દલાઈ લામા : ચીનથી પોતાનો જીવ બચાવવા રાતોરાત તિબેટ છોડી ભારત ભાગી નીકળ્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

માર્ચ 1959 આવતાં પહેલાં લ્હાસામાં એક અફવા ફેલાઈ ગઈ હતી કે દલાઈ લામાનું જીવન જોખમમાં છે અને ચીન એમને નુકસાન પહોંચાડી શકે છે.

જ્યારે ચીનીઓએ 10 માર્ચે દલાઈ લામાને ચીનના સૈન્ય મુખ્યાલયમાં એક સાંસ્કૃતિક સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા, ત્યારે, આ અફવા વધારે નક્કર થઈ ગઈ. આ સાંભળતાં જ દલાઈ લામાના મહેલ નોરબુલિંગકાની ચારેબાજુ લોકોની ભીડ એકઠી થવા લાગી.

ટોળાને શંકા હતી કે આ આમંત્રણ દલાઈ લામાને જાળમાં ફસાવવા માટેનું ચીનનું ષડ્‌યંત્ર હતું. એમનું માનવું હતું કે જો દલાઈ લામા એ સમારોહમાં જશે, તો એમની ધરપકડ કરી લેવાશે.

ભારતનાં પૂર્વ વિદેશ સચિવ નિરુપમા રાવે તાજેતરમાં જ પ્રકાશિત થયેલા પોતાના પુસ્તક 'ધ ફ્રૅક્ચર્ડ, હિમાલય, ઇન્ડિયા, તિબેત, ચાઇના, 1949-1962'માં લખ્યું છે, "લોકોની ચિંતા એ વાતે વધી ગઈ કે ચીનીઓએ દલાઈ લામાને આ સમારોહમાં પોતાના અંગરક્ષકો વગર આવવા માટે કહેલું."

"છેવટે એવું નક્કી થયું કે દલાઈ લામા એ સમારોહમાં નહીં જાય. બહાનું એવું કઢાયું કે લોકોની ભીડને જોતાં એમના માટે પોતાના મહેલમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હશે."

એમણે લખ્યું છે કે, "16 માર્ચ સુધી એવા સમાચાર મળતા રહ્યા કે ચીનીઓ દલાઈ લામાના મહેલ નોરબુલિંગકાને નષ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. એમણે મહેલની ચારેબાજુ તોપ લાવવાનું શરૂ કરી દીધું છે. એવી પણ અફવા ઊડી કે વિમાનો દ્વારા ચીની સૈનિકો લ્હાસા આવવા લાગ્યા છે. મહેલની નજીક ફૂટેલા બે બૉમ્બથી પણ એવા સંકેત મળ્યા હતા કે અંત નજીક છે અને વિના વિલંબ કશુંક મોટું કરવાની જરૂર છે."

દલાઈ લામાએ મહેલ છોડ્યો

દલાઈ લામાના અંગત સલાહકારોએ નક્કી કર્યું કે દલાઈ લામાએ તરત જ લ્હાસા છોડી દેવું જોઈએ. 17 માર્ચની રાત્રે દલાઈ લામાએ વેશ બદલીને પોતાનાં માતા, નાના ભાઈ, બહેન, અંગત સહાયકો અને અંગરક્ષકોની સાથે પોતાનો મહેલ છોડી દીધો.

દલાઈ લામાએ આત્મકથા 'માય લૅન્ડ ઍન્ડ માય પિપલ, મેમૉએર્સ ઑફ દલાઈ લામા'માં લખ્યું છે, "અમે લોકો ત્રણ ટુકડીમાં રવાના થયા. સૌથી પહેલાં બપોરે મારા શિક્ષક અને કશાગના ચાર સદસ્યો એક ટ્રકમાં તાડપત્રીની નીચે સંતાઈને નીકળી ગયા. તે બાદ મારાં માતા, મારો નાનો ભાઈ તેનઝિન ચોગ્યાલ, બહેન સેરિંગ ડોલમા અને મારા કાકા વેશપલટો કરીને નીકળી ગયાં. મારાં માતા અને બહેને પુરુષોનો પોશાક ધારણ કર્યો હતો."

તેમણે લખ્યું છે કે, "રાતના દસ વાગ્યે હું પણ મારા ચશ્માં કાઢીને એક સામાન્ય તિબેટિયન સૈનિકના વેશમાં ચૂબા અને પાટલૂન પહેરીને બહાર નીકળ્યો. મારા ડાબા ખભે એક રાઇફલ ભરાવી હતી. મારી સાથે મારા ચીફ ઑફ સ્ટાફ ગદરંગ અને મારા અંગરક્ષકોના પ્રમુખ તથા બનેવી ફુંસતોંગ તાશી તાકલા પણ હતા."

એ મુશ્કેલીભરી સફરને યાદ કરતાં દલાઈ લામાએ લખ્યું છે, "જ્યારે અમે ભીડને ચીરીને બહાર નીકળ્યા તો કોઈએ અમને ઓળખ્યા નહીં. મેં ઓળખાઈ જવાની બીકે મારાં ચશ્માં તો કાઢી નાખ્યાં હતાં પરંતુ મને સામે કશું દેખાતું નહોતું. જ્યારે અમે નીકળ્યા ત્યારે અનુમાન નહોતું કે અમે બીજો દિવસ જોઈ શકીશું કે નહીં. જ્યારે અમે ચે-લા પહોંચ્યા ત્યારે અમને પહેલી વાર અનુભવાયું કે જોખમ ટળી ગયું છે. સ્થાનિક લોકો અમારા માટે ઘોડા લઈ આવ્યા હતા. અમે એના પર સવાર થયા અને મેં પાછળ ફરીને છેલ્લી વાર લ્હાસા તરફ જોયું."

એ વિસ્તારમાં હજારો ચીની સૈનિક પહેરો ભરતા હતા. તેથી તેમના ઓળખાઈ અને પકડાઈ જવાની બીક હતી. દલાઈ લામા અને એમના સાથીઓએ પહેલાં કીચૂ નદી પાર કરી. એ નદીના સામા કિનારે બે ટુકડી એમની રાહ જોતી હતી.

અહીંયાં દલાઈ લામાએ પોતાનાં ચશ્માં ફરીથી પહેરી લીધાં, તેથી એમને બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાવા લાગી. દલાઈ લામા આખી રાત ચાલતા રહ્યા. ચે-લામાં થોડો વિરામ કર્યા પછી તેમણે બ્રહ્મપુત્ર નદી પાર કરી અને તિબેટની દક્ષિણ બાજુ આગળ વધી ગયા.

તેનઝિંગ તીથૌંગે દલાઈ લામાના જીવનચરિત્ર 'દલાઈ લામા : એન ઇલસ્ટ્રેટેડ બાયોગ્રાફી'માં લખ્યું છે કે, "25 માર્ચે એક ખાસ કોડ દ્વારા એમણે અમેરિકન જાસૂસી સંસ્થા CIAને સંદેશો મોકલ્યો કે દલાઈ લામા સુરક્ષિત છે. દર 24 કલાકના અંતરે દલાઈ લામાના દળનો પ્રગતિ રિપોર્ટ રાષ્ટ્રપતિ આઇઝનહૉવર સમક્ષ રજૂ કરાતો રહ્યો. દરમિયાન, દલાઈ લામા છટકીને બચી ગયાના સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા હતા અને દુનિયાભરનાં અખબારો એને મુખ્ય સમાચાર બનાવતાં હતાં."

દલાઈ લામાએ નહેરુને સંદેશો મોકલ્યો

લુટસે ઝોગ પહોંચીને દલાઈ લામાએ નવી તિબેટ સરકાર રચવાની પ્રક્રિયા પૂર્ણ કરી. આ સમારોહમાં લગભગ એક હજાર લોકોએ ભાગ લીધો પરંતુ ત્યાં સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તિબેટમાં દલાઈ લામાના જીવન પર મોટું જોખમ હતું. તેથી ભારત અને અમેરિકાને સંદેશા મોકલાયા કે દલાઈ લામા સરહદ પાર કરીને ભારતમાં શરણ લેવા માગે છે.

CIAના એક વરિષ્ઠ અધિકારી જૉન ગ્રીનીને 28 માર્ચે આ સંદેશો મળ્યો. એમણે તરત જ દિલ્હી સૂચના મોકલીને દલાઈ લામાની ઇચ્છા વિશે જણાવ્યું.

એની પહેલાં, 26 માર્ચે, દલાઈ લામા ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને સંદેશો મોકલી ચૂક્યા હતા, "માનવીય મૂલ્યોના સમર્થન માટે ભારતના લોકો આખી દુનિયામાં વિખ્યાત છે. અમે સોના વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમને આશા છે કે તમે ભારતની ધરતી પર અમારા રહેવાની વ્યવસ્થા કરશો. અમને તમારી મહેરબાની પર પૂરો વિશ્વાસ છે."

આ દરમિયાન, દાર્જિલિંગમાં રહેતા દલાઈ લામાના ભાઈ ગ્યાલો થૌનડુપ વડા પ્રધાન નહેરુને મળી ચૂક્યા હતા.

તેમણે આત્મકથા 'ધ નૂડલ મેકર ઑફ કલિંમપૌંગ'માં લખ્યું છે, "હું જવાહરલાલ નહેરુને એમની સંસદભવનની ઑફિસમાં મળ્યો. ઇન્ટેલિજન્સ બ્યૂરોના પ્રમુખ બી. એન. મલિકની મદદથી આ મુલાકાત થઈ શકી. નહેરુએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે દલાઈ લામા સુરક્ષિત તો છે ને? જ્યારે મેં દલાઈ લામાની ભારતમાં શરણ લેવાની વિનંતી વિશે એમને જણાવ્યું ત્યારે નહેરુએ તરત જ એના માટે 'હા' કહ્યું."

બીજા દિવસે દલાઈ લામા ઝોરા ગામમાંથી પસાર થઈને કાર્પો-લા પાસ પહોંચ્યા. એ દરમિયાન એક વિમાન એમની ઉપરથી પસાર થયું. દલાઈ લામાના દળમાં એવી શંકાથી ગભરાટ ફેલાયો કે ક્યાંક ચીનીઓને એમની ખબર તો નથી પડી ગઈ ને.

દલાઈ લામાના ભાઈ તેનઝિંગ ચોગ્યાલે લખ્યું છે કે, "અમે લોકો બે ટુકડીમાં વહેંચાઈ ગયા અને બે દિવસ સુધી આગળ વધતા રહ્યા. દરમિયાનમાં અમે ભારતીય સરહદે જે સંદેશવાહક મોકલ્યા હતા તેઓ પાછા આવીને અમારી સાથે જોડાઈ ગયા. સૌથી પહેલાં એમણે અમને સમાચાર આપ્યા કે દલાઈ લામાને ભારતમાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે. દરમિયાનમાં દલાઈ લામા બીમાર પડી ગયા. એમને તાવ આવી ગયો અને એમનું પેટ પણ ખરાબ થઈ ગયું.

બે દિવસ પછી 31 માર્ચે ભારતીય સરહદ પાસે પહોંચીને દલાઈ લામાએ એવા લોકો પાસેથી વિદાય લીધી જેઓ તિબેટમાં રહેવા માગતા હતા. એમણે વિશેષ કરીને બે રેડિયો ઑપરેટર્સ અતહર અને લોત્સેને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યાં.

31 માર્ચ, 1959ના બપોરે બે વાગ્યે દલાઈ લામાએ હાલના અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના છુતાંગમૂથી યાકની પીઠ પર બેસીને ભારતની સીમામાં પ્રવેશ કર્યો.

સરહદે એમની રાહ જોઈ રહેલા સહાયક પૉલિટિકલ ઑફિસર ટી. એસ. મૂર્તિએ એમનું સ્વાગત કરીને એમને વડા પ્રધાન નહેરુનો સંદેશો પાઠવ્યો. અહીં જ નક્કી થયું કે દલાઈ લામાની સાથે આવેલા સામાન ઉપાડનારા મજૂરોને તિબેટ પાછા મોકલી દેવાશે અને એમનો સામાન હવે ભારતીય મજૂરો ઉપાડશે.

દલાઈ લામા અને એમના અંગત પરિવારને બાદ કરતાં એમના દળના બધા સદસ્યોનાં હથિયાર ભારતીય વહીવટીતંત્રને સોંપી દેવાયાં.

વિમાનોમાંથી આવશ્યક પુરવઠો ફેંકાયો

તવાંગમાં દલાઈ લામાના દળને મોટાં-મોટાં ઘરમાં રહેવાની સગવડ કરી અપાઈ.

તીથૌંગે દલાઈ લામાના જીવનચરિત્રમાં લખ્યું છે કે, "જે દિવસે દલાઈ લામા ભારત પહોંચ્યા ત્યારે ભારતીય વાયુસેનાનાં વિમાનોએ એમના દળના સદસ્યો માટે ઉપરથી લોટની બોરીઓ, જૂતાં અને રોજિંદી જરૂરિયાતનો સામાન ફેંક્યો."

તેમણે લખ્યું છે કે, "6 એપ્રિલે તવાંગના જિલ્લા કમિશનર હરમંદરસિંહે દલાઈ લામાને વડા પ્રધાન નહેરુનો સંદેશો આપ્યો કે, "હું અને મારા સાથી તમારું સ્વાગત કરીએ છીએ અને ભારતમાં સુરક્ષિત પહોંચવા બદલ તમને અભિનંદન પાઠવીએ છીએ. તમને, તમારા પરિવારને અને તમારા દળના સદસ્યોને ભારતમાં રહેવા માટે જરૂરી સગવડો ઉપલબ્ધ કરાવવાથી અમને ખુશી મળશે. ભારતના લોકો તમારું ખૂબ સન્માન કરે છે અને એમને તમારા યજમાન બનવાથી ખૂબ આનંદ મળશે."

દલાઈ લામા અને એમનું દળ તવાંગથી 185 કિલોમિટર દૂર બોમડિલામાં કેટલાક દિવસ આરામ કરવા ઇચ્છતાં હતાં. આસામ રાઇફલના સૈનિક અરુણાચલ પ્રદેશનાં જંગલોમાં થઈને દલાઈ લામાને બોમડિલા લઈ ગયા. ત્યાં એમને ભારતીય સૈનિકોએ ગાર્ડ ઑફ ઑનરનું સન્માન આપ્યું.

બોમડિલામાં થોડા દિવસ રહ્યા પછી દલાઈ લામા 18 એપ્રિલે તેઝપુર પહોંચ્યા, જ્યાં એમણે ભારતની ધરતી પરથી પહેલી વાર એક બયાન જાહેર કર્યું.

એમાં કહેવાયું કે, "તિબેટના લોકોએ હંમેશાં આઝાદીની પ્રબળ ઇચ્છા પ્રગટ કરી છે. તિબેટના લોકો ચીનીઓ કરતાં અલગ છે. 17 સૂત્રી સમજૂતી પર ચીને જબરજસ્તીથી અમારા હસ્તાક્ષર કરાવ્યા હતા. લ્હાસામાં દલાઈ લામાના જીવનને જોખમ હતું. તેથી નક્કી કરાયું કે તેઓ લ્હાસા છોડી દેશે. દલાઈ લામા ભારતના લોકો અને સરકારના ખૂબ જ આભારી છે કે એમણે માત્ર અમારું સ્વાગત જ ના કર્યું, બલકે અમારા અનુયાયીઓને પણ શરણ આપ્યું."

દરમિયાન, ચીને દલાઈ લામાને શરણ આપવાના ભારતના નિર્ણયની તીવ્ર પ્રતિક્રિયા આપતાં આકરા શબ્દોમાં પોતાની નારાજગી પ્રકટ કરી.

તેનઝિંગ તીથૌંગે લખ્યું છે કે, "ચીને તેઝપુર વક્તવ્યની નિંદા કરતાં કહ્યું કે તિબેટની આઝાદીની વાત કરવી એ એક રીતે ચીનની સરકાર પર હુમલો છે. એમણે કહ્યું કે ભારતે પંચશીલ સમજૂતી અંતર્ગત સ્વીકારી લીધું હતું કે તિબેટ ચીનનું અંગ છે. ચીને ભારત પર આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ પણ કર્યો."

ચીનનો ગુસ્સો અને નહેરુ સાથેની મુલાકાત

જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું કે દલાઈ લામા અને એમના દળને મસૂરીમાં રાખવામાં આવશે.

18 એપ્રિલે દલાઈ લામા એક વિશેષ ટ્રેન દ્વારા મસૂરી જવા રવાના થયા. એની પહેલાં અમેરિકાએ રજૂઆત કરી હતી કે દલાઈ લામાને સ્વિટ્‌ઝર્લૅન્ડ કે થાઇલૅન્ડમાં રાખવામાં આવી શકે છે. પરંતુ પછી નક્કી થયું કે એમના રહેવા માટે ભારત આદર્શ સ્થળ હોઈ શકે, કેમ કે, અહીંથી તિબેટમાં રહેતા પોતાના લોકો સાથે તેઓ સંપર્કમાં રહી શકે છે.

મસૂરી પહોંચતાં જ દલાઈ લામાને બિરલા હાઉસ લઈ જવાયા. આ જગ્યાએ તેઓ એક વર્ષ સુધી રહ્યા. દલાઈ લામાને મળવા માટે નહેરુ 24 એપ્રિલે મસૂરી આવ્યા. એમની વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણમાં ચાર કલાક લાંબી વાતચીત થઈ.

દલાઈ લામાએ આત્મકથા 'માય કન્ટ્રી માય પિપલ'માં લખ્યું છે, "મને લાગ્યું કે વાતચીત દરમિયાન જ્યારે મેં નહેરુની સમક્ષ લ્હાસાની બહાર તિબેટ સરકારના ગઠનની ઇચ્છા પ્રકટ કરી ત્યારે તેઓ મારા પણ ઘણી વાર ખિજાયા. જ્યારે મેં અહિંસક રીતે તિબેટની આઝાદીની કોશિશ કરવાની વાત કરી તો એમણે ઘણી વાર ટેબલ પર પોતાનો હાથ પછાડ્યો અને ગુસ્સાથી એમનો નીચલો હોઠ કંપવા લાગ્યો."

"નહેરુએ 'એ સંભવ નથી.' એમ કહીને એને નકારી દીધી. એમણે બે ટૂંકા શબ્દમાં મને કહ્યું કે તિબેટ તરફથી લડવું સંભવ નહીં થાય."

"એમણે કહ્યું, 'આ પ્રકારના કોઈ પણ સૂચનથી અમારી ઝુંબેશને ફટકો પડશે. વર્તમાન સમયે તિબેટ માટેની અમારી સહાનુભૂતિનો અર્થ એ નથી કે અમે ચીન વિરોધી પ્રવૃત્તિમાં એમને મદદ કરવા માગીએ છીએ.'"

બીજી તરફ, ચીનને જેવી ખબર પડી કે દલાઈ લામા બચીને નીકળી ગયા છે, એણે તિબેટના લોકો પર અત્યાચાર શરૂ કરી દીધા.

19 માર્ચે હજારો મહિલાઓ દલાઈ લામાના સમર્થનમાં ચીન વિરુદ્ધ સૂત્રો પોકારતી માર્ગો પર આવી ગઈ. એ જ રાત્રે ચીનીઓએ નોરબુલિંગકા મહેલ પર બૉમ્બ ઝીંક્યા અને કેટલાક બૉમ્બ દલાઈ લામાના અંગત નિવાસ પર પણ પડ્યા.

ઘણી જગ્યાએ દલાઈ લામાનું સમર્થન કરનારા લોકો પર ગોળીઓ છોડાઈ. ચીની બૉમ્બાર્ડિંગમાં 15મી સદીમાં પહાડ પર બનેલી તિબેટની કૉલેજ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ.

23 માર્ચે ચીની સૈનિકોએ પોટાલા મહેલ પર ચીનનો ધ્વજ ફરકાવી દીધો. 24 માર્ચ આવતાં તો તિબેટિયન લોકોના વિદ્રોહને સંપૂર્ણ કચડી દેવાયો. 28 માર્ચે તિબેટની સ્થાનિક સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી અને ચીનનો વિરોધ કરનારા લોકોને દેશદ્રોહી કહેવામાં આવ્યા.

દલાઈ લામાના ગુમ થવા અંગે ચીનીઓએ કહ્યું કે પ્રતિક્રિયાવાદી શક્તિઓ એમનું અપહરણ કરીને જબરજસ્તી ભારત લઈ ગઈ છે. સપ્ટેમ્બર, 1959માં દલાઈ લામાએ દિલ્હીમાં નહેરુને મળીને તિબેટનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાની માંગ કરી, જેને નહેરુએ સદંતર નકારી કાઢી.

દલાઈ લામાએ ભારતમાં શરણ લીધા પછી એમની પાછળ લગભગ 80 હજાર તિબેટિયન લોકો ભારત આવ્યા. એમને તેઝપુરની પાસે મિસામારી અને ભુતાનની સરહદ નજીક બક્સાદુઆર શરણાર્થી શિબિરમાં રાખવામાં આવ્યા.

બાદમાં ભારત સરકારે દલાઈ લામા અને એમના સાથીઓને ધર્મશાલામાં વસાવવાનો નિર્ણય કર્યો.

દલાઈ લામાને ભારતમાં શરણ આપવાનાં દૂરગામી પરિણામ

દલાઈ લામાને ભારતમાં શરણ અપાયું ત્યારથી જ ભારત-ચીનના સંબંધો વણસવાની શરૂઆત થઈ ગઈ. ભારતમાં દલાઈ લામા પ્રતિ સામાન્યજનોની પણ સહાનુભૂતિ હતી.

મુંબઈમાંના ચીની વાણિજ્ય દૂતાવાસની સામે તિબેટની ઘટનાઓનો વિરોધ કરતાં લોકોએ ભવનની દીવાલ પરના માઓત્સે તુંગના ચિત્ર પર ટમેટાં અને સડેલાં ઈંડાં ફેંક્યાં હતાં. દિલ્હીમાંના ચીનના દૂતાવાસે વિદેશમંત્રાલયને આપેલી એક લેખિત નોંધમાં આને ચીની નેતાનું ખૂબ મોટું અપમાન ગણાવ્યું હતું.

બીજા દિવસે ચીનના વિદેશ ઉપમંત્રી જી પેંગ ફીએ બીજિંગમાંના ભારતીય રાજદૂત જી. પાર્થસારથિને બોલાવીને ચીનના પ્રિય નેતા અને રાષ્ટ્રાધ્યક્ષનું અપમાન કરવા બદલ પોતાનો સખત વિરોધ પ્રકટ કર્યો હતો.

તે બાદ ભારત અને ચીનના સંબંધો વધારે બગડતા રહ્યા અને એનું પરિણામ 1962માં ભારત-ચીન યુદ્ધરૂપે જોવા મળ્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો