You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબમાં મફત વીજળીની ભગવંત માનની જાહેરાત, શું છે યોજના? - પ્રેસ રિવ્યૂ
શુક્રવારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે 1 જુલાઈથી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીપ્રચારના ઢંઢેરામાં પણ મફત વીજળીનો વાયદો કર્યો હતો.
તેમણે કહ્યું કે બે મહિનાની 600 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારો અને સ્વતંત્રતાસેનાનીઓને પહેલાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવતી હતી, તેમને પણ 300 યુનિટ વીજળી મફત મળશે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈ પરિવાર બે મહિનામાં 600 યુનિટ કરતાં વધુ વીજળીનો વપરાશ કરશે તો તેમણે વધારાના યુનિટનું જ બિલ ચૂકવવાનું રહેશે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમે કરી બતાવ્યું, વાયદો પૂરો કર્યો. દિલ્હી બાદ હવે પંજાબમાં પણ વીજળી ફ્રી. અમે એક-એક કરીને તમામ વાયદો પૂરો કરીશું.'
ખંભાતમાં રામનવમી પર થયેલી હિંસાના આરોપીઓની દુકાનો તોડી પડાઈ
આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે હિંસા થઈ હતી. જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા હિંસામાં સામેલ લોકોની ગેરકાયદેસર દુકાનો, કૅબિનોના દબાણ દૂર કરાયાં હતાં.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, ખંભાત શહેરમાં 15 એપ્રિલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને દસ દુકાનો તોડી પાડવામાં આવી હતી. જોકે, હજુ પણ આ કામગીરી પૂર્ણ થઈ નથી.
આ દુકાનો હિંસામાં સામેલ લોકોની હોવાનું અને તે ગેરકાયેદસર રીતે ઊભી કરવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું હતું.
10 એપ્રિલે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જે બાદ કેટલીક દુકાનો અને વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી. પોલીસે ટોળાને કાબૂમાં રાખવા ટિયરગૅસનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકો ભાજપથી કંટાળી ગયા છે, પણ કૉંગ્રેસ પ્રબળ વિકલ્પ નથી : ઇંદ્રનીલ રાજ્યગુરુ
તાજેતરમાં જ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કૉંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ તેમણે એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં લોકો ભાજપથી કંટાળી ગયા છે. જોકે, લોકો કૉંગ્રેસને ભાજપના વિકલ્પ તરીકે જોતા નથી. મને આમ આદમી પાર્ટી પર ભરોસો છે. જેથી હું તેમની સાથે જોડાયો છું.
તેમણે વધુમાં કહ્યું, "ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કૉંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી સારો વિકલ્પ છે. જ્યારે લોકો ભાજપથી ત્રસ્ત હોય અને કૉંગ્રેસ આ દરમિયાન કંઈ કરી ન શકે તો લોકો જાણે છે કે તેમણે શું કરવું જોઈએ."
ભાજપ અને કૉંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે લોકોને મૂર્ખ બનાવીને સત્તામાં આવેલ ભાજપનો પ્રબળ વિકલ્પ બનવામાં કૉંગ્રેસ નિષ્ફળ નીવડી છે. તેમણે કહ્યું, "કૉંગ્રેસ સાથે મારી તકલીફ એ જ છે કે તેમનામાં ભાજપને હરાવવાનું મનોબળ જ નથી."
રેલવે સ્ટેશન પર ટ્રેનના ત્રણ કોચ ડિરેલ થયા, કોઈ જાનહાનિ નહીં
દાદર-પુડ્ડુચેરી એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા મહારાષ્ટ્રના માતુંગા રેલવે સ્ટેશન પર ડિરેલ થયા હતા. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ, આ ડિરેલમેન્ટ શુક્રવારે રાત્રે દાદર-પુડ્ડુચેરી ચાલુક્ય એક્સપ્રેસ ટ્રેન અને સીએસએમટી-ગડગ એક્સપ્રેસ ટ્રેન અથડાતાં થયું હતું.
સ્થાનિક રેલવે અધિકારીઓને ટાંકીને અખબાર લખે છે કે, ઘટનાની જાણ થતા તાત્કાલિક કલ્યાણ, સીએસએમટી અને કુર્લા ખાતેથી રાહત કામગીરી માટે ટ્રેનો મોકલવામાં આવી હતી.
આ ઘટનાને કારણે રેલવે ટ્રેન બંધ કરવામાં આવતાં મુંબઇ લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે ખોરવાઈ હતી. જેના કારણે સ્ટેશનો પર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જોવા મળ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો