You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Guru Nanak Jayanti : જ્યારે ગુરુ નાનક દેવે ગુજરાતના લખપતથી મક્કા-મદીનાની સફર ખેડેલી
- લેેખક, ડૉ. દિવ્યેશ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત રાજ્ય દરિયાઈ મુસાફરી અને વિદેશ વેપાર મામલે સદીઓથી મોખરે રહ્યું છે. ગુજરાતનાં બંદરોએ રાજ્યના આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે.
દરિયાને કારણે આર્થિક વિકાસની સાથે-સાથે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વારસા અને વિકાસની બાબતે પણ ઘણું સમૃદ્ધ થયું છે. દરિયા અને બંદરોને કારણે જ પારસી, સીદી, યહુદી, પોર્ટુગીઝ જેવા અનેક વિદેશી સમુદાયના લોકોનો નાતો ગુજરાત સાથે જોડાયો અને વિકસ્યો.
ગુજરાતની ભૂમિ પર આજે પણ અનેક ધર્મ-સંપ્રદાયો અને સમુદાયોનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહ્યો છે. આવો જ એક વારસો એટલે શીખ ધર્મના સ્થાપક અને સૌપ્રથમ ગુરુ નાનક દેવની યાદો.
ગુજરાતમાં ઉજવાતી દેવ દિવાળીને પંજાબમાં 'ગુરુ પરબ' (પર્વ) કે 'પ્રકાશ પર્વ' તરીકે પણ ઉજવવામાં આવે છે.
ગુજરાતથી મદીનાની સફર
ગુરુ નાનક દેવ ગુજરાતના એક વાર નહીં, બલકે બે-બે વાર મહેમાન બનેલા. શીખ ધર્મનાં અધિકૃત પુસ્તકો અને સ્રોતો અનુસાર ગુરુ નાનક દેવે ચાર ધર્મયાત્રાઓ કરેલી.
જેના માટે શીખ ધર્મમાં 'ઉદાસી' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ચોથી ઉદાસી દરમિયાન ગુરુ નાનક દેવે ઇસ્લામમાં પવિત્ર મનાતા મક્કા-મદીના, યહુદી તથા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર મનાતા જેરુસલેમ તથા અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી.
આ દરિયાઈ યાત્રા તેમણે એ સમયના ખૂબ જ પ્રસિદ્ધ લખપત બંદરે શરૂ કરી હતી. 15મી અને 16મી સદીમાં લખપત બંદરનો જમાનો હતો. કહેવાય છે કે આ બંદર પર એક લાખ કોરી (જૂનું નાણું)નો વેપાર થતો હોવાથી આ બંદરનું નામ લખપત પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છના સાંસ્કૃતિક વારસાના અભ્યાસુ દલપત દાણીધારિયા જણાવે છે કે એક જમાનો હતો જ્યારે લખપત એ ખરા અર્થમાં 'ગેટ વે ઑફ ઇન્ડિયા' હતું. ગુરુ નાનક દેવે મદીનાની બંને યાત્રા અહીંથી જ શરૂ કરી હતી, એ હકીકત જ એ વાતની સાબિતી રૂપ છે કે લખપત વિશ્વપ્રસિદ્ધ બંદર હતું.
લખપત બંદરને કારણે જ ગુજરાત રાજ્યમાં ગુરુ નાનક દેવનું આગમન થયું હતું.
નાનકની યાત્રાઓ અંગે પંજાબ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી પુસ્તિકા પ્રમાણે, ગુરુ નાનક દેવ પોતાની બીજી ઉદાસી દરમિયાન (ઈ.સ. 1506- '09)ના સમયગાળામાં પહેલી વખત લખપત પહોંચ્યા હતા, તો ચોથી ઉદાસી દરમિયાન ઈ.સ. 1518-21 ના સમયગાળામાં લખપત થઈને મક્કા-મદીના ગયા હતા.
મોટાભાગની યાત્રા ગુરુ નાનક દેવે પગપાળા ખેડી હતી અને આ સમયે ભાઈ મરદાના તેમની સાથે હતા.
લખપતમાં ગુરુ નાનક દેવનો વારસો
લખપતમાં તેઓ એક અંદાજ અનુસાર 41 દિવસ રહ્યા હોવાનું કહેવાય છે. લખપતમાં ટિકેયાવાલા સ્થાન પર રોકાણ દરમિયાન ગુરુ નાનક દેવે તમામ ધર્મ-સંપ્રદાયના સાધુ-સંતો સાથે સત્સંગ કરેલો. તેમની સ્મૃતિરૂપ ચરણપાદુકા ઉદાસી સંપ્રદાયના સંતો દ્વારા જે સ્થાન પર સાચવી રાખવામાં આવેલી, ત્યાં આજે ગુરુદ્વારા છે અને એમાં આજે પણ ગુરુ નાનક દેવની ચરણપાદુકા (ચાખડી) સચવાયેલી છે.
શીખ ધર્મના પ્રથમ ગુરુ સાથે સંકળાયેલું આ ગુરુદ્વારા હોવાથી તે શીખ પરિભાષા અનુસાર 'પહલી પાતશાહી ગુરુદ્વારા' તરીકે પણ વિખ્યાત છે.
લખપત ખાતેના ગુરુદ્વારાનું સંચાલન હાલમાં લખપત ગુરુદ્વારા મૅનેજિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કમિટીના પ્રમુખ અને 'રાજુ સરદાર' તરીકે જાણીતા જુગરાજસિંહ જણાવે છે કે 'ભાગલા પછી ભારતમાં ગુરુ નાનક દેવજીનાં સ્મૃતિસ્થાનો બહુ જૂજ રહી ગયાં છે, ત્યારે લખપત ગુરુદ્વારા ઘણું મહત્ત્વનું સ્થાનક ગણાય છે. કચ્છમાં વસતા શીખ લોકો ઉપરાંત સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ હજારો લોકો અહીં આવે છે.'
'ગુરુદ્વારામાં લંગર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રોજના 200થી 250 લોકો પ્રસાદ લેતા હોય છે. વિશેષ દિવસો અને તહેવારો પર સેંકડો લોકો અહીં આવતા હોય છે. આ ગુરુદ્વારામાં શીખ ઉપરાંત અન્ય ધર્મ-સંપ્રદાયના લોકો પણ આસ્થાપૂર્વક આવતા હોય છે. ગુરુદ્વારાના સંરક્ષણ અને વિકાસ માટે સરકાર તરફથી ખૂબ સારી સહાય મળતી રહી છે.'
2001ના ધરતીકંપને કારણે આ ગુરુદ્વારાને નુકસાન થયું
આ ગુરુદ્વારા ગુજરાત સરકાર દ્વારા 1992માં સંરક્ષિત સ્મારક જાહેર કરાયું હતું. 1998ના વાવાઝોડા અને 2001ના ધરતીકંપને કારણે આ ગુરુદ્વારાના પુરાતન મકાનમાં નુકસાન થયેલું અને સમારકામની તાતી જરૂર હતી.
વર્ષ 2003માં આ ઐતિહાસિક સ્થાનનું સમારકામ ખૂબ જ ચીવટ, કાળજી અને સૂઝબૂઝ સાથે કરવામાં આવ્યું. મકાનની મૂળ સંરચનામાં જરાય ફેરફાર કર્યા વિના તથા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અને પુરાતનકાળમાં વપરાતી સામગ્રીઓનો જ ઉપયોગ કરીને તેનું સમારકામ એવું કુશળતાથી કરવામાં આવેલું કે યુનેસ્કોનો ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.
વર્ષ 2004માં યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ ઍવૉર્ડ્સ ફૉર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશનની 'ઍવૉર્ડ્સ ઑફ ડિસ્ટિંક્શન'ની શ્રેણીમાં લખપત ગુરુદ્વારાને પુરસ્કાર એનાયત કરાયો હતો.
ભૂજના પ્રાગમહેલ, દરબારગઢના ગ્રંથ સંગ્રહાલય વ્યવસ્થાપક દલપતભાઈ દાણીધારિયા જણાવે છે, 'તાજેતરમાં વિશ્વના નકશામાં કચ્છનું નામ ધોળાવીરાને કારણે આવ્યું, પરંતુ એ પહેલાં યુનેસ્કોએ લખપતમાં આવેલ શીખ સંપ્રદાયના સૌપ્રથમ ગુરુની સ્મૃતિરૂપ 'આદિ ગુરુદ્વારા' સમાન ઠિકાના (સ્થાન)ની જેમ છે તેમ જ ધરતીકંપ બાદ પુનર્નિર્માણ કરવા બદલ ઍવોર્ડ આપ્યો હતો. સર્વ ધર્મને સમાન મહત્ત્વ આપતા ગુરુ નાનક દેવ મક્કા-મદીનાની યાત્રાએ જતાં અને આવતાં લખપતમાં આશરે દોઢ મહિનો રોકાયેલા. કચ્છનાં આસ્થાસ્થાનોમાં આ સ્થળનું માનભર્યું સ્થાન છે.'
ગુરુ નાનકના પુત્ર પણ લખપત આવ્યા
કચ્છના વરિષ્ઠ પત્રકાર અને સંપાદક કિર્તીભાઈ ખત્રી આ ગુરુદ્વારા અંગે વાત કરતાં જણાવે છે કે ' ઉદાસી સંપ્રદાયના સંતો-સેવકોએ ગુરુ નાનક દેવજીની ચરણપાદુકા અને સ્થાનને સાચવી રાખ્યું, તેની સેવાપૂજા કરતા રહ્યા, તેને પરિણામે જ એક સાંસ્કૃતિક વારસો આજે પણ ટકી રહ્યો છે.'
ગુરુ નાનક દેવ ઉપરાંત તેમના દીકરા બાબા શ્રીચંદજી પણ લખપત આવ્યા હતા. કહેવાય છે કે બાળયોગી બાબા શ્રીચંદજી લખપત આવેલા અને એ પણ ગુરુદેવની પહેલાં.
બાબા શ્રીચંદજીએ અદ્વૈતવાદમાં માનતા ઉદાસી સંપ્રદાયની સ્થાપના કરેલી, જેની ગુરુ-શિષ્ય પરંપરા આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ઉદાસી સંપ્રદાયના દસમા ગાદીપતિ ઉદાસી સુરેશજી જણાવે છે કે 'ગુરુ નાનક દેવજીના લખપત રોકાણ દરમિયાન ઉદાસી સંપ્રદાયના મહાપુરુષ ભગીરથજી સાથે પણ તેમનો સત્સંગ થયેલો. ગુરુદેવે તેમને સ્મૃતિરૂપે પોતાની ચાખડી આપેલી. જેની ગુરુ-શિષ્ય પરંપરા અંતર્ગત દસ પેઢી સુધી સેવાપૂજા કરવામાં આવી અને સાચવીને રાખવામાં આવી.
ગુરુ નાનક દેવજીની પહેલાં લખપત પધારેલા શ્રીચંદજી સાથે પણ ભગીરથીજીની વિસ્તૃત મુલાકાતો થઈ હતી. ભગીરથજીએ બાબા શ્રીચંદજીને પોતાના ગુરુ બનાવેલા. આજે પણ અમારા ઘરમાં ઉદાસી સંપ્રદાયની ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર આ સ્થાનક પર ગુરુ નાનક દેવજી તથા ભગીરથજીની ચરણપાદુકાની સેવાપૂજા કરવામાં આવે છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો