શિક્ષણ : ગુજરાતમાં સરકારી શાળાઓની ખરેખર શું સ્થિતિ છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની કેટલીક શાળાઓની મુલાકાત લીધી હતી અને ગુજરાતની શાળાઓની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

ફરી વાર ગુજરાતની શાળાઓની વાસ્તવિક સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે.

ત્યારે વાંચો કે ગુજરાતમાં સરકારી શાળાઓની શું સ્થિતિ છે.

એક તરફ 'ભિક્ષાને બદલે શિક્ષા'ના સૂત્ર સાથે મુખ્ય મંત્રી ભિક્ષુકોનાં બાળકોને ભણાવવા માટે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત મોબાઇલ વાનને લીલી ઝંડી આપે છે અને એ જ દિવસે વિધાનસભામાં 19,128 ઓરડાની અછતનો મુદ્દો ચર્ચાય છે.

ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી જિતુ વાધાણીએ આપેલા જવાબ પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં 508 ઓરડાની ઘટ છે, જ્યારે બોટાદમાં 119, અમદાવાદમાં 477, સુરતમાં 285 ઓરડાની ઘટ છે.

જૂનાગઢમાં 356, અમરેલી 319, નવસારીમાં 352, વલસાડમાં 759 અને ખેડામાં 990 ઓરડાની ઘટ છે. આણંદમાં 670 જર્જરિત ઓરડા છે. જે પૈકી છેલ્લાં બે વર્ષમાં ખેડામાં 155 અને આણંદમાં માત્ર 83 નવા ઓરડા બનાવાયા છે.

માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં 1532, મહેસાણામાં 947, ગાંધીનગરમાં 427, નર્મદામાં 183, રાજકોટમાં 373, પોરબંદરમાં 57, કચ્છમાં 885, મોરબીમાં 146, આણંદમાં 782, ભરૂચમાં 598, તાપીમાં 162 ઓરડાની ઘટ છે. જ્યારે ડાંગમાં 154 ઓરડાની ઘટ છે અને છેલ્લાં બે વર્ષમાં એક પણ ઓરડો બન્યો નથી.

જામનગર જિલ્લામાં 302, દેવભૂમિ દ્વારકામાં 185, ખેડામાં 1089, મહીસાગરમાં 630, દાહોદમાં 1688, પંચમહાલમાં 1209, ગીર સોમનાથમાં 188 અને ભાવનગર જિલ્લામાં સરકારી શાળામાં 966 ઓરડાની ઘટ છે.

અરવલ્લી જિલ્લામાં સરકારી શાળામાં ઘટતા ઓરડાની સંખ્યા 734 અને સાબરકાંઠામાં 941, વડોદરામાં 505 અને છોટાઉદેપુર જિલ્લામાં 576 ઓરડાઓની ઘટ છે.

આમ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં 19,128 ઓરડાની ઘટની વાત શિક્ષણમંત્રીએ વિધાનસભામાં સ્વીકારી છે.

ધોરણ 1થી 5ની શાળામાં બે જ ઓરડા અને બે જ શિક્ષક

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટસુરા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં માત્ર બે ઓરડા છે અને શાળામાં વીજળીની પણ સમસ્યા છે.

શાળાના આચાર્ય ખોડા મકવાણા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "એસએમસી ગ્રાન્ટમાંથી પીજીવીસીએલમાં વીજજોડાણ માટે મેં અરજી કરી હતી."

"સર્વે પ્રમાણે, શાળાના વીજળીના મીટર માટે અમારે પાંચ હજાર રૂપિયા ભરવાના થતા હતા, જે અમે એસએમસીના ભંડોળમાંથી ભરી દીધા છે. મીટર તો ગયા અઠવાડિયે આવી ગયું છે, પરંતુ વાડીવિસ્તારનું વીજજોડાણ મળ્યું હોવાથી એક અઠવાડિયું દિવસે વીજળી આવે છે અને એક અઠવાડિયું રાત્રે."

"રાત્રે લાઇટ આવે તે અમારે તો કંઈ કામનું નથી. એટલે અમારે પાણી સંઘરી રાખવું પડે અને પાણી ખૂટી જાય તો ચલાવી લેવું પડે."

ખોડા મકવાણા કહે છે, "1થી 5 ધોરણની અમારી શાળામાં માત્ર બે ઓરડા છે અને અમે બે શિક્ષકો છીએ. હું ધોરણ 1 અને 2 ભણાવું છું અને બીજા શિક્ષણ ધોરણ 3થી 5 ભણાવે છે."

ભાવનગરના મફતપરા ગામની સરકારી શાળામાં ચાર ઓરડા છે અને 1થી 8 ધોરણ છે.

શાળાના આચાર્ય જયનેન્દ્ર બગડા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે અમારી શાળામાં 200 વિદ્યાર્થીઓ છે. ઓરડાની અછતને કારણે અમે શાળા બે શિફ્ટમાં ચલાવીએ છીએ. 1થી 5 ધોરણને સવારથી બપોર સુધી અને 6થી 8ને બપોરથી સાંજના સવા પાંચ વાગ્યા સુધી ભણાવીએ છીએ.

બગડા ઉમેરે છે, "છેલ્લાં છ વર્ષથી હું શાળામાં ચાર ઓરડા વધારવાની સર્વ શિક્ષા અભિયાનને રજૂઆતો કરું છું. કોઈ ઉત્તર પણ મળતો નથી. ઑનલાઇન માસિકપત્રકમાં પણ દર મહિને હું ઓરડાની ઘટની વાત લખું છું, એ રાજ્યકક્ષાએ જતી જ હશે ને."

પાંચ વર્ષમાં ઓરડાની ઘટ ઓછી થવાને બદલે વધી!

કર્મશીલ સુખદેવ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં શાળામાં ઓરડાની ઘટ ઓછી થવાને બદલે વધી છે."

"જે તે વર્ષે ઓરડાની ઘટ પ્રમાણે બજેટનું આયોજન થવું જોઈએ, એમ ન થવાને કારણે ઓરડાની ઘટ વધતી જાય છે. શિક્ષણમાં આયોજન અને બજેટમાં ગંભીરતા જણાતી નથી."

આરટીઈ સ્ટેટ મૉનિટર રહી ચૂકેલા સુખદેવ પટેલ ઉમેરે છે કે કાનૂની ભાષામાં કહીએ તો આ રાઇટ ટુ ઍજ્યુકેશન ઍક્ટનો ભંગ છે.

ઓરડાની ઘટને કારણે શાળામાં એક જ ઓરડામાં બે કે ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડવાથી સર્જાતી સમસ્યા અંગે વાત કરતા સુખદેવ પટેલ કહે છે, "એક જ ઓરડામાં બે ધોરણ ચાલતાં હોય અને બંને ધોરણને અલગ-અલગ શિક્ષકો ભણાવતા હોય તો પણ વિદ્યાર્થીઓને ખલેલ પડે, એમની એકાગ્રતા ન કેળવાય."

સુખદેવ પટેલ કહે છે, "સરકારી શાળાની વ્યવસ્થા નબળી હોવાના કારણે તો 'ખાનગી શાળામાં જવું જોઈએ' એવી મનોવૃત્તિને વેગ મળે છે અને ખાનગી શિક્ષણને ઉત્તેજન મળે છે. સરકારી શિક્ષણ પ્રત્યેની નિરાશામાં વધારો થાય છે."

ધોરણ 1થી 8નો શિક્ષણના મૂળભૂત અધિકારમાં સમાવેશ થાય છે. તે પછીનાં વર્ષોનો સમાવેશ થતો નથી. એટલે પ્રાથમિક શિક્ષણમાંથી સરકાર હાથ ઊંચા ન કરી શકે.

શાળામાં વીજળી નથી તો સેટેલાઇટથી ભણાવવાનું શું?

કૉંગ્રેસના સભ્યો દ્વારા વીજળી સુવિધા ન હોય તેવી શાળાની માહિતી પણ માગવામાં આવી હતી.

જેના અનુસંધાને વિધાનસભામાં મંત્રીએ આપેલા જવાબ પ્રમાણે, કચ્છ જિલ્લામાં વીજળીની સુવિધા વગરની બે સરકારી શાળા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક સરકારી શાળા છે. પોરબંદરમાં સાત અને દેવભૂમિ દ્વારકામાં એક શાળા વીજળીની સુવિધા વગરની છે.

મોરબી જિલ્લાની ત્રણ શાળામાં વીજળી નથી. ગીર સોમનાથ જિલ્લામાં વીજળીની સુવિધા વગરની નવ શાળા છે.

રાજ્યની 22 જેટલી શાળામાં વીજળીની સગવડ નથી. તેનાં પરિણામો અંગે વાત કરતા સુખદેવ પટેલ કહે છે, "શાળાને સેટેલાઇટથી ભણાવવામાં આવે છે તે પ્રોગ્રામનું આ શાળામાં શું થતું હશે?"

"ગાંધીનગરમાં ઊભા કરવામાં આવેલા કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટરમાં બાળકોની અને શિક્ષકોની હાજરી દૈનિક ધોરણે મેળવવાની હોય છે, જ્યારે આ શાળામાં વીજળી જ નથી તો એ ડેટા ક્યાંથી મળશે?"

શુદ્ધ પીવાનું પાણી અને ટૉઇલેટની સગવડનો પણ શાળામાં ગંભીર પ્રશ્ન છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં મંત્રીએ વિધાનસભામાં હજારો સરકારી શાળામાં કમ્પાઉન્ડ વૉલ ન હોવાની કબૂલાત કરી છે.

બાળઅધિકાર સમૂહ ગુજરાતના કન્વીનર રાજેશ ભટ્ટના કહેવા પ્રમાણે, શિક્ષણ માટે બજેટની પૂરતી ફાળવણી થતી નથી. મોટા ભાગનું બજેટ પગારમાં વપરાય છે. માળખાકીય સુવિધામાં ઓછું વપરાય છે. માળખાકીય સુવિધામાં આયોજનનો પણ અભાવ દેખાય છે.

તેઓ ઉમેરે છે, "ડાંગના કાકશાળામાં પ્રાથમિક શાળાની સાથે માધ્યમિક શાળા ચાલે છે. બંને શાળાને અલગ પાડીને એક અલગ મકાનમાં માધ્યમિક શાળાને ખસેડવાની વર્ષોથી વાત ચાલે છે, સરકાર પાસે જમીન હોવા છતાં વર્ષોથી આ મામલો લટકેલો રહ્યો છે."

"મૂળ વાત રાજકીય ઇચ્છાશક્તિના અભાવની છે."

'SMCની સત્તા શિક્ષણમંત્રી કરતાં પણ વધુ છે'

દિલ્હી સરકારે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને ધાર્યું પરિણામ મેળવી બતાવ્યું હોવાનું ચર્ચાય છે, અને નિષ્ણાતો કહે છે કે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં દાખલ થવાનું વલણ દિલ્હીમાં ચાલી રહ્યું છે.

એક-એક ઓરડામાં ત્રણ-ત્રણ વર્ગો ચાલતા હોય તે કેવી રીતે શક્ય બને? સમાજ તરીકે આપણે જોઈએ એવી અસર ઊભી કરી શક્યા નથી.

ભટ્ટના કહેવા પ્રમાણે "આરટીઈ ઍક્ટની કલમ 21માં શાળાસંચાલન કમિટી (એસએમસી)ની જોગવાઈમાં બધી સત્તાઓ આપવામાં આવી છે. એસએમસીના 12 સભ્યો પૈકી 9 વાલીઓ હોય છે એટલે બહુમતીનો પણ પ્રશ્ન નથી. એમને તાલીમમાં એસએમસીની જવાબદારીના નામે પંદર પાનાંનો નિબંધ ભણાવવામાં આવે છે."

"એસએમસીની કોઈ જવાબદારી જ નથી. એસએમસી શાળાની ટ્રસ્ટી છે. અમે અમારી તાલીમમાં કાયમ આ વાત કરીએ છીએ. ખરેખર કાયદો સમજવામાં આવે તો એસએમસીની સત્તા શિક્ષણમંત્રી કરતાં પણ વધુ છે."

"જો કાયદાને વળગી રહીને કામ કરવામાં આવે તો સરકારી શાળાનું કામ જડબેસલાક થઈ શકે તેમ છે, કેમ કે આ કમિટીએ દર વર્ષે શાળા સંચાલનનો પ્લાન બનાવવાનો હોય છે."

તેમાં શાળામાં જરૂરી સુવિધાની માગણી કરવાની હોય છે. એ આચાર્ય કે ડીડીઓ... કોણ બનાવતું હશે ભગવાન જાણે."

40 ટકા બાળકો માટે 2 ટકા બજેટ?

બાળકોના શિક્ષણ અને અધિકારને લઈને ભાવનગર અને નર્મદા જિલ્લામાં કામ કરતી સંસ્થા શૈશવના સ્થાપક ટ્રસ્ટી પારુલ શેઠ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "2010માં લાગુ પાડવામાં આવેલા આરટીઈ ઍક્ટ પ્રમાણે, શાળાની તમામ માળખાકીય સુવિધાઓ ત્રણ વર્ષમાં એટલે કે 2013 સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી, પરંતુ 2022નું વર્ષ આવ્યું છતાં સરકારી શાળાની ત્રાસદીઓ યથાવત્ છે."

"બલકે, તેમાં વધારો થયો છે. પરિસ્થિતિ દિવસે દિવસે બગડી છે. ઓરડાની સંખ્યા પણ ઘટી છે અને શિક્ષકોની પણ ઘટ વધી રહી છે."

તેઓ ઉમેરે છે, "સરકારી શાળાની સંખ્યા ઘટી છે. અમે 1994માં કામ શરૂ કર્યું ત્યારે ભાવનગરમાં સરકારી શાળાની સંખ્યાની 125 જેટલી હતી, જે આજે ઘટીને 55 થઈ ગઈ છે. તે વખતે 70-80 જેટલી ખાનગી શાળા હતી તે વધીને આજે 300 જેટલી થઈ છે."

"શાળાની સંખ્યા ઘટવા છતાં ઓરડાની કમીનો મામલો સામે આવે તો શું સમજવું? આ શિક્ષણની નહીં પરંતુ બાળકોની જ અવગણના છે."

બાળશિક્ષણ પાછળ ફાળવાતા બજેટને લઈને ચિંતા વ્યક્ત કરતા શેઠ કહે છે, "વસ્તીમાં બાળકોની સંખ્યા 38થી 42 ટકાની વચ્ચે હોય છે. બાળકોની વસ્તી 40 ટકા ગણીએ તો પણ બજેટના ચાર ટકાની પણ બાળકો માટે ફાળવણી થતી નથી."

"એક રિપોર્ટ પ્રમાણે, બે ટકા જેટલું બજેટ બાળકોના શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે. શિક્ષણ એ બાળવિકાસનો પાયો છે. તે આપણે નથી આપતા તો બાકી બધું આપવાનો અર્થ શું છે?"

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પત્રકારપરિષદમાં સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ અંગે પુછાયેલા જવાબમાં કહ્યું હતું, "1995 પહેલાં રાજ્યમાં કૉંગ્રેસની સરકાર હતી, ત્યારે પ્રાથમિક શાળાના ઓરડાની કોઈ માહિતી નથી."

"અઢી લાખ જેટલા ઓરડાઓ પૈકી મોટા ભાગના રાજ્યની ભાજપ સરકારે બંધાવ્યા છે."

"જર્જરિત મકાનો માટે ભાડાના મકાનમાં શાળા બેસાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. 10 હજાર કરતાં વધુ ઓરડા એકસાથે બનાવવા માટે 937 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે."

આ સમગ્ર મામલા અંગે શિક્ષણમંત્રીએ બીબીસી ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીત કરવા માટે અસમર્થતા બતાવી હતી અને પ્રતિભાવમાં કહ્યું હતું કે "તમારા પ્રશ્નનો ફોન પર જવાબ નહીં આપું, રૂબરૂ આવો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો