GSEB HSC SSC : 'અમારા ઘરનો એકમાત્ર કમાનાર જતો રહ્યો', અમદાવાદમાં ચાલુ પરીક્ષાએ બેભાન થઈને વિદ્યાર્થીનું મૃત્યુ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોનાકાળનાં બે વર્ષ પછી ચાલુ વર્ષે પહેલી વાર ગુજરાતમાં ધો. 10 અને 12ની ઑફલાઇન પરીક્ષા યોજાઈ છે. આ દરમિયાન બે વિદ્યાર્થીઓનાં પરીક્ષા સમયે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં અજાણ્યા ભયનું વાતાવરણ ઊભું થયું છે.

અમદાવાદની શાળામાં બારમા ધોરણની પરીક્ષા આપી રહેલા અમાન શેખને પરીક્ષા દરમિયાન અચાનક જ ઊલટી થઈ અને હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ થયું હતું.

આ પછી ગભરાયેલા વિદ્યાર્થીઓએ અન્ય વર્ગખંડમાં પરીક્ષા યોજવાની માગણી કરતા એ ક્લાસમાં પરીક્ષા યોજાઈ ન હતી.

નવસારીમાં પણ ઉત્સવ શાહ નામના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલાં અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતાં હૃદયરોગને કારણે અવસાન થયું છે.

શું કહે છે નિષ્ણાતો?

હૃદયરોગના નિષ્ણાત ડૉ. રાજેશ શાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "આટલી નાની ઉંમરે હૃદયરોગનો હુમલો આવવો અને મૃત્યુ નીપજવું એ જવલ્લે જ જોવા મળતી ઘટના છે. આની પાછળ પરીક્ષાની ચિંતા કારણભૂત હોઈ શકે છે."

"વિદ્યાર્થી તણાવમાં હોય ત્યારે ઍડ્રેનલિન તથા નૉન-ઍડ્રેનલિન સ્રાવ ઝરે છે. શરીર જ્યારે કટોકટીમાં હોય ત્યારે આ સ્રાવ શરીરના અવયવોને લોહી પૂરું પાડીને શક્તિ વધારે છે."

"આ સ્રાવ વધવાથી હૃદયના ધબકારા વધે છે અને લોહીમાં ખાંડનું પ્રમાણ વધી જાય છે. જેથી કરીને હૃદયને વધુ શ્રમ પડે છે. જો શરીરમાં જન્મજાત ખામી હોય અને મેડિકલ ચેકઅપ ન થયું હોય તો નાની ઉંમરે આ બીમારી જોવા મળી શકે છે."

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા અમાન શેખના કેસમાં એવું છે કે તેમને નાનપણથી એક જ કિડની હતી, એટલે પરીક્ષાનું પ્રશ્નપત્ર જોઈ ઍડ્રેનલિન તથા નૉન-ઍડ્રેનલિન સ્રાવ ઝર્યો હોઈ શકે અને તેથી હાર્ટઍટેક આવ્યો હોય એવું શક્ય છે.

આઈએએસનું અમાન શેખનું સપનું

અમાન શેખ મજૂરીકામ કરીને પિતા મહોમ્મદ આરિફને મદદ કરતા હતા. મોહમ્મદ કાર ઍસેસરી ફિટિંગનું કામ કરે છે.

ત્રણ વર્ષ પહેલાં આવેલાં બ્રૅઇન સ્ટ્રૉકને કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે. અમાન 10મા ધોરણની પરીક્ષામાં નપાસ થયો હતો, કદાચ તેનું કારણ મોહમ્મદભાઈની નાદુરસ્ત તબિયતહોઈ શકે પણ તેથી પરંતુ ભણવા માટેની ધગશમાં કોઈ ફેર પડ્યો ન હતો.

અમાનનાં માતા નઝમાબાનુ શેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "નાનપણથી જ અમાન ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હતો. તે પાંચ વખતની નમાજ પઢતો."

"મદ્રેસામાં કુરાન શરીફનો અભ્યાસ કરતો અને રોજા પણ રાખતો હતો. ભણીગણીને IAS અધિકારી બનવું હતું."

"ત્રણ વર્ષ પહેલાં અમાનના પિતાને બીમારી થઈ, ત્યારે તેની ધો.10ની પરીક્ષા હતી, તે નાપાસ થયો."

ચાર મહિના પહેલાં અમાનને પેટમાં દુખાવો ઉપડ્યો, ત્યારે તેના રિપોર્ટ કઢાવવામાં આવતા તેને એક જ કિડની હોવાની પરિવારને જાણ થઈ હતી. તેને બીજી કોઈ તકલીફ ન હતી તથા એની બીજી કોઈ દવા પણ ચાલતી ન હતી.

ગત વર્ષે અમાનનાં મોટાબહેનના નિકાહ થયા, ત્યારે પરિવારે સગાઓ પાસેથી લગભગ દોઢેક લાખ રૂપિયા ઉધાર લીધા હતા.

પિતા મોહમ્મદ આરિફ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી અમાન તેમને મદદ કરવા છૂટક મજૂરીકામ તથા મિનરલ વૉટરના સૅલ્સમૅનનું કામ કરતા હતા. એમાંથી ભણવાનો ખર્ચ કાઢીને ઘરખર્ચમાં પણ મદદ કરતા કહે છે.

'ઘરમાં કમાનાર એક જ હતો', માતાની વ્યથા

પોતાની વ્યથા ઠાલવતાં નઝમા બાનુ કહે છે, "અમે અઢાર અને કમાનાર એક જ હતો, બીજો દીકરો ઘણો નાનો છે, ખબર નહીં, એ ક્યારે મોટો થશે અને અમને મદદરૂપ થશે."

અમદાવાદના કાઉન્સિલર ઇકબાલ શેખે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "અમાનને સરકારી હૉસ્પિટલમાં સારવાર મળે તે માટે શાળાના પ્રિન્સિપાલ જિતેન્દ્ર ચૌહાણે 108 ઍમ્બુલન્સને ફોન કરીને તરત જ મને જાણ કરી હતી. આથી, અમે તેને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા."

"ત્યાં સારવાર દરમિયાન શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેને વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. ડૉક્ટરના પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો."

શેખનું કહેવું છે કે વિદ્યાદીપ યોજના હેઠળ પરિવારને આર્થિક સહાય મળે તે માટે તેઓ પ્રયાસરત છે.

'આંખનું રતન' ઓજસ પાથરશે

આવો જ કિસ્સો નવસારીમાં પણ બન્યો. નવસારીમાં કમ્પ્યૂટરનો વેપાર કરતા મનોજ શાહના દીકરા ઉત્સવ ધો. 12ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

પેપર આપવાના બે કલાક પહેલાં તેમને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

શાહ પરિવારના નિકટના સંબંધી અને નવસારીના સામાજિક આગેવાન જિગીશ શાહે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "બપોરે એક વાગ્યે ઉત્સવે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી."

"આ પછી તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે હૃદયરોગના કારણે તેનું અવસાન થયું હોવાનું જાહેર થયું હતું."

શાહ પરિવારે મૃતક ઉત્સવની બંને આંખોનું નેત્રદાન કર્યું છે, જેથી કરીને બે લોકોનાં અંધકારમય જીવનમાં ઉજાશ ફેલાઈ શકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો