સરહદે તણાવ, આત્મનિર્ભર ભારત અભિયાન છતાં ભારત શા માટે ચીન પર વધુ નિર્ભર બન્યું?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચાલુ (એપ્રિલ) મહિનાની શરૂઆતમાં ભારતે પોતાનું પહેલું મેઇડ ઇન ઇન્ડિયા હળવું વિમાન ઉડાડ્યું. 17 સીટ ધરાવતું આ ડોર્નિયર વિમાન અરુણાચલ પ્રદેશનાં દૂરનાં પાંચ શહેરોને આસામના દિબ્રૂગઢ સાથે જોડે છે. એનું નિર્માણ ઍરોનોટિક્સ લિમિટેડે કર્યું છે.

સાચા અર્થમાં તે આત્મનિર્ભર બન્યાનું તાજું ઉદાહરણ હતું. વડા પ્રધાને બે વર્ષ પહેલાં એટલે કે 12 મે, 2020એ ભારતને આત્મનિર્ભર બનાવવાની જાહેરાત કરી હતી અને 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ રજૂ કર્યું હતું.

પીએમ મોદીએ તેને પ્રમોટ કરવા માટે 'વોકલ ફૉર લોકલ' જેવું આકર્ષક સ્લોગન પણ આપ્યું હતું. દેશે તેની પ્રશંસા કરી. આનંદ મહિન્દ્રા જેવા ઉદ્યોગપતિઓએ તેને 'ગેમ ચેન્જર' કહ્યું.

આત્મનિર્ભર બનવાનો વડા પ્રધાનનો આ મોટો નિર્ણય ચીન સાથેના વધતા તણાવના સંદર્ભમાં લેવાયો હતો. તમને યાદ હશે કે ભારતના લોકોને અચાનક ચીન પર એટલો બધો ગુસ્સો આવ્યો કે ઘણાએ પોતાની પાસેની 'મેઇડ ઇન ચાઇના' વસ્તુઓનો નાશ કરી દીધો અને ચાઇનીઝ વસ્તુઓને ક્યારેય નહીં ખરીદવાનો નિર્ણય કર્યો.

તેમજ મોદી સરકારે સંખ્યાબંધ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો અને ચીનથી આવેલી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓને કસ્ટમ્સ દ્વારા ક્લિયરન્સ મળવામાં મુશ્કેલી પડવા લાગી. જનતાનો સ્પષ્ટ સંદેશ હતો કે ચાઇનીઝ વસ્તુઓના બદલે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવામાં આવે.

પરંતુ પાયાની સ્થિતિ એ છે કે તમામ કવાયતો છતાં ચીનમાં બનેલી વસ્તુઓની આયાત વધારે ઝડપથી વધી છે. ચીને તાજતરમાં જ ભારત સાથેના દ્વિપક્ષીય વેપારના આંકડા જાહેર કર્યા છે, તે અનુસાર એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધીમાં આ વેપાર લગભગ 130 અબજ ડૉલરનો હતો, જે ગયા નાણા વર્ષની સરખામણીએ 44 ટકા વધારે હતો.

આ ગાળા દરમિયાન ભારતે ચીનમાંથી 103.47 અબજ ડૉલરનો સામાન આયાત કર્યો જે ગયા વર્ષે 66 અબજ ડૉલરની નજીક હતો. ભારતે ચીનને કરેલી નિકાસ પણ વર્ષ 2020-21ના 17.51 અબજ ડૉલરથી વધીને 2021-22માં 26.46 અબજ ડૉલર થઈ ગઈ.

પરંતુ ચિંતાનો વિષય એ છે કે ભારતને વર્ષ 2020-21માં 44.02 અબજ ડૉલરની વેપારખાધ થઈ હતી જે 2021-2022માં વધીને 77 અબજ ડૉલર થઈ ગઈ. એટલે કે ભારતે ચીનને જેટલો માલ વેચ્યો એનાથી 77 અબજ ડૉલરનો વધારે માલ ચીને ભારતને વેચ્યો.

આત્મનિર્ભરતા પર વધતો નીતિગત ભાર અને સરહદ પર તણાવભરી સ્થિતિ હોવા છતાં ચાઇનીઝ આયાત પર નિર્ભરતા ઓછી કરવાના ભારતના પ્રયાસમાં સફળતા નથી મળી. ચીનની સાથે દેશનો દ્વિપક્ષીય વેપાર વધતો જ જાય છે અને એમાં ચીન વધારે ફાયદામાં છે.

ભારત અને ચીનના આ તાજા આંકડાને વિશેષજ્ઞો કઈ રીતે જુએ છે?

વિશ્લેષણ - ડૉક્ટર ફૈસલ હમદ, ચાઇનીઝ બાબતોના વિશેષજ્ઞ, FORE સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ

ચીન સાથેનો ભારતનો દ્વિપક્ષીય વેપાર વધશે તે નક્કી છે. એના માટેનાં ત્રણ કારણ છે. પહેલું, આ ક્ષેત્રના અન્ય કોઈ પણ દેશની સરખામણીએ ઑપરેશનના સ્કેલ, પ્રૌદ્યોગિકી અને ગ્લોબલ વૅલ્યૂ ચેન્સ (GVC)ની બાબતમાં ચીન ઘણી સારી સ્થિતિમાં છે.

બીજું, ભારતની આત્મનિર્ભરતા નીતિ ચીનની વિરુદ્ધ લક્ષિત નથી, બલકે તે ઘરેલુ કેન્દ્રિત નીતિ છે, જેનો ઉદ્દેશ ભારતની પોતાની ઘરેલુ ઉત્પાદન ક્ષમતા વધારવાનો અને પોતાની 'સપ્લાય-સાઇડ કન્સ્ટ્રેટ્સ' (પુરવઠા સાથે સંકળાયેલી સમસ્યાઓ)ને ઓછી કરવાનો છે.

તેથી અહીં એ સમજવું જરૂરી છે કે આત્મનિર્ભરતા નિર્ભરતાનો અંત નથી, બલકે તે ભારતની પરસ્પર આર્થિક નિર્ભરતાને એટલું જ પ્રોત્સાહન આપતી રહેશે જેટલા આપણી ઘરેલુ ઉત્પાદન ક્ષમતા વધારવાના પ્રયત્નો થાય છે.

ત્રીજું, જો આપણે એક પ્રમુખ નિકાસકર્તા દેશ બનવા માગીએ તો આપણે એક પ્રમુખ આયાતકર્તા દેશ પણ બનવું પડશે. ભારત માટે ખર્ચ કિંમતના કારણે ચીન સૌથી મહત્ત્વપૂર્ણ આયાત સ્રોત છે. સાથે જ મોટા ભાગની વસ્તુઓ માટે ત્યાં પહેલેથી બનેલી અને કામ કરતી સપ્લાય ચેન છે.

ચીનની સાથે વ્યાપાર અસંતુલન ઘટાડવાની એક રીત સપ્લાય ચેન રેસિલિએન્સ ઇનિશિયેટિવ (જેમાં જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ થાય છે.) અને ચીન પ્લસ વન (કેવળ ચીનમાં રોકાણ નહીં કરવાની વ્યાપારી રણનીતિ) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જોકે બંનેથી ભારતને ઇચ્છિત પરિણામો નથી મળ્યાં.

ચીનની સાથેના વ્યાપારી અસંતુલનને ઘટાડવાની એક સારી રીત એવી હોઈ શકે કે એક નવી ભારતી-ચીન વેપાર અને રોકાણ સમજૂતી પર વાટાઘાટ થાય. એમાં માત્ર વસ્તુઓનો સમાવેશ થાય એવું નહીં, બલકે રોકાણ પણ સામેલ થવું જોઈએ. સર્વિસિસમાં વેપાર માટે બજાર સુધી પહોંચવામાં વૃદ્ધિ પણ સામેલ થવી જોઈએ.

આ રીતની સમજૂતીથી એ સમજવામાં મદદ મળશે કે બંને દેશ એકબીજાના ટૅરિફમાં કેટલી છૂટ આપી શકે છે. આપણે જોયું છે કે આરસીઇપી એગ્રીમેન્ટ (ધ રિઝનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ)માં તે એક મોટો અવરોધ હતો, કેમ કે ભારતીય ઉદ્યોગનું એવું માનવું હતું કે ભારતના આરસીઇપીમાં જોડાવાથી ચીનમાંથી આયાત ખૂબ જ વધી જશે.

આપણે સૌ જાણીએ છીએ કે આરસીઇપી બ્લૉક પરસ્પર વેપાર કરી શકાય એવી 90 ટકાથી વધારે વસ્તુઓ પર ટૅરિફને ધીમે ધીમે સમાપ્ત કરવા માગે છે, જેમાં નવેમ્બર, 2019માં ભારત વાટાઘાટમાંથી બહાર નીકળી ગયો પછી હવે 15 દેશો જ સામેલ છે.

એ સ્થિતિમાં જો ભારત અને ચીન એક નવી સમજૂતી અંગે વાટાઘાટ કરે તો ભારત પોતાનાં આર્થિક હિતો માટે સારી રીતે નેગોશિયેટ કરી શકે છે અને ચીનમાં ભારતની નિકાસ વધારવા માટે બજારમાં સારી પહોંચ શોધી શકે છે.

આ રીતે ભારત ચીનની સાથે વેપારી અસંતુલન ઘટાડી શકે છે. તે ઉપરાંત, ચીનમાંથી 'માન્ય' એફડીઆઇ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ) પ્રવાહને વેપારી અસંતુલન ઘટાડવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

સાથે જ, સમજૂતીમાં સર્વિસિસનો સમાવેશ પણ કરવો જોઈએ, જેથી ભારત ચીનમાં સર્વિસિસ ક્ષેત્રમાં બજાર સુધી પહોંચ બનાવી શકે.

જોકે, ભારત દ્વારા કરાયેલી માગ અનુસારનો સર્વિસિસ ક્ષેત્રનો સોદો આરસીઇપીની વાટાઘાટ દરમિયાન સફળ ન થયો, પરંતુ સંભવિત રૂપે ચીન સાથે દ્વિપક્ષીય સ્તરે એને સારી રીતે કરી શકાય એમ છે.

ભારત-ચીન વેપાર અને રોકાણ સમજૂતી જો થાય તો તે મોટી વાત ગણાશે. એમાં ઘણા સ્તરની વાતચીતનો સમાવેશ થશે અને એમાં ઘણો સમય પણ લાગશે. તેમ છતાં એમાં ભારત-ચીન દ્વિપક્ષીય વ્યાપારી અસંતુલનને યુક્તિસંગત બનાવવાની દિશામાં ઘણો મોટો ફાળો આપવાની ક્ષમતા હશે.

તે ઉપરાંત, તે ભારત માટે આગામી સમયમાં આરસીઇપીમાં સામેલ થવાની સંભાવનાઓ પણ ઊભી કરશે. આ પ્રકારે ભારત અને ચીન બંને માટે તે ફાયદાકારક રહેશે. તાજેતરમાં જ થયેલી ભારત-ઑસ્ટ્રેલિયા વ્યાપાર સમજૂતી, સંભવિત ભારત-ચીન સોદા માટે પણ ઉદાહરણરૂપ બને છે.

વિશ્લેષણ - હુઆંગ યૂનસોંગ, સિચુઆન યુનિવર્સિટી સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ, ચેંગદૂ, ચીન

ચીન અને ભારત વચ્ચે હજુ પણ સરહદે તણાવભરી સ્થિતિ છે. જોકે દ્વિપક્ષીય વેપાર અપેક્ષા અનુસાર આગળ વધી રહ્યો છે. અહીં ત્રણ વાતો મહત્ત્વપૂર્ણ છે. સૌથી પહેલી, ચીન અને ભારતનો વેપારી સંબંધ ભૂ-રાજકીય પરિસ્થિતિઓના કારણે આર્થિક જરૂરિયાતો પર આધારિત છે. જ્યાં સુધી બંને દેશ વચ્ચે આર્થિક અને વ્યાપારિક સહયોગ એમનાં રાષ્ટ્રીય હિતોને અનુરૂપ છે, કોઈ પણ આંતરિક અને બાહ્ય શક્તિ એના વિકાસને આસાનીથી અવરોધી નહીં શકે.

બીજી, સરહદનો મુદ્દો ચીન-ભારતના સંબંધોનો એક નાનકડો ભાગ છે. જ્યારે સંયુક્ત પ્રયાસોથી સરહદની સ્થિતિને નિયંત્રિત કરી શકાય તો દ્વિપક્ષીય સંબંધ પૂરેપૂરા ખરાબ નહીં થાય. ચીને વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે.

ત્રીજી વાત છે, ચીન અને ભારત અર્થવ્યવસ્થા અને વ્યાપારી ક્ષેત્રે એકબીજાના પૂરક છે, જે વ્યાપાર સંબંધોની એમની પારસ્પરિક નિર્ભરતા અને વ્યવહારુતા દર્શાવે છે. ટૂંકમાં, બંને પક્ષોએ તાજા વ્યાપારી આંકડાથી પ્રોત્સાહિત અને ખુશ થવું જોઈએ અને એમણે ચિંતા કરવાના બદલે વિશ્વાસપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.

યુક્રેન યુદ્ધના લીધે વૈશ્વિક સપ્લાય ચેન સામે ગંભીર જોખમ ઊભું થયું છે, ખાસ કરીને ઊર્જા, ખાતર અને ખાદ્ય પદાર્થો માટે. આર્થિક અને સામાજિક વિકાસ પર એનો સ્થાયી, મહત્ત્વપૂર્ણ અને ઘણો વિનાશકારી પ્રભાવ પડી શકે છે.

દુર્ભાગ્યે યુક્રેન યુદ્ધ સામે અમેરિકા, નેટો અને યુરોપીય સંઘનો દૃષ્ટિકોણ શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ નથી બતાવતો. તે વૈશ્વિક સપ્લાય ચેનના સંકટને ઓર વધારશે અને ચીન અને ભારત બંનેનાં રાષ્ટ્રીય હિતોને સુસંગત નહીં હોય. તે જોતાં કે રશિયા મુખ્ય વસ્તુનો પુરવઠો પૂરો પાડનારાઓમાંનો એક છે, રશિયા સાથે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધ સ્થાપિત કરવો ભારત અને ચીન માટે ચોક્કસપણે સાચો વિકલ્પ છે. પશ્ચિમના આધાર વગરના આરોપો અને વધતા જતા દબાણ છતાં ચીન અને ભારતે પોતપોતાનાં રાષ્ટ્રીય હિતમાં કામ કરવું જોઈએ.

ચીન અને ભારત બંને ઊભરતા વિકાસશીલ દેશ છે, જેમનાં હિતો સમાન છે. ભલે પછી તે આર્થિક અને સામાજિક વિકાસનાં હિત હોય, લોકોના જીવનની ગુણવત્તામાં સુધાર લાવવાનાં હોય કે પછી રાષ્ટ્રીય સ્તરે સકારાત્મક બદલાવ લાવવાનાં હોય, આપણાં હિત સમાન છે.

જો ચીન અને ભારત એકબીજાની વિરુદ્ધ કામ કરે તો એ લક્ષ્ય માત્ર એક સપનું બનીને રહી જશે. તેથી આપણી પાસે દ્વિપક્ષીય વેપારના વિકાસને અટકાવવા માટેનું કોઈ કારણ નથી.

ચીન અને ભારત જેવા વિશાળ વિકાસશીલ દેશો માટે 130 અબજ ડૉલરનો વેપાર ખૂબ વધારે નથી, બલકે ઘણો ઓછો છે. જુદા જુદા આંતરિક અને બાહ્ય અવરોધોના કારણે દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોની શક્યતાઓનો પૂરેપૂરો ઉપયોગ નથી થઈ રહ્યો.

તે મુખ્યરૂપે બંને દેશોની લીડરશિપ પર આધારિત છે કે તેઓ આ વાસ્તવિકતાને સમજ્યા પછી પૂરી ક્ષમતાનો લાભ લેવા માટે રાજકીય ઇચ્છાશક્તિ ધરાવે છે કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો