You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખંભાતમાં રામનવમીના દિવસે ફાટી નીકળેલી હિંસા પૂર્વાયોજિત હતી? - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ખંભાત શહેર પતંગ અને અકીકના કારોબાર માટે પ્રખ્યાત છે પણ છેલ્લા કેટલાક વખતથી ખંભાત કોમી છમકલાં માટે ચર્યામાં આવ્યું છે.
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલા પથ્થરમારા અને આગચંપની ઘટનાને પોલીસે પૂર્વાયોજિત કાવતરું ગણાવ્યું છે.
આણંદ જિલ્લાના પોલીસવડા અજિત રાજીયાને પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે, "પૂર્વાયોજિત કાવતરારૂપે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મૂળ હેતુ એવો હતો કે ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં રથયાત્રાન નીકળે."
આ હિંસાના પગલે પોલીસે 50થી વધારે લોકોની સામે ફરિયાદ નોંધાવી છે.
રામનવમીના દિવસે શું થયું હતું?
રામનવમીના દિવસે ખંભાતના શક્કરપુર વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી રથયાત્રા નીકળી અને અડધો કિલોમીટર નહોતી પહોંચી ત્યાં પથ્થરમારો થયો. બે જૂથો સામસામે આવી ગયા.
એ પછી આ વિસ્તારમાં દુકાનો બંધ થવા લાગી અને થોડી જ ક્ષણોમાં શહેરમાં સન્નાટો છવાઈ ગયો. એ પછી દુકાનો સળગી.
બજારોમાં વેપારી અને ગ્રાહકોને બદલે પોલીસોનો પહેરો જ દેખાતો હતો. સ્થિતિને થાળે પાડવા માટે પોલીસે ઘણી મથામણ કરવી પડી હતી. પોલીસે સ્થિતને કાબૂમાં લેવા માટે ટિયરગૅસ છોડવો પડ્યો હતો.
કનૈયા રાણા નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેનું કારણ આ હિંસક ઘર્ષણ હોવાનો પરિવારજનોનો દાવો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રમખાણનાં બીજે દિવસે અમે ખંભાત પહોંચ્યા તો શહેરનું જનજીવન યથાવત્ જણાતું હતું, જોકે કેટલાક લોકોના ચહેરા પર અજંપો વર્તાતો હતો.
ગવારા ટાવર ચોક કે જ્યાં દુકાનો અને લારીઓ સળગાવાઈ હતી ત્યાં બીજા દિવસે પણ કેટલીક દુકાનો સાંજ સુધી બંધ હતી.
પોલીસના જવાનો શહેરમાં ઠેર-ઠેર પહેરો ભરતા હતા અને નગરમાંથી વજ્ર સહિતનાં સંરક્ષણવાહનો કૂચ કરતાં હતાં.
જે રામજી મંદિર પાસેથી શોભાયાત્રા નીકળી હતી. તેને અડીને પોલીસની એક ચોકી લગી ગઈ છે. જે રસ્તા પર પથ્થરમારો થયો હતો ત્યાં તૂટેલી ઈંટો, પથ્થર અને છૂટાછવાયાં ચપ્પલો બે-ત્રણ દિવસ સુધી જોવા મળ્યાં હતાં.
ખંભાતમાં રામનવમીના દિવસે જે અલગઅલગ સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું તે ઘટનાના બીજા દિવસ સુધીમાં પોલીસે 57 લોકો સામે ફરિયાદ નોંધી હતી.
'ઘરનો કમાનારો જતો રહ્યો'
રામનવમીના દિવસે મૃત્યુ પામનાર કનૈયા રાણાની અંતિમયાત્રા બીજા દિવસે તેમના નિવાસસ્થાન ગંધકવાડો, ઉપલી ઢાળ ખાતેથી પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી.
સાઠેક વર્ષના એક વૃદ્ધ કે જેમનું નામ પણ કનૈયાભાઈ હતું અને તેઓ મૃતક કનૈયા રાણાના પાડોશી હતા તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "અમારી માગ છે કે પોલીસ એ શોધીને લાવે કે કનૈયાભાઈની હત્યા કેવી રીતે થઈ અને અમને ન્યાય અપાવે. જો ભગવાન રામની શોભાયાત્રામાં જતા હોઈએ અને આપણા પર પથ્થરમારો થાય તો આપણે હિન્દુસ્તાનમાં કઈ રીતે રહી શકીશું?"
સાંજે કનૈયાભાઈ રાણાનું બેસણું તેમના ઘરનાં આંગણામાં હતું. એક પછી એક લોકો કનૈયાભાઈની તસવીર પર ફૂલોની પાંખડી ચઢાવતા હતા અને પરિવારને સાંત્વના પાઠવતા હતા. પોલીસનો પણ પહેરો હતો.
કનૈયા રાણાને શ્રદ્ધાંજલિ પાઠવવા આખો મહોલ્લો ઊભરાઈ ગયો હતો. બેસણું પૂરું થયા પછી કનૈયા રાણાના જમાઈ જયેશ રાણાએ બીબીસીને જણાવ્યું કે, "કનૈયાભાઈ મકાનના સ્લૅબ ભરતી વખતે જે સેન્ટરિંગનું કામ હોય એ કરતા હતા. અઢીસો રૂપિયા રોજ જેવું મળતું હતું અને મહિને છ - સાડા છ હજાર કમાતા હતા."
"હવે ઘરનો એ મોભ ગયો. પરિવારમાં હવે ચાર વ્યક્તિ છે. કનૈયાભાઈના બે દીકરા, પત્ની અને કનૈયાભાઈની નાની બહેન. ઘરનો કમાનાર માણસ જતો રહ્યો છે. દીકરાના ખભે હવે ઘરની જવાબદારી આવી ગઈ છે."
શોભાયાત્રા દરમિયાન કનૈયા રાણાનું મૃત્યુ કઈ રીતે થયું?
રામનવમીને દિવસે શહેરનાં શક્કરપુરથી ઝંડાચોક, ટાવર ચોક ચિતારી બજાર વગેરે વિસ્તારમાંથી શોભાયાત્રા નીકવાની હતી.
શોભાયાત્રાના દર્શન કરવા ગયેલા કનૈયાભાઈ રાણાને ખબર નહોતી કે તેઓ ઘરે પાછા નહીં ફરી શકે.
જયેશ રાણા જણાવે છે કે, "રવાડીના દર્શન કરવા કનૈયાભાઈ ગયા હતા. અચાનક હુમલાખોરોએ કબ્રસ્તાનમાંથી પથ્થરમારો કર્યો. એ પથ્થરમારાને લીધે કનૈયાભાઈ ગભરાઈ ગયા. તેમને ભાન ન રહ્યું કે કઈ બાજુ ભાગવું?"
"તેઓ હિન્દુ મહોલ્લા તરફ જવાને બદલે એવા ઠેકાણે જતા રહ્યા જ્યાં મુસ્લિમો હતા. મુસ્લિમોને એમ થયું કે તે અમને મારવા આવ્યા છે. તેથી તેઓ કનૈયા રાણાને ઘસડીને લઈ ગયા અને ખૂબ ઈજા પહોંચાડી. પોલીસ કે અન્ય કોઈ તેમને પછી દવાખાને લઈ ગયા હતા. અમને તો સાંજે આઠ વાગ્યે ખબર પડી કે કનૈયાભાઈ પેટલાદની સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. અમે પોલીસને કહ્યું કે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે."
પોલીસના કહેવા પ્રમાણે, 302 IPC હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. કનૈયાભાઈના જે અન્ય રિપોર્ટ આવશે તે મુજબ કાર્યવાહી આગળ વધશે.
'મારી દુકાને હિન્દુ - મુસ્લિમ બંને ગ્રાહકો આવે છે, છતાં...'
કનૈયા રાણાનો જીવ ગયો તો આરિફ અને વસીમ જેવા લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવવાનો વારો આવ્યો.
આરિફ ઇસ્માઈલ ત્રીસેક વર્ષથી ગવારા ટાવર ચોક પર ચપ્પલની દુકાન ચલાવતા હતા. રામનવમીને દિવસે તેની દુકાનને આગ ચાંપી દેવામાં આવી હતી.
તેઓ બીબીસીને જણાવે છે કે, "બે લાખનો માલ સળગી ગયો. ખબર નથી પડતી હવે ધંધો કઈ રીતે ફરી શરૂ થશે. 2020માં પણ શહેરમાં રમખાણ થયાં હતાં ત્યારે પણ મારી દુકાનને મોટું નુકસાન થયું હતું."
"મારી પાસે ચપ્પલ ખરીદનારાઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો છે. છતાં મારી દુકાનને કેમ વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે એ સમજાતું નથી."
આરિફની જેમ જ વસીમ વોરા પણ ચપ્પલ વેચવાનો ધંધો કરતા હતા. તેઓ ચપ્પલની લારી ચાવતા હતા. ટોળાંએ લારીને આગ ચાંપી દીધી હતી.
તેઓ કહે છે કે, "મારા ઘરમાં બે નાના છોકરા, પત્ની અને મારી બા સહિત પાંચ જણા છે. હવે અત્યારે લારી પણ નથી અને માલ પણ નથી. હવે મારે ઘર કઈ રીતે ચલાવવું? રમજાન મહિનો ચાલે છે, પૈસા કોની પાસેથી લાવું?"
'મુસલમાન હોવું એ અમારો વાંક છે?'
ખંભાતની વસતી 99,000 જેટલી છે. જેમાં 72.88 ટકા હિન્દુ અને 23.87 ટકા મુસ્લિમો છે.
નેવુંના દાયકાથી ખંભાતમાં છમકલાં થતાં રહે છે. કોરોના મહામારી પહેલાં 2020માં તો ખંભાતમાં બે મહિનાની અંદર ત્રણેક છમકલાં થયાં હતાં.
વસીમ વોરા કહે છે કે, "2020માં કોમી છમકલાં થયાં ત્યારે મારી લારી ઊંધી વાળીને માલ લૂંટી લેવામાં આવ્યો હતો. આ વખતે તો લારી જ સળગાવી દેવામાં આવી. ખંભાતમાં અવારનવાર રમખાણ થાય છે તો આપણા ચૂંટાયેલા નેતાઓ શું કરે છે? કેમ નાના માણસોને ભોગવવાનું આવે છે?"
તેઓ કહે છે કે, "ખંભાતની અંદર હિન્દુ કે મુસલમાનોનો તહેવાર આવે ત્યારે બંને કોમના લોકોએ સાથે મળીને બેઠક યોજીને જાહેર કરવું જોઈએ કે ખંભાતના લોકો ટેન્શન ન લે. અમે બેઠા છીએ. જો આવી કોઈ પહેલ થાય તો કોઈ રમખાણો નહીં થાય. કોઈ પણ પક્ષના ધારાસભ્યો પાસેથી અપેક્ષા રાખવી નકામી છે. "
ખંભાતના બાવાબાજીસા વિસ્તારમાં રહેતાં હમિદાબાનુ આરિફ ઈસ્માઇલનાં ભાભી છે.
તેઓ ખૂબ વ્યથિત છે. આંખોમાં આંસુઓ લૂછતાં-લૂછતાં તેઓ બીબીસીને જણાવે છે કે, "આ બધું શું ચાલી રહ્યું છે? અત્યારે અમારા પરિવારના લોકોના ધંધારોજગાર પર દિવાસળી મૂકવામાં આવી. બે વર્ષ અગાઉ 2020માં મારું ઘર સળગાવી નાખવામાં આવ્યું હતું. ઘરમાં એક ચમચી નહોતી રહી."
"અમારો વાંક શું છે એ અમને કોઈ જણાવે. મુસ્લિમ છીએ એ જ અમારો વાંક છે? જે લોકો દુકાન અને મકાન સળગાવે છે તેમને પૂછવા માગું છું કે અમે ક્યો ગુનો કર્યો એ અમને જણાવો."
ધમધમતી બજારમાં સન્નાટા છવાઈ ગયો
ખંભાતમાં જનજીવન તો રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે પણ લોકો જે પથ્થરામારા કે હુલ્લડની ઘટના બની હતી એના વિશે બોલતા ખચકાય છે.
અગારા ટાવરચોકમાં દુકાન અને લારીઓમાં આગ ચાંપવામાં આવી હતી ત્યાં અડીને જ ચા વેચવાનો ધંધો કરતાં ભાઈને પૂછ્યું કે અહીં રામનવમીને દિવસે શું થયું હતું? તો તેમણે કહ્યું કે, "રામનવમીની રવાડી નીકવાની હતી એટલે મેં તો ચાની લારી બંધ રાખી હતી."
બાજુમાં સોડા વેચતાભાઈએ પણ એ જ વાત દોહરાવી. કપડાંનો વેપાર કરતાં રાજેશભાઈએ થોડી ખૂલીને વાત કહી.
તેમણે કહ્યું કે, "રામનવમીની રવાડી નીકળી ત્યાં જે પથ્થરમારો થયો એ પછી બજારમાં પણ દોડાદોડ થઈ ગઈ હતી અને સન્નાટો છવાઈ ગયો હતો. બધા પોતપોતાની દુકાનોના શટર પાડીને ઘરે રવાના થઈ ગયા હતા. જે દુકાનો સળગી તે બજાર બંધ થઈ ગયા પછી જ સળગી હતી તેથી એ દૃશ્યો અમે જોયાં નહોતાં."
અન્ય એક વેપારી ભરતભાઈ ખત્રીએ જણાવ્યું કે, "સવારે બાર વાગ્યા સુધી બજાર ખુલ્લું હતું. એ પછી બજારમાં ટોળું આવ્યું અને હો..હા.. થઈ એટલે બધા દુકાનો બંધ કરીને ઘરે દોડી ગયા હતા."
'દુકાન એકલદોકલ સળગે, પણ અસર બજારના તમામ ધંધા પર પડે'
જ્યાં પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં ધર્મેશભાઈ નામના દરજી રહે છે. સિલાઈ મશીન પર શર્ટની સિલાઈ લેતાં-લેતાં તેમણે બીબીસીને જણાવ્યું કે, "હું તો એટલું જ કહેવા માગું છું કે હળીમળીને રહો. લડવાથી તો બધાના રોજગાર છીનવાય છે. આ પ્રકારનાં છમકલાંથી બધાની રોજીરોટીને અસર પડે છે."
આ વાતથી સહમત થતા ટાવરચોક પર સાડીના એક વેપારી કહે છે કે, "મારી સામેની દુકાન સળગી છે, મારી તો નથી સળગી પણ આ ઘટનાથી અમારી ઘરાકી તો ઘટશે જ. વિવિધ પ્રસંગની ખરીદી કરવા આસપાસના ગામના જે લોકો અમારે ત્યાં આવતા હતા તે હવે ખેડા કે નડિયાદ કે આણંદ જતા રહેશે."
"ગ્રાહકોના મનમાં પણ એવી બીક હોય છે કે હવે ખંભાતના ટાવર ચોકમાં નથી જવું ત્યાં તો હુલ્લડો થયાં હતાં અને દુકાનો સળગી હતી. રમખાણમાં એકલદોકલ દુકાનો સળગે તો પણ એની અસર સમગ્ર શહેરના ધંધા પર પડતી હોય છે. કોમ-કોમ વચ્ચે ભેદ કરનારા તો આગ ચાંપીને જતા રહે છે પણ પછી ભોગવવું બધાએ પડે છે."
ખંભાતને રમખાણની નહીં, રોજગારની જરૂર છે.
કનૈયા રાણાની સ્મશાન યાત્રામાં આવેલા પરેશ રાણાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "ખંભાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. પોલીસ પણ બે ત્રણ દિવસ ઍકશન લે છે પણ એનો કોઈ કાયમી નિકાલ આવતો નથી."
"અગાઉ પણ આવાં છમકલાં થયાં હતાં અને હવે ફરી થયાં. જો કોઈ અસામાજિક તત્ત્વો આવું કરતાં હોય અને વારંવાર કરતા હોય તો તેઓ કેમ નથી પકડાતા? તેમને પકડો અને નિકાલ લાવો. એવું નથી થતું એને કારણે નિર્દોષ માણસો મરે છે. તેમનાં ઘર અને દુકાનો સળગી જાય છે."
"ખંભાતનો ખરો પ્રશ્ન બેરોજગારી છે. લોકોને રોજગારી મળવી જોઈએ એને બદલે રમખાણ થાય છે. ખંભાતમાં રોજગાર નથી એના માટે કોઈ કશું કરતું નથી. ખંભાતના લોકોને સાત આઠ હજાર રૂપિયા કમાવવા વડોદરા ને અમદાવાદ જવું પડે છે. સરકારે એમના માટે કંઈક કરવાની જરૂર છે.
ખંભાત મામલે પોલીસનું નિવેદન
ખંભાતમાં થયેલી હિંસાના બીજા દિવસે બીબીસી સાથે વાત કરતા આણંદ જિલ્લાના પોલીસવડા અજિત રાજીયાને કહ્યું હતું કે, "એસઆરપી(સ્ટેટ રિઝર્વ પોલીસ) તેમજ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને જનજીવન પણ રાબેતા મુજબ હતું."
ખંભાતમાં અગાઉ પણ 2020માં આ પ્રકારના કોમી રમખાણ થયા હતા. શું એ ઘટનાને અને આ રમખાણ વચ્ચે કોઈ અનુસંધાન છે? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "બે વર્ષ પહેલાં જે રમખાણ થયાં હતાં અને હાલમાં જે થયાં છે એ બંને અલગ ઘટનાઓ છે. અમે હાલની ઘટનાની સંવેદનશીતાને ધ્યાનમાં રાખીને જ કામ કરી રહ્યા છીએ. 57 લોકો સામે ફરિયાદ નોંધી છે."
એ પછી અજિત રાજીયાને 13 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "પૂર્વાયોજિત કાવતરારૂપે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મૂળ હેતુ એવો હતો કે ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં રથયાત્રા ન નીકળે."
"આ કાવતરાના મુખ્ય સૂત્રધાર રઝાક હુસૈન ઉર્ફે મૌલવી, અયુબ મલેક, માજિદભાઈ ઉર્ફે માદલો, જમશેદખાન પઠાણ, મુસ્તકિમ ઉર્ફે મૌલવી યુનૂસ વોરા, મેમદ સઇદ, મતીન યુનૂસ વોરા એમ છ લોકો હતા."
"જેમણે કાવતરું ઘડ્યું હતું તે લોકોએ વિવિધ ઠેકાણે મીટિંગ કરીને એકબીજાને જવાબદારી સોંપી હતી. તેમના દ્વારા બીજા 16 આરોપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. કાવતરાના ભાગરૂપે સૂત્રધારોએ તેમના પરિવારને અન્ય જિલ્લામાં મોકલ્યા હતા."
તેમણે એવું પણ કહ્યું કે "પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેને લીધે આખી ઘટના પાંચ મિનિટમાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. તરત કોમ્બિંગ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો