શ્યામજી કૃષ્ણ વર્મા : એ ગુજરાતી જેમણે સાવરકરને ‘ક્રાંતિકારી’ બનાવ્યા

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

વિદેશની ધરતી પરથી ભારતની સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્માની આજે જયંતી છે.

રજની વ્યાસ લેખિત પુસ્તક, ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’માં થયેલી એક નોંધ અનુસાર મેધાવી વિદ્ધાન, સંસ્કૃતના પ્રખર પંડિત, પહેલા ગુજરાતી ઉદ્દામવાદી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઑક્ટોબર 1857ના રોજ કચ્છ-માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો.

ડૉ. ગણેશી લાલ વર્મા લીખિત પુસ્તક ‘શ્યામજી કૃષ્ણ વર્મા ધ અનનૉન પેટ્રિઅટ’માં થયેલી નોંધ અનુસાર તેમનો જન્મ એક ભણસાલી કુટુંબમાં થયો હતો. જે મોટા ભાગે એક ખેતી કરતી કે વેપારી જાતિ તરીકે ઓળખાતી હતી.

વિષ્ણુ પંડ્યા લીખિત પુસ્તક કલમના સિપાહીમાં થયેલ નોંધ અનુસાર શ્યામજીના પિતા ‘ભૂલા ભણસાલી’ તરીકે ઓળખાતા. તેઓ માંડવીથી વિદેશમીં જતી કાપડની ગાંસડીઓ બાંધવાનું કામ કરતા, પછીથી એ ઉદ્યોગ પડી ભાંગતાં તેમણે મુંબઈ જઈ મજૂર મુકાદમ તરીકે કામ કર્યું.

શ્યામજીનાં માતા શ્યામજી દસ વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યાં અને પિતા મુંબઈમાં હોઈ તેમનું બાળપણ મોસાળમાં તેમનાં નાની પાસે વીત્યું.

તેમણે ભૂજમાં પ્રાથમિક શિક્ષણ અને હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભૂજમાં મ્યુનિસિપલ દીવાના અજવાળે એમનો અભ્યાસ ચાલતો.

એક દિવસ, મૂળ માંડવીના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા મથુરદાસ લવજી ભાટિયાની નજર આ બુદ્ધિમાન કિશોર પર પડી.

તેમણે શ્યામજીને મુંબઈમાં અભ્યાસની સગવડ કરી આપી અને એ રીતે શ્યામજીએ મુંબઈની વિલ્સન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. વિલ્સન હાઇસ્કૂલ ઉપરાંત શ્યામજીએ અહીં શાસ્ત્રી વિશ્વનાથની પાઠશાળમાં સંસ્કૃતનું અધ્યયન પણ કર્યું. ગોકુળદાસ પારેખ શિષ્યવૃત્તિ મેળવીને એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.

આ વર્ષોમાં શ્યામજીના જીવનને વળાંક આપતી બે ઘટનાઓ બની. દરેક વર્ષે અભ્યાસમાં પ્રથમ વર્ગ મેળવીને શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનાર શ્યામજીનો વર્ષ 1874માં સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મેળાપ થયો. એક વર્ષ પછી વર્ષ 1875માં તેમણે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીએ શ્યામજીને ભગવાં ન પહેરાવ્યાં પરંતુ સંસ્કૃત અને સંસ્કૃતિના જ્ઞાનપ્રચાર માટે વિદેશ જવાની પ્રેરણા આપી.

એ જ વર્ષે, વર્ષ 1875માં મુંબઈના ધનિક વેપારી શેઠ છબીલદાસ લલ્લુભાઈનાં તેર વર્ષનાં પુત્રી સાથે શ્યામીજીનાં લગ્ન થયાં.

વર્ષ 1876માં તેમની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષા મેટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરવાની હતી પણ આંખો બગડતાં પરીક્ષામાં બેસી ન શક્યા.

આ બનાવથી હતાશ થયા વિના અભ્યાસ ચાલુ રાખ્યો. આ જ દિવસોમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મોનિયર વિલિયમ્સ મુંબઈ આવેલા. શ્યામજીએ કરેલાં સંસ્કૃતનાં બે ભાષાંતરો જોઈને એ ખૂબ પ્રભાવિત થયા અને તેમને વિદેશ આવવા આમંત્રણ આપ્યું.

સુધારાવાદી પ્રવૃત્તિની શરૂઆત

‘શ્યામજી કૃષ્ણ વર્મા ધ અનનૉન પેટ્રિઅટ’ પુસ્તકમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી અને અન્ય સુધારાવાદી આગેવાનોથી પ્રેરાઈની હિંદુ ધર્મમાં રહેલી બદીઓને નાબૂદ કરવા માટે શ્યામજીએ પ્રવચનો આપવાનું શરૂ કર્યું.

નાસિકથી પુના, અમદાવાદ, ભરૂચ, સુરત, કાશી, અલીબાગ, લાહોર અને અમૃતસર અને છેક ભૂજ અને માંડવી સુધી શ્યામજીએ પ્રવચનો કર્યાં.

આ દરમિયાન સંસ્કૃતના પ્રચારાર્થે, આર્યસમાજના ઉત્સાહથી શ્યામજીએ ભારતભ્રમણ શરૂ કર્યું.

અહીં નોંધવું ઘટે કે થિયોસોફિકલ સોસાયટીના મૅડમ બ્લાવત્સ્કી અને કર્નલ ઑલ્કોટ શ્યામજી ઇંગલૅન્ડ જઈને પ્રોફેસર મોનિયરના મદદનીશ તરીકે કામ કરવાના વિરોધમાં હતા.

પાછળથી આ અભિપ્રાયોથી પ્રેરાઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ પણ વેદાભ્યાસ પ્રસિદ્ધ કરવા માટે પોતાના મદદનીશ તરીકે ભારતમાં જ રહેવા શ્યામજીને જણાવ્યું. પરંતુ શ્યામજી આ હેતુ માટે ઉત્તર ભારત જઈને રહેવા માટે ખૂબ વ્યસ્ત હતા. તેથી સ્વામી દયાનંદે શ્યામજીની આશા છોડી અને તેમને 12 જુલાઈ, 1878ના પોતાના પત્રમાં એક સામાન્ય વિદ્યાર્થી તરીકે ઇંગ્લૅન્ડ જવા જણાવ્યું.

આમ, છેક વર્ષ 1879માં શ્યામજી કૃષ્ણ વર્મા ડૉ. મોનિયર વિલિયમ્સના મદદનીશ તરીકે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. શ્યામજીની મદદથી ડૉ. મોનિયરે બાદમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી.

સપ્તાહે સવા પાઉન્ડના પગારથી શ્યામજીએ ડૉ. મોનિયરના મદદનીશ તરીકે નોકરી શરૂ કરી અને એપ્રિલ, 1879માં બેલિયલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. 1882માં ત્યાંથી બી. એ. થયા, એ જ કૉલેજે તેમને સંસ્કૃતના અધ્યાપક તરીકે રાખ્યા. 1884માં નવેમ્બરમાં ઑક્સફર્ડમાં જ બૅરિસ્ટર-એટ-લૉ થયા.

ભારતમાં આગમન

જાન્યુઆરી, 1885માં તેઓ ભારત પરત ફર્યા. ભારતના નિવૃત્ત વાઇસરોય લૉર્ડ નોર્થબ્રુકનું પ્રમાણપત્ર મેળવ્યું. ભારત આવીને તેમણે પહેલાં તો મુંબઈમાં હાઈકોર્ટના ઍડવોકેટ તરીકે નોંધણી કરાવી. દરમિયાન રતલામના દીવાન ગોપાલરાવ હરિ દેશમુખ જેઓ નિવૃત્ત થવાના હતા તેમની ભલામણથી શ્યામજી કૃષ્ણ વર્માને રતલામના દીવાનપદે માસિક 700 રૂપિયાના પગારે નીમાયા. પરંતુ મે 1888માં શ્યામજીએ ખરાબ તબિયતને કારણે દીવાનપદ છોડ્યું અને નોકરીમાંથી છૂટા થતાં રૂ. 32052 વળતરરૂપે મળ્યા.

ત્રણેક વર્ષ અજમેરની એજન્સીમાં વકીલાત કરી, તેમાં તેઓ સારું એવું કમાયા. અજમેરની આસપાસ કપાસનાં જીન પ્રેસ પણ શરૂ કર્યાં. પ્રથમ કક્ષાના ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને અજમેર મ્યુનિસિપાલિટીમાં સભ્ય ચૂંટાયા. વર્ષ 1892માં ઉદયપુરના રાજ્યે તેમની સલાહકાર તરીકે નિયુક્તિ કરી. વર્ષ 1895માં તેઓ જૂનાગઢના દીવાનપદે આવ્યા.

ઇન્દુલાલ યાજ્ઞિક લીખિત ‘શ્યામજીનું જીવનચરિત્ર’ નામના પુસ્તકમાંથી ટંકાયેલા સંદર્ભ પ્રમાણે “જૂનાગઢના મુસ્લિમ નવાબ હતા અને નાગર કારભારીઓ. વડોદરા રાજ્યો નોકરી કરતો એ. એફ. મોકોનેકી ઑક્સફર્ડમાં શ્યામજીનો સહાધ્યાયી હતો મિત્રભાવે શ્યામજીએ તેમને જૂનાગઢમાં નોકરી અપાવી. તેમણે માંગેલી વધુ સગવડોની પૂર્તિ શ્યામજીએ કરાવી આપી પણ તેનથી શ્યામજીના વિરોધીઓની ખટપટ શરૂ થઈ અને તેમને બરતરફીનો આદેશ મળ્યો.”

ફેબ્રુઆરી, 1895માં તેમણે જૂનાગઢના દીવાનનો હોદ્દો સંભાળ્યો. વડોદરાના એ. એફ. મકોનેકી એલિએશન સેટલમેન્ટ અધિકારી તરીકે કામ કરતા હતા. છગનલાલ પંડ્યા અને મનસુખરામ ત્રિપાઠી વગેરે પણ એ સમયે આ રાજ્યના અધિકારી હતા. દરમિયાન નાયબ દીવાન રાયજી સાહેબ અને શ્યામજી વચ્ચે વૈમનસ્ય વધી ગયું હતું.

રાજ્યના નાગર અને બ્રિટિશ અમલદારોના વર્ચસ્વને પડકાર ફેંકવાને કારણે તેમને જૂનાગઢનો દીવાનનો હોદ્દો ગુમાવવો પડ્યો. ત્યાર બાદ ઉદયપુરના મહારાજને શ્યામજી પ્રત્યે અણખૂટ માન હોઈ મહારાણાની અંગત સેવામાં તેમને તક મળી. જોકે, અહીં પણ અંગ્રેજી અમલદારોની ખટપટો અને શ્યામજીનું અપમાન કરવાના પ્રયત્નોને લીધે તેમને સમજાઈ ગયું કે બ્રિટિશ અમલદારો તેમને ભારતના કોઈ પણ રજવાડામાં ઊંચા હોદ્દે જોવા માગતા નથી.

દેશી રાજ્યોમાં સેવા આપ્યાનાં આ વર્ષોએ તેમનું નિરીક્ષણ તીવ્ર બનાવ્યું. એક પત્રમાં તેમણે એકરાર કર્યો છે કે બ્રિટિશરો દ્વારા અપમાનિત દેશની અવસ્થા તેને વ્યગ્ર બનાવતી હતી. પોતે ચલાવેલી મિલ સુધ્ધાંમાં હાડપિંજર જેવા ભારતીયોની દશા પરાધીનતાનો પડછાયો તો હઠે તો જ સુધરી શકે તેમ મનમા ઠસી ગયું હતું. રજવાડાં બ્રિટિશ શાસનનાં ખંડિયાં રાજ્યોથી વિશેષ કંઈ અસ્તિત્વ ધરાવી શકે તેમ નહોતાં આવી સ્થિતિમાં ભારતમાં રહીને, સ્વતંત્ર પ્રકૃતિના શ્યમાજી માટે કંઈ કરવું મુનાસિબ નહોતું.

ભારતની સ્વતંત્રતા પાછી મેળવવા માટે દેશી રાજ્યોની અશક્તિનો પણ તેમને ખ્યાલ આવ્યો. અંતે તેમણે 1897માં ઉદયપુરની પોતાની નોકરી છોડી પત્ની સાથે ભારત છોડ્યું. ત્યાર પછી તેઓ ક્યારેય ભારત પરત ન ફરી શક્યા.

રાજકીય જીવનનો પ્રારંભ

શ્યામજીએ જતાંવેંત લંડનમાં વસવાટ કર્યો. હર્બર્ટ સ્પેન્સરના વિચારદર્શનનું તેમને ભારે આકર્ષણ હતું. તેમનું અધ્યયન કર્યું. સ્પેન્સર સાથે તેમણે ચર્ચા કરી. વર્ષ 1898માં જ્યારે સ્પેન્સરનું મૃત્યુ થયું ત્યારે તેમની સ્મશાનયાત્રામાં હાજર રહીને 1000 પાઉન્ડની ‘સ્પેન્સર સ્કૉલરશિપ’ જાહેર કરી. ઉપરાતં ભારતમાં કૉંગ્રેસના અધિવેશનમાં આ શિષ્યવૃત્તિની ઘોષણા કરવા ઉદારમતવાદી વિલિયમ વેડરબર્નને પત્ર લખ્યો. આ પત્ર શ્યામજીના રાજકીય જીવનના પ્રારંભનો પ્રથમ દસ્તાવેજ છે.

પત્રમાં તેમણે લખ્યું : “રૂપિયા 2000ની એક એવી પાંચ શિષ્યવૃત્તિઓ સદ્ગત સ્પેન્સર સ્મારક તરીકે આપીશ. એક શિષ્યવૃત્તિ સ્વામી દયાનંદ સરસ્વતીના સ્મરણાર્થે આપીશ.”

“આ શિષ્યવૃત્તિને પાત્ર કોઈ પણ વિદ્યાર્થી હિંદમાં પાછો ફરીને બ્રિટિશ નોકરી, દરજ્જો કે સેવા સ્વીકારી નહીં શકે.”

“સૉક્રેટિસે કહ્યું હતું તેમ કોઈ પણ શાસનમાં આચરવામાં આવતા અન્યાય, ગેરકાનૂનનો પ્રતિકાર સરકારી નોકરીમાં રહીને ન થઈ શકે.”

આ પત્ર કૉંગ્રેસ અધિવેશન સુધી પહોંચ્યો જ નહીં. વેડરબર્ને વળતો જવાબ આપ્યો કે આમાં પાછલી વાત કૉંગ્રેસની નીતિને હાનિકારક છે. તેથી ઉપયોગ થઈ શક્યો નથી.

લંડનમાં આઝાદીની લડતનું કેન્દ્ર બન્યું શ્યામજીનું ઘર

લંડનમાં શ્યામજીનું ઘર ભારતથી આવેલા લોકો માટે ‘રાજકીય તીર્થ’ જેવું બનવા લાગ્યું હતું.

વર્ષ 1898માં ટ્રાન્સવાલમાં બ્રિટિશ સત્તા વિરુદ્ધ બોઅર પ્રજાએ વિદ્રોહ કર્યો. તેમાં પણ શ્યામજી ઇંગ્લૅન્ડના ઉદારમતવાદીઓની સાથે જોડાયા.

1905નું વર્ષ ભારતમાં અને વિદેશોમાં નિર્ણાયક બની ગયું. કર્ઝનની રાજકીય કુટિલતાએ બંગાળના ભાગલાની યોજના જાહેર કરી, તેને લીધે બંગાળનો યુવાવર્ગ ‘અનુશીલન સમિતિ’ના નેજા હેઠળ બૉમ્બ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયો. બંગભંગ ચળવળે સમગ્ર દેશનું ધ્યાન દોર્યું.

બરાબર આ જ સમયે લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના સાથીદારોએ વર્ષ 1905ની 18મી ફેબ્રુઆરીએ ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની’ સ્થાપના કરી. આ સંસ્થાના પ્રમુખ તરીકે શ્યામજી ચૂંટાયા.

લંડનથી પ્રકાશિત થતાં ‘જસ્ટિસ’ સામયિકના તંત્રી અને ‘સોશિયલ ડેમોકૅટિક ફેડરેશન’ના નેતા એચ. એમ. હિન્ડમેને સૂચવ્યું હતું કે ભારતની સ્વતંત્રતા માટે અહીં મોટા પાયા પર ચળવળ શરૂ કરવી જોઈએ. તેના પરિણામરૂપે આ ‘હોમરૂલ સોસાયટી’ સ્થપાઈ હતી.

આ વિચારના પ્રચારાર્થે જે પત્રનો પ્રારંભ થયો તે ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ વિદેશોમાં પ્રકાશિત થતું. આ પહેલવહેલું, સ્વાતંત્ર્યંજગનું સમર્થક અખબાર.

તેના તંત્રી પણ શ્યામજી રહ્યા. ચાર પાનાંના આ મુખપત્રથી સર્વત્ર ઉત્સાહ વ્યાપી ગયો. પહેલા અંકમાં પાંચ શિષ્યવૃત્તિઓની પણ ઘોષણા કરવામાં આવી હતી.

1 જુલાઈ, 1905ના રોજ લંડનમાં 95, ક્રોમવેલ એવન્યુ, હાઇગેટપર મોટી ઇમારત ખરીદીને તેને ‘ઇન્ડિયા હાઉસ’ નામ આપવામાં આવ્યું. ભારતીય વિદ્યાર્થીઓની પ્રેરણાભૂમિ બનનાર આ ‘ભારત-ભવન’ના ઉદ્ઘાટનનો પ્રસંગ ઉત્સાહસભર હતો. ત્રણ માળની આ ઇમારતમાં પહેલે માળે સભાગૃહ, વાંચનાલય હતાં, બીજા બે માળે રહેવાની વ્યવસ્થા હતી. પહેલાં 25 અને પછી 50 વિદ્યાર્થીઓના નિવાસની વ્યવસ્થા તેમાં કરવામાં આવી હતી.

આ ભવનનું ઉદ્ઘાટન હિન્ડમેને કર્યું. કાર્યક્રમમાં ભરચક ઉપસ્થિતિ હતી.

સાવરકરને બનાવ્યા 'ક્રાંતિકારી'

આ વર્ષોમાં મુંબઈમાં યુવાન વિનાયક દામોદર સાવરકરે ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’નો અંક વાંચ્યો. પુનામાં જ્યારે એ અભ્યાસ કરતા હતા ત્યારે શ્યામજીનું નામ સાંભળેલું. ‘કેસરી’માં પણ કેટલીક વિગતો છપાયેલી એટલે શ્યામજીએ જાહેર કરેલી શિષ્યવૃત્તિઓમાંથી એકાદ પ્રાપ્ત કરીને ઇંગ્લૅન્ડ જઈ શકાય તેવો વિચાર તેમના મનમા ઊગ્યો.

9 માર્ચ, 1906ના રોજ તેમણે અરજી કરી અને પાછળથી લોકમાન્ય ટિળક, પરાંજપે વગેરેના ભલામણપત્રો બીડ્યા. ટિળકે ‘અસંખ્ય અરજદારો’માંથી સાવરકર માટે ભારપૂર્વક આગ્રહ કરતો પત્ર લખ્યો.

શ્યામજી કૃષ્ણ વર્માએ સાવરકર માટે ‘શિવાજી છાત્રવૃત્તિ’ની (દર છ મહિને 400 રૂપિયા)સગવડ આપી. એટલે 9 જૂન, 1906ના રોજ સાવરકર મુંબઈ છોડી ઇંગ્લૅન્ડ રવાના થયા.

આમ, ‘ઇન્ડિયા હાઉસ’ પરદેશમાં ભારત-સ્વતંત્રતા માટેના પ્રચાર-પ્રસારનું કેન્દ્ર બની ગયું.

વર્ષ 1905માં બંગાળના વિભાજને દેશભક્ત ભારતીયોને કંઈક કરી છૂટવાના પુરુષાર્થ તરફ દોર્યો. ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ ખ્યાત થતાં જતાં હતાં. ભારતમાં અને ભારત બહાર બનતા બનાવોની તેમાં નોંધ લેવાતી, ટીકાટિપ્પણી કરવામાં આવતી. ‘ઇન્ડિયા હાઉસ’ સાવરકરની આગેવાની હેઠળ ધમધમતું થયું.

કુમકુમ ખન્ના લીખિત ‘શ્યામજી કૃષ્ણ વર્મા’ નામક પુસ્તકમાં થયેલી નોંધ પ્રમાણે, “ભારતની સ્વંતત્રતા માટે પોતાની વિચારધારાના અમલ માટે ક્રાંતિકારીઓ પેદા કરવામાં ઇન્ડિયા હાઉસ મદદરૂપ નીવડશે એવો શ્યામજીનો દૃષ્ટિકોણ સાચો ઠર્યો. કારણ કે તેઓ ક્રાંતિવીર વિનાયક સાવરકર, હરદયાલજી વગેરે જેવા ક્રાંતિકારીઓ પેદા કરી શક્યા.”

આમ એક ક્રાંતિકારી તરીકે સાવરકરના માનસઘડતરમાં ‘ઇન્ડિયા હાઉસ’ અને ખાસ તો શ્યામજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી.

અહીં એ નોંધવું ઘટે ‘કાંતિકારી’ કહેવાતા, સાવરકરને નાસિક પોતાના ભાઈને કલેક્ટર જેક્સનની હત્યા માટે પિસ્તોલ મોકલવાના આરોપસર 11 જુલાઈ, 1911ના રોજ આંદામાનની સેલ્યુલર જેલમાં નાખવામાં આવ્યા ત્યારે તેમણે માત્ર દોઢ મહિનાની અંદર જ અંગ્રેજોને પ્રથમ માફીનામું લખી મોકલાવ્યું હતું.

ત્યારબાદ 9 વર્ષ દરમિયાન તેમણે છ વાર અંગ્રેજોની માફી માગતા પત્રો લખ્યા હતા.

વર્ષ 1907માં ‘ઇન્ડિયા હાઉસ’માં સાપ્તાહિક બેઠકો શરૂ થઈ. સાવરકર પ્રેરણા આપતા. મંડળના બે પ્રકાર – આંતરિક (ગુપ્ત) અને બાહ્ય (સાર્વજનિક) એ પ્રમાણે રાખવાનું નક્કી થયું. જ્ઞાનચંદ વર્મા, હરનામસિંગ, જાયસ્વાલ, મદનલાલ ધિંગરા, કોરેગાંવકર, મણિલાલ, લાલા હરદયાળ, પરમાનંદ, બાબા જોષી, બાપટ, મેરાચરણસિંહ વગેરે આ ગુપ્ત મંડળમાં શરૂઆતથી જ સક્રિય થયા.

બાપટના જણાવ્યા પ્રમાણે વર્ષ 1906ના અંત સુધીમાં તો ‘ઇન્ડિયા હાઉસ’માં રહેતા યુવકો પિસ્તોલ રાખતા થઈ ગયા હતા.

1857ના વિપ્લવની અર્ધશતાબ્દીની ઉજવણી

‘કલમના સિપાહી’ પુસ્તકમાં થયેલી નોંધ અનુસાર તે દિવસોમાં 1857ની સમરસ્મૃતિ કઈ રીતે ઊજવવી તે અંગે યોજના ઘડાતી હતી. ત્યાં જ દિલ્હીથી સમાચાર આવ્યા કે બ્રિટિશ સરકાર કાશ્મીર દરવાજે ‘બળવાખોરોને ડામી દેનારા શૂરા અંગ્રેજો’ની ગાથા રજૂ કરતું એક નાટક ભજવવાની છે.

તુરંત શ્યામજીએ એક પત્ર પ્રસિદ્ધ કર્યો. આ પત્ર આયરિશ નેતા હ્યૂ ઓ ડોનલે લખેલો. તેમાં જણાવ્યું હતું કે અંગ્રેજોએ વર્ષ 1857માં પાશ્વી અત્યાચારો કર્યા હતા તેની નિષ્કૃતિ માટે ડમડમ (જ્યાં ભ્રષ્ટ કારતૂસો આપીને હિંદી સૈનિકોનું અપમાન કરાયું હતું.), મેરઠ (જ્યાં સૈનિકોએ વિપ્લવનો ઝંડો લહેરાવ્યો) અને દિલ્હી (જ્યાં છેલ્લા મુઘલ બાદશાહ ઝફરે સંગ્રામમાં ભાગ લેવા બદલ તેનાં સંતાનોની હત્યા કરાઈ) – સર્વ સ્થાનોએ પ્રાર્થના કરવી જોઈએ !

આ પત્ર બિપિનચંદ્ર પાલે ‘વંદે માતરમ્’માં પણ છાપ્યો. અને અંગ્રેજોએ પેલું નાટક ભજવવાનું માંડી વાળવું પડ્યું.

10 મે,1907ના રોજ 1857ના વિપ્લવની તિથિ ઊજવવા શ્યામજી કૃષ્ણ વર્માના સાળા નીતિસેન દ્વારકાદાસના નિવાસસ્થાન (જેને ‘ટિળક હાઉસ’ નામ અપાયેલું.) શંકર ભટનાગર, દીપચંદ ઝવેરી, ડૉ. એરૂલકર, સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા વગેરે આ દિવસની ઉજવણી કરી. સાવરકર પ્રમુખસ્થાને રહ્યા. જ્ઞાનચંદ વર્માએ મુખ્ય ભાષણ કર્યું.

લંડન છોડી પૅરિસ જવું પડ્યું

વર્ષ 1907માં શ્યામજીના લંડનનિવાસને એક દાયકો પૂરો થયો. ઇંગ્લૅન્ડમાં ‘હાઉસ ઑફ કૉમન્સ’માં , ‘લંડન ટાઇમ્સ’ જેવાં અખબારોમાં શ્યામજીની પ્રવૃત્તિ વિશેના અહેવાલો ચર્ચાતા થયા.

આવા વધતા જતા પ્રચારને કારણે શ્યામજીને ખાતરી થઈ કે કોઈ ને કોઈ રીતે બ્રિટિશ સરકાર તેમને સંડોવશે. અને એ રીતે વિદેશમાં પ્રચારનું કામ અટકી જશે. આ હેતુથી તેમણે પૅરિસ સ્થળાંતર કરવાનું નક્કી કર્યું. મે, 1907માં તેઓ લંડન છોડી પૅરિસ જઈ વસ્યા અને ત્યાંથી પોતાનું કામ ચાલુ રાખ્યું. સપ્ટેમ્બર, 1907ના ‘સોશિયોલૉજિસ્ટ’માં આ સ્થળાંતર વિશે લખ્યું પણ ખરું.

તેમાં લખાયું હતું કે, “દુશ્મન સરકારને હાથે ગિરફ્તાર થવું અને કાર્ય કરવાની સઘળી સ્વાધીનતા ગુમાવવી એક કોઈના પણ માટે મૂર્ખાઈ છે. દમનનાં એંધાણ દેખાતાં પસંગ પૂર્વે એને ટાળવો જોઈએ. અમે એ રીતે શત્રુને મહાત કર્યા છે. કેટલાક અંગત મિત્રોની સલાહ અને આગ્રહ માનીને જૂન મહિનાના આરંભથી અમે કાયમને માટે ઇંગ્લૅન્ડ છોડ્યું છે. ”

પૅરિસથી સ્વાતંત્ર્ય માટે ઝઝૂમવાનું શરૂ કર્યું

ભારતમાં ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, સત્યેન બોઝ, કન્નાઈલાલ દત્ત વગેરેએ પરાક્રમી ઘટનાઓ સર્જી ને ફાંસીના તખતા પર ચઢી ગયા. તેનાથી ઘણાને અરાજકતાવાદી ચળવળ શરૂ થઈ હોવાનો ડર હતો.

ગોખલેએ લંડનમાં કહ્યું હતું કે શ્યામજી ‘ઇન્ડિયા હાઉસ’ દ્વારા આવી ચળવળને ઉત્તેજના આપે છે.

શ્યામજીએ તુરંત ‘ઇન્ડિયન સોશિયલૉજિસ્ટ’ (ડિસેમ્બર, 1908)માં તેનો પ્રત્યુત્તર આપતાં લખ્યું : “આ તરુણોના કાર્યનું વર્ણન હિંદના શત્રુઓએ ગુના તરીકે કર્યું છે, પણ ભારત પર સાચુકલો પ્રેમ દર્શાવનારા હિંદીઓએ આ કૃત્યને દેશપ્રેમ અને સદ્ગુણ તરીકે પ્રશંસનીય માનીને વર્ણવવું જોઈએ.”

નોંધનીય છે કે આ સમય સુધી ઇન્ડિય સોશિયોલૉજિસ્ટ લંડનમાં જ છપાતું હતું.

કર્ઝન વાયલીની હત્યા બાદ ‘ઇન્ડિયા હાઉસ’ ચલાવવું મુશ્કેલ હતું. કેટલાક સાથીદારોમાં પણ તીવ્ર મતભેદો ઊભા થયા હતા.

‘કલમના સિપાહી’ પુસ્તકમાં થયેલી નોંધ અનુસાર છૂટીછવાઈ ઘટનાઓ દરમિયાન જ સશસ્ત્ર ક્રાતિકારીઓ લંડનને બદલે પૅરિસને પોતાની કર્મભૂમિ તરીકે પસંદ કરવા લાગ્યા હતા. અહીં શ્યામજી-રાણા, મૅડમ કામા, હરદયાળ અને અય્યરની મંડળી જામી.

આ વર્ષો સાવ નિસ્તેજ નહોતાં. જાન્યુઆરી, 1908માં ‘ઇન્ડો પૅરિસિયન’ સોસાયટી સરદારસિંહ રાણાએ સ્થાપી હતી. તેમાં 30 સભ્યો હતા.

‘મૉર્નિંગ પોસ્ટે’ કદાચ આનાથી પ્રેરાઈને 22 ડિસેમ્બર, 1908ના એક અંકમાં લખ્યું કે, “પૅરિસમાં પૈસાદાર પારસી વેપારીઓના ટેકાથી હિંદીઓનું એક કાવતરું ઘડાયું છે તેની નેમ જાણીતા અંગ્રેજો પર બૉમ્બ ફેંક્વાની છે!”

આ લેખનો શ્યામજીએ બરાબર જવાબ આપ્યો. અને તેને ‘દેશમુક્તિ માટે પ્રયત્નોને બદનામ કરવાની નીચ કોશિશ ગણાવી.’

દરમિયાન શ્મયાજી ઑક્સફર્ડ યુનિવર્સિટી ઇનર-ટેમ્પલ સભ્ય હતા. પણ છેવટે તેમને અને તેમના દ્વારા અપાતી શિષ્યવૃત્તિઓને એપ્રિલ, 1909ના રોજ ઇનર ટેમ્પલના દફ્તરમાંથી રદ કરવામાં આવી. પરિણામે તેમની વકીલાતની સનદ પણ ખૂચવી લેવાઈ.

એપ્રિલ, 1911માં શ્યામજીએ અમેરિકન પ્રમુખને ખુલ્લો પત્ર લખી, ભારતની ગુલામી સામેની લડતમાં અમેરિકા સક્રિય બને તેવી અપીલ કરી હતી.

એક જર્મન સામયિકમાં પણ તેમનો લેખ છપાયો, જેણે જર્મનીમાં વસતા ભારતીયોને બ્રિટિશવિરોધી પ્રવૃત્તિ તરફ દોર્યા.

પૅરિસમાં એક અફવા એવી પણ ચાલી કે ઇંગ્લૅન્ડના શહેનશાહનું ખૂન કરવા શ્યામજી કોશિશ કરાવે છે.

ચીની સુત-યાત-સેનનીઆગેવાની હેઠળની ક્રાંતિ, સિયામમાં આઝાદી માટે ચળવળ વગેરેને તેઓ બિરદાવતા રહેલા. ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે સ્થાનોએ પણ તેમને સંપર્ક ચાલુ હતો.

વર્ષ 1912માં દિલ્હીમાં લૉર્ડ હાર્ડિગ્ઝ પર બૉમ્બ ફેંકાયો. લંડનના ‘સન’ અખબારે તે ઘટના સાથે શ્યામજીને સાંકળવા મુલાકાત લીધી. શ્યામજીએ મુલાકાત આપી અને બેધડક કહ્યું કે મારો તેમાં હાથ નથી. પણ આવા બનાવો જુલમી શાસન સામે બને તે સ્વાભાવિક છે.

ત્યાર બાદ પ્રથમ વિશ્વયુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યાં. દુનિયા માટે આ પહેલો મોટો વિગ્રહ હતો.

‘પોતાના રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી’ એવી ગર્વોક્તિ કરનાર ઇંગ્લૅન્ડ માટે આ પડકાર હતો.

મહાભીષણ યુદ્ધનાં એંધાણની સાથે એ પણ નિશ્ચિત હતું કે પૅરિસમાં હવે ક્રાંતિપ્રવૃત્તિ શક્ય નહોતી. પૅરિસના આ ત્રણે તેજતણખા, બ્રિટિશ ગરુડની નજરથી બચી શકે તેમ નહોતા – તો પછી હવે શું કરવું? તે સવાલ ઊભો થયો.

હવે શ્યામજી- સરદારસિંહ- મૅડમ કામાની ત્રિપુટી વિખૂટી પડે છે. કેમ કે પૅરિસમાં જીવનકાર્ય સલામત નહોતું. ગમે ત્યારે પકડાઈ જવાની ભીતિ હતી. ફ્રેન્ચ સરકારે અત્યાર સુધી તો જાળવ્યા પણ હવે એવા જોખમ માટે તે તૈયાર હોય તેવું નહોતું લાગતું.

આ પરિસ્થિતિ ભાળી જઈને એપ્રિલ, 1914માં શ્યામજીએ સ્વિટ્ઝર્લૅન્ડ જવાનું વિચારી લીધું છે એવી અફવા શરૂ થઈ ગઈ. મહિના પછી શ્યામજી જિનીવા ગયા, મકાન લીધું, પાછા ફર્યા અને જુલાઈમાં પૅરિસને અલવિદા કહી. જૂનમાં તેમણે ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’માં તેમના ત્રીજા સ્થળાંતર વિશે લખ્યું : “અમારા અંદર-બહારના મુકાબલા માટે અમે ફ્રાંસ છોડી રહ્યા છીએ.”

‘શ્યામજી કૃષ્ણ વર્મા ધ અનનૉન પેટ્રિઅટ’ પુસ્તક પ્રમાણે એપ્રિલ, 1914માં જર્મન ઘુષણખોરી સામે ફ્રાંસ અને ઇંગ્લૅન્ડનો સાથ મજબૂત બનાવવા માટે આવેલા બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમની મુલાકાતને પગલે શ્યામજીને પોતાની ધરપકડ થવાની આશંકા થઈ હતી. જે કારણે તેમણે સાત વર્ષના વસવાટ બાદ ફાંસ છોડવાનો નિર્ણય લીધો.

આમ, યુદ્ધ પૂર્વે જ શ્યામજીએ ફ્રાંસ છોડ્યું. સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચતાંવેંત તેમણે ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’નું પ્રકાશન મુલતવી રાખવાનો નિર્ણય લીધો. સ્વિટ્ઝર્લૅન્ડની સરકાર જે મુક્ત જિંદગીની સગવડોમાં બાધારૂપ નથી તે પોતાના કારણે તકલીફમાં ન મુકાય તે માટે આ નિર્ણય લેવો પડ્યો છે એમ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું.

જિનીવામાં નિવાસ દરમિયાન રાજકીય નિષ્ક્રિયતા

‘શ્યામજી કૃષ્ણ વર્મા ધ અનનૉન પેટ્રિઅટ’ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે તે અનુસાર, શ્યામજી કૃષ્ણવર્માએ જીનિવાના પોતાના નિવાસ દરમિયાન પણ ભારતમાં શું બની રહ્યું છે તેની માહિતી મેળવવાનું ચાલુ રાખ્યું હતું.

પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડ સરકારની યુદ્ધકાળમાં તટસ્થ રહેવાની નીતિને કારણે સમગ્ર યુદ્ધકાળ દરમિયાન શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાને આશરો આપનાર દેશને આપેલ વચન અનુસાર ભારતની ક્રાંતિકારી ચળવળથી દૂર રહેવાનું નક્કી કર્યું.

યુદ્ધ બાદ ભારતમાં ગાંધીજીની આગેવાની હેઠળ અસહકારની ચળવળ શરૂ થઈ અને શ્યામજી કૃષ્ણ વર્માએ તેને ટેકો જાહેર કર્યો.

તેમણે ટિળક મેમોરિયલ લેક્ચરરશિપ માટે રૂ. દસ હજારનું દાન પણ કર્યું અને પ્રથમ ત્રણ વર્ષ માટે ગાંધીજીને તેના ટ્રસ્ટી નીમ્યા.

યુદ્ધની સમાપ્તિ બાદ લીગ ઑફ નૅશન્સમાં ભારતના સમાવેશને શ્યામજીએ દગો અને કલ્પના ગણાવ્યાં.

ભારત તરફથી લીગ ઑફ નૅશન્સમાં મોકલાયેલા પ્રતિનિધિઓ કચ્છના મહારાવ અને શ્રીનિવાસ શાસ્ત્રીની પણ તેમણે ઘોર ટીકા કરી.

જોકે, વર્ષ 1920માં બાળગંગાધર ટિળક અને પછી વર્ષ 1922માં એચ. એમ. હિન્ડમૅનના અવસાન બાદ શ્યામજી કૃષ્ણ વર્માએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લીધો.

સપ્ટેમ્બર, 1922માં ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’નો છેલ્લો અંક છપાયો જેમાં તેમણે એચ. એમ. હિન્ડમૅન સાથે પોતાનો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કર્યો હતો અને આ સાથે જ વિદેશમાં ભારતીય સ્વતંત્રતાના આ મુખપત્રના પ્રકાશન પર પૂર્ણવિરામ મુકાયો.

ત્યાર બાદ વર્ષ 1923માં બર્લિન ખાતેથી ભારતની સ્વતંત્રતા માટે ઝઝૂમનાર ચંપક રમણ પિલ્લૈના પ્રયત્નોને તેમણે બિરદાવ્યા.

1930ની શરૂઆતમાં શ્યામજીની તબિયત બગડવાનું શરૂ થયું. તેમનું એક ઑપરેશન કરવામાં આવ્યું જે બાદ ટૂંકા ગાળાની રાહત મળી.

થોડા સમય બાદ જ તેમને ક્લિનિક લા કોલિન ખાતે દાખલ કરાયા. પરંતુ તેમને બચાવી ન શકાયા. 30 માર્ચ, 1930ના રોજ તેમણે આખરી શ્વાસ લીધો.

આમ, ભારતીય સ્વતંત્રતાના પાયામાં જેમના પ્રયત્નો રહેલા છે તેવો શ્યામજી કૃષ્ણ વર્મા નામનો ‘ધ્રુવ’ તારો આથમી ગયો.

22 ઑગસ્ટ, 1933ના રોજ તેમનાં પત્ની ભાનુમતી શ્યામજી વર્મા પણ જિનીવા ખાતે અવસાન પામ્યાં.

‘શ્યામજી કૃષ્ણ વર્મા ધ અનનૉન પેટ્રિઅટ’ પુસ્તકની એક નોંધ અનુસાર “શ્યામજીએ ક્યારેય માત્ર પોતાના દેશ માટે સ્વતંત્રતાની પ્રાપ્તના હેતુસર પ્રયત્નો કર્યા તેવું ન કહી શકાય. બ્રિટિશોના તાબામાં રહેલાં અન્ય રાષ્ટ્રોના નેતાઓ સાથેના પત્રાચાર પરથી એ સાબિત થાય છે કે તેઓ સમગ્ર દુનિયામાંથી બ્રિટિશ સામ્રાજ્યવાદને ખતમ કરી નાખવાના પ્રખર હિમાયતી હતા.”

અસ્થિકળશનું સ્વદેશ આગમન

‘શ્યામજી કૃષ્ણ વર્મા’ પુસ્તકમાં થયેલ ઉલ્લેખ અનુસાર, શ્યામજીના મૃત્યુના સમાચાર દબાવવા માટે બ્રિટિશરો દ્વારા ઘણા પ્રયત્નો કરાયા છતાં તેમના મૃત્યુના સમાચાર સ્વદેશ પહોંચતાં લાહોર જેલમાં બંધ ભગતસિંહ અને તેમના સાથી ક્રાંતિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

લોકમાન્ય ટિળક દ્વારા શરૂ કરાયેલ ‘મરાઠા’ અખબારમાં પણ શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ કરાઈ હતી.

તેઓ પોતાના દેશને સ્વતંત્રતા મળે એ ઘડી જોવા માટે જીવિત તો ન રહ્યા પરંતુ તેમને વિશ્વાસ હતો કે આ ભગીરથ કાર્ય ક્યારેક તો શક્ય બનશે જ. તેથી તેમણે તેમની અને તેમનાં પત્નીની અસ્થિઓ ભારત સ્વતંત્ર થાય તે દિવસ સુધી સાચવી રાખવા માટે તેમણે જિનીવાની સ્થાનિક સરકાર સાથે પહેલાંથી જ ગોઠવણ કરી રાખી હતી.

જિનીવાની સેઇન્ટ જ્યૉર્જ સિમેન્ટ્રીમાં તેમની અન તેમનાં પત્નીની અસ્થિઓ 100 વર્ષ સુધી જાળવી રાખવાનો પ્રબંધ તેમણે કર્યો હતો.

શ્યામજીના મૃત્યુનાં 73 વર્ષ બાદ ઑગસ્ટ, 2003માં તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એક ટોપ-લેવલ ડેલિગેશન દ્વારા તેમનાં અને તેમનાં પત્ની ભાનુમતીનાં અસ્થિ સ્વદેશ લાવવામાં આવ્યાં હતાં. 24 ઑગસ્ટ, 2003ના રોજ મુંબઈ મુકામે અસ્થિકળશ પહોંચ્યા બાદ તેમના વતન માંડવી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

વર્ષ 2003માં સાંસદ કિરીટ સોમૈયા દ્વારા લોકસભામાં શ્યામજીના અસ્થિ ભારત લાવવા માટે અરજી કરાતાં આ કાર્યક્રમ શક્ય બન્યું હોવાનું ધ સ્ક્રોલ ડોટ ઇનના અહેવાલમાં નોંધાયું છે.

કચ્છમાં માંડવી નજીક માંડવી-ધ્રબુડી રોડ પર ક્રાંતિતીર્થ નામે સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં ઇન્ડિયા હાઉસની નકલ પણ ઊભી કરાઈ છે.

આગળ નોંધ્યું એમ વર્ષ 1909માં તેમની વકીલાતની સનદ રદ કરવામાં આવી હતી. તે વડા પ્રધાન મોદીની ઇંગ્લૅન્ડ યાત્રા વખતે નવેમ્બર, 2015માં ફરી શરૂ કરવામાં આવી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો