You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જગડુશા : રાજાઓને દાન આપનાર દાતા
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી. બી. સી. ગુજરાતી માટે
પાટણનો રાજા વિશળદેવ વાઘેલા દરબાર ભરીને બેઠો છે. વર્તમાન કાળ કપરો છે. આવનાર સમય કેવો હશે એની ચિંતા આ પ્રજાવત્સલ રાજવીને કોરી ખાય છે.
આ ચિંતાની ઝાંય રાજાના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે. રાજાની આ ઉદાસી દરબારીઓને પણ અકળાવી રહી છે.
એ સમયે સૌના ચહેરા ઉપર ઘેરી નિરાશાની છાયા ફરી વળી છે. આગળ કેવો સમય આવશે એના એંધાણ સાંભળવા સૌ આતુર બન્યા છે.
જ્ઞાનના તેજે શોભતું કપાળ અને માથે પંડિતાઇ પાઘડી, ઉપરાણું અને જનોઈથી શોભતો દેહ અને નીચે છટાથી પાટલી વાળીને પહેરેલી ધોતી, રાજ જ્યોતિષીને એક આગવું વ્યક્તિત્વ બક્ષી રહ્યા છે.
એમના વરતારા ક્યારેય ખોટા પડ્યા નથી અને એટલે જ આજે સૌની મીટ એમના ઉપર મંડાયેલી છે.
પોતાનું ટીપણું ખોલીને ગંભીર ચહેરે આંગળીના વેઢા ગણી તે કોઈ ગણતરીઓ મૂકી રહ્યા છે. આગમની એંધાણીઓ જાણે કે અમંગળ હોય એમ એમના કપાળમાં ચિંતાની કરચલીઓ પડી રહી છે.
એ ગંભીર ચહેરે ભવિષ્ય વાંચવાનો પ્રયત્ન કરે છે. રાજા વિશળદેવ અનિમેષ નજરે એમના ચહેરા સામે જોઈ રહે છે.
અમંગળની આગાહી
સભા મૌન છે. મૌનને તોડતો વિશળદેવનો અવાજ સંભળાય છે, "મહારાજ આપના ચહેરા પર આટલી ચિંતા શેની?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"શું આ વરસે પણ વરસાદ હાથતાળી દઈ જશે કે શું? આ વરસે દારુણ દુષ્કાળનાં ડાકલાં જોરશોરથી વાગવાનાં છે?"
નિરાશ ચહેરે મીટ માંડતાં રાજ જ્યોતિષ હકારમાં માથું ધુણાવે છે અને કહે છે - મહારાજ!
આવનાર કાળ ખૂબ જ કપરો છે. અખૂટ ભંડાર ભર્યા હોય તેના પણ તળીયાં દેખાઈ જશે. પ્રજા પાણીના એક ટીંપા માટે ટળવળશે, અનાજના એક-એક દાણા માટે વલખાં મારશે.
બરાબર ત્યારે જ વિશળદેવને યાદ આવે છે કે થોડા દિવસ પહેલાં જ જોજનવેગી સાંઢણી લઈને એમણે એમના કારભારી અને પ્રધાનને કચ્છ મોકલ્યા છે. .
કચ્છના દરિયાદિલ શાહ સોદાગર ગરીબોનો બેલી શેઠ જગડુશા પાસે એમણે સાંભળ્યું હતું કે અનાજના અખૂટ ભંડાર ભર્યા છે.
વિશળદેવની ચિંતા એ હતી કે આ દુકાળ દેશવ્યાપી છે. ગમે તેમ તોય જગડુશા વેપારી છે.
એકના અનેક કરવાની તક એના બારણે ટકોરા મારે છે, ત્યારે એ પોતે સંઘરેલા અન્નભંડારો બાબત કોઈ નિર્ણય લે, તે પહેલાં રાજ્યની આ મુસીબત અને પ્રજાનો પોકાર તેની સામે મૂકીને મદદ માટે દરખાસ્ત કરવી.
રાજભંડારમાં જે કાંઈ નાણાં છે એ ભલે ખાલી થઈ જાય પણ પ્રજા ઉગરી જવી જોઈએ. એક પણ માણસ ભૂખમરાને કારણે મરવો ન જોઈએ.
રાજસભા ચિંતાથી ચર્ચા કરી રહી છે બરાબર ત્યાં જ વિશળદેવને હૈયે ટાઢક થાય એવા સમાચાર સાથે દરવાન સભામાં પ્રવેશે છે.
શાહસોદાગર જગડુશા સાંભર્યા
દરવાને રાજાને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ પ્રધાનજી કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા સાથે પધાર્યા છે.
એમણે સંદેશો મોકલ્યો છે કે જગડુશાનો માન-મરતબો જળવાય એ રીતે આપ સ્વયં દરવાજે આવીને એમને આવકારો અને માનપાન તેમને તેડી જાવ.
વિશળદેવ એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર પોતાના સિંહાસન ઉપરથી ઉતરીને લગભગ દોટ મૂકે છે.
આ સોદાગરને આવકારવા વિશળદેવ સામા જાય એવા કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા વિશે જાણો છો?
જગડુશા કોણ હતા અને દુષ્કાળની આ પરિસ્થિતિમાં એ કેવી મદદ કરી શકે તેમ હતા?
પડદા પાછળ મદદ
શેઠ જગડુશા પણ આવો જ દાતાર હતો. એની ખાનદાની તો એટલી હતી કે દાન આપતી વખતે વચ્ચે પડદો રાખતા, જેથી દાન લેનાર વખાનો માર્યો કોઈ કુલિન વ્યક્તિ હોય તો એને દાન લેતાં સંકોચ થાય નહીં.
આ કપરા કાળમાં ઘણાં આબરૂદાર કુટુંબો એવાં હતાં જે સામે ચાલીને કોઈની પાસે હાથ લંબાવે નહીં. ખાનદાની લાજ શરમે એ કોઈની પાસે કશું માગવા જાય નહીં.
આવી વ્યક્તિઓને મદદ કરવા માટે જગડુશાએ એક આગવી પદ્ધતિ ઊભી કરી હતી.
આવા વ્યક્તિઓ માટે લાડવા બનાવડાવતા અને એ લાડવાની વચ્ચે સોનામહોર મૂકતા જેથી ગુપ્તદાન થાય અને ભૂખથી પીડાતા વ્યક્તિના કુટુંબને રાહત પણ મળે.
આ જગડુશા 13મી શતાબ્દીના કાળખંડમાં ભદ્રેશ્વર કચ્છમાં સ્થાયી થયેલ વેપારી મહાજન હતા.
જૈન મુનિ સર્વાનંદસુરી દ્વારા તેમનું જીવન 'જગડુ ચરિત્ર' નામે પદ્ય રૂપે લખાયેલું છે.
આ સિવાય જગડુશા વિશેની માહિતી રત્ન મંદિર મણી દ્વારા લખાયેલ 'ઉપદેશ તરંગીણી'માંથી મળી આવે છે.
એક માહિતી મુજબ અત્યારે 'ભીંનમાલ' તરીકે ઓળખાતા રાજસ્થાનના દક્ષિણ મારવાડ પ્રદેશમાં 'વિયથ્થું' નામના એક શ્રીમાળી જૈન રહેતા હતા.
પુત્ર વરંગ ચાલુક્યના શાસનકાળમાં કચ્છના કંથકોટમાં રહેતો હતો.
એનો પ્રપૌત્ર સોલાકા અથવા સોલાશા અને તેનાં પત્ની શ્રી માંડવીથી સ્થાનાંતર કરી ભદ્રેસરમાં જઈને વસ્યાં હતાં.
શ્રીમાળી જૈનો અંગેના ઉલ્લેખ 11મી સદીના અમુક શિલાલેખોમાંથી મળી આવેલ છે.
સોલાશાનું સંતાન જગડુશા
સોલાશાના ત્રણ પુત્ર - જગડુ, રાજા અને પદ્મ હતા. પિતાના મૃત્યુ બાદ જગડુશા એ પિતાનો વારસાગત ધંધો સંભાળ્યો અને ભાઈઓને પણ એમાં જોડ્યા.
યશોમતી નામની કન્યા સાથે જગડુશાનાં લગ્ન થયાં. જગડુશાની સંપત્તિ કે વ્યાપાર વિશે કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી.
પણ તેમની અપાર સંપત્તિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે, જેમાંની એક મુજબ કોઈ ભરવાડે તેમને કોઈ ચમત્કારિક વસ્તુ આપી, જેના પરિણામે એમની પાસે અમાપ સંપત્તિ આવી અને દાનધર્મમાં આસ્થા અને વૃત્તિ સ્થિર થઈ.
જગડુશા: દરિયાના શાહ
જગડુશાને કોઈ સંતાન નહોતું. પત્નીની સલાહ માનીને તેમણે ઇશ્વરની આરાધના અને ઉપાસના શરૂ કરી.
પ્રસન્ન થઈને દરિયાદેવે તેમને વરદાન આપ્યું કે સાત સમુંદર ખેડતાં જગડુશાના વહાણ સલામત રહેશે. તેમનું વહાણ ક્યારેય ડુબશે નહીં.
જગડુશા પાસે ઘણા વહાણ હતા. એના થકી તેઓ પર્શિયા, અરેબિયા અને આફ્રિકા સાથે વેપાર કરતા. બહોળા વેપારને કારણે તે અઢળક સંપત્તિ રળતા.
પોતાના ગુરુદેવની આજ્ઞાથી જગડુશાએ રાજા વિશળદેવની આજ્ઞા લઈને શેત્રુંજ્ય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી, તેમજ અનેક જૈન મંદિરના જિર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેમણે દાન આપતા ક્યારેય સાંપ્રદાયિક સંકુચિતતા રાખી નહોતી.
પોરબંદરના હરસિદ્ધિ માતાનાં મંદિર તથા જગડુશા સાથેની દંતકથા સ્થાનિકોમાં પ્રચલિત
જગડુશાએ ભદ્રેશ્વરમાં મુસલમાન વેપારીઓ માટે એક મસ્જિદ પણ બાંધવી હતી. તેને ભારતનું સૌથી પ્રાચીન ઇસ્લામિક સ્થાપત્ય ગણવામાં આવે છે.
જગડુશાએ બંધાવેલા મંદિરોમાં ધનાલાનું ઋષભ મંદિર, ચોવીસ દેવકુલિકાઓ સહિતનું વઢવાણનું મંદિર, શેત્રુંજય ટેકરી ઉપર એક મંદિર.
આ ઉપરાંત કૂવા, બગીચા અને વીથિકાઓ વિગેરે પણ તેમની સહાયથી બન્યા હતા.
એવું કહેવાય છે કે પોરબંદર નજીક મીયાણી ગામ પાસે આવેલી ટેકરી ઉપર મા હરસિદ્ધિનું મંદિર બંધાવ્યું. આ મંદિરનુ સ્થાપત્ય ઘણું પ્રાચીન ગણાય છે.
જૈન જગડુશા અને જીવહત્યા
એવું કહેવાય છે કે જગડુશાએ હરસિદ્ધિ માતાને પ્રસન્ન કર્યાં અને તેમને ટેકરી ઉપર બિરજવાને બદલે નીચે આવવા માટે વિનંતી કરી, જેથી એમની નજર અન્ય વહાણો ઉપર ન પડે અને તે ડૂબી ન જાય.
દેવીએ સામે શરત મૂકી કે દરેક પગથિયે એક ભેંસનું બલિદાન આપવું. જગડુશા મુંઝવણમાં મુકાઈ ગયા. પોતે જૈન અને અહિંસાના પૂજારી હતા, છતાં પણ એમણે માનતા પૂરી કરવા માટે ભેંસો મંગાવી.
જ્યારે ગણતરી કરી ત્યારે પગથિયાં કરતા એક ભેંસ ઓછી હતી. જગડુશા પોતાની અને પોતાના પરિવારની બલિ આપવાનો નિર્ણય કર્યો.
આથી દેવીએ પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યું. જોકે સમગ્ર ઘટનાક્રમનું કોઈ આધારભૂત વિવરણ નથી મળતું.
જેમનામાં જગડુશાને પૂરી શ્રદ્ધા હતી એવા જૈન મુનિ પરમસુરીએ આવનારા વરસોમાં ભયંકર ભૂખમરાની આગાહી કરી.
અનાજનો ખૂબ મોટો જથ્થો સંગ્રહ કરવા અને પોતાના ધનનો ભંડાર જીવદયા માટે ખુલ્લો મુકવા આજ્ઞા કરી.
દુકાળના ડાક, દાનત અને દીનાનાથ
ગુરુ આજ્ઞાનુ પાલન કરતાં જગડુશાએ અનાજની મોટાપાયે ખરીદી શરૂ કરી અને સાતસો કોઠાર ભરીને અનાજના વિપુલ જથ્થાનો સંગ્રહ કર્યો.
ઉપરાછાપરી દુષ્કાળોને કારણે ધનના ભંડાર ખૂટી ગયા, ત્યારે કપરા કાળમાં રાજા વિશળદેવે જગડુશાને બોલાવ્યા.
એમણે જગડુશાને કહ્યું કે આ ભૂખમરામાંથી પ્રજાને ઉગારવા પોતે કૃત નિશ્ચયી છે. જગડુશા પાસેથી તેઓ આ અનાજ મોં માગ્યા દામે ખરીદવા તૈયાર છે.
રાજાની વાત સાંભળી શેઠે સરળતાથી કહ્યું, "મહારાજ મારી પાસે આ કોઠાર છે ખરા, પણ એ મારી માલિકીના નથી જે હું આપને વેચાતા આપી શકું."
જગડુશાની વાત સાંભળી રાજાને લાગ્યું કે કપરા કાળમાં આ વેપારીની બુદ્ધિ બગડી છે. એ બહુ ધન કમાવા માગે છે.
એણે આ કોઠારોનાં તાળાં તોડી નાખી અનાજ રાજ્યસાત કરવા હુકમ કર્યો.
રાજાની આજ્ઞા મુજબ, જ્યારે આ કોઠારોનાં તાળાં તોડવામાં આવ્યા ત્યારે એમાં ભરપૂર અનાજ હતું, પણ એ દરેક કોઠારમાં એક તામ્રપત્ર મૂક્યું હતું, જેના પર લખ્યું હતું, "આ કણ ગરીબો માટે છે." વિશળદેવની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ.
આજ્ઞા, અનાજ અને અચંબો
પોતે આવા પવિત્ર માણસ માટે કેવું હિન વિચારતો હતો એ ખ્યાલે એના નેત્ર ઝૂકી ગયા.
કળ વળતાં તેણે પ્રશ્નસૂચક નજરે જગડુશા સામે જોયું, ત્યારે એમણે ગુરુદેવ પરમસુરીની ભવિષ્યવાણી અને સંવત 1313, 1314 અને 1315માં આવી રહેલ કપરો કાળ આવશે.
સાથે જ એ સમયમાં જીવદયા માટે પોતાના ધનના ભંડારો ખુલ્લા મૂકી દેવાની આજ્ઞાની વાત કરતા કહ્યું, "મહારાજ આમાંનું કશું જ મારું નથી. મારા આ બધા જ ભંડારો જીવદયા માટે સમર્પિત છે."
આ વાત સાંભળી અત્યંત ભાવ અને લાગણી સાથે મનોમન વિશળદેવ દાનવીર શેઠ જગડુશાને નમી પડ્યો.
દરિયો, દાતા અને દિલદારી
એવું કહેવાય છે કે આ ભૂખમરાના ભયાનક કાળને અંતે વિશળદેવના મંત્રી નાગદાએ જગડુશા માટે ખાસ પર્શિયાથી એક જાતવાન ઘોડો મંગાવ્યો.
દરિયામાં આવેલા તોફાનને કારણે આ વહાણ ડૂબી ગયું. માત્ર આ ઘોડો તરીને કિનારે પહોંચ્યો. એના ગળામાં જગડુશાના નામનો કાગળ બાંધેલો હતો.
એક પરમ જીવદયા પ્રેમી અને દાતા તરીકે રાજવીર શેઠ જગડુશાનું નામ આજે પણ ઇતિહાસમાં અમર છે.
પોરબંદર નજીક ઝૂંડાલમાં આવેલી બરડાઈના સ્થાનકે ભૂદેવોની ધર્મશાળામાં એક પાળિયો આજે પણ એમની યાદ આપતો ઊભો છે.
રાજકોટની આજી નદીને સામે કાંઠે એક મિનારો જગડુશાને સમર્પિત છે, જ્યારે મુંબઈ નગરના પરા ઘાટકોપરમાં એક વિસ્તારનું નામ જગડુશાનગર અપાયું છે.
શેઠ જગડુશા એવું જીવન જીવી ગયા જે કદાચ જ કોઈના નસીબે આવે. કપરાકાળમાં એનો સન્માર્ગે ઉપયોગ કરી અન્ય જીવોને જીવનદાન આપનાર દાનવીર શેઠ જગડુશા જેવા જ્વલ્લે જ પાકે છે.
એટલે જ જેમ મહાભારતમાં દાનવરી તરીકે કર્ણ અમર છે, રંતીદેવ અમર છે તેમ દાનવીર જગડુશાનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે.
કદાચ આવા દાતાઓને કારણે જ કહેવાતું હશે - नाम रहंता ठाकरा नाणा नय रहंत कीर्ति ऊंचा कोटड़ा पाडया नई पडन्त.
સંદર્ભસૂચિ
1. વીર જગડુંશાહ, લેખક અને પ્રકાશક : મુનિશ્રી જયપદ્મ વિજય, મુંબઈ, 1975
2. ગુજરાતના ઘડવૈયા, સ્વ-વિકાસની પ્રયોગશાળા (13મી સદીથી 19મી સદી સુધી), ગ્રંથ-1 - ડૉ. મકરંદ મહેતા, પ્રકાશન : અરુણોદય પ્રકાશન, વરસ 2007 પાનાં 1 થી 4
3. જૈન ક્રાંતિ (http://jainkranti.x10host.com/?p=1948),
4. Chimanial Bhailal Sheth (1953). Jainism in Gujarat (A.D. 1100 to 1600) With a Foreword by H.D. Sankalia. Shree Vijaydevsur Sangh Gnan Samiti. pp. 152-161.
5 History of Agriculture in India, Up to C. 1200 A.D. By Vinod Chandra Srivastava pp 736
6 Knowledge and the Indian Ocean: Intangible Networks of Western India and Beyond edited by Sara Keller pp 166
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો