ગુજરાતના 'ભામાશા' શેઠ નાનજી કાલિદાસ મહેતા

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશ આઝાદ થયો પણ ભાષાવાર રાજ્યોની રચના થઈ નહોતી તે વખતે ભારતીય શાસકોએ વહીવટ હાથમાં લીધો. તેમની ભરપૂર કસોટી થઈ હતી. આવું જ સૌરાષ્ટ્ર સાથે બન્યું હતું.

1948થી 1956 સુધી અસ્તિત્વમાં રહેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રથમ મુખ્ય મંત્રીપદે ઉચ્છંગરાય ઢેબર હતા. શાસન સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પડકારો હતા, જેમાનો એક પડકાર રાજ્યની આર્થિક સ્થિતિ વિશેનો પ્રશ્ન હતો.

સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી કર્ચચારીઓને પહેલો પગાર આપવા માટે સરકાર પાસે પૈસા નહોતા અને જો પહેલો પગાર ન આપવામાં આવે તો સરકારમાં અવિશ્વાસ પેદા થાય. આ વાતનો ઉકેલ ઢેબરભાઈએ શોધી કાઢ્યો.

તેઓ તાત્કાલિક મોટર લઈ પોરબંદર ગયા.

ત્યાં પહોચી નાનજી શેઠને ફોન કર્યો કે 'હું પોરબંદર આવ્યો છું.'

બપોરનો સમય હતો એટલે નાનજી શેઠે ઢેબરભાઈને કહ્યું કે "તમે ફુવારાની સામે આવેલા મારા 'સ્વસ્તિક' બંગલે આવો."

ઢેબરભાઈ તેમને ઘેર ગયા. બન્ને મળ્યા, વાતો કરી નાનજી શેઠે કહ્યું "બીજી બધી વાત પછી આવો પહેલાં જમી લઈએ. "

ઢેબરભાઈ અને નાનજી શેઠ સાથે જમ્યા. ઢેબરભાઈએ સરકારની આર્થિક પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા એટલે નાનજી શેઠે તરત જ તેમની મિલના મૅનેજરને ફોન કર્યો અને કહ્યું કે, "ચેકબુક લઈને ઘરે આવો. "

હુકમ થતાં જ મૅનેજર નાનજી શેઠના નિવાસે પહોંચ્યા. નાનજી શેઠે ઢેબરભાઈને કહ્યું, " બોલો કેટલા રૂપિયાની જરૂર છે " ત્યારે ઢેબરભાઈએ કહ્યું કે, "રૂપિયા ત્રીસ લાખની જરૂર છે. "

શેઠે તરત જ તેટલી રકમનો ચેક લખીને ઢેબરભાઈના હાથમાં મૂકી દીધો. આ રકમ કોઈ શરત વગર અને ગ્રાન્ટ તરીકે અપાઈ હતી.

આવા શ્રેષ્ઠી મહાજને પળનો પણ વિલંબ કર્યા વગર આટલી મોટી રકમ આપી રાજ્યની આબરૂ બચાવી.

ગુજરાતી પ્રજા ઉદ્યોગસાહસિક અને દરિયાખેડુ તરીકે ઓળખાય છે. શેઠ મહંમદઅલી 'હરરવાલા'થી લઈ નાનજી કાલિદાસ મહેતા સુધી કેટલાય ગુજરાતીઓએ વિદેશની ભૂમિમાં જઈ સ્વબળે વિશાળ ઉદ્યોગસામ્રાજ્ય ઊભું કર્યું. તદુપરાંત તેમણે કમાયેલા ધનથી સમાજ અને રાષ્ટ્રસેવા પણ કરી.

આવા જ એક દાનવીર અને 'ભામશા'નું બિરુદ પામનાર નાનજી કાલિદાસ મહેતા વિશે આજે વાત કરવી છે.

નાનજી કાલિદાસ મહેતાનો જન્મ જામનગર જિલ્લાના ગોરાણા ગામે 17 નવેમ્બર 1887ના રોજ થયો હતો.

તેમના વડદાદા મૂળ સલાયાના વતની પરંતુ વ્યયસાયને કારણે તેમનું કુટુંબ ગોરણા આવીને વસ્યું.

ગોરાણા ગામમાં તેમના વડવાઓ નાણાંની ધીરધાર, તેલીબિયાં, અનાજની દુકાન, આજુબાજુના ગામમાંથી આવતો કપાસ ખરીદી પોરબંદર જઈને વેચતા.

તદુપરાંત તેમની પાસે ખેતી કરવા જેટલી જમીન પણ હતી જેમાં ખાવા પૂરતું ધાન્ય વાવે અને સાથે સાથે ગાય-ભેંસો માટે ચારો પણ વવાય.

બહાર જવા માટે તેઓ ઘોડા રાખતા. તેમના વડવાઓ ખૂબ જ સંતોષ અને સાદગીથી જીવતા. તેમના કાકા ગોકળદાસ પહેલીવાર જંગબાર(આફ્રિકા) ગયા જેથી નાનજીને પણ નાનપણથી વિદેશ જવાની પ્રેરણા મળી. તેમનાં માતા જમનાબહેન સવારે ઊઠીને ઘરનું કામકાજ કરે તેમજ નાનજીને શિરામણ ખવડાવીને નિશાળે મોકલે.

શિરામણમાં બાજરીનો રોટલો, માખણ અને દહીં હોય. બાળક નાનજી આ શિરામણ ખાઈને શાળાએ જતો.

બપોરે રિસેસ પડે એટલે ફરી પાછો ગરમાગરમ બાજરીનો રોટલો, માખણ અને દૂધ ખાઈ ફરી શાળાએ જતો. શાળા છૂટે એટલે ઘરે આવી મિત્રો સાથે રમવા જવાનું અને છેક વાળુટાણે ઘરે આવવાનું.

આમ નાનજીભાઈના વડવાઓ અને નાનજીભાઈનું પ્રારંભિક જીવન ખૂબ જ શાંતિમય, સાદગીપૂર્ણ વાતાવરણમાં વીત્યું હતું.

તેઓ નવ વરસના હતા ત્યારે તેમના મામા તેમને તેમના ગામ વિસાવાડા ભણવા લઈ ગયા. ત્યાં પણ અહીંની જેમ મિત્રો સાથે મસ્તી કરતા. નજીકમાં દ્વારકાનો દરિયો એટલે બાળકો દરિયાનાં મોજાં સાથે દોડવાની રમત કરે. પરંતુ નાનજી જ્યારે દરિયામાં કોઈ બોટ જુએ તો તેનું મન વિચલિત થઈ જતું.

તેને દેશાવર ગયેલા કાકાની જેમ દરિયો ખેડવાની ઇચ્છા જાગતી. મામાને ત્યાં ચાર ચોપડી ભણીને નાનજી ગોરાણા આવ્યા. ભણવામાં તેનું ચિત્ત ન હતું તેથી તેઓ પિતા સાથે ધંધામાં જોડાયા.

નાનજી હવે વેપારમાં પૂરેપુરું મન લગાવીને કામ કરતા હતા.

હિસાબ રાખવો, જોખવાનું કામ પણ ખૂબ ચીવટથી કરતા. કપાસ કે તેલીબિયાંની મોસમ આવે એટલે ગામડાંમાંથી માલ ખરીદી પોરબંદર પહોચાડવાનું કામ નાનજીને સોંપવામાં આવતું.

આ ક્રમ દિવાળી પછીથી શરૂ થાય તે છેક વૈશાખ મહિના સુધી ચાલે.

પોરબંદર માલ લઈ જવા 15થી 20 ગાડાં તૈયાર થાય. છેલ્લા ગાડામાં નાનજી બેસે. માલ પોરબંદર પહોચે એટલે આડતિયાને માલ આપી પિતાએ જે ચીજવસ્તુઓ દુકાન માટે ખરીદવાનું કહ્યું હોય તે પ્રમાણે ખરીદી ગાડાંમાં ભરાવી ગાડાં પાછાં ગામ તરફ વળતાં.

નાનજી એક રાત ઘરે અને બે રાત ગાડામાં વિતાવતા. આ ક્રમ અમુક વરસ સુધી ચાલ્યો એટલે નાનજીનો જીવ ચકરાવે ચડ્યો.

તે દરમ્યાન ઘરે ધાર્મિક પુસ્તકોનું વાંચન થતું હતું. તેમાં એક દિવસ નાનજીના હાથમાં ધ્રુવાખ્યાન આવ્યું. તે વાંચી તેમને પણ તપ કરવાની ઇચ્છા થઈ. તેઓ તેમના મિત્ર સાથે બરડાના ડુંગરમાં તપ કરવા જતા રહ્યા.

ઘરના લોકોને ખબર પડતાં તેમને મનાવી ઘરે લઈ આવ્યા અને તેમનું મન સંસારમાં લાગી રહે તે માટે ઘરના વડીલોએ નાનજીનું લગ્ન કરવાનો વિચાર કર્યો.

તેઓ 12 વરસના હતા ત્યારે 11 વરસની કન્યા સાથે તેમનાં લગ્ન કરાવ્યાં. લગ્ન પછી કન્યા તેના પિતાને ત્યાં જ રહી હતી. પરંતુ તેમનું આ લગ્નજીવન લાંબુ ટક્યું નહીં. બાળવયે જ તેમની પત્નીનું અવસાન થયું.

રાજ્યમાં છપ્પનિયો દુકાળ પડ્યો. આ દુકાળ એવો ભયંકર હતો કે તેણે ઘણી વેપારી પેઢીઓ ડુબાડી દીધી.

આ દુકાળમાં નાનજીનો પરિવાર પણ મુશ્કેલીમાં આવી ગયો હતો. એટલામાં નાનજીના ભાઈનો વિદેશથી કાગળ આવ્યો કે 'નાનજીને તમે અહીં મોકલો જેથી તે મને અહીં આવીને મદદ કરશે.'

મોટાભાઈનો પત્ર આવતાં નાનજી ખુશખુશાલ થઈ ગયો. તેઓ પાંચ જણ પોરબંદરથી મુંબઈ ગયા અને ત્યાંથી 'ફૂલભાભી' નામના જહાજમાં મૉમ્બાસા જવા રવાના થયા.

વહાણ મધદરિયે પહોચ્યું ત્યાં તો સમુદ્રમાં આવેલા તોફાનને કારણે વહાણ હાલકડોલક થવા માંડ્યુ. પવનના સપાટાથી બચવા સઢને તોડી નાખવો પડ્યો અને વહાણમાં મૂકેલો વધારાનો સામાન પણ દરિયામાં નાખી દીધો.

વહાણની અંદર ભરાઈ જતું પાણી તેઓ ડોલથી ઉલેચવા લાગ્યા. અંતે વહાણમાં મોટી તિરાડ પડી અને વહાણ બે ભાગમાં વહેચાઈ ગયું.

આ સ્થિતિમાં બચવા તેઓએ કાળા વાવટા ફારકાવ્યા. પણ મધદરિયે મદદે કોણ આવ?

બે દિવસ પછી તોફાન શાંત પડ્યું અને વહાણ તણાતુંતણાતું એક ટાપુ ઉપર પહોચ્યું. આ ટાપુ હતો 'આઈલ-દ-માયોને' જ્યાંથી માડાગાસ્કાર ઘણું છેટે હતું.

ત્રણ દિવસનો દરિયાઈ પ્રવાસ તોફાનને કારણે ચૌદ દિવસ જેટલો લંબાઈ ગયો. આખરે તેઓ છવ્વીસમા દિવસે માડાગાસ્કર પહોચ્યા.

ત્યાંથી વહાણની મરામત કરીને મોમ્બાસાના કિનારે પહોચ્યા. નાનજીભાઈના મોટા ભાઈની દુકાન મજંગામાં હતી. ત્યાં પહોચ્યા પછી ઘરમાં રસોઈ બનાવવાથી માંડીને દુકાન ચલાવવા સુધીનું કામ તેઓ કરતા.

થોડો સમય વિત્યો હશે ત્યાં મૉમ્બાસામાં મરકી ફાટી નિકળી. તે વખતે મૉમ્બાસામાં ફ્રેંચો રાજ્ય કરતા. તેમને આ રોગ ભારતીયો દ્વારા ફેલાયો હોવાની શંકા પડી. તેમણે ભારતીયોને તેમના કાચાં મકાન સળગાવી દેવાની ફરજ પાડી. આ રીતે ઘરબાર વગરના થઈ ગયેલા ભારતીયો સ્વદેશ પાછા ફર્યા જેમાં નાનજીભાઈ અને તેમના ભાઈ પણ હતા.

નાનજીભાઈનાં સ્વપ્નો મોટાં હતાં. તેમને વિદેશમાં જઈને ખૂબ કમાવવું હતું. નાનજીભાઈએ એક દિવસ ગામના રામમદિરમાં જઈ ભગવાન સમક્ષ સંકલ્પ કર્યો કે પોતે ફરી આફ્રિકા જઈ પૈસા કમાશે.

આ સમયે નાનજીભાઈની વય માત્ર 16 વરસની હતી. એક દિવસે તેઓ કોઈને પણ જાણ કર્યા વગર પોરબંદરથી મુંબઈ પહોચી ગયા. ત્યાંથી તેઓ દક્ષિણ આફ્રિકા જતાં વહાણમાં બેઠા. પરંતુ પ્રારબ્ધ તેમને પૂર્વ આફ્રિકાના યુગાન્ડા તરફ ખેચી ગયું.

ત્યાં તેમણે જીંજા શહેરથી 45 માઈલ દૂર આવેલા કમલી ગામમાં બહેરામખાન બલોચની દુકાને નામું લખવાની નોકરી શરૂ કરી.

બલોચ હાથીદાંત અને અન્ય વન્ય પેદાશોનો વેપાર કરતા. તેમણે નાનજીને ઉઘરાણીએ મોકલવાનું શરૂ કર્યું. ત્યાં રસ્તે જતાં જંગલમાં ઝેરી જીવજંતુઓ અને ચોરનો ભય સતાવતો, પણ નાનજીભાઈ બેફિકર હતા. એક વખત તેમને બેભાન કરી તેમનો માલસામાન ચોર લૂંટી ગયા હતા.

બલોચ શેઠ સાથે તેઓ થોડો સમય રહ્યા. ત્યારબાદ નાનજીભાઈએ કમલીમાં પોતાની સ્વતંત્ર દુકાન શરૂ કરી. તેમને શરૂઆતમાં નાણાંની ભીડ હતી અને સ્થાનિક ભાષા પણ આવડતી નહોતી તેથી તકલીફ પડતી. છતાં પણ તેમને પગપાળા ફરી યુગાન્ડામાં કઈ જગ્યાએથી શું સરળતાથી મળી રહે તે માટેની શોધ શરૂ કરી.

તેમણે હાથીદાંત, મરીમસાલા, પિત્તળના તાર, ચામડાં જેવી ચીજો ખરીદી ભારત તેમજ અન્ય દેશોમાં મોકલવાની શરૂ કરી અને થોડા સમયમાં અઢળક આવક મેળવી.

આ ઉપરાંત તેમણે ભારતથી કપાસના બીજ મગાવી યુગાન્ડામાં વાવેતર શરૂ કર્યું. આ નવતર પ્રયોગથી યુગાન્ડાનું રૂ પૂરા વિશ્વમાં વિખ્યાત થયું.

યુગાન્ડામાં હવે નાનજીભાઈ પાસે અઢાર દુકાનો હતી. તેઓએ તેમના વતનથી કુટુંબના ચાર-પાંચ ભાઈઓને પણ બોલાવી લીધા હતા.

યુગાન્ડામાં ભારતીયોનો વેપાર ક્ષેત્રે મોટા પાયે દબદબો જોઈ યુગાન્ડા સરકારે એવો નિર્ણય કર્યો કે કારખાનાંના માલિક સિવાય કોઈ પણ કપાસ ખરીદી શકે નહીં. ત્યાંના ભારતીય વેપારીઓએ કોર્ટનો સહારો લઈ આ કેસ સરકાર સામે જીતી લીધો.

1916માં પૂર્વ આફ્રિકા બ્રિટિશરોના તાબામાં આવતાં ભારતીયો માટે અહીં વેપાર કરવો સરળ બન્યો અને નાનજીભાઈએ પોતાનાં બીજાં પત્ની સાથે અહીં રહેવાનું શરૂ કર્યું. તેમણે કપાસ લોઢવાના બે કારખાનાં શરૂ કર્યાં.

તેમણે હોમી ભાભા, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ મફતલાલ ગગનભાઈ અને સર પરસોત્તમદાસ ઠાકોરદાસ સાથે ભાગીદારી કરી રૂનાં કારખાનાં નાખ્યાં.

યુગાન્ડામાં તે વખતે ઇન્ફ્લુએન્ઝાનો રોગ ફેલાયો જેમાં તેમનાં પત્ની તથા બે સ્વજનનાં મૃત્યુ થયાં.

આ વખતે નાનજીભાઈ 32 વરસના હતા. ફરીથી બાળપણ જેવો વૈરાગ્ય ન આવે એટલે વડીલોએ તેમનું સગપણ કર્યું અને તેમનાં ત્રીજા લગ્ન થયાં. આ બાજુ નાનજીભાઈને કૉટનમિલ પછી સુગરમિલ શરૂ કરવાનો વિચાર આવ્યો.

આ માટે તેઓ ભારત આવ્યા. કાનપુરનાં ખાંડનાં કારખાનાં જોવા ગયા. આ વખતે તેમણે કલકત્તા ખાતેના કૉંગ્રેસના અધિવેશનમાં આફ્રિકાના પ્રતિનિધિ તરીકે પણ હાજરી આપી. તેઓ શાંતિનિકેતનમાં પણ થોડો સમય રહ્યા.

1924માં તેમણે લુગાઝી કાવલો ડુંગરમાળામાં ખાંડનું કારખાનું નાખ્યું. જાપાન, ઇટાલી, ડૅન્માર્ક, જર્મની, સ્વિત્ઝરલૅન્ડ, બેલ્જિયમ અને હોલૅન્ડ જેવા દેશોનો પ્રવાસ ખેડયો. જર્મનીના મ્યુનિક શહેરનું પ્લૅનેટેરિયમ જોઈને પોરબંદરમાં પણ 'તારામંદિર' ઊભું કર્યું.

દેશ-પરદેશમાં તેમના અનેક ઉદ્યોગ-ધંધા વિકસતા ગયા. તેમના રબ્બર, ચા અને કૉફીના બગીચા હતા.

દેશમાં તેમણે પોરબંદર ખાતે 'મહારાણા મિલ્સ' શરૂ કરી તેમજ દેશમાંથી અનેક સાહસિક યુવાનોને વિદેશમાં સ્થાયી કર્યા. તેમની ઉત્તરાવસ્થા તેમણે પોરબંદરમાં ગાળી તેમજ રાણાવાવ પાસે સૌરાષ્ટ્ર સિમેન્ટ ઍન્ડ કેમિકલ્સની સ્થાપના કરી.

નાનજી શેઠને 'ભામાશા'ની પદવી કેવી રીતે મળી તે વાત પણ જાણવા જેવી છે.

નાનજીભાઇએ કમાયેલી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કર્યો. તેમણે અનેક જગ્યાએ દાન આપ્યા. પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ અને મહિલા કૉલેજ સ્થાપી.

પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થાનનું કીર્તિમંદિરમાં રૂપાંતર, પ્લૅનેટેરિયમ, ભારત-મંદિર અને મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય જેવી સંસ્થાઓનું સર્જન કરી જન્મભૂમિનું ઋણ ચૂકવ્યું.

તેઓ એક સમાજસુધારક અને કન્યાકેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા. આટલી બધી સંપત્તિ હોવા છતાં તેઓ પોતાનું જીવન સાદાઈથી જીવતા.

બ્રિટિશ સરકારે તેમને એમ.બી.ઈ.નો ખિતાબ આપ્યો હતો.

આ ઉપરાંત પોરબંદર રાજ્ય તરફથી તેમને 'રાજ્યરત્ન'નો ઇલકાબ અને નવાનગર સંસ્થા તરફથી 'ઑર્ડર ઑફ મેરિટ'નું બહુમાન મળ્યું હતું.

તેમની ઇચ્છા હતી કે તેઓ પોરબંદરમાં ગાંધીજીનું સ્મારક ઊભું કરે. પરંતુ બાપુ જીવતેજીવત તેમનું કોઈ સ્મારક ઊભું કરવા દેવા માગતા નહોતા.

તેથી બાપુના અવસાન પછી તેમણે 79 ફૂટનું ગાંધીજીનું સ્મારક ઊભું કર્યું જેનું ઉદ્ઘાટન સરદાર પટેલના હસ્તકે કરવામાં આવ્યું.

66 વરસની વયે તેમણે પોરબંદરમાં નિવૃત્ત જીવન ગાળી પોતાનો વ્યવસાય તેમના પુત્રને સોપ્યો, જેમણે શરૂ કરેલી બૅન્ક દેના બૅન્કના નામથી ઓળખાઈ.

આવા દાનવીર મહાન ઉદ્યોગસાહસિક નાનજીભાઈનું અવસાન 24 ઑગસ્ટ 1969ના રોજ થયું.

સંદર્ભ :

1.મારી અનુભવ કથા લેખક : નાનજી કાલિદાસ મહેતા, પ્રકાશક : આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ, પોરબંદર 1979

2.૫૧ જીવનઝરમર, લેખક : જીતેન્દ્ર પટેલ , પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, આવ્રુતિ (બીજી) 2018, અમદાવાદ

3.Entrepreneurship in Africa: a study of successes. David S. Fick

4.નાનજી કાલિદાસ મહેતા, લેખક : મહેન્દ્ર છત્રારા, મીડિયા પબ્લિકેશન્સ, જુનાગઢ 2011

5.Nanji Kalidas Mehta, Dream Half-Expressed: An Autobiography (Bombay: Vakils, Feffer and Simons, 1966),

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો