You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ નવો ધર્મ, જેણે આ મુસ્લિમ દેશોની ચિંતા વધારી દીધી
ઇજિપ્તમાં ધાર્મિક એકતા માટે શરૂ થયેલી ઝુંબેશ ઇજિપ્ત ફૅમિલી હાઉસની દશમી વર્ષગાંઠના પ્રસંગે અલ-અઝહરના અગ્રણી ઇમામ અલ-તૈયબે અબ્રાહમી ધર્મની ખૂબ ટીકા કરી છે.
એમની આલોચનાએ અબ્રાહમી ધર્મને ફરી એક વાર અખબારોના પાને મહત્ત્વનો બનાવી દીધો છે. આ ધર્મને કારણે છેલ્લા એક વર્ષમાં આરબ દેશોમાં ઉચાટ જોવા મળ્યો છે.
અબ્રાહમી ધર્મ અસ્તિત્વમાં આવ્યો હોવાની અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. ના કોઈએ આ ધર્મની સ્થાપનાનો પાયો નાખ્યો છે કે ના તો એના કોઈ અનુયાયી છે. એટલું જ નહીં, એનો કોઈ ધાર્મિક ગ્રંથ પણ ઉપલબ્ધ નથી.
આ બધાં વચ્ચે સવાલ એ છે કે તો પછી અબ્રાહમી ધર્મ છે શું? હાલ પૂરતું તો એને ધર્મસંબંધી એક પ્રોજેક્ટ માની શકાય એમ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી - આ ત્રણે ધર્મોમાં જોવા મળતી એકસમાન બાબતોને લઈને પયગંબર અબ્રાહમના નામનો ધર્મ બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
એનો ઉદ્દેશ આ ત્રણે ધર્મમાં રહેલી આસ્થા અને વિશ્વાસ સાથે જોડાયેલી લગભગ એકસરખી વાતો પર ભરોસો કરવાનો છે. સાથોસાથ, આંતરિક મતભેદો વધારનારી વાતોને મહત્ત્વ નહીં આપવાનો ઉદ્દેશ પણ એમાં સામેલ છે.
પરસ્પરના મતભેદોને ગણકાર્યા વિના લોકો અને રાજ્યોમાં શાંતિની સ્થાપના કરવાના ઉદ્દેશથી આ વિચારને પ્રોત્સાહિત કરાય છે.
અત્યારે જ કેમ?
વાસ્તવમાં આ ધર્મ વિશેની ચર્ચાઓનો દોર લગભગ એક વર્ષ પહેલાંથી શરૂ થયો છે અને એ સંબંધી કેટલાક વિવાદ પણ જોવા મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ઘણા લોકો હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરે છે કે ઇમામે આ મુદ્દે ચર્ચા કરી કેમ? કેમ કે, હાલ તો બધા લોકો એવા છે જેમણે આ ધર્મના બારામાં પહેલી વાર અલ-તૈયબને જ સાંભળ્યા છે.
અલ-અઝહરના શેખ દ્વારા અપાયેલા ભાષણમાં વિભિન્ન ધર્મોના અનુયાયીઓ સાથે સહ-અસ્તિત્વની વાત સામેલ છે.
ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં 2011ની ક્રાંતિ પછી પોપ શેનૉદા તૃતીય અને અલ-અઝહરના એક પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થયા પછી ઇજિપ્ત ફૅમિલી હાઉસ રચવાનો વિચાર કરાયો હતો.
બે ધર્મો વચ્ચે સહ-અસ્તિત્વ અને સહિષ્ણુતાવિષયક વાત કરવી તાર્કિક અને અપેક્ષિત પણ છે. એમ પણ કહેવાય છે કે શેખ અલ-અઝહરે ફૅમિલી હાઉસના હવાલાથી અબ્રાહમી ધર્મની હિમાયતો પર ટિપ્પણી કરવાનું યોગ્ય માન્યું હશે.
અલ-તૈયબે આ મામલે વાતની શરૂઆત કરતાં કહ્યું કે, "નિશ્ચિતરૂપે તેઓ બે ધર્મો, ઇસ્લામ અને ખ્રિસ્તી, વચ્ચે ભાઈચારાની ભાવનાને ભ્રમિત કરવા અને બે ધર્મોના મિશ્રણ અને વિલયને લઈને જાગી રહેલી શંકાઓના વિષયમાં વાત કરવા ઇચ્છે છે."
એમણે જણાવ્યું કે, "ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને ઇસ્લામને એક જ ધર્મમાં ભેળવી દેવાની ઇચ્છા રાખવાનું આહ્વાન કરનારા લોકો આવશે અને કહેશે કે બધી બૂરાઈઓથી છુટકારો અપાવશે."
તૈયબે એના પર જવાબી હુમલો કેમ કર્યો?
અલ-તૈયબે નવા અબ્રાહમી ધર્મના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. એમણે કહ્યું કે એના દ્વારા જે નવા ધર્મની સ્થાપનાની વાત થાય છે, એનો ના તો કોઈ રંગ છે કે ના તો એમાં કોઈ સ્વાદ કે ગંધ હશે.
એમણે એમ પણ કહ્યું કે અબ્રાહમી ધર્મના પક્ષે પ્રચાર કરનારા કહેશે કે લોકોના એકબીજા સાથેના વિવાદો અને સંઘર્ષને શમાવી દેશે, પરંતુ, વાસ્તવમાં એ પોતાની મરજીથી આસ્થા અને વિશ્વાસ પસંદ કરવાની સ્વતંત્રતા છીનવી લેવાનું આહ્વાન છે.
અલ-તૈયબે એમ પણ કહ્યું કે અલગ-અલગ ધર્મોને એકબીજામાં ભેળવવાનું આહ્વાન યથાર્થ અને પ્રકૃતિની સાચી સમજ કેળવવાને બદલે પરેશાન કરનારું એક સપનું છે. એમના મતાનુસાર બધા ધર્મના લોકોને એકસાથે જોડવા અસંભવ છે.
અલ-તૈયબે જણાવ્યું કે, "બીજાના વિશ્વાસનું સન્માન કરવું એ એક વાત છે, અને એ વિશ્વાસને માની લેવો એ જુદી વાત છે."
શેખની થઈ રહેલી પ્રશંસા
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ અલ-તૈયબની અબ્રાહમી ધર્મ અંગેની વાતોની પ્રશંસા કરી છે, જેમાં અબ્દુલ્લાહ રશ્દી પણ સામેલ છે. એમણે કહ્યું છે કે અલ-તૈયબે અબ્રાહમવાદના વિચારને પ્રારંભિક અવસ્થામાં જ મારી નાખ્યો છે.
જ્યારે બીજાએ કહ્યું કે, "વિવાદ અને સંઘર્ષને સમાપ્ત કરનારા આ આહ્વાન સામે કશો વાંધો નથી."
ધર્મની આડમાં રાજનીતિનો આરોપ
અલ-અઝહરના શેખે કરેલા સંબોધનમાં અબ્રાહમી ધર્મના આહ્વાન માટે કોઈ પણ રાજકીય દૃષ્ટિકોણનો ઉલ્લેખ નથી થયો.
પરંતુ સોશિયલ મીડિયા પર અન્ય કેટલાક લોકોએ આ નિમંત્રણને "ધાર્મિક આવરણમાં લપેટાયેલું રાજકીય આહ્વાન" રૂપે સ્વીકાર્યું નથી.
એમાં ઇજિપ્તના કૉપ્ટિક પાદરી, હેગોમેન ભિક્ષુ નિયામી પણ છે, જેમણે એમ કહ્યું કે, "અબ્રાહમી ધર્મ, દગા અને શોષણની આડમાં એક રાજકીય આહ્વાન છે."
નવા ધર્મનો અસ્વીકાર કરનારા લોકોમાં એવા લોકો પણ છે જેઓ એને વૈચારિક રીતે યોગ્ય માને છે પણ તેઓ એને વિશુદ્ધ રૂપે રાજકીય જૂથવાદની રીતે પણ જુએ છે, જેનો હેતુ ખાસ કરીને અરબ દેશોમાં ઇઝરાયલ સાથેના સંબંધો સુધારવા અને વધારવાનો છે.
ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાતને આની સાથે શી લેવાદેવા?
"અબ્રાહમિયા" શબ્દનો ઉપયોગ અને એની સાથે જોડાયેલા વિવાદની શરૂઆત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત આરબ અમિરાત અને બહેરિન દ્વારા ઇઝરાયલની સાથેના સંબંધોને સામાન્ય કરવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર કરવાની સાથે થઈ હતી.
સંયુક્ત રાજ્ય અમેરિકા અને એના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા એમના સલાહકાર જેરેડ કુશનર દ્વારા પ્રાયોજિત સમજૂતીને "અબ્રાહમી સમજૂતી" કહેવામાં આવે છે.
અમેરિકાના વિદેશ વિભાગ તરફથી આ સમજૂતી માટે કરાયેલી જાહેરાતમાં કહેવાયેલું કે, "અમે ત્રણે, અબ્રાહમિક ધર્મો અને પૂર્ણ માનવતા સાથે શાંતિ વધારવા માટે આંતર-સાંસ્કૃતિક અને આંતર-ધાર્મિક સંવાદને સમર્થન આપવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ છીએ."
આ ફકરો પરિસ્થિતિ થાળે પાડવાની સમજૂતીની શરૂઆતમાં છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે એ ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય કરવા વિશુદ્ધ રૂપે રાજકીય કે આર્થિક સોદો નહોતો, બલકે એનો સાંસ્કૃતિક હેતુ પણ હતો.
ત્યાર પછી જ જુદા-જુદા દેશોના અલગ-અલગ સંપ્રદાયોના લોકો વચ્ચે ધાર્મિક સહિષ્ણુતા અને પરસ્પરના મેળમેળાપ વિશે વાતો શરૂ થઈ હતી, જેને પાછળથી "એકીકૃત અબ્રાહમી ધર્મ"રૂપે ઓળખવામાં આવ્યો.
ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય કરવાની સાથે અબ્રાહમી ધર્મની પરિયોજના દાખલ કરવાની સાથે સામાન્ય સંબંધોનો વિરોધ કરનારા લોકોને બહાનું મળી ગયું, તેઓ નવા ધર્મના વિરોધના બહાને પરિસ્થિતિ થાળે પાડવાનો વિરોધ પણ કરવા લાગ્યા.
આરબ અમિરાત પર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર અબ્રાહમી ધર્મને પુરસ્કારવાનો આરોપ છે. સંયુક્ત આરબ અમિરાતે ઇઝરાયલ સાથેના સંબંધો સુધારવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ત્યાર બાદ બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક સહમતી અને બીજાં ક્ષેત્રોમાં સક્રિય આદાનપ્રદાન જોવા મળી રહ્યું છે.
ઘણાએ અબ્રાહમી ધર્મના આહ્વાનને અબ્રાહમી ફૅમિલી હાઉસ સાથે જોડી દીધું છે. 2019ની શરૂઆતમાં દુબઈના શાસક મોહમ્મદ બામ જાયદે અબુ ધાબીમાં "પોપ ફ્રાંસિસ અને શેખ અલ-અઝહર અહમદ અલ-તૈયબની સંયુક્ત ઐતિહાસિક યાત્રાની સ્મૃતિમાં" સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.
આ બધું ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય કરવાની સમજૂતી થઈ એનાં દોઢ વર્ષ પહેલાં થયું હતું. અબ્રાહમી ફૅમિલી હાઉસમાં એક મસ્જિદ, એક ચર્ચ અને એક આરાધના કરવાની જગ્યા સાયનાગૉંગ બનાવવામાં આવ્યાં છે, જેને 2022માં સામાન્ય લોકો માટે ખુલ્લાં મુકાશે.
એને પ્રોત્સાહિત કરનારામાં સંયુક્ત આરબ અમિરાતના શેખ સુલ્તાન બિન જાયદ મસ્જિદના મૌલવી વસીમ યૂસફ પણ છે. જોકે કુવૈતના પ્રસિદ્ધ ધર્મગુરુ ઓથમાન અલ ખમીસે આ પગલાની ટીકા કરી હતી.
જૂનો વિવાદ
"અબ્રાહમી"નો વિવાદ માત્ર અલ-અઝહરના શેખના અભિપ્રાય અનુસાર જ નથી.
આ વર્ષે માર્ચમાં ઇરાકમાં સદરવાદી આંદોલનના નેતા મુક્તદા અલ-સદરે એક ટ્વિટ કરી હતી, જે અનુસાર, "ઇસ્લામ ધર્મ" અને "ધર્મોની એકતા" વચ્ચે "કોઈ વિરોધાભાસ" નહોતો.
"અબ્રાહમી સમજૂતી" પર હસ્તાક્ષર અને "નવા ધર્મ"ની ચર્ચા પછી ઇસ્લામના મૌલવીઓ અને ધર્મગુરુઓએ એનો અસ્વીકાર કરવાની શરૂઆત કરી હતી. તારિક અલ સુવૈદાન જેવા કેટલાક ધર્મગુરુઓએ એની તુલના ઈશનિંદા સાથે કરી હતી.
આ વર્ષના ફેબ્રુઆરીમાં મુસ્લિમ વિદ્વાનોના આંતરરાષ્ટ્રીય સંઘ, મુસ્લિમ વિદ્વાનોની લીગ અને અરબ માધરેબ લીગે એક સમ્મેલનનું આયોજન કર્યું હતું, જેનું શીર્ષક હતું: "અબ્રાહમી ધર્મના લીધે ઇસ્લામી ઉલેમાઓની સ્થિતિ".
જોકે આ વિચારનો બચાવ કરનારા અને એને શાંતિનો માર્ગ કહેનારા પણ ઘણા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો