કોરોના વાઇરસ : એ પાંચ વાઇરસ જેણે આખા વિશ્વને ભરડામાં લીધું હતું

ચીનમાંથી વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી હાલ દુનિયાના અનેક દેશો ડરી રહ્યા છે.

ચીન સિવાય અમેરિકા, ભારત , હૉંગકૉંગ, બ્રિટન, તાઇવાન, મકાઉ, ફિલિપીન્સ, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા સહિત 20 જેટલા દેશોમાં કોરોના વાઇરસના રોગીઓ જોવા મળ્યા છે.

ભારતમાં કોરોના વાઇરસના ત્રણ કેસની પુષ્ટિ કરવામાં આવી છે અને મીડિયા અહેવાલો મુજબ ચીનથી લાવેલા 300થી વધારે ભારતીયોને ક્વૉરેન્ટાઇન માટે રાખવામાં આવ્યા છે.

ચીન સિવાય હૉંગકૉંગમાં આ વાઇરસે એક વ્યક્તિનો ભોગ લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બીમારીને વૈશ્વિક ઇમર્જન્સી જાહેર કરી હતી.

આ તો વાત થઈ કોરોના વાઇરસ વિશે પરંતુ દુનિયાએ આ પહેલાં એવી મહામારીઓ એટલે કે એવા વાઇરસનો સામનો કર્યો છે, જેમણે કરોડો લોકોનો ભોગ લીધો હોય.

આ પાંચ વાઇરસે વિશ્વ આખાને ભરડામાં લઈ લીધું હતું.

સ્પૅનિશ ફ્લૂ

સૌપ્રથમ વાત સ્પૅનિશ ફ્લૂની, જેને વિશ્વના અત્યાર સુધીના સૌથી ભયંકર રોગચાળા તરીકે ઓળખવામાં આવે છે.

20મી સદીની આ સૌથી ઘાતક મહામારી હતી. જેને સ્પૅનિશ ઇન્ફ્લુએન્ઝા તરીકે પણ ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે ઇન્ફ્લુએન્ઝા વાઇરસને કારણે ફેલાય છે.

આ વાઇરસથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં અન્ય વ્યક્તિ આવે તો તેને પણ આ વાઇરસ લાગુ પડી જાય છે.

1918-1919 દરમિયાન ફેલાયેલા આ ભયાનક રોગચાળામાં અઢી કરોડ લોકોનાં મોત થયાં હતાં. કરોડો લોકોનો ભોગ લેનારો આ વાઇરસ 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ફેલાયો હતો.

જોકે, તે ક્યાંથી ઉત્પન્ન થયો હતો તેના વિશે કોઈ જાણકારી નહોતી મળી શકી.

જોતજોતામાં તે યુરોપના દેશોમાં ફેલાઈ ગયો અને બાદમાં સમગ્ર વિશ્વમાં તેની અસર વર્તાવા લાગી. આ વાઇરસે ભારતમાં ભારે તબાહી મચાવી હતી.

એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના જણાવ્યા પ્રમાણે સ્પૅનિશ ફ્લૂને કારણે ભારતમાં લગભગ 1 કરોડ 25 લાખ લોકો માર્યા ગયા હતા.

આ સમયે ભારતની વસતી આશરે 31 કરોડ જેટલી હતી.

જ્યારે આ સ્પૅનિશ ફ્લૂને કારણે અમેરિકામાં પાંચ લાખ પચાસ હજાર લોકો મોતને ભેટ્યા હતા. આ વાઇરસે ફરી 1920માં પણ દેખા દીધી હતી.

એશિયન ફ્લૂ

1957ના ફેબ્રુઆરી મહિનામાં ઇસ્ટ એશિયામાંથી શરૂ થયેલા વાઇરસના કારણે લગભગ 20 લાખ લોકો મોતને ભેટ્યા હતા.

1918ના સ્પૅનિશ ફ્લૂ બાદ વિશ્વમાં ફેલાયેલો સૌથી ઘાતક વાઇરસ એશિયન ફ્લૂ હોવાનું માનવામાં આવે છે.

થોડા સમયમાં જ આ વાઇરસ ચીનના તમામ ભાગ સહિત આસપાસના દેશોમાં ફેલાયો હતો.

થોડા મહિનાઓ બાદ આ વાઇરસ અમેરિકા સુધી પહોંચ્યો અને લગભગ 68 હજાર લોકો તેના કારણે માર્યા ગયા.

હૉંગકૉંગ ફ્લૂ

એશિયન ફ્લૂની જેમ જ વિશ્વભરમાં દહેશત ફેલાવનાર અન્ય એક વાઇરસ હૉંગકૉંગ ફ્લૂ હતો, આ વાઇરસ 1968માં વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો હતો.

આ વાઇરસના ફેલાવાની શરૂઆત ચીનમાંથી થઈ હતી. 1968માં આ વાઇરસ ના શરૂઆતના કેસો નોંધાયા હતા અને 1970 સુધી વિશ્વભરમાં આ વાઇરસ લોકોનો ભોગ લેતો રહ્યો.

એવું માનવામાં આવે છે કે આ વાઇરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 10 લાખનો આંકડો વટાવી ચૂકી હતી.

એવી પણ શંકા છે કે 1957માં ફાટી ફેલાયેલો એશિયન ફ્લૂ વાઇરસનું જ હૉંગકૉંગ ફ્લૂ નવું સ્વરૂપ હતું.

હૉંગકૉંગમાં ફેલાયેલી આ બીમારી દક્ષિણ એશિયામાં પહોંચી.

તેના કેટલાક મહિનાઓ બાદ પનામા કૅનાલ ઝોન દ્વારા તે અમેરિકા પહોંચ્યો, જે બાદ યુનાઇટેડ કિંગ્ડમ, જાપાન, ઑસ્ટ્રેલિયા, આફ્રિકાના અનેક દેશો અને યુરોપના દેશોને આ વાઇરસે પોતાના ભરડામાં લીધા હતા.

સાર્સ વાઇરસ

21મી સદીમાં દુનિયાને ધ્રુજાવનારા સાર્સ વાઇરસની વાત કરીએ.

વર્ષ 2002ના નવેમ્બર મહિનામાં ચીનના ગ્વાંગડોંગમાં સૌપ્રથમ આ વાઇરસની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ આ વાઇરસની જેમને અસર થઈ હતી તે ડૉક્ટર હૉંગકૉંગ ગયા અને ત્યાં આ વાઇરસ ફેલાયો.

હૉંગકૉંગમાં આવતા વિશ્વભરના પ્રવાસીઓને લીધે જોતજોતામાં તે વિશ્વના અનેક દેશમાં ફેલાઈ ગયો.

એકલા ચીનમાં તેણે 800 લોકોનો ભોગ લીધો હતો. વિશ્વભરમાં તેને અટકાવવા માટે ચુસ્ત પગલાં લેવામાં આવ્યાં.

જૂન 2003 સુધીમાં તેના પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

સાર્સ એ કોરોના વાઇરસનું જ એક સ્વરૂપ છે. જે સામાન્ય રીતે ન્યુમોનિયા અને શરદી સાથે જોડાયેલો છે. આ વાઇરસની હજારો લોકો પર અસર થઈ હતી.

સ્વાઇન ફ્લૂ

આ વાઇરસનો ભોગ ગુજરાત વારંવાર બનતું આવ્યું છે અને જેની અસર નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ થઈ ચૂકી છે.

2009માં આવેલા સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂને H1N1થી પણ ઓળખવામાં આવે છે.

જેનો ભોગ ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોના લોકો બનતા આવ્યા છે.

સૌપ્રથમ આ વાઇરસ ફેબ્રુઆરી 2009માં મેક્સિકોના લા ગ્લોરિયામાં જોવા મળ્યો હતો. જ્યાં એક છોકરાને આ વાઇરસની અસર થઈ હતી.

તપાસ બાદ જાણવા મળ્યું કે તેનાં મૂળ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝામાં છે. એટલે કે ડુક્કરના વાઇરસમાં છે, તેથી તેને સ્વાઇન ફ્લૂ નામ આપવામાં આવ્યું.

બાદમાં આ વાઇરસના ભરડામાં અનેક દેશો આવી ગયા. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે કરોડો લોકો આ વાઇરસથી અસરગ્રસ્ત થયા છે અને હજારો લોકો તેના કારણે મોતને ભેટ્યા છે.

ભારતમાં 2010માં 1700 લોકો સ્વાઇન ફ્લૂને કારણે માર્યા ગયા. 2015 ભારત માટે સૌથી ખરાબ વર્ષ હતું. આ વર્ષે ભારતમાં સ્વાઇન ફ્લૂના 1,37,000 કેસ નોંધાયા જેમાંથી 10,600 લોકોનાં મોત થયાં.

જેમાં ગુજરાતમાં લગભગ 1800 લોકો માર્યાં ગયા. 2019 સુધીમાં ભારત સહિત વિશ્વભરમાં હજારો લોકો સ્વાઇ ફ્લૂના કારણે માર્યા ગયા છે.

વર્ષ 2009માં રશિયાથી પરત ફર્યા બાદ તે સમયના ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.

જ્યારે 2019ના જાન્યુઆરી મહિનામાં ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો પણ સ્વાઇન ફ્લુનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો