You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોર : સોનિયા ગાંધીના ઘરે 'કૉંગ્રેસની જીત માટે' પ્લાન બનાવનાર ખેલાડી કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સોનિયા ગાંધીના નિવાસસ્થાને કૉંગ્રેસના નેતાઓની યોજાયેલી બેઠકમાં જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોર પણ હાજર રહ્યા હતા અને આગામી ચૂંટણીઓની રણનીતિ અંગે વાત થઈ હતી. અગાઉ અહેવાલો પ્રકાશિત થયા હતા કે પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ માટે પ્રચારનો રોડમૅપ તૈયાર કરી શકે છે.
એ અટકળો વહેતી થઈ ત્યારે ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ કહ્યું હતું કે, 'જો પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય, તો ભાજપને 2017 કરતાં વધારે નુકસાન થાય.'
સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રશાંત કિશોર ઉપરાંત રાહુલ ગાંધી, કૉંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી.
સોનિયા ગાંધીના ઘરે યોજાયેલી બેઠકમાં શું થયું?
વેણુગોપાલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે પ્રશાંત કિશોરે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીઓને લઈને સોનિયા ગાંધી અને કૉંગ્રેસના અન્ય નેતાઓને પ્રેઝન્ટેશન આપ્યું હતું.
તેમણે કહ્યું કે હવે આ પ્રેઝન્ટેશનની સમીક્ષા કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે, જે થોડા સમય પછી તેનો રિપોર્ટ આપશે અને એ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
પ્રશાંત કિશોરના કૉંગ્રેસમાં જોડાવા અંગે અટકળો ચાલી રહી છે અને એ વચ્ચે આ બેઠકમાં પ્રશાંત કિશોરની હાજરીને રાજકીય વિશ્લેષકો સૂચક માને છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ બાદ પ્રશાંત કિશોર અને કૉંગ્રેસ વચ્ચે બેઠકોનો ક્રમ શરૂ થઈ ગયો હોવાનું પણ મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયું છે.
નરેન્દ્ર મોદીની 'જીત નક્કી કરનાર' પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરને કેટલાક રાજકીય વિશ્લેષકો 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો શ્રેય આપે છે, તેઓ 2014ની ચૂંટણીના પ્રચારમાં પડદા પાછળનો ચહેરો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી પ્રચારની આખીય રણનીતિ તેમણે તૈયાર કરી હતી. 'ચાય પે ચર્ચા' અને 'રન ફોર યુનિટી' જેવાં અભિયાન તેમના જ મગજની ઉપજ હોવાનું પણ મનાય છે.
કેટલાક વિશ્લેષકો 2014ની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના પ્રચારને 'પાઠ્યપુસ્તકનો દાખલો' ગણાવે છે.
2014ની નરેન્દ્ર મોદીની જીત ઉપરાંત 2017ની કૅપ્ટન અમરિંદરસિંહની જીત, 2019ની જગન રેડ્ડીની જીત અને તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીની જીતનો શ્રેય પણ તેમની ઝોળીમાં છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી માટે રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોરના કૉંગ્રેસમાં જોડાવાથી ગુજરાતની આગામી ચૂંટણીનાં પરિણામો પર તેની કેવી અસર પડી શકે? તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
'...તો ગુજરાતમાં ભઆજપને નુકસાન થશે'
આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોર હોય તો ગુજરાતના રાજકારણ પર કેવી અસર પડી શકે?
આ વાત અંગે મત વ્યક્ત કરતાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ બીબીસી પ્રતિનિધિ અર્જુન પરમાર સાથે વાત કરતાં જણાવે છે:
"હાલ એવા અહેવાલો છે કે નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે તો પ્રશાંત કિશોર તેમની સાથે રહેશે. જો આવું હકીકતમાં પરિણમે તો હું ચોક્ક્સપણે કહી શકું કે ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં ભાજપની ખરાબ હાલત થશે અને કૉંગ્રેસને લાભ થશે."
નોંધનીય છે કે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઇનિંગ પાટીદાર આંદોલનના પગલે 99 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. પાટીદારોના પ્રભુત્વવાળા ઘણા વિસ્તારોમાં ભાજપને નુકસાન થયું હતું.
આમ, ડૉ. હરિ દેસાઈ પોતાના નિવેદનમાં સૂચવે છે કે ગત ચૂંટણીમાં ભાજપને જીતવામાં ફાંફાં પડી ગયાં હતાં. તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ આ વખત સર્જાઈ શકે છે.
આ સિવાય વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી પણ માને છે કે જો ગુજરાતમાં પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો કૉંગ્રેસને ચોક્કસપણે ફાયદો થઈ શકે.
તેઓ આ ફાયદા માટેની પૂર્વશરત સૂચવતાં તેઓ કહે છે કે, "આ લાભ ત્યારે જ થઈ શકે, જ્યારે પ્રશાંત કિશોર ગુજરાત ભાજપ સાથેના પોતાના અંગત સંબંધોમાંથી બહાર આવે."
એક ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોર અન્યથી એક બાબતમાં અલગ છે, તે બાબત એ છે કે તેઓ એક પેઇડ પ્રૉફેશનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે. તેમની પાસે મોટી રિસર્ચ ટીમ છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણીમાં જીત મળી પછી પ્રશાંત કિશોરનો દબદબો વધ્યો છે, કારણ કે ભાજપના પડકારનો સામનો કઈ રીતે કરવો એ બાબતે તેઓ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને સતત સલાહ આપી રહ્યા હતા. કેટલાક લોકો માને છે કે તેમની સલાહથી મમતા બેનરજીને ફાયદો થયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો