80 લાખ વર્ષ પહેલાં જ્યારે હિમાલયની ગોદમાંથી મળ્યો લીંબુનો પ્રથમ છોડ

    • લેેખક, હેલેન બ્રિગ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

તંદુરસ્તી માટે લાજવાબ ગણાતાં લીંબુનો વપરાશ ભારતમાં જ નહીં દુનિયાભરમાં ખૂબ પ્રચલિત છે. તાજાં લીંબુનો રસ કે લીંબુનું શરબત હોય કે પછી લીંબુનું અથાણું, દરેક મોસમમાં આ ખાટું ફળ ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

ત્વચાને સુંદર બનાવવમાં પણ લીંબુનો ઉપયોગ થતો હોય છે. પરંતુ ધમધોકાર ગરમીમાં તાજગી આપતાં લીંબુના વધતા ભાવને કારણે ઘરે-ઘરે વપરાતાં લીંબુ હાલ લોકોની પહોંચથી બહાર જઈ રહ્યાં છે.

આ વર્ષે પેટ્રોલ, ડીઝલ સહિત ખાદ્યતેલ, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તો લીંબુનો ભાવ 400 રૂપિયા પ્રતિકિલો પણ પહોંચ્યો હતો.

ત્યારે વાંચો કે હાલ લોકોના ખિસ્સા પર ભારે પડતા આ લીંબુ ક્યાંથી આવ્યા અને કેવી રીતે તે આપણાં ભોજનમાં સામેલ થયાં.

ડીએનએના પુરાવાઓ પ્રમાણે લીંબુ, નારંગી જેવાં તમામ ખાટાં ફળો મૂળ હિમાલયની દક્ષિણપૂર્વ હારમાળામાંથી આવ્યાં છે.

આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો અનુસાર, લીંબુ, નારંગી, સંતરા જેવા ખટાશવાળાં ફળોના છોડ સૌથી પહેલાં આશરે 80 લાખ વર્ષ પહેલાં મળી આવ્યાં હતાં.

આપણા રસોડા સુધી પહોંચતાં પહેલાં આ ફળો હિમાલયથી વિશ્વભરમાં પ્રસર્યાં હતાં.

ખટાશવાળાં ફળોના છોડ વિશ્વભરમાં સૌથી વધુ ઉછેરવામાં આવતા છોડમાંના એક છે, પરંતુ તેનો ઇતિહાસ હજુ સુધી અસ્પષ્ટ છે.

જેથી તેના ઇતિહાસ સુધી પહોંચવા અમેરિકા અને સ્પેનના વૈજ્ઞાનિકોએ આશરે 50 પ્રકારનાં ખટાશવાળાં ફળોનાં જિનોમની ચકાસણી કરી હતી.

2018માં નેચર જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, હાલનાં ખટાશવાળાં ફળો ધરાવતા છોડ સૌથી પહેલાં પૂર્વ આસામ, ઉત્તર મ્યાનમાર અને પશ્ચિમ યુનાનમાં જોવા મળ્યા હતા.

લાખો વર્ષો પહેલાં જ્યારે હવામાનમાં ધરખમ ફેરફાર થવા લાગ્યો ત્યારે આ છોડ હિમાલયમાંથી સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રસરવા લાગ્યા હતા.

ત્યાર બાદ અંદાજે 40 લાખ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા થઈને તે વિશ્વભરમાં પ્રસર્યા હતા.

શું નવી પ્રજાતિના ખાટાં ફળો શોધાશે?

સંશોધન દર્શાવે છે કે અત્યારે આપણે જે ખટાશવાળાં ફળો ખાઈએ છીએ, તે લાખો વર્ષની ઉત્ક્રાંતિનું પરિણામ છે.

વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા જિનેટિક નક્શા પરથી જાણી શકાશે કે ક્યાં પ્રકારનાં ફળો જીવાતોથી બચી શકે છે અથવા તો નવા જ પ્રકારના ફળ બનાવી શકે છે.

મુખ્ય સંશોધનકર્તા ગુઓહૉન્ગ આલ્બર્ટ વુ કહે છે, "ફળોની આ પ્રજાતિની વિવિધતા અને આનુવંશિક સંબંધોને સમજવાથી આપણા ઇચ્છનીય સ્વાદ અને રોગપ્રતિકારતા ધરાવતી ફળોની નવી પ્રજાતિના સંવર્ધન તરફ પ્રથમ પગલું છે."

બ્રિટનના રૉયલ બૉટેનિક ગાર્ડન્સની જૉર્ડેલ લૅબોરેટરના ડૉ. ઇલિયા લેઇત્ચ આ સંશોધન વિષે કહે છે કે તેનાંથી વધુ સારા ખટાશવાળાં ફળો મળી શકશે.

તેમણે કહ્યું, "આ સંશોધન સૂચવે છે કે જે ફળોને આપણે ખૂબ સામાન્ય ગણીએ છીએ તે સ્થળાંતર, ક્રૉસ બ્રીડિંગ તેમજ ડીએનએમાં ફેરબદલ જેવો આગવો ભૂતકાળ ધરાવે છે."

ખટાશવાળાં ફળોનો ફૉસિલ રૅકર્ડ ખૂબ જ નબળો છે. દક્ષિણ-પશ્ચિમ ચીનમાંથી મળી આવેલા એક પાંદડાના જિનેટિક અભ્યાસ પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે ખટાશવાળાં ફળોના છોડ આશરે 80 લાખ વર્ષ પહેલાં જોવા મળતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો