હિંમતનગરમાં રામનવમીના દિવસે અચાનક હિંસા કઈ રીતે શરૂ થઈ, કોણે કર્યો પથ્થરમારો? - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, હિંમતનગરથી

સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર રામનવમીના દિવસે થયેલી હિંસા બાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અહીં છાપરિયાથી સહકારી જીન સુધીનો વિસ્તાર સૂમસામ ભાસે છે. લોકો ઘરની અંદર છે અને બહાર પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. અહીં રામજીમંદિર પાસે કેટલાક હિંદુઓ ઘરે તાળાં મારીને જતા રહ્યા છે.

બીજી તરફ અહીંની તકિયા મસ્જિદમાં તોફાન દરમિયાન આગ લગાડી દેવામાં આવી હતી. જેથી રમઝાન મહિનો હોવા છતાં પણ અહીં ફઝરની નમાજ પઢાઈ નહોતી.

આનાથી સાવ જ અલગ હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગરમાં હિંસાની કોઈ અસર નથી અને જનજીવન સાવ સામાન્ય લાગી રહ્યું છે.

અથડામણ શરૂ કઈ રીતે થઈ?

શહેરના છાપરિયા અને તેની આસપાસના વિસ્તારમાં તોફાન બાદ અજંપાભરી શાંતિ છે. છાપરિયાથી આગળ જતાં છાપરિયા ચોકનો વિસ્તાર આવે છે, જે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે અહીં પહોંચી તો શેરીઓમાં પોલીસ સિવાય કોઈ જ દેખાતું ન હતું.

અહીં આવેલી કસબા જમાતની ઑફિસમાં બેઠક ચાલી રહી હતી. લાઇટ, પંખા બંધ હતાં અને જમાતના સભ્યો બેઠકમાં ચર્ચા કરી રહ્યા હતા.

"અમને પહેલાંથી જ આશંકા હતી કે કંઈક અજુગતું બનવાનું છે, એટલે અમે અમારા વિસ્તારમાં દુકાનો બંધ રાખી હતી." આ શબ્દો છે કસબા જમાતના અધ્યક્ષ મહમદ ઇકબાલ પઠાણના.

પઠાણે બીબીસી ગુજરાતીની ટીમ સાથે આગળ વાત કરતાં જણાવ્યું, "અમારો રમજાન મહિનો ચાલે છે એટલે બપોરે 1.30 વાગ્યે ઝોહરની નમાઝ હોય છે. આ સમયે તલવારો સાથે જય શ્રીરામના નારા લગાવતાં ટોળાં નીકળ્યાં."

"અમે તોફાન ઇચ્છતા નહોતા, અમે મહોલ્લાની બહેનોને ઘરની અંદર જવા કહ્યું. નમાજનો સમય હતો તો મસ્જિદ પાસે પણ યુવાનો ઊભા હતા. તેમણે સામે અલ્લાહ હુ અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું."

"આ સ્થિતિમાં મામલો ક્યારે બિચક્યો, એની કોઈને ખબર ન પડી અને સામસામે પથ્થરમારો શરૂ થયો."

'અચાનક અમારા પર હુમલો થયો'

"અમે શોભાયાત્રા લઈને જતા હતા અને અચાનક જ પાછળથી લાકડી, પાઇપ અને પથ્થરોથી હુમલો થયો." આ શબ્દો છે રામનવમીની હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા હિંદુ મહાસભાના અધ્યક્ષ જિગર મુથ્થાના.

બીબીસી ગુજરાતની ટીમ જિગર મુથ્થાને મળી તો તેમણે કહ્યું કે, "અમે રામમંદિરમાં પૂજા કરી 12.39 વાગ્યાના મુહૂર્તે શોભાયાત્રાની શરૂઆત કરી. અમે છાપરિયા ચોકથી પસાર થઈ રહ્યા હતા અને એ સમયે જય શ્રીરામના સૂત્રો બોલતા હતા."

તેમણે કહ્યું, "અમારી પાછળથી અલ્લાહ હુ અકબરના નારા લાગવાના શરૂ થયા. અચાનક જ પાછળથી લાકડી, પાઇપ અને પથ્થરોથી અમારા પર હુમલો થયો. મારા પગમાં પણ પાઇપ મારી છે, મને ઈજા થઈ છે અને હાલ હું ચાલી પણ નથી શકતો."

જિગર કહે છે, "અમને શંકા ત્યારે પડી કે જ્યારે અમે છાપરિયા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તમામ દુકાનો બંધ હતી."

"પથ્થરમારો થયો એમાં જે રીતે અમારા પર પથ્થરો ફેંકવામાં આવતા હતા, એ જોતાં લાગે છે કે આ પૂર્વાયોજિત કાવતરું હતું. રામનવમીની યાત્રાને નિશાન બનાવવા પહેલાંથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો."

કસબા જમાતના મહમદ શેખ કહે છે કે, "આ ગરમાગરમી વચ્ચે રામનવમીની શોભાયાત્રા એક વખત તો અહીંથી પસાર થઈ ગઈ, પરંતુ અડધો કલાકમાં પથ્થમારો શરૂ થઈ ગયો."

"દુકાનો સળગાવી અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. એટલામાં એક જીપ સહિત પાંચ વાહનો પણ સળગાવી દેવાયાં."

'અમે તકિયા મસ્જિદને તાળાં મારી દીધાં'

હિંમતનગરના છાપરિયા વાડની પાસે જ આવેલી તકિયા મસ્જિદ પણ આ હિંસાનો ભોગ બની છે.

અહીં આગ લગાડી દેવામાં આવી અને તેના મિનારાઓને નુકસાન પહોંચાડાયું છે. તો અહીં આવેલી દરગાહને સળગાવી દેવામાં આવી છે.

હિંમતનગર કબ્રસ્તાન કમિટીના પ્રમુખ શાહીદ હુસૈન હરસોલિયાએ બીબીસી ગુજરાતીની ટીમ સાથે વાત કરતાં કહ્યું, "અમને જ્યારે ખબર પડી કે છાપરિયા વાડમાં હિંસાની શરૂઆત થઈ છે તો અમે તકિયા મસ્જિદને તાળાં મારી દીધાં. જેથી અહીં કોઈ અપ્રિય ઘટના ના બને."

"એટલામાં એક ટોળું ધસી આવ્યું અને મસ્જિદમાં તોડફોડ શરૂ કરી દીધી. મિનારાઓને નુકસાન પહોંચાડ્યું અને મસ્જિદ પર કેસરી ધ્વજ લહેરાવ્યો. મસ્જિદમાં આગ લગાવ્યા બાદ બાજુમાં આવેલી દરગાહને પણ આગ લગાડી દીધી."

"હાલ અમે તેને સાફ કરી રહ્યા છીએ. જેના કારણે રમઝાન મહિનો હોવા છતાં આજે સવારે ફજરની નમાજ પઢી શક્યા નથી."

"આ મસ્જિદ અને દરગાહ હિંદુઓની માનીતી જગ્યા છે, આમ છતાં આવું કેમ થયું તે સમજાતું નથી. અમે અમારાં ધાર્મિકસ્થળોની સુરક્ષા માટે કલેક્ટર અને પોલીસને અરજી કરીશું."

અન્ય જિલ્લાઓમાંથી સુરક્ષાદળોને બોલાવાયાં

હિંમતનગરમાં થયેલી હિંસા બાદ અહીં કડક પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરક્ષાની સ્થિતિને જોતાં બીજા જિલ્લાઓમાંથી પણ સુરક્ષાદળોને બોલાવવામાં આવ્યાં હતાં.

હિંમતનગર બજરંગદળના પ્રમુખ કનકસિંહ ઝાલાએ હૉસ્પિટલમાંથી બીબીસી ગુજરાતીની ટીમ સાથે વાત કરતાં કહ્યું, "અમે ભગવાનના પ્રતીકરૂપે માત્ર 20 તલવારો લઈને નીકળ્યા હતા."

"શસ્ત્ર એ ભગવાનનું પ્રતીક છે. અમારી પર જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે અને આ આગોતરું પ્લાનિંગ હતું."

તેમણે કહ્યું, "હું સંતો સાથે જીપમાં હતો અને મારા પર હુમલો થયો, મારા ડ્રાઇવરને પથ્થર વાગ્યા એટલે એ ભાગી ગયો."

"મને અને સંતને મારવા માટે પ્રયાસો થયા. મેં સંતને બચાવ્યા પરંતુ મારા પર પ્લાનથી હુમલો કરવામાં આવ્યો, એટલે હું ઘાયલ થયો છું અને હૉસ્પિટલમાં છું."

"અમે તલવાર લઈને નીકળ્યા હતા પરંતુ અમે એવા કોઈ નારા લગાવ્યા નથી, જેથી ઉશ્કેરણી થાય. અમારી પાછળથી મારો-કાપોના નારા લાગ્યા અને પથ્થરમારો થયો."

"આ પૂર્વાયોજિત કાવતરાનો અમે ભોગ બન્યા અને આજે અમારા સામે જ ફરિયાદ થાય છે કે અમે લોકોને ઉશ્કેર્યા. આનાથી વધુ દુખદ કશું ના હોઈ શકે."

તકિયા મસ્જિદમાં લાગેલી આગને બુઝાવવા ગયેલા હિંદુ ભરત બારોટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "મારા ઘરે રામનવમીની પૂજા ચાલતી હતી. ત્યાં મારા પર ફોન આવ્યો કે મારા ઘરની નજીક આવેલી તકિયા મસ્જિદમાં ટોળાએ આગ લગાડી છે."

"હું માનવતાના ધોરણે ત્યાં ગયો અને મેં આગ બુઝાવવા લાગી. મારા માટે રાષ્ટ્ર અને માનવતા પહેલાં છે. જો રાષ્ટ્ર અને માનવતા હશે તો ધર્મ બચશે. કોમી સૌહાર્દ તોડનારા સામે કડક પગલાં લેવાવાં જોઈએ."

વાહનો સળગાવાયાં અને તોડફોડ થઈ

હિંમતનગરમાં થયેલી આ હિંસામાં દુકાનો સાથે કેટલાંક વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યાં હતાં અને તોડફોડ પણ કરવામાં આવી હતી.

હિંમતનગરમાં એક તરફ જનજીવન સામાન્ય છે તો બીજી તરફ કેટલાક લોકો પોતાનું ઘર છોડીને બીજે જતા રહ્યા છે.

હનુમાનમંદિર પાસે કેટલાંક મકાનો બંધ છે. રામનવમીની યાત્રા નીકળી હતી એ મંદિરની આસપાસની શેરીઓમાં કેટલાક હિંદુઓ મકાન બંધ કરી જતા રહ્યા છે.

આ વિસ્તારમાં રહેતાં ચંદ્રિકા સથવારાને બીબીસી ગુજરાતીની ટીમ મળી તો તેમણે એ દિવસે શું થયું હતું તેનું વર્ણન કર્યું.

"જ્યારે આ તોફાન થયું ત્યારે અમે ઘર છોડીને બીજે જતાં રહ્યાં હતાં. અમે આખી રાત મંદિરમાં રહ્યાં હતાં અને સવારે ઘરે આવ્યાં હતાં. અમને બીક લાગી કે અમારી પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે એટલે અમે ઘર છોડીને નીકળી ગયાં."

આ વિસ્તારમાં રહેતાં ગોમતીબહેન રામીએ બીબીસીની ટીમને જણાવ્યું, "અમે આખી રાત બીજે રહ્યાં, સવારે ઘરે આવ્યાં છીએ. 2002 પછી અહીં પોલીસચોકી હતી જે હવે નથી."

"અમને અહીં રહેતા ડર લાગે છે. અહીં પોલીસચોકી નહીં તો એક દીવાલ બનાવી આપે જેથી અમે સલામતીપૂર્વક રહી શકીએ."

પોલીસનું કહેવું છે કે આ મામલે હાલ તપાસ થઈ રહી છે અને સીસીટીવી પણ ચેક થઈ રહ્યા છે કે આ હિંસામાં કોણ સામેલ છે.

આ સમગ્ર ઘટના અંગે ગાંધીનગર ના રૅન્જ આઈજી અભય ચુડાસમાએ બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે, રામનવમીએ થયેલા હિંસાના બનાવોમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે.

તેમણે કહ્યું, "આ મામલે 30 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય બીજો કોઈ બનાવ બને નહીં એટલા માટે 1000 પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે."

"સીસીટીવી કૅમેરાના આધારે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકોએ આગ લગાડી અને તોફાન કર્યું તેમની ઓળખ કરવામાં આવશે."

ચુડાસમાએ કહ્યું, "જે સંસ્થાઓએ આયોજન કરવામાં આવ્યું હતું, એમને કોઈ ગેરરીતિ કરી છે કે કેમ તેની તપાસ સીસીટીવીના આધારે કરવામાં આવી રહી છે."

"સોશિયલ મીડિયામાં જે લોકોએ ભડકાઉ પોસ્ટ મૂકી છે, એમની સામે તપાસ ચાલી રહી છે અને આવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર થયેલા હુમલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આઠ પોલીસકર્મીઓને ઈજા થઈ છે, ત્યારે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો