અમદાવાદ : ટૉઇલેટમાં પ્રસૂતિ થતાં શિશુ કમોડમાં ફસાયું, કેવી રીતે બચાવાયું નવજાત બાળક?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિકાસગૃહમાં એક અજબ ઘટના બની હતી. જેમાં માનસિક અસ્થિર યુવતીની ટૉઇલેટમાં જ પ્રસૂતિ થઈ જતાં નવજાત ટૉઇલેટના કમોડમાં ફસાઈ ગયું હતું.

બાળકનું શરીર બહાર અને માથું કમોડમાં ફસાતાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

અંતે ફાયર વિભાગના કર્મીઓની ચપળતાથી આ બાળકને હેમખેમ બચાવી શકાયું હતું. કેવી રીતે હાથ ધરાયું હતું આ અજબ રેસ્ક્યૂ ઑપરેશન? આ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ઑપરેશનથી પરિચિત ફાયર ફાઇટર સાથે વાતચીત કરી હતી.

કેવી રીતે બની ઘટના?

વિકાસગૃહ સંસ્થામાં રહેતાં એક માનસિક અસ્થિર યુવતી ગુરુવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ટૉઇલેટ ગયાં હતાં તે દરમિયાન તેમની પ્રસૂતિ થઈ ગઈ હતી.

નવજાત શિશુ ટૉઇલેટના કમોડમાં ફસાઈ ગયું. યુવતી માનસિક અસ્થિર હોવાના કારણે તેઓ કંઈ પણ સમજી શક્યાં ન હતાં પરંતુ જ્યારે તેઓ ટૉઇલેટની બહાર આવ્યાં ત્યારે ટૉઇલેટમાંથી બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.

આ અવાજના કારણે હાજર કૅરટેકરે ટૉઇલેટમાં જઈને જોયું હતું તો તેમને બાળક ટૉઇલેટના કમોડમાં ફસાયેલી અવસ્થામાં જોવા મળ્યું. જેથી તેઓએ તુરંત ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. તેમની સમયસૂચકતાના કારણે ગણતરીની મિનિટોમાં ત્યાં મદદ પહોંચી હતી.

આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ડિવિઝનલ ઑફિસર ઇનાયત શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "પાલડી વિકાસગૃહ તરફથી અમને આજે સવારે 7.50 વાગ્યે ફોન આવ્યો હતો. ફોન આવ્યા બાદ તરત મણિનગર તેમજ નવરંગપુરાની ફાયર ટીમ વિકાસગૃહ ખાતે પહોંચી હતી."

"પોલીસ તેમજ 108 ઍમ્બ્યુલન્સ વાન પણ પહોંચી હતી. બાળકના પગ ટૉઇલેટમાં હતા તેમજ તેનું માથું કમોડમાં ફસાઈ ગયું હતું. સૌપ્રથમ અમે ટૉઇલેટ સીટની આસપાસ ખોદીને બાળકના ફસાયેલા મોઢા સાથે બાળક તેમજ કમોડને બહાર લાવ્યા હતા. ત્યાર બાદ નાની હથોડીની મદદથી કમોડને તોડવામાં આવ્યું હતું. તેમજ બાળકને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું."

તેઓ આગળ જણાવે છે કે, "બાળકને ઑબ્ઝર્વેશન માટે 108 ઍમ્બુલન્સ મારફતે એસવીપી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું."

"આ એક જવલ્લે બનતી ઘટના ગણી શકાય. અમારા માટે પણ એક ખૂબ મુશ્કેલ રેસ્ક્યૂ ઑપરેશન હતું. નવજાત બાળક ટૉઇલેટના કમોડમાં ફસાયું હતું જ્યાં ગૅસ ગૂંગળામણ પણ થઈ શકે તેમ હતી. કમોડ તોડવામાં પણ બહુ જ ધ્યાન રાખવું પડે એમ હતું પરંતુ બાળકને સુરક્ષિત બચાવી લેવાયાની અમને ખુશી છે."

પોલીસને મળી આવ્યાં ગર્ભવતી મહિલા

પોલીસને અમદાવાદના શાહીબાગથી દોઢ વર્ષના બાળક સાથે માનસિક અસ્થિર મહિલા મળ્યાં હતાં તે વખતે મહિલા ગર્ભવતી હતાં.

તારીખ બીજી એપ્રિલના રોજ શાહીબાગ પોલીસને એક અજાણ્યા શખ્સે કૉલ કર્યો હતો અને જણાવ્યું હતું કે શાહીબાગ રેનબસેરા ખાતે એક દોઢ વર્ષના બાળક સાથે માનસિક અસ્થિર મહિલાને કોઈ મૂકી ગયું છે.

અમદાવાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી પછી આ મહિલાને સિવિલ હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં 'સખી વન સ્ટૉપ સેન્ટર'માં મહિલાને રાખી તેમની જરૂરી સારવાર કરાવી હતી.

આ સ્થળે મહિલાને પાંચ દિવસથી વધુ રાખી શકાય નહીં તેવો નિયમ છે. જેથી પોલીસ છ એપ્રિલના દિવસે મહિલા અને તેના બાળકને પાલડી વિકાસગૃહ ખાતે મૂકી આવી હતી.

આ અંગે પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર. કે. દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " શાહીબાગ પોલીસ ગત 6 એપ્રિલના રોજ એક માનસિક અસ્થિર મહિલાને વિકાસગૃહ મૂકી ગઈ હતી. આ મહિલાની ટૉઇલેટમાં ડિલિવરી અંગેનો મૅસેજ મળ્યો હતો અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો