કાશ્મીરી પંડિતો અને શીખો વતન છોડવા મજબૂર, કાશ્મીરમાં આવી સ્થિતિ કેમ સર્જાઈ?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીર ખીણમાં ચરમપંથી હિંસામાં કેટલાક હિંદુઓ અને ખાસ કરીને શીખોનાં મોત પછી જમ્મુ અને કાશ્મીરમાં માહોલ ફરી એક વખત તણાવપૂર્ણ છે.

લોકોના મનમાં આટલી હિંસક ઘટનાઓને લઈને પ્રશ્નો છે. લોકો પૂછી રહ્યા છે કે શું કાશ્મીરની હાલત ફરી 90ના દાયકા જેવી થઈ રહી છે? શું ખીણમાંથી કાશ્મીરી પંડિતો અને લઘુમતીનું પલાયન ફરી શરૂ થઈ જશે?

જમ્મુના કાશ્મીરી પંડિતોના જગતી કૅમ્પમાં રહેતા સુનીલ પંડિતાએ બીબીસીને જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ખીણના કાશ્મીરી પંડિત અને અન્ય લઘુમતી સમુદાયના લગભગ 150 પરિવારોએ જમ્મુમાં શરણ લીધી છે.

સુનીલ પંડિતાએ જણાવ્યું કે ખીણની પરિસ્થિતિ 90ના દાયકાથી પણ ખરાબ થઈ રહી છે.

તેઓ કહે છે કે માત્ર એક અઠવાડિયા પહેલાં તેઓ ખીણથી આવ્યા છે અને ત્યાં રહેતા લઘુમતીની આંખોમાં ભય સ્પષ્ટ દેખાય છે. ખીણના વિસ્તારમાં માત્ર એક અઠવાડિયા દરમિયાન સાત લોકોની હત્યા કરી નાખવામાં આવી છે.

લઘુમતી વિરુદ્ધ કેમ વધી હિંસા?

સવાલ એ છે કે કાશ્મીરના લઘુમતી જેમકે કાશ્મીરી હિંદુ અને શીખોની વિરુદ્ધ હિંસાની ઘટનાઓ અચાનક કેમ વધી ગઈ? જાણકારોનું કહેવું છે કે આનાં અલગઅલગ કારણો છે.

90ના દાયકામાં કાશ્મીરી પંડિતો વિરુદ્ધ મોટાપાયે હિંસા અને હત્યાઓ થઈ ત્યારે તેઓ પોતાનો જીવ બચાવવા માટેપોતાના પરિવારની સાથે ખીણ છોડીને જતા રહ્યા હતા. પછી કેટલાંક વર્ષો સુધી દેશના અલગઅલગ ભાગોમાં તેઓ શરણાર્થી તરીકે રહેવા મજબૂર થયા.

આ દરમિયાન પલાયન કરી ચૂકેલા લોકોએ પોતાની પાછળ જે ઘર અને સંપત્તિ ખીણમાં છોડેલાં હતાં, તેની પર સ્થાનિક લોકોએ કબજો કર્યો અને પછી ઓછી કિંમતે ખરીદી લીધાં.

આ જોઈને વર્ષ 1997માં રાજ્ય સરકારે કાયદો બનાવીને આપત્તિમાં અચળ સંપત્તિ વેચવા અને ખરીદવા સામે કાયદો બનાવ્યો, પરંતુ જાણકારોના પ્રમાણે કાયદો હોવા છતાં સાવ ઓછી કિંમતે સંપત્તિ વેચાય છે.

શું ફરી સંપત્તિ પર કબજો આપવવાને કારણે હિંસા થઈ?

કાશ્મીરી પંડિતોની જે અચળ સંપત્તિ પર કબજો કરવામાં આવ્યો હતો તેનો અધિકાર ફરી પંડિતોને અપાવવાનું અભિયાન હાલમાં જ સરકારે શરૂ કર્યું હતું.

અત્યાર સુધી લગભગ 1,000 મામલાનું સમાધાન થતાં તે સંપત્તિ પાછી તેના અસલી માલિકના હવાલે કરાઈ હતી.

જાણકારો કહે છે કે અચાનક શરૂ થયેલી હિંસાની પાછળ આ પણ એક કારણ હોઈ શકે છે.

વરિષ્ઠ પત્રકાર રાહુલ પંડિતા માને છે કે હાલમાં જ જમ્મુ અને કાશ્મીર સરાકરનું એક પોર્ટલ શરૂ થયું છે. આમાં ખીણમાંથી પલાયન કરી ગયેલા કાશ્મીરી પંડિતોને પોતાની સંપત્તિ પાછી અપવવાની પ્રક્રિયા 'ઑનલાઇન' શરૂ કરવામાં આવી છે.

તેઓ કહે છે કે આ પોર્ટલનો જાહેરાત મારફતે પણ ઘણો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે.

રાહુલ પંડિતા માને છે કે અચાનક ભડકેલી હિંસા પાછળ આ પણ કારણ હોઈ શકે છે.

પોર્ટલનું જે દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઔપચારિક ઉદ્ઘાટન કર્યું, તે દિવસે તેમના કાર્યાલયે જણાવ્યું કે ખીણમાંથી લગભગ 60 હજાર કાશ્મીરી હિંદુઓ અને પંડિતોએ પલાયન કરી ગયા હતા.

આમાંથી 44 હજાર પરિવારોએ રાજ્યના રાહત અને પુનર્વસન આયુક્તની સમક્ષ પોતાની નોંધણી કરાવી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 44 હજાર પરિવારોમાં 40,142 હિંદુ, જ્યારે 1,730 શીખ અને 2,684 મુસ્લિમ પરિવાર સામેલ છે.

સરકારની નક્કર યોજના નથી

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના સંજય ટિક્કુએ બીબીસી સાથે ફોન પર વાત કરતાં કહ્યું કે કાશ્મીરી પંડિતોની અચળ સંપત્તિને કબજામાંથી છોડાવાની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ છે.

રાહુલ પંડિતા કહે છે કે આપત્તિના સમયે વેચેલી અચળ સંપત્તિને પાછી અપાવવાની નક્કર યોજના સરકારે બનાવી જ નથી.

તેઓ કહે છે કે સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે કયા ભાવ પર જમીન પાછી અપાશે; પલાયન સમયના પ્રમાણે ભાવ ગણશે કે પછી અત્યારના બજારભાવના હિસાબે ગણતરી કરશે?

સરકાર તરફથી હજી સ્પષ્ટ નથી કે સંપત્તિ પાછી લેનારાઓને સરકાર સુરક્ષા આપશે કે નહીં.

'સુરક્ષામાં ખામીનું પરિણામ'

જોકે પંડિતા અને બીજા કાશ્મીરી પંડિતોને લાગે છે કે હાલની હિંસા એ સુરક્ષામાં ખામીને કારણે થઈ છે કારણ કે એજન્સીઓએ 21 સપ્ટેમ્બરના જ ઍલર્ટ જારી કરી હતી અને મોટા હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.

ત્યાં જ વરિષ્ઠ પત્રકાર આદિત્યરાજ કૌલ કહે છે કે, ''ખીણમાં હુમલા 2008થી જ થઈ રહ્યા છે, પરંતુ આર્ટિકલ 370 હઠાવ્યા પછી અહીંના કટ્ટરવાદીઓમાં બેચેની હતી. તેમની અંદર ગુસ્સો હતો, જે અચાનક હિંસાના રૂપમાં સામે આવ્યો.''

કૌલ માને છે કે આ બધી ઘટનાઓમાં સુરક્ષા દળોની ભૂલ છે.

તેઓ કહે છે કે જ્યાં ઘટના બની ત્યાંથી થોડા મીટરના અંતરે સુરક્ષાબળોની શિબિર કે એસએસપીનું કાર્યાલય હતું.

ગુરુવારે એટલે કે સાત ઑક્ટોબરે એક સરકારી સ્કૂલમાં ઘૂસીને ચરમપંથીઓએ ઓળખ કરીને શિક્ષક દીપકચંદ અને પ્રિન્સિપાલ સતિન્દર કૌરને ગોળીએ મારીને હત્યા કરી હતી.

આની પહેલાં શ્રીનગરની એક જાણીતી દવાની દુકાનના માલિક માખનલાલ બિંદ્રુની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

'પુનર્વસનની યોજનામાં ગડબડ'

કૌલ કહે છે કે, "સરાકરે કાશ્મીરી પંડિતો માટેની જે પુનર્વસનની યોજના બનાવી છે, તેમાં મોટાભાગના લોકોને સરકારી શાળામાં નોકરી આપવામાં આવી છે."

તેઓ કહે છે કે, "આ યોજનાની ગડબડ એ છે કે આમાં એવી જોગવાઈ છે કે આના લાભાર્થીઓને માત્ર ખીણમાં જ નોકરી કરવી પડશે."

"જો તેઓ બીજી જગ્યાએ જશે તો પછી તેમની નોકરી ખતમ થઈ જશે."

શ્રીનગરની શાળામાં થયેલી હિંસા પછી સરકારી શાળામાં નિમણૂક થયેલા બધા કાશ્મીરી પંડિત શિક્ષકો વચ્ચે ભય છે. માત્ર શિક્ષકો જ નહીં પરંતુ બીજા લઘુમતી સમુદાયોમાં પણ દહેશત જોઈ શકાય છે.

એટલે ઘટના પછી કેટલાક શિક્ષક શ્રીનગરના ક્ષીરભવાની મંદિરમાં રહે છે, જ્યારે કેટલાકને શિબિરમાં રાખવામાં આવ્યા છે.

ખીણના શેખપુરમાં સ્થિત કાશ્મીરી પંડિતોની શિબિર ખાલી છે અને મોટાપાયે પલાયન થઈ રહ્યું છે.

સરકાર પર બેદરકારીનો આરોપ

જોકે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કાશ્મીરી પંડિતોને પલાયન ન કરવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું કે, "જે લોકો ખીણ છોડીને જઈ રહ્યા છે અથવા જવાનું વિચારી રહ્યા છે, તેમને હું દિલથી વિનંતી કરું છું કે આવું ન કરો."

"અમે એ શક્તિઓને તેમના ઇરાદામાં સફળ નહીં થવા દઈએ, જે તમને ભગાડવા માગે છે. મોટી વસતી ઇચ્છે છે કે તમે ન જાઓ."

જોકે બીબીસી સાથે વાત કરતાં કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના સંજય ટિક્કુ કહે છે કે, "છેલ્લા એક વર્ષથી તેમણે સમય-સમય પર જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને પત્રો અને મેઇલ લખ્યા છે, જેમાં ખીણમાં રહેતા કાશ્મીરી પંડિતો વચ્ચે વ્યાપ્ત ભય અંગે તેમનું ધ્યાન આકર્ષિત કરવામા આવ્યું છે."

તેમનો આરોપ છે કે ઉપરાજ્યપાલના કાર્યાલયે તેમના પત્રને ધ્યાને નથી લીધા.

આ મહિનાની પાંચ તારીખે જે પત્ર તેમને ઉપરાજ્યપાલને લખ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે ખીણમાં અચાનક હુમલા વધતાં કાશ્મીરી પંડિતો વચ્ચે ભયનો માહોલ છે.

બધા પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ચિંતિત છે. એવામાં જો ઉપરાજ્યપાલ તરફથી કોઈ નોંધ નથી લે તો, કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પંચ સમક્ષ પોતાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવશે.

બીજી તરફ ગુપકાર ગઠબંધનના સંયોજક અને માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા યુસૂફ તારીગામીએ કહ્યું કે, "370 હઠાવાયા પછી જમ્મુ કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ ઘટશે એવી સંભવાના વ્યક્ત કરાતી હતી, પરંતુ જમ્મુ કાશ્મીરના પ્રશાસનના કેટલાક નિર્ણય એવા છે કે જેના કારણે સમુદાયો વચ્ચે એક વખત ફરી ગેરસમજ અને દૂરી વધી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો