You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કાશ્મીરી પંડિતોની 'ઘરવાપસી' શક્ય છે?
- લેેખક, મોહિત કંધારી
- પદ, જમ્મુથી, બીબીસી ગુજરાતી માટે
વિસ્થાપિત કાશ્મીરી પંડિત રુબન સપ્રૂ દસ વર્ષથી કાશ્મીરના ખીણપ્રદેશમાં નોકરી કરે છે. જોકે, તેમને ઘરથી દૂર સરકાર દ્વારા સંચાલિત ટ્રાન્ઝિટ કૅમ્પમાં ભારે સુરક્ષા વચ્ચે રહેવું પડે છે.
રુબન એકમાત્ર વિસ્થાપિત કાશ્મીરી પંડિત નથી કે જેઓ 10 વર્ષથી કાશ્મીરમાં રહે છે અને પોતાના ઘરથી દૂર વિસ્થાપનનું દર્દ સહન કરી રહ્યા છે.
હાલ, કાશ્મીરમાં અલગ-અલગ ટ્રાન્ઝિટ કૅમ્પમાં લગભગ ચાર લાખ લોકો રહે છે. તેઓ અનેક વખત સરકાર સમક્ષ જમ્મુમાં 'ઘરવાપસી'ની માગ કરી ચૂક્યા છે.
30 વર્ષના ગાળા દરમિયાન અનેક કાશ્મીરી પંડિતોએ જમ્મુ કે દેશના અન્ય રાજ્યમાં પોતાનું જીવન નવેસરથી શરૂ કરી દીધું છે, આથી કાશ્મીરમાં પરત ફરવું તેમના માટે શક્ય નહીં હોય.
તેમનું માનવું છે કે 1990માં કાશ્મીરના ખીણપ્રદેશમાંથી વિસ્થાપન પછી 2010માં ફરી એક વખત ઘરબાર છોડીને સરકારે આપેલી નોકરી કરવા માટે તેમણે ખીણપ્રદેશમાં પરત ફરવું પડ્યું હતું.
એ ભયાનક દિવસ
આ ગાળા દરમિયાન રુબને અનેક વખત અનંતનાગ જિલ્લામાં પોતાના ગામ સાલિયા જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને ક્યાંય ઘર ન જોવા મળ્યું.
આજે પણ રુબન પોતાના ગામમાં જાય છે, ત્યારે તેમને એવું લાગે છે કે જાણે 'રણભૂમિ'માં ઊભા હોય.
1989-90 દરમિયાન કાશ્મીરના ખીણપ્રદેશમાં પ્રવર્તમાન સ્થિતિને કારણે મોટી સંખ્યામાં કાશ્મીરના હિંદુ પરિવારો પોત-પોતાનાં ઘર છોડીને હિજરત કરી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
19 જાન્યુઆરી 1990ના દિવસે સૌથી વધુ સંખ્યામાં કાશ્મીરી પંડિત હિજરત કરી ગયા હતા.
એ દિવસો દરમિયાન ઉગ્રવાદી સંગઠન જાહેરાતો છપાવીને પંડિતોને કાશ્મીર છોડી દેવા માટે ધમકાવતા હતા.
મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેથી લોકોમાં ભય પેદા થયો હતો.
ઘરવાપસી ક્યારે ?
કાશ્મીરમાંથી વિસ્થાપન બાદ હજારો કાશ્મીરી પંડિત પરિવાર જમ્મુ શહેર તથા દેશના અન્ય શહેરમાં વસી ગયા અને પોતાના ઘર પણ બાંધ્યાં.
જમ્મુની આજુબાજુ વસેલા વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વર્ષ 2011માં નગરોટા ખાતે 'જગતી ટાઉનશિપ'નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં લગભગ ચાર હજાર વિસ્થાપિત પરિવાર રહે છે.
હજુ સુધી રાજ્ય કે કેન્દ્ર સરકાર કાશ્મીરી હિંદુઓનું પુનરાગમન નથી કરાવી શકી.
જ્યારથી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370 તથા 35-એ નાબૂદ કર્યા છે અને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કર્યું છે, ત્યારથી ત્યાં રહેતા કાશ્મીરી પંડિતોની ઘરવાપસી અંગે ફરી ચર્ચા ઊભી થઈ છે.
નોકરીનું પૅકેજ
વર્ષ 2010માં 'પ્રધાનમંત્રી રાહત પૅકેજ' હેઠળ ત્રણ હજાર કાશ્મીરી પંડિતને ખીણપ્રદેશમાં નોકરી આપવામાં આવી હતી. રુબન પણ તેમાંથી એક હતા.
હાલ રુબન શ્રીનગરની હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે નોકરીના પૅકેજને 'ઘરવાપસી' ન ગણાવી શકાય.
વર્ષ 2015માં કેન્દ્ર સરકારે કાશ્મીરી પંડિતો માટે વધુ ત્રણ હજાર નોકરીની જાહેરાત કરી હતી. જોકે, કાશ્મીરી પંડિતોને લાગે છે કે હજુ પણ તેઓ 'ઘરવાપસી' કરી શકે તેવી સ્થિતિ ઊભી નથી થઈ.
તેમના કહેવા પ્રમાણે, અહીં એવી સ્થિતિ નથી કે સપરિવાર રહી શકાય.
'ઘરવાપસી : ઠગારી લાલચ'
કાશ્મીરી પંડિતોના સંગઠન પનુન કાશ્મીરના વરિષ્ઠ નેતા ડૉ. અગ્નિશેખર માને છે કે કાશ્મીરી પંડિતોનું પોત-પોતાનાં ઘરે ફરી વસાવવાનો પ્રસ્તાવ ઠગારી લાલચ છે.
ડૉ. અગ્નિશેખર કહે છે કે તેમનું ઘર સળગાવી દેવાયું છે, તેની ઉપર કબજો થઈ ગયો છે, ત્યારે તેઓ કેવી રીતે ઘરે પોતાના ઘરે પરત ફરી શકશે?
ડૉ. અગ્નિશેખરે જમ્મુમાં પોતાના ઘરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ તેમનાં ઘરો વેચી નાખ્યાં હતાં. તેમનાં ઘરો સળગાવી દેવાયાં હતાં. તેમની ફળદ્રૂપ જમીન ઉપર કબજો કરી લેવાયો. હવે તેઓ પરત ફરે તો પણ ગુજરાન કેવી રીતે ચલાવશે?"
ઘરવાપસી માટે આશાનું કિરણ
ડૉ. અગ્નિશેખર માને છે કે જ્યારથી કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 નાબૂદ કર્યો છે, ત્યારથી એક જ સ્થળે કાશ્મીરીઓના પુનર્વસનની આશા બંધાઈ છે.
કાશ્મીરી પંડિતોને પોતાનું ઘર, પોતાની જમીન તથા પોતાનાં ભવિષ્ય દેખાવાં લાગ્યાં છે.
જો એક જ સ્થળે પુનર્વસનને લીલીઝંડી આપી દે તો સુરક્ષિત વાતાવરણમાં પોતાનું જીવન પસાર કરી શકે છે.
ડૉ. અગ્નિશેખર કહે છે કે બંધારણીય કે કાયદાકીય અવરોધો હટી જતા હવે એક જ સ્થળે કાશ્મીરી પંડિતોનું પુનર્વસન કરાવવું સરળ હશે.
કારણ કે હવે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને પૂછીને કાશ્મીરીની પંડિતોનાં પુનર્વસનનો કોઈ નિર્ણય નહીં થાય. હવે, તમામ નિર્ણય સીધા જ કેન્દ્ર સરકારે લેવાના હશે.
ડૉ. અગ્નિશેખર કહે છે કે છ મહિના થઈ ગયા છે, હજુ પણ તેઓ રાહ જોઈ રહ્યા છે અને તેમની ધીરજ ખૂટી નથી.
'જમીન વેચવી છે? '
રુબન સપ્રૂએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "આજે પણ હું મારા ગામડે જાઉં છું, ત્યારે કેટલાક લોકો મને આવકારે છે."
"તો બીજા કેટલાક કહે છે કે અહીં પરત ફરીને તમે કેવી રીતે રહેશો? શું તમારે જમીન વેચવી છે?"
1990માં સપ્રૂ પરિવાર કાશ્મીરના ખીણપ્રદેશમાંથી જમ્મુ હિજરત કરી ગયો. એ સમયે રુબનની ઉંમર 12 વર્ષ હતી. એ દિવસોને યાદ કરતાં રુબન કહે છે :
"આજે પણ ત્યાં મારાં પગલાંનાં નિશાન છે. મને યાદ છે કે હું દિવસભર રમતો અને મસ્તી કરતો. મને પાડોશીઓ પણ યાદ છે."
"આજે હું ત્યાં જઉં છું તો ખબર નથી પડતી કે મારું ઘર કયું છે. એવું લાગે છે કે હું રણભૂમિમાં ઊભો છું, જ્યાં બધું બરબાદ થઈ ગયું છે."
પાડોશીઓની મદદથી તેઓ માત્ર અંદાજ જ લગાવી શકે છે કે તેમનું ખોવાયેલું 'ઘર' અહીં જ ક્યાંક હશે.
'હું જમ્મુનો કે કાશ્મીરનો?'
રુબન પોતાના અનુભવના આધારે કહે છે કે 30 વર્ષમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ જમ્મુમાં નવેસરથી પોતાની જિંદગી શરૂ કરી છે.
રુબનનાં વૃદ્ધ માતાપિતા અને સગાં-સંબંધીઓએ જમ્મુ સહિત દેશનાં અનેક શહેરોમાં નવાં ઘર વસાવી લીધાં છે. હવે, એ લોકો માટે કાશ્મીરમાં પોતાનાં ઘરે પરત ફરવું શક્ય નથી.
રુબન કહે છે, "અમારી ટ્રૅજેડી એ છે કે અમારો પરિવાર અહીં રહે છે અને અમે ત્યાં. અમને એ નથી સમજાતું કે અમે ક્યાંના છીએ? જમ્મુના કે કાશ્મીરના"
રુબન કહે છે કે વિસ્થાપન મુદ્દે એક-એક કાશ્મીરી પંડિતનો અભિપ્રાય જાણવો જોઈએ. તેઓ રોજગારનો પણ મુદ્દો ઉઠાવે છે.
'અમારા કામધંધાનું શું?'
રુબન કહે છે કે સરકાર કેટલાક સવાલના જવાબ આપે તે પછી જ ઘરવાપસી અંગે ચર્ચા શક્ય છે. જેમ કે, "જે કાશ્મીરી યુવા જમ્મુમાં ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવે છે, જેમની ઉંમર થઈ ગઈ છે, તેમની રોજગારીનું શું?"
"તેઓ ખીણપ્રદેશમાં પરત ફરે તો તેમને આ ઉંમરે રોજગારી કોણ આપશે? આ યુવાનો પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશે?"
રુબન કહે છે કે પાંચમી ઑગસ્ટ પછી બદલાયેલી સ્થિતિમાં તેમને આશાનું કિરણ દેખાય છે. તેઓ કહે છે કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે, ત્યારે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ ફરી એક વખત તેમના મુદ્દાઓ અંગે રજૂઆત કરશે.
વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અંગેની રોજગાર નીતિની સમીક્ષા કરવાની માગ કરશે, જેથી કરીને તેમને ન્યાય મળે.
પહેલો સગો પાડોશી બનશે?
કાશ્મીરના બારામુલ્લામાં ફરજ બજાવતા રાકેશ પંડિતને પ્રધાનમંત્રી રાહત પૅકેજ હેઠળ શિક્ષણ વિભાગમાં નોકરી મળી એટલે તેમને પ્રથમ વખત પોતાના ગામડે પરત ફરવાની તક મળી.
રાકેશ મૂળતઃ ગુલમર્ગથી 12 કિલોમિટર દૂર તંગ્વારી પાઇનના છે. નોકીરી મળી ત્યારે શરૂઆતના સમયમાં તેમને પોતાના ગામડે જવાની ઉત્સુકતા હતી, પરંતુ હવે નથી રહી.
રાકેશ કહે છે કે ત્યાંના લોકો ખુલ્લા દિલે તેમને આવકારતા હોય તેવું નથી લાગતું.
તેઓ ઉમેરે છે કે 1990 પછી જન્મેલી પેઢીમાં ભારે ગુસ્સો છે. જેનાે કારણે બંને સમુદાય વચ્ચેની ખાઈ પુરાવાને બદલે વધુ પહોળી થતી ગઈ છે.
રાકેશ માને છે કે કાશ્મીરના ખીણપ્રદેશમાં પરત ફરીને ઘર વસાવવું શક્ય નથી.
પરિવાર, રોજગાર અને પ્રૉબ્લેમ
રાકેશ પંડિતા કહે છે, "હિજરત બાદ માતાપિતાએ જીવનમાં ભારે તણાવ ભોગવ્યો છે. તેમણે મુશ્કેલીઓ વેઠીને અમને ભણાવ્યા."
"જ્યારે તેમની સેવા કરવાનો સમય આવ્યો, ત્યારે રોજગાર માટે અમારે કાશ્મીરના ખીણપ્રદેશમાં પરત ફરવું પડ્યું."
સરકારે એ વિસ્થાપિત કાશ્મીરી પંડિત પરિવારો પાસેથી વૃદ્ધાવસ્થાનો આધાર ખૂંચવી લીધો.
પંડિત કહે છે, "જ્યાર સુધી કાશ્મીરીઓ અને પંડિત સમાજના પ્રતિનિધિઓ સાથે બેસીને આ મુદ્દે ચર્ચા નહીં કરે, ત્યાર સુધી ભાઈચારો પુનઃસ્થાપિત નહીં થાય."
"બંને પક્ષ સાથે મળીને પ્રયાસ કરશે ત્યારે જ તેમની વચ્ચેનું અંતર ઘટશે."
'આ એ કાશ્મીર નથી'
શૈલી પંડિતાના કહેવા પ્રમાણે, જે લોકોએ અન્યત્ર જિંદગીની નવેસરથી શરૂઆત કરી છે, તેમના માટે કાશ્મીરમાં ફરી સેટલ થવું શક્ય નથી.
પોતાની સમસ્યાનો ઉલ્લેખ કરતાં શૈલી કહે છે, "નોકરી મળી, તે પછી નવ વર્ષ સુધી કૉમન હાઉસિંગમાં રહી તથા અનેક સમસ્યાઓ વેઠી છે."
"ગત વર્ષથી અલગ ફ્લૅટ લીધો છે, પરંતુ લાંબા સમય સુધી કાશ્મીરમાં રહેવું મુશ્કેલ છે."
શૈલી ઉમેરે છે કે અત્યારે અમે ઉંમરના જે તબક્કે છીએ, એજ તબક્કે અમારાં માતા-પિતાએ કાશ્મીર છોડવું પડ્યું હતું. હવે કાશ્મીરનું કલ્ચર બદલાઈ ગયું છે, હવે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ છે.
શૈલીના પતિ અભિનવ હિંદુએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "કાશ્મીરીઓ તેમના સંતાનોને ભણાવવા માટે બહાર મોકલી દે છે, પરંતુ મજબૂરીમાં અમારે અમારાં સંતાનોને અહીં જ ભણાવવા પડે છે."
"ગત ઑગસ્ટમાં સ્કૂલો બંધ હતી, અમે જમ્મુમાં થોડું ભણતર કરાવ્યું. પરંતુ આવા સંજોગોમાં બાળકોને ભણાવવું મુશ્કેલ બની જાય છે. અમને એવું લાગી રહ્યું છે કે અમે તેમની સાથે અન્યાય કરી રહ્યાં છીએ."
શૈલી કહે છે કે કાશ્મીરમાં અમારે સગાંવહાલાં અને સંબંધીઓથી દૂર રહેવું પડે છે. કાશ્મીરમાં અમારી કોઈ સોશિયલ લાઇફ નથી."
"અહીં કોઈ થિયેટર નથી અને મુક્તપણે હરીફરી નથી શકાતું. ગમે ત્યારે સ્થિતિ કથળી જવાનો ડર સતાવતો રહે છે."
તેઓ કહે છે કે ગત 30 વર્ષ દરમિયાન અને કાશ્મીરી પંડિતોએ પોતાની કૂશળતાથી દેશ-વિદેશમાં નામ રોશન કર્યું છે, તેમના માટે કાશ્મીરમાં પરત ફરીને વધુ એક વખત વસવાટ કરવો મુશ્કેલ હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો