Punjab Election : CM ચરણજિતસિંહ ચન્નીને હરાવ્યા મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવનાર આ લાભસિંહે

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક અને પરંપરાગત પાર્ટીઓને હરાવીને આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે.

આ ચૂંટણીનું પરિણામ જાણે રાજકીય ત્સુનામી જેવું છે, પ્રકાશસિંહ બાદલ, કૅપ્ટન અમરિંદરસિંહ, ચરણજિતસિંહ ચન્ની અને નવજોતસિંહ સિદ્ધુ જેવા દિગ્ગજોને હંફાવી દીધા.

રસપ્રદ વાત એ છે કે પંજાબના મોટા નેતાઓને હરાવનારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નવા ચહેરા છે. આવો જાણીએ એવા કેટલાક ચહેરાઓ વિશે જેમણે પંજાબમાં રાજકીય જાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

લાભસિંહ ઉગોકે - ભદૌર

પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીને ભદૌર બેઠક પર હરાવનારા આમ આદમી પાર્ટીના લાભસિંહ ઉગોકેની ખાસ ચર્ચા થઈ રહી છે.

લાભસિંહ ઉગોકેને આમ આદમી પાર્ટીએ ભદૌર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમની ઉંમર 35 વર્ષ છે.

લાભસિંહ ઉગોકે ભદૌર ક્ષેત્ર ઉગોકે ગામના રહેવાસી છે. રાજકારણમાં આવતાં પહેલાં તઓ એક મોબાઇલ ફોનની દુકાન ચલાવતા હતા.

લાભસિંહના પિતા ડ્રાઇવર છે અને તેમનાં માતા ગામના જ એક સ્કૂલમાં સફાઈકર્મી તરીકે કામ કરે છે.

ઉગોકે વર્ષ 2013માં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.

વર્ષ 2017માં ભદૌર આપના ઉમેદવાર પીરમલસિંહ ખાલસાના ચૂંટણીઅભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

પીરમલસિંહ ખાલસા પહેલાં ખૈરા સમૂહ સાથે જોડાઈ ગયા હતા અને બાદમાં કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.

આ વખત આમ આદમી પાર્ટીએ ઉગોકેને ટિકિટ આપી હતી અને તેમણે જોરદાર અંતરથી ચરણજિતસિંહ ચન્નીને હરાવ્યા.

ડૉક્ટર ચરણજિતસિંહ - ચમકૌર સાહિબ

આ સિવાય ચમકૌર સાહિબ બેઠક પરથી હાલના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીને હરાવનારા આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ પણ ચરણજિતસિંહ જ છે.

તેઓ એ જ વિસ્તારના રહેવાસી છે અને આંખના ડૉક્ટર છે. આ વિસ્તારમાં ગણા સમથી તેઓ સમાજસેવા કરે છે. જેના કારણે તેમનું વિસ્તારમાં ઘણું સન્માન છે.

ડૉ. ચરણજિતસિંહ નેત્ર રોગ વિશેષજ્ઞ છે. તેમણે નેત્રવિજ્ઞાનમાં એમ. એસ. કર્યું છે અને પીજાઈ ચંદીગઢમાં કાર્યરત્ છે.

તેઓ હંમેશાં લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે અને લોકોના મુદ્દાઓને સમયાંતરે ઉઠાવતાં રહે છે. તેઓ મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્ની સામે ચૂંટણી લડી ચૂક્યા છે.

જીવનજોતકોર - અમૃતસર પૂર્વ બેઠક

જીવનજોતકોર પંજાબની અમૃતસર પૂર્વ બેઠકથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. આ બેઠક પરથી પંજાબના રાજકારણના બે મોટા ચહેરા, કૉંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ અને શિરોમણિ અકાલીદળના વિક્રમસિંહ મજીઠિયાએ પણ ચૂંટણી લડી છે.

જીવનજોતકોર પ્રમાણે, તેઓ પાછલાં 20-25 વર્ષોથી સામાજિક કામોમાં ઘણાં સક્રિય રહ્યાં છે.

બીબીસી સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ક્યારે રાજકારણમાં આવવા વિશે નહોતું વિચાર્યું પંરતુ સ્કૂલના દિવસોમાં તેમની એવી ઓળખ હતી કે જ્યારે તેઓ પ્રિન્સિપાલના ઑફિસે જતાં ત્યારે એવું વિચારવામાં આવતું કે કોઈક મુશ્કેલી સર્જાઈ છે, આ કારણે જ જીવનજોત ત્યાં જઈ રહ્યાં છે.

તેઓ કહે છે કે પરિવારના સહયોગ વગર એક મહિલાનું અહી સુધી આવવું સંભવ નથી અને તેમને લગ્ન બાદ પણ સહકાર મળતો રહ્યો.

વર્ષ 1992 દરમિયાન હેમકુંટ ઍજ્યુકેશન સોસાયટીમાં એક સ્કૂલ શરૂ કરવામાં આવી હતી અને એ દરમિયાન જીવનજોત જાતે પણ ભણી રહ્યાં હતાં. આ પ્રમાણે, એ સમયે તેમણે એ સ્કૂલમાં બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું હતું.

જીવનજોત પ્રમાણે, તેમણે 'ઇકોશી' નામનો એક પ્રોજેક્ટ પણ ચલાવ્યો છે. તેમને પંજાબનાં પૅડ વુમન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તેઓ રિયુઝેબલ સૅનિટરી પૅડને પ્રોત્સાહન આપે છે.

ગુરમીતસિંહ ખુડીયાં - લંબી

ગુરમીતસિંહ ખુડિયાં શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ખુડિયાં મહાં સિંહ ગામના રહેવાસી છે. તેમની ઉંમર 59 વર્ષ છે અને તેઓ 12મું ધોરણ પાસ છે.

ગુરમીતસિંહ ખુડિયાંના પિતા જગદેવસિંહ ખુડિયાં 1989માં ફરીદકોટ લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ બની ચૂક્યા હતા.

ગુરમીતસિંહ ખુડિયાં પોતાના પિતાના મોત બાદ કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. કૉંગ્રેસમાં ઘણા સમય સુધી રહ્યા બાદ હાલ તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

આમ આદમી પાર્ટીએ તેમણે લંબી વિધાનસભા બેઠકમાંથી મેદાનમાં ઉતાર્યા. તેમનો મુકાબલો પાંચ વખત મુખ્ય મંત્રી રહ્યા અને શિરોમણી અકાલી દળના મોટ નેતા પ્રકાશસિંહ બાદલ સાથે હતો.

જેમાં તેમણે પંજાબના જન નહીં પરંતુ ભારતના વરિષ્ઠ રાજનેતા ગણાતા પ્રકાશસિંહ બાદલને હરાવવામાં સફળતા હાંસલ કરી છે.

જગદીપ કંબોજ ગોલ્ડી - જલાલાબાદ

શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ વિરુદ્ધ ચૂંટણી લડનારા જગદીપસિંહ ગોલ્ડી કંબોજ જલાલાબાદના રહેવાસી છે. તેઓ એલએલ. બી. છે અને અખિલ ભારતીય યુવા કૉંગ્રેસના પદાધિકારી પણ રહી ચૂક્યા છે.

પાછલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જલાલાબાદથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા કારણ કે પાર્ટીએ તેમને ટિકિટ નહોતી આપી ને હવે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે 5,800 મત મળ્યા હતા અને આ વખત તેણે સુખબીરસિંહ બાદલ સામે મજબૂત પડકાર ઊભો કર્યો છે.

જગરૂપસિંહ ગીલ

પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલને હરાવનારા જગરૂપસિંહ ગિલ જિલ્લા બાર ઍસોશિયેશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

એક સમયે પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહની નિકટ રહેલા જગરૂપસિંહ ગિલ 1979થી કૉર્પોરેટર બનતા આવી રહ્યા છે. આ વખતે તેઓ સાતમી વખત કૉર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.

જગરૂપસિંહ ગિલ 1992થી 1997 સુધી બઠિંડા નગરપાલિકાના અધ્યક્ષ પણ રહ્યાં.

તેમણે હાલમાં જ કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. આપ પાર્ટીએ તેમને બઠિંડા શહેરમાંથી મનપ્રીતસિંહ બાદલ વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યા.

અજિતપાલ કોહલી - પટિયાલા શહેર

અજિતપાલ કોહલી અકાલી દળ સાથે ઘણા સમયથી જોડાયેલા રહ્યા છે. પહેલાં અકાલી દળની સરકાર દરમિયાન પટિયાલાના મેયર પણ રહ્યા છે. અમુક સમય પહેલાં જ આપમાં સામેલ થયા છે.

અજિતપાલ કોહલી પટિયાલા શહેર બેઠક પરથી કૅપ્ટન અમરિંદરસિંહ સામે ચૂંટણી લડ્યા અને જીત્યા.

તેમના પિતા સુરજિતસિંહ કોહલી ધારાસભ્ય રહી ચૂક્યા છે. અજિતપાલ કોહલી પોસ્ટ ગ્રૅજ્યુએટ છે અને તેમણે વર્ષ 2006માં પંજાબી યુનિવર્સિટી પટિયાલાથી એમ. એ. (રાજ્યશાસ્ત્ર) કર્યું છે.

તેઓ ટ્રાન્સપૉર્ટનો ધંધો કરે છે.

અજિતપાલ કોહલી પટિયાલામાં વર્ષ 2007થી 2012 સુધી અકાલી દળમાં થયેલા મેયર રહી ચૂક્યા છે, તેમની ઉંમર 43 વર્ષ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો