You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈશાખી : જ્યારે શીખ ધર્મ માટે એક ગુજરાતી ગુરુ ગોવિંદસિંહ સમક્ષ 'બલિદાન' આપવા તૈયાર થયા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લગભગ સવા ત્રણસો વર્ષ પહેલાં 1699માં વૈશાખીના દિવસે શીખોના 10મા ગુરૂ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી.
જેનો હેતુ માનવતાની રક્ષા તથા ધર્મની સ્થાપના કરવાનો હતો. આ પહેલાં ગુરુ ગોવિંદસિંહે અનોખી કસોટી કરી, જેમાં શરૂઆતમાં પાંચ ઉત્તીર્ણ થયા.
તેઓ ગુરુના 'પંજ પ્યારે' તરીકે ઓળખાયા અને શીખ ધર્મમાં તેમનું વિશેષ સન્માનજનક સ્થાન છે અને તેમની આસ્થાના પ્રતીક સમાન પણ છે.
આમાંથી એકનો સંબંધ ગુજરાત સાથે હતો અને આજે પણ તેની ગાથા સંભળાવવામાં આવે છે.
ખાલસા પંથની સ્થાપના
પિતા તેગ બહાદુરની મોઘલો દ્વારા હત્યા બાદ 1666માં ગુરુ ગોવિંદ સિંહ શીખ ધર્મના ગુરુ બન્યા. તેમનો જન્મ પટનામાં થયો હતો, જ્યાંથી તેમને આનંદપુર લાવવામાં આવ્યા. અહીં તેમને સંસ્કૃત, ફારસી, કવિતા તથા યુદ્ધકળાની તાલીમ આપવામાં આવી.
1699માં વૈશાખીના દિવસે આનંદપુર ખાતે ભવ્ય મેળો આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં તમામ શીખોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
આ બેઠક દરમિયાન જ તેમણે માનવતાની રક્ષા તથા ધર્મની સ્થાપના માટે ખાલસા પંથની સ્થાપના કરી. આ મેળાવડા દરમિયાન જ ગુરુ ગોવિંદ સિંહે તેમના 'પંજ પ્યારે' જાહેર કર્યા હતા, પરંતુ આ માટેની રીત અનોખી હતી.
એવી માન્યતા છે કે મેદાનમાં ગુરુજી માટે તખત રાખવામાં આવ્યો હતો, જેની પાછળ તંબુ હતો. જ્યારે તેઓ લોકો સમક્ષ આવ્યા ત્યારે તેમના હાથમાં ખુલ્લી તલવાર હતી. તેમણે મંચ પરથી કહ્યું, "મને એક શખ્સનું માથું જોઈએ છે. શું તમારામાંથી કોઈ મને માથું આપી શકે છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાંભળીને હાજર રહેલા લોકોમાં સોપો પડી ગયો. આ તબક્કે દયારામ નામની વ્યક્તિ આગળ આવી. દયારામ લાહોર (હાલ પાકિસ્તાન)ના રહેવાસી હતા. તેમણે ગુરુ તથા ધર્મને કાજે પોતાનું માથું આપવાની સૌ પહેલાં તૈયારી દાખવી.
ગુરુ તેમને તંબુમાં લઈ ગયા, ત્યારે તલવારના જોરદાર પ્રહારનો અવાજ આવ્યો. ગુરુ ગોવિંદસિંહ લોહી નીતરતી તલવાર સાથે તંબુમાંથી બહાર નીકળ્યા. તેમણે કહ્યું કે તલવાર હજુ પણ તરસી છે અને વધુ એક માથું જોઈએ છે.
ત્યારે બીજાક્રમે ધરમદાસ આગળ આવ્યા. જેઓ હાલના દિલ્હીની પાસે રહેતા ખેડૂત હતા. એ પછી વધુ એક માથાની માગ કરતા ઓડિશાના જગન્નાથપુરીના હિમ્મતસિંહ ત્રીજા ક્રમે આગળ આવ્યા, જેઓ ભિસ્તી હતા. પાંચમા ક્રમે સાહિબચંદ આગળ આવ્યા.
જોકે, ચોથાક્રમે પોતાના શીશનું બલિદાન આપવાની તૈયારી મોખમ ચંદે દેખાડી હતી. જેઓ હાલના બેટ-દ્વારકાના હતા અને કપડાં તથા રંગકામનું કામ કરતા હતા. આજે ભાઈ મોખમસિંહના જન્મસ્થાને ગુરુદ્વારા ઊભું છે, જ્યાં દરરોજ લંગર લાગે છે અને લોકોને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવે છે.
દર વર્ષે માર્ચ મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે, જેમાં ગુજરાત અને પંજાબ સહિત અન્ય રાજ્યોમાંથી શીખ ભાગ લેવા પહોંચે છે. કહેવાય છે કે પોતાની બગદાદની યાત્રા પૂર્વે ગુરુ નાનકદેવે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. મોખમનો મતલબ 'મજબૂત નેતા કે 'સંચાલક' એવો થાય છે.
પંજ પ્યારે અને ગુજરાત સાથે સંબંધ
ગુરુ ગોવિંદસિંહ એક પછી એક વ્યક્તિને અંદર લઈ જાય અને લોહી નીતરતી તલવાર સાથે બહાર આવે અને બલિદાનની માગ કરે. આવું પાંચ વખત થયું.
શું થઈ રહ્યું છે તેના વિશે લોકોને કશું સમજાઈ રહ્યું ન હતું, તેઓ અવાચક રીતે એકબીજાને તાકી રહ્યા હતા.
એવામાં તંબુની પાછળથી કેસરિયા વસ્ત્રોમાં (બાણા) સજ્જ પાંચેય યુવાન બહાર આવ્યા. તેમના પગ પાસે કુર્બાન થયેલી પાંચ બકરીઓ પડી હતી.
તેમના માથા ઉપર પાઘડી હતી. ત્યારે ગુરુ ગોવિંદસિંહે ઉપસ્થિત શીખોની હાજરીમાં જાહેરાત કરી કે આ પાંચેય તેમના વ્હાલા છે અને તેઓ 'પંજ પ્યારે' તરીકે ઓળખાયા. તેમણે ખાલસા (પવિત્ર) પંથની સ્થાપનાની જાહેરાત કરી.
ખાંડાથી દૂધ અને સાકર ભેળવીને ગુરુ ગોવિંદસિંહે તેમના 'અમૃતસંસ્કાર' કરાવ્યા. ત્યારબાદ ખાલસા પંથને જે કોઈ જોડાવા માગતું હોય તેમના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
ખાલસા ધર્મને અંગીકાર કરનારે તેના નામ, જાતિ, ગોત્ર અને પરિવારની અટક વગેરેનો ત્યાગ કરવાનો હોય છે. બાળકના નામ સાથે 'સિંહ' તથા બાળકીના નામ સાથે 'કૌર' (રાજકુંવરી) જોડવામાં આવે છે.
ગુરુ ગોવિંદસિંહે તમામના નામ સાથે 'સિંહ' જોડ્યું. ત્યારથી આ પાંચેય ભાઈ દયાસિંહ, ભાઈ ધર્મસિંહ, ભાઈ હિંમતસિંહ, ભાઈ મોખમસિંહ તથા ભાઈ સાહિબસિંહ તરીકે ઓળખાય છે. ખાલસા પંથનો સ્વીકાર કરનાર માટે 'પાંચ કકાર' કેશ, કંઘો (દાંતિયો), કડું, કચ્છા અને કિરપાણને ધારણ કરવા જરૂરી છે. ખાલસા શીખ પોતાના વાળ કપાવતા નથી અને તેને પાઘડીથી ઢાંકી રાખે છે.
સંગત, નગરકિર્તન, કારસેવા, ધાર્મિક યાત્રા, ગુરુદ્વારાના ખાતમૂહર્ત જેવા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન પણ પ્રતીકાત્મક રીતે પાંચ લોકોને પસંદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ચમકૌર ખાતે મોઘલો સાથેની લડાઈમાં ભાઈ મોખમસિંહ, ભાઈ હિંમતસિંહ તથા ભાઈ સાહિબસિંહના મૃત્યુ થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો