પાટણ : દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડો તો રાજદ્રોહનો કેસ થઈ શકે?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

"પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ભારત સરકારની રિઝર્વ બૅન્ક દ્વારા ચલણમાં મૂકવામાં આવેલા દસ રૂપિયાના સિક્કાનો સ્વીકાર કરવામાં આવતો નથી." આ પ્રકારની ફરિયાદ બાબત એક અરજી પાટણના સ્થાનિક આકાશ લિમ્બાસીએ પાટણ પ્રાંત અધિકારીને આપી હતી.

પાટણમાં દસ રૂપિયાનો ચલણી સિક્કો તથા રૂપિયા પાંચની ચલણી નોટ લોકો દ્વારા ન સ્વીકારાતી હોવાની આરોપ થયો હતો.

આ વાત ધ્યાનમાં આવતાં પાટણ નિવાસી અધિક કલેક્ટર દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવતાં કોઈ પણ ચલણનો સ્વીકાર ન કરતા લોકો સામે ભારતીય દંડ સહિતાની કલમ 124-એ મુજબ રાજદ્રોહનો ગુનો દાખલ કરવા અંગેની કાર્યવાહી થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ફરિયાદી અને અન્ય જાણકારોનો સંપર્ક સાધ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

દસ રૂપિયાના સિક્કા નહીં સ્વીકારવા બાબતે પાટણના પ્રાંત અધિકારીને અરજી કરનાર આકાશ લિમ્બાસીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, "9 એપ્રિલ 2022ના રોજ તેઓ પાટણના એક ખાનગી કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા માટે ગયા ત્યારે ત્યાં હાજર કર્મચારીએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બહાર પાડેલ રૂપિયા દસના ચલણી સિક્કા સ્વીકારવાની ના પાડતાં કહ્યું હતું કે, અહીં દસનો સિક્કો ચાલતો નથી."

"ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમણે સમગ્ર મામલે પેટ્રોલપંપના મૅનેજરને વાત કરી પરંતુ તેમણે પણ સિક્કા સ્વીકારવાની ના પાડી હતી. પેટ્રોલપંપના કર્મચારીએ એવી દલીલ કરી હતી કે બૅન્ક પણ સિક્કા સ્વીકારતી નથી."

તેઓ આગળ જણાવે છે કે, "મેં બૅન્કમાં જાતે તપાસ કરતાં સિક્કા નથી સ્વીકારતાં એવું કંઈ ધ્યાનમાં ન આવ્યું. બૅન્ક દ્વારા દરેક ભારતીય ચલણી સિક્કા સ્વીકારવાની હા પાડવામાં આવી હતી."

પેટ્રોલપંપના માલિક રાજુભાઈ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "ગ્રાહક પાસે દસના સિક્કા વધારે હોવાના કારણે કર્મચારીએ મૅનેજરને મળવા કહ્યું હતું પરંતુ ગ્રાહકે સીધી ફરિયાદ કરી હતી. જેના કારણે ગેરસમજ ઊભી થઈ હતી."

આ સમગ્ર ઘટના પછી ફરિયાદી આકાશે પાટણ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને અરજી આપી હતી. જેની તત્કાલ ઍક્શન લેતાં 12 એપ્રિલના રોજ અરજીની સુનાવણી કરવામાં આવી હતી.

ફરિયાદી આકાશ આગળ જણાવે છે કે, "સુનાવણી બાદ જ્યારે તેઓ પ્રાંત કચેરીની બહાર જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપના મૅનેજરે તેમને માર મારવાની ધમકી આપી હતી. જે અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી."

"વારંવાર પાટણમાં આ પ્રકારની અફવાના કારણે વેપારીઓ સિક્કા અને નાની રકમની ચલણી નોટ સ્વીકારતાં નથી. કોઈ પણ ચલણ ગ્રાહક જાતે છાપતો નથી. સરકાર કે રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવે છે. પાટણના લોકોમાં જાગૃતિ આવે તે માટે મેં આ અરજી કરી છે જેથી મારી સાથે જે વ્યવહાર થયો તેવું ભવિષ્યમાં કોઈ વ્યક્તિ સાથે ન બને."

બીબીસી ગુજરાતીએ પાટણ ડેપ્યુટી કલેક્ટર સચીનકુમાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, "આ ઘટના ધ્યાનમાં આવતાં લોકોમાં જાગૃતિ આવે તે માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા ભારતના ચલણનો સ્વીકાર ના કરવામાં આવે તો તેના વિરુદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ 124-એ મુજબ રાજદ્રોહની કાર્યવાહી પણ થઈ શકે તેમ કહ્યું હતું. પરિપત્રને શહેરમાં તમામ જગ્યા પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને."

પરિપત્રમાં મુજબ ગુજરાત રાજ્યનાં ગામડા તથા શહેરોમાં ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટ તથા સિક્કા માન્ય રખાતાં નથી, તે મુજબની રજૂઆત મળી છે. આથી ગુજરાતના તમામ જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિક્કા સ્વીકારાય તે સુનિશ્ચિત કરવા તથા આ બાબતે જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ લાવવા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પાટણ પ્રાંત અધિકારીએ બંન્ને પક્ષકાર પેટ્રોલપંપ મૅનેજર તથા અરજદાર આકાશ લિમ્બાસીને આ મામલે સુનાવણી માટે 12 એપ્રિલ 2022ના રોજ પાટણ પ્રાંત કચેરી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અને સમગ્ર મામલે સુનવણી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાબતે બીબીસી ગુજરાતીએ ગુજરાત હાઈકોર્ટના વકીલ એમ. કે. રાજપૂત સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવતા કોઈ પણ ચલણનો અસ્વીકાર કરવો એટલે ભારતીય સંઘનો અનાદર કરવો જેના વિરુદ્ધ કાયદાકીય રીતે સરકાર કે તંત્ર ઇચ્છે તો ભારતીય દંડ સંહિતાની કલમ 124-એ મુજબ રાજદ્રોહનો ગુનો દાખલ થઈ શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો