You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેશ પટેલ કૉંગ્રેસ માટે મહત્ત્વના કેમ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના વડા નરેશ પટેલનું નામ ફરી એક વખત ચર્ચામાં છે. ગુજરાતના સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે અને તેમના નેતૃત્વમાં કૉંગ્રેસ ચૂંટણી લડશે. જોકે આ અંગે હજી સુધી અધિકૃત માહિતી નથી.
નરેશ પટેલને ભાજપ, કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તરફથી પક્ષમાં જોડાવાની ઓફરો મળી છે.
પાટીદાર નેતા તથા કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 'ખુલ્લો પત્ર' લખીને પટેલને હાથનો સાથ આપવાનું આમંત્રણ આપી ચૂક્યા છે.
ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમની સાથે બંધબારણે બેઠકો કરી ચૂક્યા છે. પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર ચૂંટણી યોજાશે.
હાથમાં 'કમળ' કે હાથમાં 'હાથ'?
ડિસેમ્બરમાં પાટીદાર આગેવાનો સાથે મળીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુલાકાત કરીને વર્ષ 2015માં પાટીદાર યુવક-યુવતીઓ સામે થયેલા કેસને પરત ખેંચવા, મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે રજૂઆત કરી હતી. એ પહેલાં જ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ સાથે તેમણે બંધબારણે ચર્ચા કરી હતી.
સોમવારે પત્રકારો સાથે વાત કરતા નરેશ પટેલે દાવો કર્યો હતો કે સીએમ ઑફિસમાંથી આને માટે આદેશ છૂટ્યા છે અને આ દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન પટેલે ગુજરાતની ભાજપ સરકારની ટીકા કરવાનું ટાળ્યું હતું અને માત્ર પાટીદાર સમાજ જ નહીં, 'દરેક સમાજ'ની વાત કરી હતી તે સૂચક હતું.
માર્ચ મહિના બીજા અઠવાડિયામાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે 'ખુલ્લો પત્ર' લખીને નરેશ પટેલને રાજકારણમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. સાથે જ લખ્યું હતું કે 'બાહ્યાપરિબળો'ને ભૂલી જાવ અને પાટીદાર યુવાનો પર ભરોસો રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ શરૂ કરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિસેમ્બર મહિનામાં જ પાટીલ-પટેલની મુલાકાત પછી ગુજરાત કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પણ બંધબારણે બેઠક કરી હતી.
નરેશ પટેલનું કહેવું છે કે તેઓ અને ખોડલધામ રાજકીય દૃષ્ટિએ 'તટસ્થ' છે. તેમની સાથે મુલાકાત કરવા તમામ રાજકીય પક્ષના નેતા આવતા હોય છે અને તમામની સાથે સરખો વ્યવહાર કરવામાં આવે છે. છતાં કોઈ પણ રાજનેતા સાથે મુલાકાત બાદ જે-તે પક્ષમાં જોડાવાની અટકળો વહેતી થાય છે.
રાજકારણના 'રંગ'
નરેશ પટેલ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે તેમની તથા તેમના પરિવારની વિચારધારા કૉંગ્રેસની રહી છે. સાથે જ તેઓ આ વાત ભૂતકાળ હોવાનું પણ કહી ચૂક્યા છે.
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે કહ્યું હતું, "વ્યક્તિગત રીતે હું ગુજરાતમાં પરિવર્તન (મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીના બદલે અન્ય કોઈને) જોવા ઇચ્છીશ."
એ વખતે કાગવડ ખાતે સમાજના કરદેવી ખોડિયાર માતાના મંદિરના ભૂમિપૂજન વખતે 21 લાખ લેઉઆ પાટીદારોને એકઠા કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.
એ ચૂંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું અને બે બેઠક જીતી હતી. કથિત રીતે નરેશ પટેલે જ પોતાના પૂર્વ પડોશી કેશુભાઈ પટેલને અલગ પાર્ટી ઊભી કરવા તથા મોદીને પડકારવા માટે તૈયાર કર્યા હતા. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યારથી નરેશ પટેલ તેમની નજીક હતા.
જાન્યુઆરી-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નરેશ પટેલે ઊંઝા ખાતે ઉમિયાધામની મુલાકાત લેતી વખતે કહ્યું હતું, "મહદ્અંશે આપણે સંગઠિત થયા છીએ, પરંતુ હજુ કોઈક ઊણપ છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી, તે બાબતે આપણે ચિંતા કરવાની જરૂર છે."
2017ની ચૂંટણી અને નરેશ પટેલ
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે ખોડલધામના બે ટ્રસ્ટીને ટિકિટ આપી હતી. દિનેશ ચોવટિયા (રાજકોટ દક્ષિણ) તથા રવિ આંબલિયાને (જેતપુર) ટિકિટ આપી હતી.
જ્યારે ભાજપે મંદિરના ટ્રસ્ટી ગોપાલ વસ્તારપરાને લાઠીની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. ખોડલધામ સાથે નજીકથી સંકળાયેલા મિતુલ દોંગાને કૉંગ્રેસે રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
હાર્દિક પટેલે ખોડલધામનું 'ભગવાકરણ' થઈ ગયું હોવાના આરોપ મૂક્યા હતા, જેના પગલે નરેશ પટેલે ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ રાજીનામું પાછું ખેંચ્યું હતું અને સંગઠનના ચૅરમૅન બન્યા હતા.
જોકે, નરેશ પટેલના દીકરા શિવરાજે કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. એ પછી હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે.
નરેન્દ્ર મોદીને આમંત્રણ
2014ની લોકસભા ચૂંટણી પહેલાં ખોડલધામે તત્કાલીન મુખ્ય મંત્રી તથા ભાજપના વડા પ્રધાનપદના ઉમદેવાર નરેન્દ્ર મોદીને સમાજના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું અને વડા પ્રધાન મોદીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું.
તેના એક મહિના બાદ કેશુભાઈએ તેમની પાર્ટીનું ભાજપમાં વિલનીકરણ કરી દીધું હતું અને ગોરધન ઝડફિયા જેવા મોદીવિરોધી નેતાઓ ભાજપના વિજય માટે ફરી એક વખત પક્ષમાં જોડાઈ ગયા હતા. 2019ની લોકસભા ચૂંટણી તથા તાજેતરની યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઝડફિયાએ સંગઠનસ્તરે ભૂમિકા ભજવી હતી.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેશ પટેલના પુત્ર શિવરાજને કૉંગ્રેસની ટિકિટ મળશે, તેવી ચર્ચા વહેતી થઈ હતી. પટેલે એવું કહ્યું હતું કે 'પાટીદાર સમાજ સંગઠિત હશે તો કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે. આપણે સરકારી નોકરીઓ અને રાજકારણમાં આગળ આવવાની જરૂર છે.'
ખોડલધામ વિશે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ આ પહેલાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "રાજકારણમાં ધર્મને લાવીને તેનો ઉપયોગ કરવો કે જ્ઞાતિનાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો યોગ્ય નથી, પરંતુ ભારતીય રાજકારણમાં એ જ ચાલતું આવે છે."
"ખોડલધામ તથા તેનું નેતૃત્વ ગુજરાતમાં જેની સરકાર હોય, તેની સાથે રહે છે કારણ કે તેઓ મોટા ભાગે ઉદ્યોગપતિઓ છે અને તેમને ગુજરાતમાં સરકારની વિરુદ્ધ જવું પોસાય તેમ નથી. તેઓ સતત બેઠકો અને કાર્યક્રમો આપીને હાજરી આપતા રહે છે."
તેમણે ઉમેર્યું હતું, "સત્તા જેની હોય ત્યાં પટેલોની વગ ચાલે જ છે અને જે સત્તા પર હોય તેની સાથે રહેવાનું પસંદ કરે છે અને તેની સામે નથી જતા."
"એટલે ત્રણેય પક્ષમાંથી (ભાજપ, કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી) જેની સરકાર આવશે, પટેલો તેમની સાથે રહેશે."
આપના 'નરેશ'?
ગુજરાતમાં આપે સુરતના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી પર દાવ ખેલ્યો હતો, પરંતુ તેઓ ટૂંક સમયમાં જ અકળ કારણોસર પાછા હઠી ગયા હતા. ત્યારથી જ આપને કોઈ પાટીદાર ચહેરાની તલાશ હતી.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આપને વિપક્ષના નેતાનું પદ મળ્યું, તેની પાછળ ટિકિટ આપવામાં કૉંગ્રેસથી પાટીદારોની નારાજગી મોટાપાયે કારણભૂત છે તે ગુજરાત તથા કેન્દ્રમાં આપના નેતાઓ સારી રીતે જાણે છે.
એટલે જ આપ ભાજપથી નારાજ પાટીદારોના એ વર્ગને આકર્ષવા માગે છે કે જે 2015ની સ્થાનિક સ્વરાજ્યની તથા એ પછી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ તરફ સરક્યો હતો.
એવી અટકળો છે કે આમ આદમી પાર્ટી નરેશ પટેલને પંજાબના રસ્તે રાજ્યસભામાં મોકલી શકે છે અને સ્થાનિક મીડિયામાં અંગે અહેવાલો પણ છે.
નરેશ પટેલનું કહેવું છે કે તેઓ લોકસેવાનું કામ કરવા માગે છે અને તેમને પદની કોઈ લાલચ નથી. આવી જ વાત તેમણે ડિસેમ્બર મહિનામાં પણ કરી હતી. જોકે આ વખતે નવી વાત એ હતી કે તેમણે તા. 20થી 30 માર્ચની વચ્ચે આ મુદ્દે નિર્ણય લેવાની વાત કહી છે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, તા. નવમી એપ્રિલે પંજાબમાંથી રાજ્યસભાના સંસદસભ્યોને મોકલવા માટેની ચૂંટણી યોજાશે. જેના માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ તા. 21મી માર્ચ છે, એટલે પટેલના નિવેદનને સૂચક માનવમાં આવે છે.
તાજેતરમાં નરેશ પટેલ દિલ્હીમાં હતા એટલે આવી અટકળોને વેગ મળ્યો છે. મીડિયામાં પટેલે દિલ્હીની મુલાકાતને "વેપારના હેતુસર" જણાવીને અટકળોની ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.
પંજાબ કૉંગ્રેસના નેતા પ્રતાસિંહ બાજવા, સમશેરસિંહ, સુખદેવસિંહ ઢિંડશા (Dhindsa) અને પૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલના પુત્ર નરેશ ગુજરાલ તથા શ્વેત મલિક નિવૃત્ત થઈ રહ્યા છે.
117 વિધાનસભ્યોવાળા ગૃહમાં આપ 92 સભ્યો સાથે જંગી બહુમતી ધરાવે છે એટલે પાંચ ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવામાં મુશ્કેલી પડે તેમ નથી નથી લાગતું. પંજાબ આપના પ્રભારી રાઘવ ચઢ્ઢાને પણ દાવેદાર માનવામાં આવે છે.
આ પહેલાં ગુજરાતમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા તથા ઈસુદાન ગઢવી પણ નરેશ પટેલને પાર્ટીમાં જોડવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે. ઇટાલિયાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ જેને પસંદ કરશે, તેની પાછળ તન-મન-ધનથી જોડાઈ જઇશું.
સંસદના ઉપલાગૃહમાં કૉંગ્રેસ 26 સંસદસભ્ય ધરાવે છે. બે-ત્રણ સંસદસભ્ય 'આઘા-પાછા' થાય તો તેની પાસેથી ગૃહમાં વિપક્ષના નેતાનો દરજ્જો પણ છિનવાઈ શકે છે.
કોણ છે નરેશ પટેલ ?
નરેશ પટેલ 2008- '09 લેઉઆ પાટીદારોના કરદેવીનું કાગવડ ખાતે મંદિર સ્થાપવાના વિચાર સાથે ચર્ચામાં આવ્યા. આગળ જતાં ખોડલધામ તરીકે સ્થાપિત આ મંદિરના તેઓ સ્થાપક ટ્રસ્ટી છે.
જે પાટીદાર સમાજની આસ્થા જ નહીં, પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર છે. આ સિવાય પણ તેઓ કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં અને વીલ પણ લખી નાખ્યું હતું, ત્યારે સરકારે મચક આપી ન હતી. એ સમયે અનશનના 'સન્માનજનક સમાધન' માટે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં.
છ ભાઈ-બહેનોમાં નાના એવા નરેશભાઈનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે. તેમણે તત્કાલીન રાજવીઓના વારસો માટે અંગ્રેજો દ્વારા સ્થાપિત આરકેસીમાં (રાજકુમાર કૉલેજ) અભ્યાસ કર્યો છે. જ્યાં તેઓ ઊંચી હાઇટને કારણે બાસ્કેટબૉલના પ્લેયર હતા.
'નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન' નામનું પુસ્તક લખનારા યશપાલ બક્ષીએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "નરેશ પટેલ તેઓ ભણતા હતા ત્યારથી જ પિતા રવજીભાઈ ઉંધાડ (પટેલ) દ્વારા સ્થાપિત પટેલ બ્રાસ વર્કમાં જતાં અને ત્યાં મશીન પણ ચલાવતા. તેમણે બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાયને આગળ ધપાવ્યો અને અમેરિકન કંપની સાથે પણ સંયુક્તસાહસ કર્યું. આજે તેની 20 જેટલા દેશોમાં પણ નિકાસ થાય છે. તેમની કંપની ભારતીય રેલવેને પણ સામગ્રી સપ્લાય કરે છે."
નરેશ પટેલ ભગવાન શિવમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમના ઘર (શિવાલય) તથા ફાર્મહાઉસ (શિવોત્તરી)માં શિવની મૂર્તી સ્થાપવામાં આવી છે. તેમના પુત્રનું નામ શિવરાજ, જ્યારે પુત્રીનું નામ શિવાની છે. તેઓ 12 જ્યોર્તિલિંગ, અમરનાથ તથા કૈલાશ માનસરોવરની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ શ્રાવણ મહિનો પણ રહે છે.
નરેશ પટેલે શાલિનીબહેન સાથે પ્રેમલગ્ન કર્યું છે. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમનાં મોટા દીકરી શિવાની કૉમર્શિયલ પાઇલટ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો