You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
LRD ભરતી : પરીક્ષામાં ડિજિટલ માસ્કથી થઈ રહેલી ચોરીનો ફોડ કઈ રીતે પડ્યો, શું છે આ નવો માસ્ક?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવાને અસરકારક હથિયાર માનવામાં આવે છે, પણ ગત રવિવારે અમદાવાદ સહિત છ શહેરોમાં યોજાયેલી લોકરક્ષક દળ (એલઆરડી)ની ભરતી પરીક્ષામાં ચોરીના બે બનાવ બન્યા હતા, જેમાં પ્રથમ વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડિજિટલ માસ્કથી ચોરી કરતાં ઉમેદવાર પકડાયાનો કિસ્સો નોંધાયો છે.
રવિવારે યોજાયેલી LRDની પરીક્ષામાં ગાંધીનગર સૅક્ટર સાતમાં આવેલી શ્રી પી. કે. ચૌધરી મહિલા આર્ટસ કૉલેજમાં એક ઉમેદવાર ચોરી કરતા પકડાયો હતો. આ ઉમેદવારે ડિજિટલ માસ્ક પહેર્યું હતું. માસ્કની અંદર માઇક્રો સ્પાઇ ફોન હતો અને તે પોલીસ સુરક્ષા પાર કરીને પરીક્ષાખંડ સુધી પહોંચી ગયો હતો.
સુપરવાઇઝરને ઉમેદવારની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેની ઝડતી કરી હતી અને ઉમેદવાર ડિજિટલ માસ્ક એટલે કે માસ્કની અંદર લાગેલા માઇક્રો સ્પાઇ ફોન અને ઇયરબડની મદદથી ચોરી કરી રહ્યો હોવાનું સામે આવતાં તેને ઝડપી લેવાયો હતો.
ઉમેદવાર ડિજિટલ માસ્કની મદદથી વાતચીત કરીને ચોરી કરી રહ્યો હતો. પોલીસે આરોપી ઉમેદવાર અને મૂળ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામના વતની શિવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ અને તેની મદદ કરનારા બોટાદ જિલ્લાના પાળિયાદ ગામના સંજય રવજી ધોળિયાની ધરપકડ કરી છે.
પોલીસે બંને આરોપીની સામે આઈપીસીની કલમ 188, 420, 120, 120 (બી) અને આઈટી ઍક્ટ 66 (43(જી) મુજબ ગુનો નોંધ્યો છે.
ઉપરાંત આ સમગ્ર ચોરી પ્રકરણમાં આરોપીઓ સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં પરીક્ષા અને ચોરી
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભરતી પરીક્ષાથી લઈને બોર્ડની પરીક્ષામાં પણ ગેરરીતિ થતી હોવાના અહેવાલો આવતા રહે છે.
પેપર ફૂટવાના કિસ્સાથી પણ ગુજરાતમાં લોકો વાકેફ છે અને રાજ્ય સરકાર પર સવાલો પણ ઊઠી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં ધોરણ 10નું પ્રશ્નપત્ર પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થવાના કિસ્સાએ પણ ભારે ચર્ચા જગાવી હતી. ગુજરાતમાં પેપર ફૂટવાના કિસ્સાઓ વચ્ચે લોકરક્ષક દળની ભરતીમાં લેખિત પરીક્ષા માટે ખાસ બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે લોકરક્ષક દળની કુલ 10,988 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી, જેમાં કુલ 11.13 લાખ જેટલાં ફૉર્મ ભરાયાં હતાં, પણ શારીરિક પરીક્ષા બાદ લેખિત પરીક્ષામાં બેસવા માટે 2.94 લાખ ઉમેદવારો લાયક ઠર્યા હતા.
ગત રવિવારે અમદાવાદ શહેર સહિત રાજ્યનાં છ શહેરોમાં લેખિત પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થવાના કિસ્સાને રોકવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી.
લેખિત પરીક્ષા દરમિયાન કોઈ પણ ઉમેદવાર બાથરૂમ પણ નહીં જઈ શકે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. રવિવારે યોજાયેલી લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી, પણ પરીક્ષા દરમિયાન ચોરીના બે કિસ્સા નોંધાયા હતા.
એક ઉમેદવાર પગ ઉપર લખાણ લખીને લાવ્યો હતો અને ચોરી કરતા પકડાયો હતો, તો બીજા કિસ્સાએ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી, કેમ કે તે ઉમેદવાર ડિજિટલ માસ્કની મદદથી ચોરી કરતો પકડાયો હતો.
પરીક્ષામાં 'ડિજિટલ ચોરી'
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 'રવિવારે 11.30 વાગ્યા સુધી ગાંધીનગરની શ્રી પી. કે. ચૌધરી મહિલા આર્ટસ કૉલેજમાં તમામ ઉમેદવારોએ પ્રવેશ મેળવી લીધો હતો.
દરમિયાન કૉલેજના બ્લૉક નંબર નવના ક્લાસ નંબર 3939માં એક ઉમેદવાર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સાથે પકડાયો હતો. સુપરવાઇઝરે એક ઉમેદવાર (જેનું નામ શિવરાજસિંહ હતું)ને વાદળી કલરના માસ્કની અંદર ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ સાથે ઇયરબડ ઉપર કોઈની સાથે વાતચીત કરતા પકડ્યો હતો.'
ફરિયાદ અનુસાર, માસ્કની અંદર બૅટરી હતી સાથે તે તાંબાના તાર સાથે જોડાયેલું ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ હતું. જેમાં ઍરટેલ કંપનીનું સિમકાર્ડ હતું. આ સિમકાર્ડ અઠવાડિયાં અગાઉ બોટાદથી ખરીદવામાં આવ્યું હતું. સાથે આ સીમકાર્ડની મદદથી તે તેના ખાસ મિત્ર સંજય ધોળિયા સાથે વાતચીત કરતો હતો. તે પરીક્ષામાં પાસ થવા મદદ કરી રહ્યો હતો. આ ડિવાઇસ અંગે તેમણે યુટ્યૂબ વીડિયોમાંથી માહિતી મેળવી હતી અને ઑનલાઇન દિલ્હીથી મંગાવ્યું હતું.'
પોલીસે બંને આરોપીઓ સામે કૉપીકેસ સહિત અન્ય કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમેદવાર કેવી રીતે ચોરી કરતો હતો?
પોલીસ પૂછપરછમાં શિવરાજે એવું પણ કબૂલ્યું કે તેણે આ ડિજિટલ માસ્ક જેવું ડિવાઇસ અઠવાડિયા પહેલાં દિલ્હીથી ઑનલાઇન મગાવ્યું હતું. ચાલુ પરીક્ષાએ તે તેના મિત્ર સાથે વાત કરતો હતો અને ઝડપાઈ ગયો હતો.
પોલીસે શિવરાજ પાસેથી ઝડપેલા ડિજિટલ માસ્કમાં જે ડિવાઇસ હતું તેમાં મોબાઇલની જેમ કિપૅડ નહોતું. માત્ર સર્કિટ જ હતી. તે માસ્કમાં ફિટ કરેલી હતી. એક સિમકાર્ડ પણ લગાવેલું હતું. જો કોઈ ફોન આવે તો તે ઑટોમૅટિક રિસીવ થઈ જતો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે ગાંધીનગર સેક્ટર-સાત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પૅક્ટર ડી. એ. ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "આરોપીએ માસ્કની અંદર સ્પાઈ માઇક્રો ફોન અને ચિપ્સ સંતાડ્યું હતું. આ માસ્ક પહેરીને આવનાર ઉમેદવાર તેમજ તેને મદદ કરનાર આરોપીના મિત્ર સામે ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે."
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી તેમજ તેના મિત્રની ધરપકડ કરાઈ છે. બંને આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને તેના આધારે 7500 હજાર રૂપિયામાં ઑનલાઇન ડિજિટલ માસ્ક ખરીદ્યું હતું.
આરોપીને મદદ કરનાર તેનો ખાસ મિત્ર ગૅરેજમાં કામ કરે છે. આરોપીએ ત્રણ સવાલના જવાબ લખ્યા અને તે પકડાઈ ગયો હતો.
પોલીસ સૂત્રો માહિતી આપતાં જણાવે છે કે આરોપી શિવરાજની પૂછપરછ દરમિયાન તેને ફોન પર જવાબ લખાવનાર તેનો ખાસ મિત્ર સંજય ગૂગલ ઉપર જવાબો શોધીને લખાવતો હતો. જોકે, આ કૉપીકેસમાં અન્ય આરોપીએ પણ મદદ કર્યાની શંકા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો