશાંત કિશોરે ત્યારે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ માટે કહેલું કે, "નેતા એવા ભ્રમમાં ના રહે કે લોકો મોદીથી નારાજ છે અને તેઓ મોદીને હરાવી દેશે. બની શકે કે તેઓ મોદીને હરાવી દે પરંતુ ભાજપ ક્યાંય નથી જતો રહેવાનો. આવનારા કેટલાક દાયકાઓ સુધી પાર્ટી રાજકારણમાં રહેવાની છે. રાહુલ ગાંધીની કદાચ આ જ સમસ્યા છે કે એમને લાગે છે કે સમયની વાત છે, લોકો તમને સત્તા પરથી ઉખાડી ફેંકશે. એવું નથી થવાનું."
એમણે આગળ કહેલું કે, "જ્યાં સુધી તમે મોદીને નહીં સમજો, એમની તાકાતને નહીં સમજો ત્યાં સુધી તમે એમને હરાવવાની વ્યૂહરચના નહીં ઘડી શકો. હું જે સમસ્યા જોઈ રહ્યો છું તે એ છે કે લોકો નથી એમની તાકાતને સમજતા અને ના તો એ કે એવી કઈ બાબત છે જે એમને પૉપ્યુલર બનાવે છે. જ્યાં સુધી તમે આ નહીં જાણો, તમે એમને હરાવી નહીં શકો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આટલેથી જ ન અટક્યા. એમણે ભાજપા વિશે કહ્યું કે, "ભાજપ ભારતીય રાજકારણનું કેન્દ્ર બની રહેવાનો છે. તે જીતે કે હારે, કશો ફરક નથી પડતો. જેવું કૉંગ્રેસ માટે 40 વર્ષો સુધી હતું એવું જ ભાજપ માટે પણ છે, તેઓ ક્યાંય નથી જવાના. જો તમે રાષ્ટ્રીય સ્તરે 30 ટકા વોટ મેળવી લીધા હોય તો તમે આસાનીથી નહીં જાઓ."
પ્રશાંત કિશોર અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ બેઠકને એમના ઉપર લખેલા નિવેદનની દૃષ્ટિએ પણ જોવાની જરૂર છે.
આ વિશે બીબીસીએ કૉંગ્રેસ અને પ્રશાંત કિશોરના રાજકારણને નજીકથી જોનારા ત્રણ વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી.
એમાં હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના પૉલિટિકલ એડિટર વિનોદ શર્મા, કૉંગ્રેસ વિશે પુસ્તક લખનારા રશીદ કિદવઈ અને જેમણે નીતીશકુમારના કાર્યકાળને ઘણો નજીકથી જોયો એવા પ્રભાત ખબરના પૂર્વ સંપાદક રાજેન્દ્ર તિવારીનો સમાવેશ થાય છે.
ત્રણે વરિષ્ઠ પત્રકારોને બીબીસીએ બે સવાલ પૂછ્યા. પ્રશાંત કિશોરે ગયા વર્ષના જુલાઈમાં કૉંગ્રેસ સાથે કામ કરવાની કોશિશ કરી, પછી વચ્ચે કૉંગ્રેસની વિરુદ્ધ નિવેદનો પણ કર્યાં, હવે શનિવારે ફરીથી કૉંગ્રેસની બેઠકમાં જોવા મળ્યા?
આખરે કૉંગ્રેસ પાસેથી પ્રશાંત કિશોરને કઈ અપેક્ષા છે?
વિનોદ શર્માઃ આજે પાર્ટી તરીકે કૉંગ્રેસ ભલે ક્ષીણ થઈ ગઈ હોય, સીટોની દૃષ્ટિએ નબળી પડી ગઈ હોય, પરંતુ કૉંગ્રેસ આજે પણ 12 કરોડ વોટની પાર્ટી છે. પ્રશાંત કિશોર આ વાત જાણે છે અને માને છે કે કૉંગ્રેસ એક વાર ફરી ઊભી થઈ શકે છે. પહેલાં કૉંગ્રેસના નેતૃત્વ સાથે એમની જે વાતચીત થઈ હતી એમાં પ્રશાંત કિશોરની કેટલીક શરતો કદાચ પાર્ટીને મંજૂર નહોતી. પરંતુ આ વખતે વાતચીત પહેલાં કંઈક ભૂમિકા રચાઈ છે એવું લાગે છે. નહીંતર કૉંગ્રેસ તરફથી સત્તાવાર બયાન ના થયું હોત, જે આ વખતે થયું છે. એ કારણે લાગે છે કે આવનારા સમયમાં એમની અને કૉંગ્રેસની કંઈક ડીલ થઈ શકે છે.
રાજેન્દ્ર તિવારીઃ વાસ્તવમાં તેઓ પોતાનો રાજકીય રોલ શોધી રહ્યા છે. બિહારની ચૂંટણી પછી એમણે જેડીયુ જૉઇન કરી હતી. પરંતુ પાછળથી પાર્ટીની અંદરના લોકો જેમ કે, આરસીપીસિંહ, લલ્લનસિંહ સાથે એમને જામ્યું નહીં. બંનેને લાગ્યું કે એમના હાથમાંથી વસ્તુઓ સરકી રહી છે. એ વખતે જેડીયુની સાથે સત્તામાં આરજેડી પણ હતી, જે એમને પસંદ નહોતી કરતી. આ કારણે પ્રશાંત કિશોરને ત્યાં પરેશાની થઈ. પછી તેઓ કૉંગ્રેસમાં આવ્યા. 2017માં કૉંગ્રેસ માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીની રણનીતિ બનાવી, પરંતુ તેઓ સફળ ના થયા. તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ડીએમકે અને બીજી પાર્ટીઓ સાથે પણ જોડાયા અને કામ કર્યું. મમતા બેનરજીની સાથે પણ કોશિશ કરી કે રાજકીય રીતે એમને કોઈ ભૂમિકા મળે, પરંતુ ત્યાં પણ વાત ના જામી. તેથી હવે એમને લાગે છે કે કૉંગ્રેસ સિવાય ક્યાંય વાત નથી જામતી.
રશીદ કિદવઈઃ ચૂંટણીના વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોર ઘણા સફળ રહ્યા છે. મમતા બેનરજીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જિતાડવાં એમની વ્યૂહરચનાકાર તરીકેની કરિયરનો બીજા ક્રમનો હાઈ પૉઇન્ટ હતો. એમની કરિયરનો પહેલો હાઈ પૉઇન્ટ 2014માં ભાજપાની જીત છે. પરંતુ હવે, એના પછી શું? એમની પાસે વિકલ્પ ઘણા સીમિત છે. આગળ જતાં તેઓ સક્રિય રાજકારણમાં નેતારૂપે આવવા તો માગે છે પરંતુ ક્ષેત્રીય પાર્ટીઓની સાથે કેટલીક મુશ્કેલીઓ છે. ક્ષેત્રીય પાર્ટીઓમાં એક તો ભાષાના સ્તરે પરેશાની આવે છે અને બીજી સમસ્યા એ છે કે પ્રાદેશિક પાર્ટીઓ 'વ્યક્તિવિશેષ' આધારિત હોય છે. રાષ્ટ્રીય સ્તરની પાર્ટીઓમાં પણ એવી સમસ્યાઓ હોય છે પરંતુ કામ કરવાની રીત ક્ષેત્રીય પાર્ટી કરતાં અલગ હોય છે. ભાજપાની સાથે તેઓ કામ કરી ચૂક્યા છે. એ કારણે એમના માટે કૉંગ્રેસ જ સ્વાભાવિક વિકલ્પ છે.
પ્રશાંત કિશોરનો સાથ કૉંગ્રેસ માટે જરૂરી કે મજબૂરી?
વિનોદ શર્માઃ કૉંગ્રેસના કાર્યકર્તાઓ હાલના સમયે હતાશ છે. એમનામાં ઉત્સાહ ત્યારે આવશે જ્યારે પાર્ટી એક-બે ચૂંટણીમાં થોડીક સીટો જીતી શકે. પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો શી ખબર એવું શક્ય બને. બીજી વાત એ પણ છે કે કૉંગ્રેસ એક સુસ્ત પાર્ટી છે. એની સ્પર્ધા એક એવી પાર્ટી સાથે છે જે દરેક સમયે ચૂંટણીના મૂડમાં રહે છે, કૉંગ્રેસના નેતૃત્વની અપેક્ષા એવી હશે કે પાર્ટી સાથે જોડાયા પછી પ્રશાંત કિશોર કૉંગ્રેસની આ સુસ્તીને દૂર કરી શકે, જેથી તેઓ પાર્ટીમાં કશી જુદા પ્રકારની સિસ્ટમ તૈયાર કરી શકે. પ્રશાંત કિશોર આ પ્રકારની સિસ્ટમ બનાવવા માટે પાર્ટીને એક બ્લૂ પ્રિન્ટ આપી શકે છે. તેઓ એવા નેતા તો નથી જે જનતામાં ભળી ગયેલા હોય. ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવી એ જ એમની ખાસિયત અને ઉપલબ્ધિ રહી છે. જો કૉંગ્રેસમાં તેઓ એવું કરી શકે તો કદાચ આગળ જતાં પાર્ટીમાં એમની જગ્યા બની જાય.
રાજેન્દ્ર તવારીઃ કૉંગ્રેસ પાસે કોઈ સારો મૅનેજર નથી. કૉંગ્રેસમાં નેતૃત્વની મુશ્કેલી તો છે જ, સાથે ચૂંટણી મૅનેજમેન્ટ કરનારા લીડરની પણ તકલીફ છે. અહમદ પટેલના મૃત્યુ પછી એ ખાલીપો વધારે કઠી રહ્યો છે. એ ખબર નથી કે પ્રશાંત કિશોર પાર્ટીમાં એમની જગ્યા ભરી શકશે કે નહીં પરંતુ મજબૂર તો કૉંગ્રેસ પણ છે.
રશીદ કિદવઈઃ પાંચ રાજ્યોમાં ચૂંટણી હાર્યા પછી કૉંગ્રેસ ઘણી નિરાશ છે. કૉંગ્રેસના નેતા તરીકે અન્ય રાજકીય પક્ષના નેતાઓ સાથે રાહુલ ગાંધીના એવા સંબંધો નથી જેવા વિરોધપક્ષના સ્વીકાર્ય નેતા તરીકે હોવા જોઈએ. પ્રશાંત કિશોરે વિપક્ષની ક્ષેત્રીય પાર્ટીઓમાં ઘણા લોકો સાથે કામ કર્યું છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસ માટે વિપક્ષી એકતામાં સ્વીકૃતિ વધારવાનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે.
પ્રશાંત કિશોરની વ્યૂહરચનાકાર તરીકેની અત્યાર સુધીની સફર
પ્રશાંત કિશોર અત્યાર સુધી નરેન્દ્ર મોદી, જેડીયુ નેતા નીતીશકુમાર, તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજી, પંજાબમાં કૅપ્ટન અમરિંદરસિંહ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશમાં જગન રેડ્ડી અને તામિલનાડુમાં ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિનને પોતાની પ્રોફેશનલ સેવાઓ આપી ચૂક્યા છે.
બિહાર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એમણે 'બાત બિહાર કી' (પ્રોજેક્ટ) પણ લૉન્ચ કર્યો હતો. પરંતુ એમને અપેક્ષા પ્રમાણે સફળતા ના મળી. 2017ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ અને અખિલેશને એકસાથે જોડીને એમણે 'યુપી કે લડકે' જેવો પ્રયોગ પણ કર્યો, પરંતુ તે પણ સફળ ન થયો. મમતા બેનરજીએ ગોવામાં પણ ટીએમસીને ચૂંટણીમાં ઉતારી. માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરના કહેવાથી જ એમણે એમ કર્યું હતું. પરંતુ એ પ્રયોગ પણ સફળ ના થયો.
આ વખતે કૉંગ્રેસની સાથે એમની વાત જામે તો બધાંની નજર એમની હવે પછીની ભૂમિકા પર રહેશે.
હાલ તો બધાંની નજર કૉંગ્રેસના નેતૃત્વના નિર્ણય પર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો