You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ નિર્ણય ન લઈ શકે અને પક્ષના નિર્ણયમાં સામેલ કરાતા નથી : હાર્દિક પટેલ
"ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો મતલબ શું છે એ બધા જાણે છે. અહી કાર્યકારી અધ્યક્ષ કોઈ નિર્ણય ન લઈ શકે, કોઈ નિર્ણયમાં ભાગીદારી ન નોંધાવી શકે."
આ શબ્દો ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના છે. હાર્દિક પટેલ કૉંગ્રેસથી નારાજ જણાઈ રહ્યા છે અને પક્ષ દ્વારા તેમની ઉપેક્ષા કરાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. હાર્દિકે કહ્યું છે કે પક્ષમાં તેમની સ્થિતિ 'નવા બનેલા એવા વર જેવી છે, જેની નસબંધી કરી દેવાઈ હોય. '
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિકે નરેશ પટેલને લઈને કૉંગ્રેસની નિર્ણાયક શક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત હાર્દિકે ગુજરાત કૉંગ્રેસ જૂથવાદનો શિકાર થઈ ગઈ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે કૉંગ્રેસ હાઇકમાન્ડની નિર્ણયશક્તિ સામે સવાલ ઉઠાવતાં કહ્યું, "ભાજપની નિર્ણયશક્તિ પાવરફૂલ છે, એ અમે પણ સ્વીકારીએ છીએ. કોઈ પણ નિર્ણય તત્કાલ ધોરણે લેવાઈ જાય છે. કૉંગ્રેસમાં નિર્ણયશક્તિ ઘણી ઓછી છે. એટલે અઢી મહિનાથી નરેશભાઈ(નરેશ પટેલ)નું પ્રકરણ, પ્રક્રિયા લટકેલાં છે."
"કૉંગ્રેસ પાર્ટી નરેશભાઈને લેવા માગે છે કે નહીં એ તો પહેલા સ્પષ્ટ કરે. જો લેવા માગતી હોય તો જલદી નિરાકરણ લાવે. રોજ ટીવીમાં મનફાવે ત્યારે આવે અને નરેશભાઈએ ફલાણી માગણી કરી, નરેશભાઈએ ફલાણું બાર્ગેઇન કર્યું. નરેશભાઈએ કોઈ બાર્ગેઇન કે માગણી નથી કરી."
તેમણે ઉમેર્યું, "એમના માટે થઈને પાર્ટી કોઈ નિર્ણય લેવા માગતી હોય તે જલદીથી લે. રોજ અલગઅલગ સમાચારો આવે એનાથી સમાજનું અપમાન થાય છે. નરેશભાઈનું અપમાન એ સમાજનું અપમાન છે. સમાજનું અપમાન એ નરેશભાઈનું અપમાન છે. કૉંગ્રેસ પાર્ટી કોઈનું સન્માન ન કરી શકે તો વાંધો નહીં પણ કોઈનું અપમાન તો ન જ કરવું જોઈએ."
'નવા વરની નસબંધી'
કાર્યકારી અધ્યક્ષ તરીકે નરેશ પટેલ સાથે તમારો કોઈ સંવાદ થયો છે? પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું, "ના, મારો કોઈ સંવાદ નથી થયો. ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો મતલબ શું છે એ બધા જાણે છે. અહી કાર્યકારી અધ્યક્ષ કોઈ નિર્ણય ન લઈ શકે, કોઈ નિર્ણયમાં ભાગીદારી ન નોંધાવી શકે."
બીજાં રાજ્યોમાં અને ગુજરાતમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં હાર્દિક પટેલે એબીપી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં "ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનું મૂલ્ય નવા વરની નસબંધી જેવી છે. તમને પદ આપી દીધું પણ કામ નહીં મળે, તમને નિર્ણય શક્તિમાં કોઈ જગ્યા નહીં આપવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, પક્ષ પર અવગણના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરતાં હાર્દિક પટેલે કહ્યું, "મને પ્રદેશ કૉંગ્રેસ કમિટિની કોઈ બેઠકમાં બોલાવવામાં આવતો નથી, કોઈ નિર્ણય લેતા પહેલાં તેઓ મારી સાથે વિચારવિમર્શ કરતા નથી, તો પછી આ પદનો અર્થ શો?"
તેમણે ઉમેર્યું, "તાજેતરમાં તેઓએ (કૉંગ્રેસે) રાજ્યમાં 75 નવા મહાસચિવ અને 25 નવા ઉપાધ્યક્ષોનાં નામોની જાહેરાત કરી. તેમણે એકવાર પણ મને ન પૂછ્યું કે હાર્દિકભાઈ તમારા ધ્યાનમાં હોય એવા કોઈ મજબુત નેતા આ યાદીમાં ગાયબ તો નથીને?"
"કૉંગ્રેસે અમારો ઉપયોગ ન કર્યો"
હાર્દિક પટેલ પાટિદાર આંદોલનમાંથી જન્મેલા નેતા છે. યુવા નેતા તરીકે હાર્દિક પટેલને રાહુલ ગાંધીએ કૉંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો અને વર્ષ 2020માં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલ આ પહેલાં પણ ઘણી વખત મહત્ત્વની ભૂમિકા ન આપવા બદલ પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
વધુ એકવખત કૉંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી હોવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું, "2017માં પાટિદાર આંદોલનને કારણે કૉંગ્રેસ 42 બેઠકો પરથી 82 બેઠક પર આવી. એ પહેલાં 2015માં પંચાયતની ચૂંટણીમાં ભાજપ એક પણ જિલ્લા પંચાયત નહોતો જીતી શક્યો. એ પછી તમે (કૉંગ્રેસે) અમારો ઉપયોગ ન કર્યો. "
હાર્દિકે અખબારને કહ્યું કે તાજેતરમાં પંજાબ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સહિત અન્ય નેતાઓનું મંડળ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યું હતું.
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને આવુ સન્માન કેમ નથી મળતું? તેમણે ઉમેર્યું, "કૉંગ્રેસમાં ઘણા લોકો માને છે કે પાર્ટીએ હાર્દિકનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી. તમારા જૂથવાદને કારણે અમે પરેશાન થઈ રહ્યા છીએ. અમારો યોગ્ય રીતે ઉપયોગ ન થાય, અમને કામ ન આપવામાં આવે, અમારું વારંવાર અપમાન કરવામાં આવે તો લોકો પણ જુએ છે કે હાર્દિક સાથે શું થઈ રહ્યું છે."
હાર્દિક પાર્ટીથી નારાજ છે? એવા પ્રશ્નના જવાબમાં હાર્દિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "ચૂંટણી આડે માત્ર છ મહિના બચ્યા છે. ગુજરાતના લોકો નવી આશા સાથે કંઈક કરવા માગે છે. કેટલાક લોકોને પોતાના જ માણસોને આગળ કરવાની પડી છે."
આ દરમિયાન નરેશ પટેલને લઈને હાર્દિકના આક્ષેપો સામે સ્પષ્ટતા કરતાં ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું છે કે 'ગુજરાતમાં દરેક નેતાએ મીડિયાના સવાલના જવાબમાં કહ્યું છે કે નરેશભાઈ રાજનીતિમાં આવતા હોય તો સ્વાગત છે અને નરેશભાઈ કૉંગ્રેસમાં આવતા હોય તો તેમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. કેટલીક ચર્ચાઓ મીડિયામાં કરવાની હોતી નથી.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો